ટાઈટલ મ્યુઝીક : ૫ : કિસ્મત (૧૯૪૩)

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

અનિલ બિશ્વાસ ‘સંગીતકારોના સંગીતકાર’ તરીકે ઓળખાય છે. સી. રામચંદ્ર જેવા ધુરંધર પણ તેમને ગુરુ માનતા. આ અકારણ નથી. હિન્દી ફિલ્મોનું સંગીત સાવ બાલ્યાવસ્થામાં હતું ત્યારે અનિલદાએ તેમાં અવનવા સફળ પ્રયોગો કર્યા અને નાટ્યસંગીતના પ્રભાવમાંથી મુક્ત કરીને તેને આગવી ઓળખ બક્ષવામાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું.


તેમના સંગીતવાળી ‘બોમ્બે ટોકીઝ’ની ફિલ્મ ‘કિસ્મત’ 1943 માં રજૂ થઈ, જેનો નાયક નકારાત્મક ભૂમિકામાં હતો. આ ફિલ્મ ‘બૉમ્બે ટૉકિઝ’ દ્વારા નિર્મિત અને જ્ઞાન મુખરજી દ્વારા દિગ્દર્શીત હતી. આજે જેને ‘મસાલા ફિલ્મ’નું લેબલ આપવામાં આવે છે એવી તમામ ફિલ્મોના પૂર્વજ જેવી આ ફિલ્મ કહી શકાય. આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી.


તેનાં એકેએક ગીતો ખૂબ લોકપ્રિય થયાં. સ્વાભાવિક છે કે આ ફિલ્મ જોવાની તક મને ઘણી મોડી- કદાચ દસ-બાર વર્ષ પહેલાં જ મળી, જ્યારે મારા એક વડીલમિત્ર સ્વ. દેવેન્દ્ર ત્રિવેદીએ તેની વી.સી.ડી. મને આપી હતી. આજે પણ આ ફિલ્મ, તેનાં ગીતો અમારા આખા પરિવારમાં સૌથી પ્રિય બની રહ્યાં છે. અંતાક્ષરીમાં કે એમ જ સમૂહમાં ગાતા હોઈએ અને ‘કિસ્મત’નું કોઈ પણ ગીત શરૂ થાય એટલે એ સોલો કે ડ્યુએટ ન રહેતાં કોરસ જ બની જાય.

ત્યાર પછી કાળાંતરે અનિલ બિશ્વાસને તેમજ પ્રદીપજીને મળવાનું બન્યું ત્યારે અમે ‘કિસ્મત’ (અને ‘બંધન’)ની એલ.પી. રેકોર્ડ પર વારાફરતી એ બંનેના ઓટોગ્રાફ પણ લીધા, જે આજે મહામૂલી જણસ સમા છે.

આ ફિલ્મનાં કુલ આઠ ગીતો હતાં, જે પ્રદીપજીએ લખ્યાં હતાં. એકે એક ગીત તેના શબ્દો અને સંગીત થકી અદ્‍ભુત અસર પેદા કરે છે. ‘આજ હિમાલય કી ચોટી સે’ (અમીરબાઈ અને કોરસ), ‘ધીરે ધીરે આ રે બાદલ’ (અમીરબાઈ તેમજ અરુણકુમાર તથા અમીરબાઈના સ્વરમાં એમ બે વખત), ‘અબ તેરે સિવા’ (અમીરબાઈ), ‘હમ ઐસી કિસ્મત કો ક્યા કરેં’ (અમીરબાઈ, અરુણકુમાર), ‘તેરે દુ:ખ કે દિન ફિરેંગે’ (અરુણકુમાર), ‘પપીહા રે મેરે પિયા સે કહિયો જાય’ (પારુલ ઘોષ) તેમજ ‘એ દુનિયા બતા હમને બિગાડા હૈ તેરા’ (અમીરબાઈ) જેવાં ગીતો આટલાં વરસો પછી પણ ફરીફરી સાંભળવાં ગમે છે

આટલી અંગત વાત પછી ફિલ્મના ટાઈટલ મ્યુઝીકની વાત.

પોણા બે મિનીટ કરતાંય ઓછા સમય માટે વાગતું આ સંગીત સાંભળતાં થાય કે અનિલદાએ આમાં શું શું ભરી દીધું છે! ‘કિસ્મત’ના એક એકથી ચડે એવાં ગીતોમાંથી એક પણની ધૂન એમણે અહીં વાપરી નથી. આમ છતાં, આ સંગીત સાંભળીને ‘કિસ્મત’નાં ઘણા ગીતો મનમાં ગૂંજવા લાગે છે. આ ક્લીપમાં 0.27 થી 0.44 દરમ્યાન વાયોલિનનો એક અદભૂત પીસ મૂક્યો છે. અને ત્યાર પછીનું સંગીત સિમ્ફનીની અસર ઊભી કરે છે.
કેવળ નોંધ પૂરતો ઉલ્લેખ કે ‘કિસ્મત’ નામની કુલ છ ફિલ્મો બની હતી, જેમાં આ પહેલવહેલી હતી અને છેલ્લી ફિલ્મ 2004માં આવી હતી.
આ ફિલ્મ અને તેના સંગીત સાથે સંકળાયેલી અનેક કથાઓ છે, પણ અહીં ફક્ત ટાઈટલ મ્યુઝીક પૂરતી વાત.


(નોંધ: તમામ તસવીરો નેટ પરથી તેમ જ ગીતોની લીન્‍ક યૂ ટ્યૂબ પરથી લીધેલી છે.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *