કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૪ : ૧૯૭૧: વહ કૌન થી – ભાગ ૨

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

જંગ બહાદુરની વાત યાદ છે? 

૧૯૭૧ના યુદ્ધ સમયે મોટા રણથી પરિચિત એવા જંગ બહાદુરને તોપખાનાની મદદ માટે ફરીથી ભુજ મોકલવામાં આવ્યા. નસીબ જોગે તેમને અૉફિસર્સ મેસના તેમના જુના ઓરડામાં જગ્યા મળી. મેસમાં રહેનારા અન્ય અફસરોએ નજીકની સડક પર ઘણી વાર જંગ બહાદુરને મધ્ય રાત્રીના સમયે એક બહેન સાથે વાત કરતાં જોયા હતા.

યુદ્ધ વિરામ જાહેર થયો, તેના બીજા દિવસે ભારતીય સેનાના આર્ટીલરી (તોપખાના)ના એક અફસરને બૉર્ડર પર ખાસ કાર્ય માટે જવું હતું. તેમણે જંગ બહાદુરને તેમની સાથે જવાની વિનંતિ કરી. ડ્યુટી માટે તત્પર જંગ બહાદુર તૈયાર થઈ ગયા. મેસમાં રહેનાર અફસરોનું કહેવું છે કે તે રાત્રે આ બહેન તેમને ખાસ મળવા આવ્યા. તેમણે જંગ બહાદુરને બૉર્ડર પર જવાની મનાઈ કરી. જો તે જશે તો તેમનું મૃત્યુ નક્કી છે.

રાતે એક વાગ્યાના સુમારે આ બહેન જતા રહ્યા અને થોડી વારે જંગ બહાદુરને સખત તાવ ચડ્યો. તેમણે સેનાના અફસરને તારીખ બદલવાનું કહ્યું, પણ મેજરે ના કહી. તેઓ તો નક્કી કર્યા પ્રમાણે નીકળી ગયા.  સાંજે જંગ બહાદુરને સમાચાર મળ્યા કે યુદ્ધવિરામ થયો હોવા છતાં દુશ્મને ભારતીય સેનાની જીપ જોઈ તેના પર તોપમારો કર્યો. એક ગોળો સીધો મેજરની જીપ પર પડ્યો અને તેના ફુરચે ફુરચા ઉડી ગયા. તેમાં પ્રવાસ કરનારાઓમાંથી કોઈ બચ્યું નહિ.

આ વાતને વહેમ, તેમાં વિશ્વાસ કરનારનું અજ્ઞાન કહો કે આધુનિક દંતકથા – જે કહેવું હોય તે કહી શકાય. એક વાત સાચી છે કે જંગ બહાદુર હિમાચલ પ્રદેશમાં હાલ વૃદ્ધાવસ્થા ગાળે છે. જેમની સાથે તેઓ સીમા પર જવાના હતા, તેઓ યુદ્ધમાં શહીદ થયા, તેનો પુરાવો મિલીટરીના દસ્તાવેજોમાં હજી જોઈ શકાય છે. 

આ બનાવના સમયે ફર્સ્ટ્ બટાલિયનના મારા મિત્ર આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મધુભાઈ પુરોહિત કચ્છની બટાલિયનમાં હતા. તેમણે મને આ વાત કહી હતી.

*********

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૪ : ૧૯૭૧: વહ કૌન થી – ભાગ ૨

  1. Purvi
    March 6, 2019 at 7:56 am

    E ben kon hashe Narenji? Shun nadedhwari mata hashe?

  2. Bharti
    March 7, 2019 at 7:08 am

    Vicharva jevi vaat . Kon hatu e

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.