પરિસરનો પડકાર : ૨૦ : ભારતના બિલાડી કુળના વન્યપ્રાણીઓ – ૧

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

દોસ્તો, આપણે અગાઉના હપ્તાઓમાં ભારતમાં મળી આવતા હરણ, એન્ટીલોપ, શ્વાનકુળના જંગલી પ્રાણીઓ વિષે વિગતે જાણકારી મેળવી હતી. પ્રસ્તુત લેખમાં ભારતના જંગલોમાં વસતાં બિલાડી કુળના કેટલાંક અગત્યના પ્રાણીઓ વિષે ચર્ચા કરશું.

સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જેને બિલાડી કુળના ૩ મુખ્ય પ્રતિનિધિઓની હાજરી ધરાવવાનું સન્માન પ્રાપ્ત થયું છે જેવાં કે વાઘ, સિંહ અને દીપડા. આ સાથે વિવિધ પ્રકારની, પ્રમાણમાં કદમાં નાની એવી અન્ય બિલાડીઓ પણ જંગલોમાં વસવાટ કરે છે. તમામનો બાહ્ય દેખાવ એકબીજાથી જુદો હોવા છતાં તે બધાં એક જ કુળના પ્રાણીઓ છે જેને ‘ફેલીડી’ (Felidae) કહેવામાં આવે છે.

· વાઘ (Panthera tigris):

સરેરાશ ૯ થી ૧૦ ફીટની લંબાઈ ધરાવતું આ પ્રાણી હિમાલયની ઉંચી પર્વતમાળાથી લઈને છેક દક્ષિણ ભારત સુધી જોવામાં આવે છે. ઉજળો અને ચળકતો રંગ અને નરી આંખે સહેલાઈથી જોઈ શકાય તેવા પટ્ટા તેમ જ ભભકદાર રૂંછડાવાળી ચામડી ધરાવે છે. સ્વભાવે એકલવાયું પ્રાણી સામાન્યતઃ ઊંડા જંગલમાં રહેવાનું પસંદ કરે છે અને ફક્ત સંવનન સમયે માદા સાથે કેટલોક સમય વિતાવે છે.બચ્ચાંઓનો ઉછેર અને સંભાળ માદા વાઘના ફાળે આવે છે જે અંદાજે બે વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ બચ્ચાંઓ પોતાનું સ્વતંત્ર જીવન વિતાવવા તૈયાર થઇ જાય છે. ભારતમાં વાઘના અવશેષ દસ હજાર ફૂટની ઉંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળ્યા છે જેના પરથી વાઘની અનુકુલન શક્તિનો અંદાજ લગાવી શકાય છે. અત્યંત ગાઢ એવા સદાહરિત જંગલ, હિમાલયની તળેટીના જંગલ, મધ્ય ભારતના જંગલ અને બંગાળના સુંદરવન વિસ્તાર (જ્યાં વાઘ ઉભયજીવી, એટલે કે પાણીમાં તેમ જ જમીન પર જીવન વિતાવે છે) માં વાઘ નિવાસ કરે છે. વાઘનું અસ્તિત્વ પૂરતા પ્રમાણમાં શિકાર કરવા માટેના પ્રાણીઓની સંખ્યા, પીવાના પાણીના સ્રોત, અને જંગલની ગીચતાની ઉપલબ્ધતા પર આધારિત છે. આંધાધુંધ શહેરીકરણ અને ઘટતા જતા વનવિસ્તારના પરિણામે ઘણાં વિસ્તારોમાંથી વાઘની વસતી ઘટી ગઈ છે. તદઉપરાંત, મૃત વાઘના મહોરાંનો ઘરની સજાવટમાં ઉપયોગ કરવાની ઘેલછા અને કેટલાક રોગ માટે વાઘના અંગઉપાંગોનો જાદુઈ/અસરદાર ઉપયોગ હોવા સંબંધિત પ્રવર્તતી ખોટી માન્યતાઓ પણ ઘણાં સમયથી ચાલી આવે છે.

નિરંતર ઘટતી જતી વાઘની વસ્તીને કારણે સરકારશ્રી દ્વારા, આ શાનદાર પ્રાણીને બચાવવા માટે કેટલાક અસરકારક પગલાં (પ્રોજેક્ટ ટાઈગર વિસ્તાર)લેવામાં આવ્યાં છે જે આપણે આગળના લેખમાં જોઈ ગયાં.

· સિંહ (Panthera leo):

બે પ્રકારના સિંહોની જાણકારી આપણે ધરાવીએ છીએ. અશિયાઈ સિંહ અને આફ્રિકન સિંહ. બંને પ્રજાતિઓ લગભગ સરખી હોય છે સિવાય કે અમુક બાહ્ય દેખાવમાં તફાવત છે. બંને પ્રજાતિના નામમાં પણ ફેર છે જેમ કે Panthera leo persica (એશિયાઈ સિંહ) અને Panthera leo leo (આફ્રિકન સિંહ). આવા તફાવત વિષયક વાત પછી કોઈવાર કરશું. સરેરાશ લંબાઈ ૯ ફીટ જોવા મળે છે. ભૂતકાળમાં સિંહોની વસતી સમગ્ર ઉતર ભારત અને મધ્ય ભારતમાં અસ્તિત્વ ધરાવતી હતી. દિલ્હી વિસ્તારની નજીકમાં પણ સિંહનો શિકાર થયો હોવા સબબ વાત નોંધાઈ છે. હાલ એશિયાઈ સિંહ માત્ર ગીરના જંગલોમાં અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. ગીરનું જંગલ એક સમયે, જુનાગઢના નવાબ માટે શિકાર કરવા માટેનો અનામત વિસ્તાર હોવાની ગરજ સારતું હતું અને ગીરના સિંહોને શિકાર થવાની સામે બચાવવાની પહેલ પણ નવાબ દ્વારા જ કરવામાં આવી હતી. ગીરના જંગલમાં મુખ્યત્વે બાવળ સમાન કાંટાળા ઝાંખરા, અર્ધ વિકસિત સાગ અને ખાખરના ઝાડ જોવા મળે છે જે એશિયાઈ સિંહો માટે આદર્શ નિવાસસ્થાન પૂરું પડે છે. પોતાના ખોરાક માટે સિંહો સાંભર, ચિતલ, જંગલી ભૂંડ, નીલગાય અને ગીરની આસપાસ રહેતા માલધારીઓના ઢોર ઢાંખર પર આધાર રાખે છે. ગીરના જંગલમાં દીપડાની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં છે. ગીરના સિંહ સામાન્યતઃ ઓક્ટોબર-નવેમ્બરમાં સંવનન કરતા જોવામાં આવેલાં છે અને ૧૧૫ થી ૧૨૦ દિવસના ગર્ભકાળ બાદ બચ્ચાંને જન્મ આપે છે. વાઘથી ઉલટું, સિંહ પોતાના ટોળામાં રહે છે અને સિંહણને, બચ્ચાંઓની સાર સંભાળ અને ખોરાક મેળવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. હાલ ગીરમાં પાંચ સો કરતા પણ વધારે સિંહની વસતી છે જે પૈકી અમુક સિંહોને અન્ય સ્થળે ખસેડવાની દરખાસ્ત પર વિચારવિમશ ચાલી રહેલ છે જેથી કોઈ કુદરતી અથવા તો માનવ સર્જિત દુર્ઘટનાની સામે સિંહોને નેસ્તનાબૂદ થતાં બચાવી શકાય.

· દીપડૉ (Panthera pardus):

બિલાડી કુળના તમામ સભ્યોમાં સૌથી વધારે અનુકુલન ધરાવતું આ પ્રાણી ગમે તેવા કઠીન વિસ્તારમાં પણ પોતાનું નિવાસસ્થાન બનાવી લે છે અને તેથી જ ભારતીય ઉપખંડમાં વિવિધ વિસ્તારમાં જોવામાં આવે છે. નર દીપડાની લંબાઈ લગભગ સાત ફીટ હોય છે જયારે માદા થોડી ઓછી લંબાઈ ધરાવે છે. ભારતના વિવિધ જંગલોમાં દીપડાના કદમાં ફેરફાર જોવા મળે છે જે સામાન્ય રીતે ભભકદાર ચામડી અને તેના પર સ્પષ્ટ રૂપે દેખાતાં કાળા રંગના ટપકાંઓના સમૂહ (રોઝેટ્સ) ધરાવે છે. શરીરના રંગમાં જોકે સ્થાનિક ફેરફાર જોવામાં આવે છે.

દીપડાં ગમે તેવા વિસ્તારમાં ગજબનું અનુકુલન સાધીને રહી શકે છે અને જે કંઇ મળે તેના પર ગુજરાન ચલાવી શકે છે. રણમાં, ખુલ્લાં કે ઘટાદાર જંગલોમાં, પર્વતીય પ્રદેશમાં કે પછી બરફ આચ્છાદિત વિસ્તારમાં, ખુલ્લાં ઘાસિયા મેદાનોમાં અને ગામડાંઓની સીમ કે પછી શહેરોની આસપાસ નિર્જન વિસ્તારમાં જોઈ શકાય છે. મોટાં કદના શિકારને બાદ કરતા દીપડા, નાના કદના કોઇપણ પ્રાણીનો શિકાર કરી શકે છે જેવાં કે મોર, તેતર, શાહુડી વિગેરે. ગામડાંઓની આસપાસ તેમનો મુખ્ય શિકાર કુતરાઓ હોય છે. કોઈ કોઈ વખત નાના ઢોરને મારી નાખતા હોવાથી લોકો સાથે ઘર્ષણમાં ઉતરી પડે છે અને માનવ-ભક્ષી પણ બની જતા હોય છે. દીપડાના જન્મનો કોઈ નિર્ધારિત સમય નથી હોતો. આખું વર્ષ તેમની સંખ્યામાં વધારો થતો જોવામાં આવ્યો છે અને અંદાજે ૮૫ થી ૯૫ દિવસના ગર્ભ સમય બાદ એક સાથે બે થી ત્રણ બચ્ચાંને જન્મ આપે છે.

તો મિત્રો, આ થઇ બિલાડી કુળના ત્રણ મુખ્ય સભ્યોની વાત. અન્ય પણ ઘણાં સભ્યો છે જેમનો આપણે આગામી લેખમાં સમાવેશ કરીશું.


નોંધ: પ્રસ્તુત લેખ માટે માહિતી અને તસવીરો ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે જે ફક્ત અભ્યાસ અને જન જાગૃતિ પુરતી સીમિત છે. કોઈ વ્યવસાયિક ઉદ્દેશ રાખવામાં આવ્યો નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:
ઈ-મેઇલ : chp4491@gmail.com
મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

1 comment for “પરિસરનો પડકાર : ૨૦ : ભારતના બિલાડી કુળના વન્યપ્રાણીઓ – ૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *