





– સમીર ધોળકિયા
મારા એક નજીકના મિત્ર છે જેમનું વાચન અત્યંત વિશાળ છે અને આજે પણ દિવસ માં ૫/૬ કલાક વાંચી શકે છે. મને તેમની સખત ઈર્ષા આવે છે!
થોડા વર્ષો પહેલા હું પણ વાંચતો હતો (છાપાં અને વોટ્સએપ સિવાય)! હવે વાંચી નથી શકતો. મને તેનો અફસોસ છે પણ સાથે સાથે વિચાર પણ આવે છે કે વાચન ઓછું થવાથી મારામાં કંઈક ફરક પડ્યો? એ પરથી આગળ એવો વિચાર આવ્યો કે મારા જે સતત સર્જન કરનારા મિત્રો છે તેઓ ખૂબ વાંચતા હશે કે નહિ? તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે જવાબ બિલકુલ સ્પષ્ટ નથી. કેટલાય સર્જક મિત્રો છે, જે ખૂબ વાંચે છે અને કેટલાય છે, તે નથી વાંચતા. એટલે હું તો જ્યાં હતો ત્યાં જ આવી ગયો અને ફરીથી વિચાર આવ્યો કે વાંચવાથી સર્જનશક્તિ વધે છે? કે આ પ્રવૃત્તિથી દિમાગમાં ગૂંચવાડો વધે છે અને સર્જનાત્મકતા ઘટે છે? આ તો વિમાસણ થઈ …..
પહેલાં તો એ વિચારીએ કે સર્જન એટલે શું? નવો વિચાર, નવો ઉકેલ, નવો રસ્તો, કે નવી દિશા, નવું લખાણ, નવું શિલ્પ, નવી કવિતા,નવું ચિત્ર? જવાબમાં કહી શકાય કે આ બધું અને થોડું વધારે!
હવે નવસર્જન માટે વિચારબીજ કે મુદ્દા ક્યાંથી લાવવા? તો જવાબ મળે કે કલ્પનાથી અથવા અનુભવથી. હવે બધાને બધા પ્રકારના અનુભવ તો મળે નહિ એટલે વિચારબીજ માટે કલ્પનાશક્તિ જ મુખ્ય સ્રોત રહ્યો. નવા વિચારબીજ માટે વારંવાર મગજની સીમાઓ વિસ્તારવી પડે, કલ્પનાશક્તિ ખીલવવી પડે અને તેના માટે વાચનથી વધારે શું હોઈ શકે? નવું વાચન અને તેનાથી આવતા નવા વિચારો સર્જનાત્મક પ્રવૃત્તિ માટે ખોરાક પૂરો પાડે છે.
પણ ફક્ત વાચન કર્યા જ કરીએ તો? દિમાગમાં વિચારોનો ખીચડો ન થઈ જાય? કોઈને થાય અને કોઈને ન થાય. વાચન પછી તેના પર મનન અને થોડું વિશ્લેષણ આવશ્યક છે. નહિતર ભાતભાતના વિચારોમાંથી ચક્રવ્યૂહ રચાઈ જાય અને તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને. મન ગુંચવાઈ જાય અને શેનું સર્જન કરવું તે સમજણ ન પડે. આથી કહી શકાય કે ફક્ત વાચન નહિ પણ સાથે મનન-વિશ્લેષણ પણ જરૂરી છે. તેના માટે માનસિક તાલમેળ કેળવવો પડે.
વાંચવાનું બંધ કરીએ તો કલ્પનાનો સ્રોત સુકાઈ જાય અને બહુ વાંચીએ તો ગુંચવાઈ જવાય તો પછી શું કરવું? તેના માટે વાચન સાથે વચ્ચે વચ્ચે વિરામ અને બીજી પ્રવૃત્તિ પણ જરૂરી તેમ જ આવશ્યક છે. અને સાથે મનન-વિશ્લેષણ તો ખરું જ. કેટલું અને ક્યા વિષય પર વાચન કરવું તે વ્યક્તિગત ક્ષમતા પર નિર્ભર છે.
આ વાત થઈ સર્જનના અમુક વિભાગોની પણ જેમને શિલ્પ બનાવવું હોય, ફિલ્મ બનાવવી હોય, વિજ્ઞાપન બનાવવું હોય, પ્રશ્નો/કોયડાનો બિલકુલ નવો અને અપ્રતિમ(out of box) ઉકેલ શોધવો હોય તેમણે તો પોતાની કલ્પનાની શક્તિ, અવલોકન શક્તિ અને આ બધાને કેમ મૂર્ત રૂપ કે સ્થૂળ રૂપમાં કઈ રીતે ઉતારવું એ બધું નક્કી કરતા જવું પડે. આમાં વાચન કામ લાગે ……. કેવું વાચન, કેવાં પુસ્તકો?
સર્જન માટે ફક્ત બ્લોગ, ટ્વીટ, છાપાં પૂરતાં નથી કેમ કે તે તો ફક્ત માહિતી આપે છે જ્ઞાન નહિ. વાંચવાનું એવું હોવું જોઈએ કે જે દિમાગને પ્રજ્વલિત કરે. સાથે સાથે તીવ્ર અવલોકન શક્તિ અને સૂક્ષ્મ ખૂબીઓ જોવાની અને યાદ રાખવાની શક્તિ હોવી તે સર્જન માટે ખૂબ જ જરૂરી છે.
એમ કહી શકાય કે વાચન (થોડું કે વધારે) અને અનુભવ સર્જન માટે જરૂરી છે પણ અનિવાર્ય નથી. સંગીતકાર જયકિશને ‘બરસાત’ માં પોતાની કારકિર્દી શરૂ કરી ત્યારે તેની ઉમર ૨૧ વર્ષની હતી! સાથે સાથે એ પણ કહેવું પડશે કે સંગીતનો પ્રેરણાસ્રોત વાચન કરતાં બીજું સંગીત હોવાની શક્યતા વધુ. ૪ વર્ષના અદ્વૈતનાં ચિત્રો કેનેડામાં લાખો રૂપિયામાં વેચાય છે! અલબત, સર્જનના પહેલા-બીજા ચરણ પછી જયારે કલ્પનાસ્રોત થોડો સુકાવા લાગે ત્યારે વાચન, અવલોકનની જરૂર પડે છે. વિજ્ઞાનની કાલ્પનિક કથાઓની દુનિયા અનેરી હોય છે. આર્થર ક્લાર્ક કે આસીમોવ કે આપણા સત્યજીત રે વાંચીએ ત્યારે જાણ થાય કે દિમાગની સીમાઓ કેટલી વિસ્તરી શકે છે…તેના માટે તેમનું વાચન અને કલ્પનાશક્તિ બંને કારણભૂત હોઈ શકે છે.
અનુભવ તો વર્ષો વીત્યે જ મળે પણ જ્ઞાન વધુ વાંચીને મળે. અને વધુ જ્ઞાનથી દિમાગને વધુ કસરત મળે અને દિમાગના સીમાડા વિસ્તરતા જાય; સર્જન શક્તિનાં દ્વારો ખુલતાં જાય. પણ વાંચવાનું જ્ઞાન માટે – માહિતી માટે નહીં! બીજાં સર્જનો માટે પણ વાચન જરૂરી છે. જેમ કે, લેખક કે દિગ્દર્શક માટે અન્યની જિંદગી તથા લાગણીઓને સમજવાનું અને તેમની સાથે તાદાત્મ્ય કેળવવાનું માટે ખૂબ જરૂરી છે, જે માટે વાર્તા સાહિત્ય(fiction) વાંચવું ખૂબ જરૂરી છે.
આ બધાથી વધુ અનિવાર્ય છે, એક હૃદય જે બીજાના જીવનના, બીજાની લાગણીના ધબકારા સમજી શકે અને તે ધબકારાઓને દુનિયા સમક્ષ રજૂ કરી શકે.
સર્જનનો કોઈ રાજમાર્ગ ન હોય, તેના માટે તો પોતાની કેડી જ બનાવવી પડે. આ કેડી શોધવામાં વાચન ચોક્કસ મદદ કરે છે.
આલ્બર્ટ આઈનસ્ટાઇને કહ્યું છે કે જ્ઞાનથી કલ્પનાશક્તિ વધારે મૂલ્યવાન છે કારણ કે જ્ઞાનથી અત્યારે શું બની રહ્યું છે તેની સમજણ પડે છે જયારે કલ્પનાશક્તિથી ભવિષ્યમાં શું થશે તે સમજી શકાય છે. આવી વૃત્તિઓ વિકસાવવા માટે વાચન સાધન છે; સાધ્ય નહિ. કોઈ પણ સર્જન માટે જરૂરી છે અવલોકન, ચિંતન, મનન – અને બધાથી ઉપર – એકબીજાના ધબકારા સમજી શકે તેવું દિલ………
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.
સરસ છણાવટ !
માત્ર વાંચવું એ કરતાં શું વાંચવું એ અગત્યનું છે.
કશુંક પ્રાપ્ત તો વાંચન, લેખન કે દર્શનથી નિરુદ્દેશ્ય થઈ જતું હોય છે. પહેલો અને મુખ્ય હેતુ તો ‘ મજા આવવી ‘ એ હોય છે.
આભાર ભગવાનભાઈ !
વાંચવું,કેટલું વાંચવું,શું વાંચવું . આ બધા પ્રશ્નો ના જવાબ વ્યક્તિ વ્યક્તિ એ અલગ અલગ હોય છે .
મારા લેખ નો હેતુ એજ હતો કે સર્જન માટે વાંચન કેટલું અનિવાર્ય .
ફરી થી આભાર !
તમારામાં સર્જનાત્મકતા જ સ્વાભાવિકપણે હોય તો ન વાંચો તો પણ તમારાં સર્જનને સર ન કરે.
પણ જો તમારાં સર્જનની પ્રેરણા કે માર્ગદર્શન તમારૂં વાંચન હોય તો તમારે બહુ જ ચોક્કસ વિષયો પરનું જ વાંચન કરવું જોઈએ એ પણ સમજાય છે.
જો તમારૂં વાંચન તમારાં સર્જન પર એટલો પ્રભાવ કરે કે તે સર્જનમાં તમારૂં કંઈ જ ન અનુભવાતું હોય, તો કચાશ વાંચનની નહીં પણ લેખનની છે.
વાંચન અને લેખનને જેમ સંબંધ હોઈ શકે તેમ ચિત્રકળાને કે સંગીતને પણ પરસ્પર અવલંબનનો સંબંધ હશે ! જયકિશન જેવાં ઉદાહરણમાં તેની નૈસર્ગિક બક્ષિસને અંગ્રેજી સંગીત સાંભળવાથી નવો નિખાર મળ્યો, તો ક્યાંક ક્યાંક બેઠી નકલ સુધી પણ ઉતરી પડાયું.
એક વાત તો નક્કી, દરેકે પોતાની કેડી પોતે જ કંડારવી રહી…..
આપણું છેલ્લું વાક્ય સંપૂર્ણ સત્ય છે . દરેક ની અલગ કેડી !
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !
સર્જન માટે કલ્પનાશક્તિ મૂળ સ્ત્રોત છે અને વાચન ઉદ્દીપક છે એવું મને લાગે છે.
સમીરભાઈ, તમારી વિમાસણ સરસ રીતે રજુ કરી છે.
આપણી વાત બિલકુલ સાચી છે. વાંચન સર્જન માટે જરૂર ઉદ્વીપક છે. પણ ચિત્રકામ જે પણ એક સર્જનાત્મક પ્રક્રિયા છે તેમાં વાંચન સીધી રીતે નહિ તો આડકતરી રીતે જરૂર મદદ કરી શકે છે.
કેટલાક વિરલાઓ ને કોઈ ઉદ્વીપક ની જરૂર નથી પડતી પણ તેવા કેટલા ?
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર,ગૌતમભાઈ !
ઉપર અન્યોએ વિસ્તૃત છણાવટ કરી છે તે સચોટ છે અને હું પણ તેમાં સહમત છું. પણ મને વધુ સ્પર્શી ગયું નીચેનું વિધાન.
“આ બધાથી વધુ અનિવાર્ય છે, એક હૃદય જે બીજાના જીવનના, બીજાની લાગણીના ધબકારા સમજી શકે અને તે ધબકારાઓને દુનિયા સમક્ષ રજૂ કરી શકે.”
એક અદના લેખક તરીકે આ મારા માટે આ બહુ જ મહત્વનું બની ગયું છે.
આભાર સમીરભાઈ
હૃદય વગર સર્જન કાર રીતે થઇ શકે અને થાય તો બીજા ના હૃદય સુધી કેવી રીતે પહોંચી શકે ?
આપણા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર ,નિરંજન ભાઈ !