ફિર દેખો યારોં : પાંચવા મૌસમ ‘શાન’ કા, ઈમ્તિહાન કા!

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી


માર્ચ મહિનો એટલે બૉર્ડની પરીક્ષાની મોસમનો મહિનો. દસમા અને બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમનાં માવતર આ મહિનાની રાહ છેક નવમા ધોરણથી જોતા હોય છે. તેઓ ‘હવે તો આવતી સાલ અમારે બૉર્ડ આવશે’ કહેતાં કહેતાં એવો હાઉ ઉભો કરે છે કે જાણે આ કોઈ શૈક્ષણિક પરીક્ષા નહીં, પણ જીવનમરણનો ખેલ હોય.

‘બૉર્ડની પરીક્ષામાં કંઈ ડરવા જેવું નથી’ એમ કહ્યા કરીને તેનો ભયાનક હાઉ ઉભો કરવામાં આવે છે, અને એ હાઉના સહારે અનેક લોકો પોતાની દુકાનો ચલાવે છે. જવાબો ગોખવાની નહીં, પણ તેમને યોગ્ય રીતે યાદ રાખવાની અવનવી ટેક્નિકો શીખવતા લોકો ફૂટી નીકળે છે. પરીક્ષાની અગાઉના મહિનામાં વિદ્યાર્થીઓ સમક્ષ આવીને તેમને ‘પ્રેરણા આપતું કંઈક બોલી જવા માટે’ અવનવા વક્તાઓને નિમંત્રવામાં આવે છે. પરીક્ષાના ગણતરીના દિવસો અગાઉ આખેઆખું તંત્ર કામે લાગે છે. જે તે શાળાઓમાં બેઠક નંબર જોવા જવાનું આગવું માહાત્મ્ય છે. પોતાના સંતાનને સહેજ પણ તકલીફ ન પડે એ માટે અમુક વાલીઓ પોતાનું સર્વસ્વ ત્યાગવા સુધીની તૈયારી બતાવતા હોય છે, એટલે કે તેઓ ધારાવાહિકો જોવા માટે ટી.વી. સુદ્ધાં ચાલુ કરતા નથી. તેને પોતાના મોબાઈલ ફોનમાં જોઈને સંતોષ માની લે છે.

જેના માટે આટલી હદે મોરચો માંડવામાં આવે છે એ બૉર્ડની પરીક્ષાનું મહત્ત્વ શું એટલું બધું છે? આ સવાલનો જવાબ એક લીટીમાં આપી શકાય એટલો સરળ નથી.

આઝાદી પહેલાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે એક સરળતા એ હતી કે તત્કાલીન શિક્ષણપ્રણાલિ માટે મેકોલેને જવાબદાર ગણાવાતો. અંગ્રેજોની વિદાય પછી પણ મેકોલેને શિક્ષણના કથળેલા સ્તર બાબતે જવાબદાર ઠેરવવાનો ક્રમ ચાલતો રહ્યો. મુશ્કેલી એ છે કે આપણી શિક્ષણપ્રણાલિમાં ધરમૂળથી પરિવર્તન કરવાના પ્રયાસો ગંભીરતાપૂર્વક થયા જ નથી. જૂની એસ.એસ.સી. હતી એને બદલે નવી એસ.એસ.સી. થઈ. પ્રિ-સાયન્‍સના જે વર્ગ કૉલેજમાં ભરવાના હતા એ શાળામાં લાવવામાં આવ્યા. પણ આ કવાયતને એના એ જ માટીના લોંદામાંથી અલગ અલગ આકારો બનાવવાના ઉદ્યમ સાથે સરખાવી શકાય. આકાર બદલાતા રહે, પણ તેમાંથી બનતી વસ્તુની ગુણવત્તામાં કશો ફરક ન પડે, કેમ કે, જેમાંથી તે બનાવવામાં આવે છે એ માટીની ગુણવત્તા એની એ જ રહે. સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયા પછી અત્યાર સુધીની તવારીખ પર નજર કરતાં ખ્યાલ આવશે કે આપણે માત્ર શિક્ષણની પદ્ધતિમાં ફેરફાર કરતા રહ્યા છીએ. શિક્ષણની પ્રણાલિમાં ફેરફાર કરવાની આપણી કોઈ વૃત્તિ જણાઈ નથી. શિક્ષણની સતત બદલાતી રહેલી પદ્ધતિ, તેમાં સત્તાધારી પક્ષોનો હસ્તક્ષેપ અને સૌથી છેલ્લે શિક્ષણના ખાનગીકરણ પછી કશું પણ નક્કર બન્યું હોય તો તે એ કે શિક્ષણની કિંમત અને શિક્ષણનું સ્તર બન્ને વ્યસ્ત પ્રમાણમાં આગળ વધી રહ્યાં છે. ઈજનેરી શિક્ષણની વાત કરીએ તો હવે તે એ હદે સામાન્ય બની રહ્યું છે કે તેણે વિદ્યાર્થીની કારકિર્દીલક્ષી ચિંતાને ચચ્ચાર વરસ પાછી ઠેલી દીધી છે. પહેલાં વિદ્યાર્થી બારમું પાસ કરે એટલે ‘શું કરીશ?’ની ચિંતા તેને રહેતી. હવે એ ચિંતા વિદ્યાર્થીને ઈજનેરી શિક્ષણ લીધા પછી રહે છે. પૂરતાં નાણાં ચૂકવી શકે એ વાલીનો વિદ્યાર્થી ઈજનેર બની શકે છે. ન્યાય ખાતર એટલું કહી શકાય કે આ સ્થિતિ માત્ર ઈજનેરી શાખા પૂરતી મર્યાદિત નથી, બલ્કે મોટા ભાગની વિદ્યાશાખાઓને લાગુ પડે છે. બારમા પછી ઈજનેરી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવીને તેની ડિગ્રી મેળવ્યા પછી વિદેશ ઉપડી જવાનો જાણે કે રિવાજ બની રહ્યો છે. આનો અર્થ એ નથી કે વિદેશમાં આ શાખાના વિદ્યાર્થીઓ માટે વધુ તક છે. પણ વિદેશ ગયેલા વિદ્યાર્થીને એટલી ખાત્રી હોય છે કે શ્રમ અંગેની શરમને બાજુએ મૂકીને કોઈ પણ કામ દ્વારા રોજગાર પોતે મેળવી શકશે.

આપણી શિક્ષણપદ્ધતિ માટે અત્યાર સુધી કહેવાતું કે તેના થકી વિદ્યાર્થીઓને કેવળ પુસ્તકિયું જ્ઞાન જ મળી રહે છે. હવે શિક્ષણપદ્ધતિનું સ્તર એવા તળિયે પહોંચાડવામાં આપણે સફળ થયા છીએ કે વિદ્યાર્થીને પુસ્તકિયું જ્ઞાન પણ મળતું નથી. અહીં એક સવાલ એ થઈ શકે કે ‘આપણે’ એટલે ખરેખર કોણ? સત્તાધીશો? શિક્ષણવિદો? કે નાગરિકો? માનો કે, સત્તાધીશો કે શિક્ષણવિદો એ કામ નથી કરી શક્યા, તો નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? આ વિચાર માગી લેતો મુદ્દો છે. નાગરિક તરીકે આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે ચૂંટણીમાં આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવે અને પછી તેના અમલ સારું યોગ્ય પગલાં લેવામાં આવે? ફીમાં થતા ભાવવધારા સામે આપણે વાલીમંડળ રચી શકતા હોઈએ તો શિક્ષણનું કથળતું જતું સ્તર એના કરતાં અનેકગણો ગંભીર મુદ્દો છે. તેના માટે કોઈ સંગઠિત કેમ ન થઈ શકે? કે પછી વાલી તરીકે આપણે હજી એ જ આશ્વાસન લઈએ છીએ કે વધુ ફી ચૂકવીને ‘સારી’ શાળામાં મૂકવાથી પોતાના સંતાન સાથે ગમે તેવી ‘પબ્લિક’ ન ભણે? ચૂંટણીઢંઢેરામાં ગમે એ મુદ્દા સમાવાયેલા હોય, પણ મત આપતી વખતે માત્ર ને માત્ર કોમ કે જ્ઞાતિના જ આધારે મત આપતાં આપણે લેશમાત્ર વિચાર ન કરતાં હોઈએ તો પછી આપણે શિક્ષણના કથળેલા સ્તરને જ લાયક છીએ, એમ કહેવામાં જરાય શરમ ન અનુભવાવી જોઈએ. બૉર્ડની પરીક્ષાને જંગ સમી ગણતા દસમા અને બારમાના વિદ્યાર્થીઓ રોજગાર મેળવવા જાય ત્યારે તેમને સમજાય છે કે પરીક્ષાનો જંગ તો કંઈ નથી. ખરો જંગ તો પરીક્ષા પાસ કર્યા પછી શરૂ થતો હોય છે. અને તેમાં સારા દેખાવ માટે કોઈ તેમને ‘બેસ્ટ ઑફ લક’ કહેવાનું નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૩-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *