






– ભગવાન થાવરાણી
ટકાવી જાતને બેઠા અમે એક ભીંતના ટેકે
કદી કવિતાના ટેકે તો કદી સંગીતના ટેકેવીતેલા ભવની કોઈ ધુન અચાનક અમને જકડી લે
ગુજારી નાખીએ આખો દિવસ એ ગીતના ટેકેસફરમાં સ્હેજ પણ અટૂલા કદી પાડ્યા નહીં અમને
કદી મેંહદી હસન સાથે, કદી જગજીતના ટેકે ….
કવિતા દ્વારા રચાયેલી આ ભૂમિકા સકારણ છે અને ગીત-ગઝલ-રાગ-ધુન અને વિશેષ તો ફિલ્મ – સંગીતમાં સદા રમમાણ રહેતા આ કટારના સંભવિત વાચકોને ઉદ્દેશીને લખાયેલ છે. એકાદ વર્ષ પહેલાં લખાયેલ કવિ શૈલેન્દ્રના પ્રમાણમાં ઓછા જાણીતા ગીતોના રસાસ્વાદની શ્રેણી ‘ હૈં સબસે મધુર વો ગીત ‘ જેમને રુચેલી એમને આ લેખમાળામાંથી પણ થોડુંઘણું મનગમતું મળી રહેશે એવી આશા છે.
શરૂઆતમાં જ એ ખાતરી આપી દઉં કે લેખમાળાનું શીર્ષક સૂચવે છે તેમ અહીં આપણે માત્ર પહાડી રાગ પર આધારિત ગીતોનો આસ્વાદ માણવાના હોવા છતાં અહીં એ રાગની ઘનિષ્ઠ અને શાસ્ત્રીય છણાવટ કરીને સમગ્ર શ્રુંખલાને ક્લિષ્ટ અને વર્ગ-વિશેષ માટેની બનાવવાનું ટાળીશું. ચાલો ત્યારે.
‘ રાગ ‘ શબ્દ સંસ્કૃત ધાતુ ‘ રંજ ‘ પરથી ઉતરી આવ્યો છે. રંજ એટલે રંગવું. રંજન, મનોરંજન, નિરંજન, વિરંજન વગેરે શબ્દો આ ‘ રંજ’ માંથી વ્યુત્પત્તિ પામ્યા છે. મનને સુરોના રંગોથી રંગે તે રાગ. એ રંગ આનંદ ઉપરાંત ખેદ, વિષાદ, ઉલ્લાસ, ઉજવણી, વિરહ, મિલન, પીડા, સમ્મોહન ગમે તેનો હોઈ શકે.
રાગ પહાડી બચપણથી, કહો કે ભવોભવથી મારી ભીતર વસેલો, વહેતો રહેતો રાગ છે. જે સમયમાં રાગ એટલે શું એની કોઈ ગતાગમ નહોતી અને પહાડી કોઈ રાગનું નામ છે એ સમજ તો બહુ દૂરની વાત હતી ત્યારથી કોઈક અદ્રશ્ય તાંતણે આ રાગથી બંધાઈ ગયેલો. યાદ છે, નાનપણમાં ઘરની લગોલગ આવેલા રબારીવાડામાં રબારી પુરુષો, રાત્રિ બરાબર જામે ત્યારે કોઈ શબ્દોના ઉપયોગ વિના સમૂહ-સ્વરોમાં માતાજીની આરાધના કરતા. આ લખું છું ત્યારે પણ એ સુરો, એ હલક, એ ધ્વનિ અદ્દલોઅદલ ઝેહનમાં ઘૂમરાય છે. કલાકો સુધી એ નિ:શબ્દ સમૂહગાન ચાલતું અને મારા કિશોર મનને કોઈક અનોખી દુનિયામાં તાણી જતું. વર્ષો પછી ખબર પડી કે એ ગાન બહુધા પહાડીમાં રહેતું અને એ કારુણ્ય-સભર આરાધનાને એમની ભાષામાં ‘ સરજૂ ‘ અથવા ‘ આરણિયું ‘ કહેવાય. પહાડી સાથેનો નાતો અહીંથી શરુ થયો અને તે દિ’ની ઘડી ને આજનો દિ’ !
આ લેખમાળામાં આપણે રાગ પહાડીમાં નિબદ્ધ ફિલ્મી, ગૈર-ફિલ્મી ગીતો, ગઝલો, ભજન ઇત્યાદિનો રસાસ્વાદ કરીશું, અલબત મારી પસંદગીના જ પણ ફરી એક ચોખવટ. શાસ્ત્રીય સંગીતનું મારું જ્ઞાન સાવ છીછરું અને ઉપલકિયું છે અને એ અગાધ સાગરમાંથી આચમન-માત્ર લીઘાની ક્ષુદ્ર હેસિયત છે. એક ભાવક તરીકે મને એ રાગ તરફ પક્ષપાત છે. હું સ્વીકારું છું કે ભારતીય સંગીતના અન્ય રાગોનું કાઠું અને કલેવર પહાડી કરતાં સહેજે ઉતરતું નથી. આજે અને હવે પછીના હપ્તાઓમાં જે-જે ગીતોને આવરી લઇશું એ મારી વ્યાજબી સમજણ અનુસાર પહાડી, મિશ્ર પહાડી કે પહાડીની છાંટવાળા છે. એ ગીતો ગુનગુનાવતી વેળા મનના આંગણમાં એવું કંઈક ફરી વળે છે જાણે દૂર પહાડોમાંથી પ્રસરતો સુરોનો ગુંજારવ હોય ! શક્ય છે કે એમાં કોઈક રીતે પહાડીના નિકટવર્તી રાગો જેવા કે ભૂપાલી, કલ્યાણ, દેશકારના સ્વરો ઘુસી ગયા હોય. ફિલ્મ સંગીતમાં એવું હમેશાં બનતું આવ્યું છે માટે નિષ્ણાતો દરગુજર કરે.
સુખ વિષે કોઈક મનીષીએ લખેલું કે તમને ખબર ન હોય કે તમે શા કારણે સુખી છો તો તમે ખરા અર્થમાં સુખી છો ! પ્રેમ વિષે પણ કંઈક એવું જ કે કોઈને ચાહો છો એના કારણની ખબર ન હોય તો એ સાચી ચાહત છે. પહાડી સાથે આપણે આવો નાતો રાખીએ, આ લેખમાળા ચાલે ત્યાં સુધી.
સંગીત અને રાગો આદિકાળથી માણસજાત સાથે સંકળાયેલા છે. સામવેદમાં રાગ-રાગિણીઓનો ઉલ્લેખ છે. જે ભાવ શબ્દોમાં અભિવ્યક્ત ન થઈ શકે એ કાં તો મૌનથી થાય અથવા થાય સંગીતથી. પહાડી રાગની શાસ્ત્રોક્ત પરંતુ ટૂંકી મિમાંસા કરીએ તો એ બિલાવલ થાટનો ઓડવ – સંપૂર્ણ રાગ છે એટલે કે આરોહમાં પાંચ અને અવરોહમાં સાત સ્વર લાગે છે. એ આમ તો સંધ્યા સમયનો રાગ છે પણ કોઈ પણ પ્રહરમાં ગાઈ શકાય છે. આનાથી વધુ વિગતો ઉપલબ્ધ હોવા છતાં જરૂરી નથી સમજતો. હા, આ રાગ થકી વીર, અદ્ભુત અને કરુણ સહિત બધા રસોની નિષ્પત્તિ સંભવ છે.
ફિલ્મ-સંગીત પર આવીએ તો સોથી પણ વધુ રાગ – રાગિણીઓ ઉપલબ્ધ હોવા છતાં હકીકત એ છે કે કુલ ગીતોમાંથી સહેજે અડધા ગીતો માત્ર ત્રણ રાગો – ભૈરવી, યમન કલ્યાણ અને પહાડી – પર આધારિત હશે. ભાગ્યે જ કોઈ એવો સંગીતકાર હશે જેણે પહાડી પર હાથ અજમાવ્યો ન હોય. રવિ અને ખૈયામ જેવા પ્રમાણમાં સરળ રચનાઓ આપનારા સંગીતકારોનો એ અતિપ્રિય રાગ રહ્યો છે અને એમની કેટલીક ફિલ્મોના તો મોટા ભાગના ગીતો પહાડીમાં છે. નૌશાદ, શંકર-જયકિશન, સચિનદેવ બર્મન, ચિત્રગુપ્ત, ઓ.પી. નૈયર, હેમંત કુમાર, મદન મોહન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, સી. રામચંદ્ર, રોશન અને એન. દત્તાથી લઈને શ્યામ સુંદર, હુસ્નલાલ ભગતરામ, વિનોદ અને ગુલામ મોહમદ જેવા ગુણી સંગીતકારોએ આ રાગ પર એક સે બઢકર એક બંદિશો આપી છે. અનુકુળતા અને એકસુત્રતા ખાતર આપણે બને ત્યાં સુધી દરેક હપ્તામાં એક જ સંગીતકારની બબ્બે રચનાઓને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. આગળ ઉપર પરિસ્થિતિ જેમ કરવટ લે તેમ બાંધછોડ પણ.
આજના એપીસોડમાં માત્ર એક જ ગીત અને એ પણ ગૈર-ફિલ્મી.
સાઠનો દાયકો માત્ર ફિલ્મ સંગીતનો જ નહીં, રેડિયોના ચાહકોનો પણ સુવર્ણ-યુગ હતો. ઘરે બુશ કે મરફી કે નેશનલ એકો કંપનીનો રેડિયો હોવો એ પ્રતિષ્ઠાનું ચિહ્ન ગણાતું એટલું જ નહીં, નાના શહેરોમાં ભર-રસ્તે મોટી સાઈઝનો ટ્રાંઝીસ્ટર રેડિયો કાને ચિપકાવીને નીકળવું એ સાહજિક બાબત લેખાતી. ફિલ્મી ગીતોના ચાહકો માટે સૌથી પસંદીદા સ્ટેશન હતું રેડિયો સિલોન. ( એ હજી પણ SLBC નામે સવાર- સાંજ જૂના હિંદી ગીતોનું પ્રસારણ કરે છે પણ હવે એ ગાંડા ભાવકો ક્યાં ! ) રેડિયો સિલોન શોર્ટ વેવ – ૧ પર આવતું અને એ સ્ટેશન ખંત અને ચીવટપૂર્વક ‘ પકડવું ‘ કે ‘ મેળવવું ‘ પડતું અને કઈ ઘડીએ ચાલતું ગીત અસ્પષ્ટ થઈ જાય એનો ભરોસો નહીં ! શોર્ટ વેવના કોઈ પણ સ્ટેશનમાં ગમે ત્યારે આવો વિક્ષેપ થવો સ્વાભાવિક લેખાતું ! રેડિયો સિલોનના બધા જ પ્રોગ્રામ નિયત વાર અને સમયે નિશ્ચિત રહેતા. મજાની વાત એ કે આ દરેક પ્રોગ્રામની એક ઓળખ-ધુન ( SIGNATURE TUNE ) રહેતી. કાર્યક્રમની શરૂઆતમાં કોઈક ખાસ ગીત કે ધુનનો પ્રારંભિક ટુકડો વાગતો અને પછી તુરંત મુખ્ય પ્રોગ્રામ શરુ થતો. શ્રોતા રેડિયોથી આઘો- પાછો હોય તો પણ એ ટુકડા પરથી એને ખબર પડે કે એનો મનપસંદ પ્રોગ્રામ શરુ થઈ રહ્યો છે. આવો એક પ્રોગ્રામ હતો ‘ પસંદ અપની-અપની ખયાલ અપના-અપના ‘ જે કદાચ દર શુક્રવારે સાંજે સાતેક વાગ્યે પ્રસારિત થતો. એમાં કોઈ એક શ્રોતાની પસંદગીના ગીતો વગાડવાનું આયોજન રહેતું અને એના ઓળખ-ગીત તરીકે આપણા આજના ગીતનો મુખડો – ધ્રુવપંક્તિ વાગતી.
ગીતના શબ્દો :
नज़ारों में हो तुम ख़यालों मे हो तुम
नज़र में तुम जिगर में तुम
जहाँ में तुम ही तुम
ओ मेरे सपनों की रानी
उस दिन का है इन्तज़ार
तुम मेरी बाँहों मे होगी
जी भर करूँगा प्यार
नज़ारों में हो तुम …
याद में कितना मज़ा है
दुनिया से हुँ बेख़बर
एक दिन चली आओगी तुम
उलफत में है अगर असर
नज़ारों में हो तुम ….
મન્ના ડે ગાયક તરીકે શું હસ્તી હતા અને એમને કેવળ શાસ્ત્રીય ગીતોના ગાયક તરીકે મૂલવીએ તો કેવડો મોટો અન્યાય થાય એ આપણે સંગીત-પ્રેમીઓ જાણીએ જ છીએ. એમના ગૈર-ફિલ્મી ગીતો, ભજનો અને ગઝલોની એક નાની પરંતુ અલાયદી દુનિયા છે અને પ્રસ્તૂત ગીત એની એક અનોખી મિસાલ છે. માંડ સાડા ત્રણેક મિનિટનું આ તિલિસ્મી ગીત પ્રારંભથી જ એક માયાવી સૃષ્ટિ રચે છે. એના શબ્દો કોઈ મહાન કવિતા નથી. એમાં માત્ર મુગ્ધ પ્રેમ – કદાચ પ્રથમ પ્રેમ – ની વાત છે અને આ ધુન અને એની બાંધણીમાં કશુંક એવું અનિર્વચનીય, અલૌકિક છે કે ગીત શરુ થઈ આગળ વધતું જાય તેમ એના સૌમ્ય પાશમાં આપણે જાણે સ્વેચ્છાએ બંધાતા જઈએ . એ થોડીક મિનિટોમાં, કોઈ દેખીતા કારણ વગર આ ગીત એના ભાવક – શ્રોતાને વિહ્વળ, વિષાદમય બનાવી મૂકે છે. સમગ્ર ગીતમાં સમૂહ સ્વરો નિરંતર વહેતા રહે છે ભાવ-નદીની જેમ અને આપણને એક ગેબી વાતાવરણમાં ઝોલા ખાતા રાખે છે.
ગીતનો ઉપાડ જ કોરસથી થાય છે, પાશ્ચાત્ય વોલ્ટ્ઝ ( WALTZ ) પ્રકારના લયમાં ( અને ભારતીય સંગીતની પરિભાષામાં દાદરા તાલમાં ). હળવા વાયલીન અને હાર્મોનિયમના સ્વરો સંગાથે મન્ના ડે સાવ ચુપકીદીથી, સમૂહ-સ્વરોએ ઊભા કરેલા માહૌલને ખલેલ પહોંચાડ્યા વિના પ્રવેશે છે અને એમના પ્રવેશ પછી પણ એ કોરસનો જાદૂ નેપથ્યે બરકરાર રહે છે.
ગીતનો, પ્રેમની અભિવ્યક્તિનો બીજો અંતરો પૂરો થયા પછી પણ સંગીત અને સમૂહસ્વરો થોભતા નથી ત્યારે આપણને ઇંતેજાર અને ઉત્કંઠા રહે છે કે મંત્રમુગ્ધ અવસ્થાનું આ ઉડ્ડયન ચાલુ જ રહે તો સારું અને અચાનક જ વાધ્યો અને સ્વરો હળવેકથી વિશ્રાંતિ પામે છે. પહાડીના સુરો સંગાથે આપણે કોઈક જાદુઈ જગતમાં લટાર મારીને પાછા આપણા જગતમાં ઉતરાણ કરીએ એવો ભાવ.
ગીતના સરળ શબ્દોના રચયિતા છે ચંદ્રશેખર પાંડે. એમણે આ ઉપરાંત બીજા કેટલાક ગૈર-ફિલ્મી ગીતો અને ૫૦ -૬૦ ના દાયકાની મહાત્મા કબીર, ગવૈયા, લાડલી જેવી ગણતરીની ફિલ્મોના ગણ્યા-ગાંઠ્યા ગીતો લખ્યા હતા.
આ રચનાના સંગીતકાર વિસ્તાસ્પ અરદેશર બલસારા ( ટૂંકમાં વી. બલસારા ) ફિલ્મોના મુખ્ય સંગીતકાર તરીકે પ્રમાણમાં ઓછું જાણીતું પરંતુ વાદક અને વાધ્ય-નિયોજક તરીકે બહુ મોટું નામ. પારસી હોવા છતાં મુંબઈ ઝાઝી સફળતા ન મળતા કોલકતા સ્થાયી થયા અને બંગાળી ગીતોના સ્વર-નિયોજક અને રવિંદ્ર-સંગીતમાં ખાસ્સું કાઠું કાઢ્યું. એકાદ ડઝન હિંદી ફિલ્મોમાં પણ સંગીત પીરસ્યું હોવા છતાં આજીવન ગુમનામીમાં જ રહ્યા ( એમની ‘ વિધ્યાપતિ ‘ ફિલ્મનું લતાએ સળંગ તાર સ્વરમાં ગાયેલું શિવરંજિની રત્ન ‘ મેરે નૈના સાવન ભાદો ‘ કયો સંગીત-રસિયો ભૂલી શકે ? ).
અને છેલ્લે એક રસપ્રદ વાત. ૧૯૫૩ માં મન્ના ડેનું આ સર્વપ્રથમ ગૈર-ફિલ્મી ગીત રેકર્ડ થયું પણ એની પાછળ ‘ પ્રેરણા ‘ રૂપે એક ઐતિહાસિક અમેરિકન લોકગીત છે. વીસમી સદીની શરૂઆતથી અમેરિકન પ્રજામાં ખૂબ લોકપ્રિય એવા આ ગીતના પ્રારંભિક શબ્દો કંઈક આમ છે :
Irene, goodnight
Irene, goodnight
Goodnight Irene
Goodnight Irene
I’ll see you in my dreams
ગીતની અસલ રચના તો છેક ૧૯મી સદીના અંતમાં હડલ લીડબેટર અને જોહ્ન લોમેક્સની બેલડી દ્વારા થઈ હોવાનું કહેવાય છે. એ ગીતના ઇતિહાસ અને ઉત્તરોત્તર અમેરિકન ગાયકો અને ગાયક-મંડળીઓએ કરેલા એના પ્રસ્તૂતિકરણની વિગતોમાં જઈએ તો એક સમૂળગો લેખ પણ ઓછો પડે પરંતુ આપણા માટે એટલું પર્યાપ્ત છે કે આપણા આજના ગીતની પ્રેરણા કે આધાર કે નકલ આ ગીતમાં રહેલા છે કે કેમ એ આપ જ નક્કી કરો. હા, કોઈ પશ્ચિમી ગીતનું આ હદે ‘મૌલિક’ ભારતીયકરણ કરવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે. એક શતાબ્દીથી વધુ સમય-ફલક પર વિસ્તરેલા આ ગીતની અનેક પ્રસ્તૂતિઓ માંહેથી માત્ર Jim Reeves ની અહીં સાંભળીએ :
Jim Reeves ‘ IRENE GOODNIGHT ‘
આ અને આવા અનેક પાશ્ચાત્ય, અમેરિકન, અંગ્રેજી ગીતો પણ આશ્ચર્યજનક રીતે રાગ પહાડી પર આધારિત છે. કદાચ એટલા માટે કે પહાડો પરથી થઈને આવતી સંગીત-લહેરીઓને વળી દેશ કે ખંડના સીમાડા શાના !
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
સંપાદકીય નોંધ:
ભ્ગવાનભાઈ થાવરાણીની રસાળ કલમ દ્વારા રાગ પહાડી પર આધારિત ગીતોનો રસાસ્વાદ આપણે હવે દર મહિને પહેલા અને ત્રીજા શનિવારે માણીશું.
Very good article.full of music.enjoyed.Waiting for 3rd Saturday
Excellent.
Thanks.
Thanks sir !
ખૂબ સરસ માહિતી… ગીત પણ ખૂબ સુંદર અને એટલું જ સરસ વિવેચન…
ધન્યવાદ નાથલાલભાઈ !
ખુબ સરસ !
મન્ના દે નું ગીત તો અદભુત છે જ પણ જીમ રીવ્સ પણ એટલોજ શ્રાવ્ય છે.પાશ્ચાત્ય સંગીત માં પણ ચોક્કસ પહાડી રાગ હોવો જોઈએ !
આવતા હપ્તા ની રાહ આતુરતાપૂર્વક જોવું છું .
ધન્યવાદ ભાઈ !
સાથે રહેજો.
बहुत अच्छी जानकारी, like
धन्यवाद !
Very interesting description of feelings that converts in the words. Hates off
Thanks a lot, virendrabhai !
ગીત માટે નિર્વાહ્ય હોઈ શકે એટલી સરળ અને ભાવવાહી રજૂઆત. રીવ્ઝનું ગાન માણવાની પણ મજા પડી.
ધન્યવાદ રમણિકભાઈ !
જોડે રહેજો.
Simply very enjoyable !!
Songs of Manna Day and Jimmy Reeves are of top class. Looking forward to see next episode.
Thanks Maharshi !
અદભુત
નમસ્કાર !
અદ્ભુત ..આટલું તલસ્પર્શી અને આટલું હૃદય સ્પર્શી લખવા માટે બળુકી કલમ ના ધની આપને સલામ …
ધન્યવાદ બહેન !
Thanks Dilipbhai !
ખૂબ જ સરસ લેખ. લેખની શરૂઆત ખૂબ જ ગમી.તમારી આ રચના મારી ખૂબ જ પ્રિય રચના છે જે બિલકુલ તમારા સ્વભાવનું પ્રતિબિંબ છે એમ હું માનું છું.
અભિનંદન અને શુભેચ્છા.
હાર્દિક ધન્યવાદ કમલેશભાઈ !
વીતેલા ભવની કોઈ ધુન અચાનક અમને જકડી લે
ગુજારી નાખીએ આખો દિવસ એ ગીતના ટેકે
Husna Pahadika started with nice non-filmy song of Manna de. Heard and liked earlier but now enjoyed it with details surrounded it, especially the details of English tune ” Irene, goodnight ” . Raga Pahadi is special in the sense that it always takes you nearer to Nature. Compliments and Thanks.
Thanks a lot Maheshbhai !
બધીજ રીતે સુંદર અને સંગિતમય લેખ – અભિનંદન
ભૈરવી અને યમન જેવી જનમાનસ પર પકડ ધરાવતો રાગ પહાડી જો લેખનો વિષય હોય તો નિશ્ચય જ રસપ્રદ હોવાનો એવા પૂર્વાનુમાન ને યોગ્ય ઠરાવતો આ પ્રવેષક મંત્રમુગ્ધ કરી દે એવા સુંદર ગીત અને એની અંગ્રેજી પ્રેરણા સમાન ગીત ને કારણે વાચકોને વધુ આગળ વાંચવા ઉત્સુક બનાવી દે એ સ્વાભાવિક છે.
બલસારા એમના કેટલાંક ગીતોમાં આવી જ રીતે વિદેશી રચનાઓથી પ્રેરાયા છે એનો વધુ એક દાખલો એમનાં ઉર્દુમિશ્રિત ગુજરાતી ગીત ‘ જાનો જીગરનો મીઠો પ્યાર ‘ માં મળી રહે છે. ડોરીસ ડે ના સુવિખ્યાત ગીત que sera sera જેવા ગીતનો આધાર સ્પષ્ટ રીતે દેખાય છે. એમ છતાં આપણે સ્વીકારવું પડે કે મૂળ રચનાની સુંદરતા વધારીને બલસારાએ અનુસરજન કર્યું છે.
તમારા પ્રતિભાવની ઝંખના પૂરી થઈ.
ધન્યવાદ નરેશભાઈ !