ફિર દેખો યારોં :રાષ્ટ્રપ્રેમ, નાગરિકધર્મ, રાજધર્મ વગેરે….

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. આ હુમલામાં શહીદ થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ તેમ જ તેમના પરિવારજનો માટે આર્થિક સહાયની ઘોષણાઓનાં પૂર ઉમટ્યાં. પ્રમાણમાં વધુ બોલકાં એવાં સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મોતનો મલાજો જાળવવાની, દુશ્મન દેશને બરાબરનો પાઠ ભણાવવાની, સરકારની ટીકા કે તેને કોઈ સૂચન કરવાને બદલે તેને પોતાનું કામ કરવા દેવાની અપીલો સતત થતી રહી. આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રતિક્રિયાઓ આવી જ હોય એ સમજાય એવું છે. અલબત્ત, સામાન્ય પરિસ્થિતિમાં આપણે શી રીતે વર્તીએ છીએ એ વાત પણ થવી જોઈએ.

સૈનિકો અને સૈન્ય માત્ર નાગરિકો માટે જ નહીં, રાજકારણીઓ માટે પણ દેશભક્તિ દર્શાવવાનું સૌથી હાથવગું અને દેખીતું માધ્યમ છે. જાનના જોખમે સીમાનું રખોપું કરનારા સૈનિકો હંમેશાં આદરને પાત્ર બની રહે છે. આનો અર્થ એવો નથી કે સૈનિકની કદર કરવા માટે તેમનું મૃત્યુ થાય ત્યાં સુધી રાહ જોવી. મોતનો મલાજો જાળવવાની વાત પણ જરા કરવા જેવી છે. આપણા સામાજિક જીવનમાં સ્વજનના મૃત્યુની ઘટના એક અનિવાર્ય ઘટના છે. તેમના મૃત્યુના પગલે યોજાતાં બેસણાં, સાદડી કે પ્રાર્થનાસભાઓમાં આપણે મોતનો મલાજો કેવો જાળવતા હોઈએ છીએ એ કંઈ ખાનગી કે કોઈ એક જ સ્થળ યા પ્રસંગવિશેષ પૂરતી વાત નથી. ખરેખર તો એ સગાંસ્નેહીઓનું સ્નેહમિલન બની રહે છે. અન્ય સ્નેહમિલનની જેમ જ આ સ્નેહમિલનમાં કોઈકના ખબરઅંતરની આપ-લે થાય છે, લગ્નોનાં ચોકઠાં ગોઠવાય છે, લફરાંઓ ચર્ચાય છે. ફરક એટલો કે આ બધું શોક પ્રદર્શિત કરવાના ઓઠા હેઠળ, સામાન્યત: શ્વેત વસ્ત્રોમાં અને ગુસપુસ સ્વરે કરવામાં આવે છે. આ વખતે અતિ કરુણ સ્વરે ભજન કે ધૂન રેલાવવામાં આવે છે, જેથી ગુસપુસનો અવાજ ઢંકાયેલો રહે.

મોતના મલાજા પછી દેશપ્રેમની વાત કરીએ તો આપણો દેશપ્રેમ વર્ષમાં બે દિવસ રાષ્ટ્રલક્ષી શુભેચ્છાઓ પાઠવવા પૂરતો જાગ્રત થઈ ઉઠે છે. વ્યવસાય અને ધાર્મિકતાની જેમ જ આપણે રાષ્ટ્રપ્રેમ અને નાગરિકધર્મને અલગ ખાનામાં રાખેલાં છે, અને એ બાબતે આપણા મનમાં પૂરેપૂરી સ્પષ્ટતા છે. આ બાબત આપણા નેતાઓ આપણી પાસેથી શીખ્યા હોય એ શક્યતા વધુ છે. કાયદાકાનૂનની ઈજ્જત કરવી એ રાષ્ટ્રપ્રેમનો જ અંશ છે, પણ કમ સે કમ આ બાબતે ઘણા અંગ્રેજી શાસનના યુગમાં જ જીવે છે અને કાનૂનભંગને પોતાનો હક સમજે છે. અલબત્ત, ફરક એટલો પડ્યો છે કે અંગ્રેજી શાસનમાં ‘સવિનય કાનૂનભંગ’ થતો, જ્યારે હવે ‘અવિનય કાનૂનભંગ’ જોવા મળે છે. આઝાદી મળ્યાનો આટલો ફરક પડે ને! રેડિયો ચાલુ કરતાં વાહનચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરતી સરકારી જાહેરાત આ એકવીસમી સદીમાં પણ દર કલાકે ‘જનહિતમાં જારી’ થતી સાંભળવા મળે ત્યારે આપણા નાગરિકોની ‘સરફરોશી કી તમન્ના’ જોઈને ગૌરવ અનુભવાય.

ફરી ફરી થતી બિમારી જેમ કોઈ નવા રોગ, નવી દવા કે નક્કર કારણના સંશોધન માટેનો માર્ગ બની રહે છે. એ રીતે પ્રત્યેક હુમલો કે પરાજય કોઈ પણ દેશને પોતાની સંરક્ષણ વ્યૂહરચના કે જાસૂસી ખાતાના કાર્યના પુનર્મૂલ્યાંકન માટે મોકો પૂરો પાડતો હોય છે. જે તે સ્તરે સંબંધિત વિભાગો દ્વારા એ યોગ્ય રીતે થતું હશે, તેની વિગતો સુરક્ષાના કારણોસર પ્રસારમાધ્યમોમાં જાહેર કરવાની ન હોય. પણ પરિણામના રૂપે તે જોવા મળે એ અપેક્ષિત હોય છે. તકલીફ એ છે કે નેતાઓ આ મામલાને બિલકુલ શેરીઝઘડાની કક્ષાએ લાવી મૂકે છે. નક્કર પગલાં નહીં, પણ નિવેદનબાજી તેમનું મુખ્ય શસ્ત્ર બની રહે છે. આવી નિવેદનબાજી કે નારાબાજી મનોરંજનથી વિશેષ અસર ઊભી કરી શકતી નથી.

હજી આપણે ભોળાઓ એમ જ માનીએ છીએ કે લગ્નનો વરઘોડો કાઢતાં અગાઉ બે મિનીટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ, વરઘોડામાં દેશભક્તિનાં ગીતો વગાડીએ, કે બળજબરીથી લોકોના કામધંધા બંધ કરાવીને તેમને ફરજિયાત શોક પળાવીએ એમાં આપણો રાષ્ટ્રપ્રેમ સમાઈ જાય છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નિમિત્તે પોતાની હાજરી પૂરાવવાની અને પુરવાર કરવાની રીતસર હોડ જામે, જેમનું કહ્યું કોઈ ઘરમાં પણ સાંભળતું ન હોય એવા લોકો શાંતિની જાહેર અપીલો છપાવવા દોટ મૂકે એ પ્રેરક તો નહીં, પણ મનોરંજક જરૂર બની રહે છે.

ઈન્ટરનેટ યુગમાં અનેક માધ્યમોના આગમન પછી હવે નાગરિકો વધુ બોલકા, પ્રદર્શનવૃત્તિવાળા બની રહ્યા છે. અભિનય તેમની વર્તણૂંકનો જ એક હિસ્સો બની રહ્યો છે. પોતે ક્યાંક બહાર જમવા જાય કે ફરવા જાય એવી સાવ અંગત બાબતોને પણ તેઓ જાહેરમાં મૂકતા થયા છે. આવા માહોલમાં રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન કરવામાં કોઈ પાછીપાની શેની કરે! એ માટેની સૌની રીત પોતપોતાની હોય છે, જે મોટે ભાગે તેમની મનોવૃત્તિને પ્રતિબિંબીત કરે છે. કોઈ સરકારને ભાંડીને, કોઈ સરકારને ભાંડનારને ભાંડીને, તો કોઈ સરકારની જાણબહાર તેનો બારોબાર બચાવ કરીને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી દર્શાવે છે. મોટા ભાગનાઓને મન કાળા અને ધોળાની જેમ સમગ્ર રાષ્ટ્ર બે જ છાવણીઓમાં વહેંચાઈ ગયેલું લાગે છે અને યુદ્ધ આક્રમણખોર દેશ સામે નહીં, પણ આ છાવણીઓ વચ્ચે કાયમી ધોરણે આંતરવિગ્રહની જેમ ચાલતું રહે છે. આવા આંતરવિગ્રહની વ્યૂહરચનાઓ પણ હવે ઘણી જાણીતી બની ગઈ છે.

મુશ્કેલી એક જ છે કે આ બધામાં ધર્મ ક્યાંક ને ક્યાંક દેખા દેતો હશે, પણ નાગરિકધર્મ ક્યાંય શોધ્યો જડતો નથી. નાગરિકધર્મ ગેરહાજર હોય ત્યાં રાજધર્મ હોય એ અપેક્ષા વધુ પડતી છે!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૨-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *