





-વીનેશ અંતાણી
કચ્છની શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીમાં મારે મારી સર્જનપ્રક્રિયા વિશે બોલવાનું થયું. વાતની શરૂઆતમાં હું મારા નાનપણના ગામ નખત્રાણાની કેટલીક સ્મૃતિઓમાં સરી પડ્યો. મને યાદ આવ્યું હતું કે હું નાનો હતો ત્યારે મને ઢોલક વગાડવાનો બહુ ચસકો હતો. મારા પિતાજી ઢોલ-ઢોલક સરસ વગાડતા. એમને લીધે જ મારા મનમાં ઢોલક વગાડવાની ઇચ્છા જાગી હશે. પરંતુ થયું એવું કે હું નખત્રાણામાં રહ્યો ત્યાં સુધી મને સાચી ઢોલક કે તબલાં વગાડવા મળ્યાં જ નહીં. મારા કેટલાક દોસ્તો સંગીતમાં રસ લેતા. એમાં એક મણિલાલ ઠક્કર હતો. એ પિતળની વાંસળી પર ગીતો વગાડતો. બીજો મિત્ર નરેન્દ્ર આચાર્ય હતો. એ સારું ગાતો. અમે મિત્રો બેઠા હોઈએ ત્યારે એમની સાથે ઇસ્માઈલ નામનો દોસ્ત એની ઢોલકથી ઠેકો દેતો. હું લોલુપ નજરે જોયા કરું, પણ મને ઢોલક વગાડવા મળતી નહીં. હોળી પહેલાં ઉત્તર પ્રદેશના લોકો અમારા ગામમાં ઢોલક વેચવા આવતા. હું ઘરમાં કજિયો કરતો કે મને ઢોલક લઈ આપો, પણ મારી વાત કોઈ સાંભળતું નહીં.
મને નાનપણમાં ઢોલક વગાડવા ન મળી, પરંતુ આઠેક વરસનો થયો હોઈશ ત્યારે એક ઈન્ડિપેન મળી. અમારા ગામમાં એક સરદારજી દર વરસે થોડા દિવસ માટે આવતો. બજારમાં પાથરણું પાથરીને જુદી-જુદી ચીજો વેચવા બેસતો. એની પાસેથી દરેક ચીજ સાડા છ આનામાં મળતી. એથી એ ‘સાડે છ આનાવાળા સરદારજી’ તરીકે ઓળખાતો. અમે મારા પિતાજીને ‘નાનાકાકા’ કહેતાં. એ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. એક સાંજે નાનાકાકા નિશાળથી ઘેર આવ્યા ત્યારે ‘સબ ચીજ સાડા છ આના’વાળા સરદારજી પાસેથી થોડી લીટીવાળી નોટબુક અને એક ઈન્ડિપેન લાવ્યા હતા. મને ઇન્ડિપેન ગમી હતી. મેં એમને પૂછ્યું: ‘નાનાકાકા, આ ઈન્ડિપેન હું રાખું?” એમણે જવાબ આપ્યો: ‘તું શું કરીશ?’ મેં કહ્યું: ‘એનાથી લખીશ.’ પિતાજીનો જવાબ હતો કે હું ઈન્ડિપેનથી લખવા માટે હજી નાનો છું. પરંતુ મારી બાના કહેવાથી પિતાજીએ તે ઈન્ડિપેન મને આપી અને કહ્યું: “પણ સાચવીને વાપરજે.” મેં એમને વચન આપ્યું હતું કે હું ઈન્ડિપેનથી સાચવીને લખીશ.
તે ઉંમરે મેં મારા પિતાજીને આપેલા વચનનો કોઈ ગર્ભિત અર્થ નહોતો કે જે પ્રવૃત્તિમાં મને જિંદગીભર રસ પડવાનો હતો તેના વિશે હું એમને અજાણતાં જ કોઈ અગત્યનું વચન આપી રહ્યો છું તે પણ જાણતો નહોતો, પરંતુ ત્યાર પછીના આજ સુધીના સમયમાં હું જ્યારે પણ કશુંક લખવા બેસું છું ત્યારે એ વાત મને યાદ આવી જાય છે કે મારે બહુ સાચવીને લખવાનું છે. દરેક સાહિત્યસર્જક માટે સાચવીને લખતા રહેવાની જવાબદારીની સભાનતા બહુ મોટી હોય છે એ વાત મારા મનમાં નાનપણથી દૃઢ થઈ ગઈ છે.
હિન્દીના સુપ્રસિદ્ધ સર્જક નિર્મલ વર્મા જર્મનીના પ્રવાસે ગયા હતા ‘સંસ્કાર’ જેવી ઉત્તમ નવલકથાના કન્નડ સર્જક અનંતમૂર્તિ પણ એમની સાથે હતા. એમણે આગ્રહ કરીને નિર્મલ વર્મા પાસે ‘મો બ્લાંક’ પેનની ખરીદી કરાવી હતી. નિર્મલ વર્માએ એમની ડાયરીમાં લખ્યું: ‘પહેલી વાર ‘મો-બ્લાંક’થી મારી ડાયરીની શરૂઆત કરી રહ્યો છું. આ પેન મેં અનંતમૂર્તિના આગ્રહથી હાઇડલબર્ગમાં ખરીદી હતી. હું એની મોંઘી કિંમત જોઈને ખચકાતો હતો, જાણે આટલી મોંઘી પેનથી લખવાનો મને કોઈ અધિકાર નથી. પછી મેં મારી જાતને ફોસલાવતાં અનંતાને કહ્યું કે આ કલમ ખરીદવાની સજા એ છે કે એનાથી કોઈ જૂઠો શબ્દ લખાવો જોઈએ નહીં.’
નિષ્ઠાપૂર્વક કલમ હાથમાં પકડનાર દરેક વ્યક્તિ માટે આ વાત બહુ મહત્ત્વની બની જાય છે કે એની કલમથી એક પણ જૂઠો, અપ્રમાણિક શબ્દ લખાય નહીં. મને નાનપણમાં ભલે ઢોલક ન મળ્યું, પરંતુ એક ઈન્ડિપેન મળી. ત્યાર પછી હું મોટો થતો ગયો તેમ તેમ મને સમજાતું ગયું કે લખવું પણ ઢોલક વગાડવા જેવું જ હોય છે. શબ્દોનો પોતાનો એક લય હોય છે. એ લયને અર્થના લય સાથે જાળવી રાખવો પડે છે. દરેક સર્જનનો પોતાનો સૂર પણ હોય છે. એ સૂરને ભીતરના અને બહારના બ્રહ્માંડમાં ચોતરફ વ્યાપેલા સૂર સાથે મેળવી, એની સાથે એકતાલ થઈ જાય એ રીતે દરેક શબ્દ પાડવાનો હોય છે.
મેં મારી દરેક ઇન્ડિપેન સાચવીને વાપરી છે – નોકરી દરમિયાન ઑફિસની ફાઈલોમાં કે વાર્તા-નવલકથા-નિબંધ લખવા માટેનાં સફેદ, લીટી વગરનાં, કોરાં પાનાં પર. મારી પાસે ગોલ્ડન કલરની ‘હેરો’ પેન છે. એ પેનથી મેં વીસેક વરસ સુધી લખ્યું. ‘પ્રિયજન’ નવલકથા એનાથી લખી, પછી ‘કાફલો’ અને ચંડીગઢમાં ‘ધૂંધભરી ખીણ’ સુધીનું બધું જ એનાથી લખ્યું છે. હજી એ ઇન્ડિપેન સાચવી રાખી છે. ક્યારેક કબાટનું ખાનું ખોલીને એને અડકી લઉં છું. એ પેન મારા મને લખતાં-લખતાં થયેલા અવર્ણનીય રોમાંચની સાક્ષી છે. હું એની સાથે એટલા જ લાગણીભર્યા સંબંધે જોડાયેલો છું, જેટલો મારાં પ્રિયજનોની સાથે.
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com
સરસ વિચારશીલ લેખ.
સરયૂ પરીખ