લ્યો, આ ચીંધી આંગળી : અક્ષરો ભૂંસાઇ ગયા છે, પાત્ર અમર છે.

Facebooktwitterredditpinterestlinkedinmail

-રજનીકુમાર પંડ્યા

‘નૈનાં રાતાં કરી કરીને
રોશો ના એ શેણી રાણી…
આંખના પલકારામાં હું પાછો એ આવું,
એક એક દિન જાય,
મારા કાળજામાં કાણાં થાય…’

ગીતના શબ્દો બોલતાં બોલતાં વયોવૃદ્ધ ઉમાકાંત દેસાઈની આંખો ફરીથી વિજાણંદની ભીની ભીની આંખો બની ગઈ અને ૧૯૪૮ની સાલમાં એ પાછા વિચરવા માંડ્યા. જાણે કે અચાનક વીજળી સ્પર્શી હોય એમ માંદગીની પથારીએ અર્ધા બેઠા થઈને બોલ્યા : ‘તમને ખબર છે આ ગીતના શબ્દ રચનાર કવિ કોણ હતા ?’

‘કોણ ?’ મેં પૂછ્યું:

‘ઝવેરચંદ મેઘાણી’, એ બોલ્યા. બોલ્યા એવી રીતે કે પોતે આપેલા કંઠ ઉપર અને પછી એ શબ્દો પર નાયક રીતે વિજાણંદના પાત્ર પર પોતે આપેલ અભિનય પર નહિ, પણ એ ગીતના કવિ પર એમને વધુ ગૌરવ હોય.

મારા મનમાં દાયકાઓ વર્ષો અગાઉ મારી પાંચ વર્ષની વયે 1943 માં જોયેલી ફિલ્મ ‘રામરાજ્ય’નો સોહામણો લક્ષ્મણ તાદૃશ્ય થઈ ગયો. બાળપણમાં પિટક્લાસમાં જોયેલા અને આખા પડ્દા પર સમાય તેવા લક્ષ્મણના ક્લોઝઅપમાં પણ ક્યાંય કરચલી નહોતી. જ્યારે આજે આ એ જ લક્ષ્મણ મારી સામે કરચલીઓનું જાળું બનીને સાક્ષાત હતા.

(ઉમાકાન્‍ત દેસાઈ: મધ્યાહ્ને અને અસ્તાચળે)

‘૧૯૪૮માં એ ‘શેણી વિજાણંદ’ ચિત્ર બન્યું હતું.’ ઉમાકાંત બોલ્યા : ‘અને મારી સામે શેણી તરીકે હીરોઈનના પાત્રમાં દીના સંઘવીએ (પહેલાંનાં દીના ગાંધી અને પછી દીના પાઠક) ભૂમિકા સ્વીકારીને પહેલવહેલો દાખલો બેસાડ્યો કે માત્ર જૂની રંગભૂમિની સ્ત્રીઓ જ નહિ, પણ ભદ્ર સમાજની સ્ત્રીઓ પણ ફિલ્મ ઉદ્યોગમાં પોતાના સંસ્કાર જાળવી રાખીને આવી શકે.’

મૂળ સંખેડાના વતની, અને જમીનદાર હિંમતલાલ જગુભાઇ દેસાઇના પુત્ર એવા એમણે ( હું મળ્યો એ વખતે) પચાસ વર્ષ પાછળના ઈતિહાસને ખૂબ મમળાવીને યાદ કરતાં કહ્યું : ‘1932ની સાલમાં ગુજરાતી ભાષાના સૌથી પહેલા બોલપટ એવા સાગર મુવીટોનના ‘નરસિંહ મહેતા’ ચિત્રમાં પણ મેં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. એ પછી ૧૯૩૩માં મેં વિજુભાઈ ભટ્ટના આમંત્રણથી ‘પ્રકાશ પિક્ચર્સ’ની નોકરી સ્વીકારી. એમની કુલ 26 ફિલ્મોમાં મેં કામ કરેલું. એ વખતે અત્યાર જેવી સ્ટારસિસ્ટમની જાલિમ પકડ ક્યાં હતી ? અમે બધા જ નાના મોટા કલાકારો પગારદારો હતા અને સેટ ઉપર નિર્માતા કે દિગ્દર્શકના આજ્ઞાંકિત કર્મચારીઓની માફક જ વરતતા. હું તે વખતે પણ માસિક ૩૦૦૦ પગાર મેળવતો હતો ને અત્યારના સ્ટારથી કમ મહત્ત્વ મારું નહોતું. આમ છતાં અમને જોવા માટે લોકોની ધક્કામુક્કી, લાઠીચાર્જ કે હૈયેહૈયું દળાય એટલી ભીડ ક્યારેય પણ નહોતી થતી. રસ્તામાંથી પસાર થઈએ એટલે બેચાર જુવાનિયા બહુ બહુ તો આંગળી ચીંધીને કહે, ‘જુઓ, પેલો જાય તે ‘હુકમ કા ઈક્કા’નો હીરો. બસ આનાથી વિશેષ કશું જ નહિ. અને ડબલ રોલ એ આજકાલની શોધ છે એમ ન માનશો. એ ફિલ્મમાં મેં રાજકુમાર, મદારી અને ત્રીજો એક એમ કુલ ત્રણ રોલ ભજવેલા અને એ પણ ‘કાલા ધાગા’ની ટ્રિકથી. બે અલગ અલગ દ્રશ્યો વચ્ચે કાળો દોરો મૂકીને એક જ ફ્રેમમાં સંયોજવાની કાલા ધાગાના નામે ઑળખાતી એ ટ્રિક બાબુભાઈ મિસ્ત્રીની આગવી શોધ હતી. એટલે લોકો અને એમની ટ્રિકને તો ઠીક, પણ એમને ખુદને ‘કાલા ધાગા’ તરીકે ઓળખતા.

યુવાવસ્થામાં ઉમાકાન્‍ત દેસાઈ

એક સવાલના જવાબમાં એ કહેતા હતા. ‘સ્કૂલ કૉલેજના વખતથી મને નાટકોમાં રસ હતો. અમે સંખેડાના વડનગરા નાગર દેસાઈ. જમીન-જાગીર તો સરકારે લઈ લીધાં, પણ જાહોજલાલી અમે મૂકી નહોતી. મારા પિતાના વિરોધ છતાં હું નાટકોમાં ભાગ લેતો, પણ મારા મામાના કહેવાથી હું મુંબઈ આવ્યો અને પછી મારા જીવનનો એક યાદગાર પ્રસંગ બન્યો. ૧૯૩૦ની સાલમાં રૉયલ ઓપેરા હાઉસના મંચ ઉપર ‘જયા જયંત’ નાટકમાં જયંતનો રોલ કરેલો અને કવિ ન્હાનાલાલ એના પ્રથમ શોમાં હાજર રહેલા. મારો જયંત તરીકેનો અભિનય જોઈને એમણે મારી પીઠ થાબડેલી. એ રૉલમાં જ મને જોઇને ‘સાગર મુવિટોન’ના માલિક ચીમનલાલ દેસાઇએ મને ફિલ્મો માટે પસંદ કર્યો.અને ગુજરાતી ભાષાની પહેલી ફિલ્મ ‘નરસિંહ મહેતા’માં કૃષ્ણનો રૉલ આપ્યો.

પણ…. હવે તો ફિલ્મોમાં પણ અભિનય છોડ્યે મારે દાયકાઓ થયા.’

જે મશહૂર ફિલ્મ કલાકારે ‘રામરાજ્ય’(1943) પહેલાં ‘ભરતમિલાપ’ (૧૯૪૨)માં કામ કરેલું. પછી તો કૂલ ફિલ્મોની સંખ્યા 59. ‘પનઘટ’ (૧૯૪૪), ‘હમારા સંસાર’ (૧૯૪૬) તો ઠીક, પણ નૌશાદના સંગીતવાળી ફિલ્મ ‘સ્ટેશન માસ્તર’ (૧૯૪૩)માં ગ્લેમરસ ભૂમિકાઓ ભજવી, જેમણે પંદર જેટલી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો હોય, તેમણે ભર મધ્યાહ્ને ફિલ્મી દુનિયા કેમ છોડી દીધી ? :

જવાબ થોડો વેદનાભર્યો હતો, ‘હવે તો સાવ છોડી દીધી છે, પણ વચ્ચે અભિનય છોડ્યા પછી ફિલ્મનિર્માણના પ્રયત્નો કરેલા. રજબ શયદા સાથે આશા પારેખને હીરોઈન તરીકે લઈને ‘અંખંડ સૌભાગ્યવતી’ બનાવેલું. એ પછી થોડાં જ વરસો ઉપર જૂનાગઢના એક ઉત્સાહી વેપારી શિવલાલ તન્નાએ સહનિર્માતા તરીકે ફિલ્મ ‘બહુરૂપી’ બનાવેલી. એ ચિત્રને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ ચિત્રનો એવૉર્ડ મળેલો અને બીજા અનેક એવૉર્ડ્ઝ મળેલા, પણ થિયેટર પરથી એનાં પાટિયાં ત્રણ દિવસમાં ઊતરી ગયેલાં..નહિ તો ગુજરાતની એ પ્રથમ આર્ટ ફિલ્મ હતી ( એ ફિલ્મ વિષે વિગતે લેખ આ કોલમમાં આવી ગયો છે- લેખક). પણ ફિલ્મો છોડવાના અનેક કારણોમાં એક તે…’ બોલતાં બોલતાં એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. બે પળ માટે કશોક ભાર આવી ગયો એમ ખામોશ થઈ ગયા. પછી બોલ્યા : ‘૧૯૭૫ની બીજી જાન્યુઆરીએ મારી પર જબરજસ્ત ફટકો પડ્યો.’ એમનું ગળું વળી એકદમ રૂંધાઈ ગયું. જીવનની કોઈ દારુણ કારુણી યાદ આવી ગઈ. એ ભરાઈ ગયેલા અવાજે બોલ્યા : ‘મારો મોટો પુત્ર સૌરભ અને પત્ની નીલિમા અમેરિકા હતાં. દીકરો એમ.એ. હતો. વહુ ગોલ્ડ મેડલિસ્ટ. વહુ ત્યાં એક ઑફિસર હતી. સૌરભ તો મજાનો મૃદંગ આર્ટિસ્ટ પણ હતો. બંને જણાં એમની ટોયોટા કારમાં સફર કરતાં હતાં ત્યાં જ બરફના તોફાનમાં સપડાયાં. એક ટ્રકે એમને ઠોકરે ચડાવ્યાં અને ત્યાં જ એમની જીવતી સમાધિ થઈ ગઈ.’

પછી તો વાતાવરણ ભારે ભારે થઈ ગયું હતું. એ આગળ બોલી શક્યા નહોતા.

‘બીજા સંતાનો શું કરે છે?’ ના જવાબમાં આંખમાંથી આંસુનું ટીપું લૂછીને એ બોલ્યા : ‘એક પુત્ર મિલકાપડ ઉદ્યોગમાં રોગનિષ્ણાત છે. એનો પુત્ર કુણાલ…’ એમની આંખમાં ચમકાર આવ્યો. ‘તમે કદાચ થોડાં વરસ અગાઉ ટી.વી. પર એ ટચૂકડાને જોયો હશે. ‘આવો મારી સાથે’ નામના કાર્યક્રમમાં એણે ચકારાણાનું પાત્ર આબેહૂબ ભજવ્યું હતું. બીજો પુત્ર અમર દેસાઈ છે. એને ટીવીમાં તમે જોયો હશે. પ્રખ્યાત કલાકાર છે અને રંગમંચમાં સક્રિય રસ છે. અને પુત્રી કિન્નરી દેસાઈ રાસ-ગરબામાં નિષ્ણાત છે અને એના ક્લાસ ચલાવે છે. કવિ શોભિત દેસાઈ મારો ભત્રીજો છે. આજે સભા અને મુશાયરા સંચાલનમાં એનું જબરું નામ છે.(તેમનો આ જવાબ 1981 ની સાલમાં લેવાયેલા ઇંટરવ્યુમાં મળેલો છે-એ પછી એ દરેકે પોતપોતાના ક્ષેત્રે નામ કાઢ્યું છે- લેખક)

(પરિવાર સાથે ઉમાકાન્‍ત દેસાઈ)

“જિંદગીના ઉત્તમ વર્ષો મેં ફિલ્મલાઇનમાં ગુજાર્યા એનો મને જરા પણ અફસોસ નથી. ફિલ્મ લાઈને મને બધું જ આપ્યું છે પણ…’ બોલતાં બોલતાં અટકી ગયા.

‘શું ?’ મેં પૂછ્યું.

‘હું મારા કુટુંબમાંથી કોઈને એ લાઈન પર જવા સલાહ ન આપું.’

‘કેમ ?’

સાદા ઘરની ચારેય દીવાલો તરફ વૃદ્ધ નજર નાખતાં એ બોલ્યા: ‘એ લાઈનમાં કોને ખબર ક્યારે નાનકડાં ઘરની ચારેય દીવાલો અને છત સોનાનાં બની જાય અને કોને ખબર ક્યારે…’ એ અટકીને બોલ્યા, ‘ક્યારે એક વખતની પેલી મશહૂર ગાયિકા રાજકુમારીની જેમ વરસોવાની ઝૂંપડપટ્ટીમાં રહેવા જવાનો વારો આવે.’

સોહામણા લક્ષ્મણને મોંએ ઉચ્ચારાયેલું આ કડવું સત્ય હતું, જે એક અર્કરૂપે એમના દિમાગમાં છવાઈ ગયું હતું.

આ લેખ 1981ની સાલમાં લીધેલા ઈન્ટરવ્યૂના આધારે લખાયેલો છે. આ સોહામણા વૃદ્ધનું દીવાળીકાર્ડ તેમના અવસાનના વર્ષ સુધી હજુ દર વર્ષે અચૂક આવતું હતુ અલબત્ત, બગડતા જતાં હસ્તાક્ષરો સાથે, તેઓ 2007 ની જાન્યુઆરીની 25 મીએ અવસાન પામ્યા….

… તેમના પરિવારના નિવાસનું સરનામું: કમલાસદન, ફિરોઝશાહ રોડ, સાન્તાક્રુઝ (વેસ્ટ), મુંબઇ-400054

નોંધ: તેમના વિષે ગુજરાતી વિશ્વકોશમાં મિત્ર શ્રી કુમારપાળ દેસાઇના સહકારથી સામેલ કરી શકાયેલો મેં લખેલો પરિચ્છેદ નીચે આપેલો છે.

દેસાઈ ઉમાકાન્ત

દેસાઈ ઉમાકાન્ત (જ. 13મી જુન 1908, પેટલાદ, જિ. ખેડા :અવસાન.25મી જાન્યુઆરી 2007) હિંદી તથા ગુજરાતી ચલચિત્રોના અભિનેતા મૂળ સંખેડાના વતની, પણ 1927થી મુંબઈમાં વસેલા. ભાવપવ્રણ અભિનય અને મોહક ચહેરાથી જાણીતા આ અભિનેતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જોયેલા એકમાત્ર ચલચિત્ર રામરાજ્ય’ (1944)માં લક્ષ્મમણની ભૂમિકા ભજવીને વિશેષ ખ્યાતિપ્રાપ્ત બન્યા. ગુજરાતી ભાષાના પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા’ (1932) દ્વારા તેમણે ફિલ્મ-અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1947 સુધી તેઓ વિજય ભટ્ટના પ્રકાશ પિક્ચર્સ સાથે અનુબંધિત રહ્યા ત્યાર સુધીમાં ભરતમિલાપ’ (1942), ‘સ્ટેશનમાસ્તર’ (1943), ‘પનઘટ’ (19944), ‘હમારા સંસાર’ (1947), ‘ઘુંઘટ’ (1947) જેવાં ચિત્રોમાં અભિનય આપીને હિંદી ચલચિત્રોના ટોચના અભિનેતા બન્યા. 1947 પછી પણ હિંદીમાં તુલસીવૃંદા’, ‘મિસ માલા’, ‘અમર આશા’, ‘ભક્ત કે ભગવાન’, ‘અજામિલ’, ઉપરાંત હુકમ કા ઈક્કાઅને એક હી ભૂલજેવાં સ્ટંટચિત્રોમાં અભિનય આપ્યો. ભાભીનાં હેત’, ‘સાવકી માઅને 1948ના ગુજરાતી ચલચિત્ર કરણઘેલોજેવાં ગુજરાતી ચિત્રોમાં ભૂમિકા ભજવવા ઉપરાંત તેમણે સહનિર્માતા તરીકે અંખડ સૌભાગ્યવતી’, ‘શેણી વિજાણંદ’ (1948) તથા ભવાઈકલા પર આધારિત ચલચિત્ર બહુરૂપીકે જેને ગુજરાત સરકારના અનેક પુરસ્કાર મળ્યા, તેનું નિર્માણ કર્યું. જય જયંતનાટકમાં મુંબઈના ઑપેરા હાઉસના રંગમંચ ઉપર જયંતનું મુખ્ય પાત્ર ભજવીને તેમણે કાવ્યના કર્તા કવિ ન્હાનાલાલની પ્રશંસા પ્રાપ્ત કરેલી. તેમના બે પુત્રોમાંથી એક અમર નાટ્ય અને દૂરદર્શન ક્ષેત્રે અભિનયમાં કાર્યરત છે.

-રજનીકુમાર પંડ્યા

(આ અધિકરણના સમાવેશ બાબતે રાજીપો વ્યક્ત કરતો ઉમાકાન્ત દેસાઈનો પત્ર)

આ ઉપરાંત પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ વિષે સ્વ ઉમાકાંત દેસાઇ ઉપરાંત અન્ય પાત્રો અને વિગતો:

Narsinh Mehta (Gujarati: નરસિંહ મેહતા) is a 1932 Gujarati biographical film directed by Nanubhai Vakil. It was the first Gujarati talkie film.


Plot
The film is based on the life of the saint-poet Narsinh Mehta.[4]

Cast
The cast was:[4]

Master Manhar as Narsinh Mehta
Umakant Desai as Krishna
Mohan Lala as Ra Mandlik
Khatun as Kunwarbai
Master Bachu as Kunwarbai’s husband
Miss Jamna as Manekbai
Miss Mehtab as Rukmini
Marutirao, Trikam Das and Miss Devi appeared in other roles.[4]
Production
The sets were designed by Ravishankar Raval.[4]

*******************************************************************************

લેખકસંપર્ક-:

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ:  rajnikumarp@gmail.com

12 comments for “લ્યો, આ ચીંધી આંગળી : અક્ષરો ભૂંસાઇ ગયા છે, પાત્ર અમર છે.

 1. Samir
  March 4, 2019 at 2:31 pm

  હમેશ મુજબ હૃદયસ્પર્શી.
  આભાર,રજનીભાઈ !

 2. Vishwa Desai
  March 4, 2019 at 8:09 pm

  Thank you very much for sharing my Grandfathers article . It’s indeed an honor

  Regards
  Vishwa

  • Rajnikumar Pandya
   March 5, 2019 at 5:39 pm

   My pleasure

 3. Kuldeep Desai
  March 4, 2019 at 8:34 pm

  અદ્ભૂત,
  વાંચી ને ખૂબ આનંદ થયો સાથે આંખે ઝળઝળિયા આવ્યા. અમે પપ્પાકાકા કે’તા. ખૂબ સરસ વ્યક્તિત્વ ના માલિક અને સરળ સ્વભાવ. લગભગ શતાયુ કહેવાય એટલું સંયમ પુર્ણ જીવ્યા. તેઓ ખરેખર એમના સમયના Super Star કહેવાય.
  સુંદર લેખ બદલ આપને ધન્યવાદ.
  આપ કુશળ હશો ?

  કુલદીપ અનંત દેસાઈ

  • Rajnikumar Pandya
   March 5, 2019 at 5:41 pm

   Thanks for appreciation.
   Pl let me know more about you on my Whatsapp

 4. March 4, 2019 at 9:25 pm

  In depth journey it’s a treat

 5. preetam lakhlani
  March 5, 2019 at 2:48 am

  સાદા ઘરની ચારેય દીવાલો તરફ વૃદ્ધ નજર નાખતાં એ બોલ્યા: ‘એ લાઈનમાં કોને ખબર ક્યારે નાનકડાં ઘરની ચારેય દીવાલો અને છત સોનાનાં બની જાય અને કોને ખબર ક્યારે…’ એ અટકીને બોલ્યા, ‘ક્યારે એક વખતની પેલી મશહૂર ગાયિકા રાજકુમારીની જેમ વરસોવાની ઝૂંપડપટ્ટીમાં રહેવા જવાનો વારો આવે.’…..Preetam Lakhlani

 6. March 5, 2019 at 5:53 pm

  par excellent as usual.

 7. March 5, 2019 at 9:56 pm

  salam Rajnikantji for such a nice story.

 8. Niranjan Mehta
  March 8, 2019 at 2:42 pm

  અત્યંત હૃદયસ્પર્શી વાત કરી જે આપની ખૂબી છે. આભાર,

  • Kishan K THAKKAR
   March 9, 2019 at 8:40 am

   પંડયા સાહેબ, ખૂબ જ સુંદર પરિચય કરાવ્યો…આજ રીતે આંગળી ચીંધતા રહેવા વિનંતિ.

 9. March 10, 2019 at 9:37 pm

  ગુજરાતમાં ભાગ્યે જ કોઈ આવી પ્રતિભાઓને જાણતા હશે. એમના જીવનને આમ ઉજાગર કરનારને સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *