અજબ વનસ્પતિની કેફિયત ગજબ !

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

વનસ્પતિની આપણા માટેની દેણગી બાબતે અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે માનવી તથા લગભગ તમામ અન્ય પ્રાણીઓને જીવનભરનો આહારમાંથી મોટાભાગનો આહાર વનસ્પતિ જગત પૂરો પાડે છે. જે તે હવા અને જમીનમાંથી સૂર્યપ્રકાશના સહારાથી બનાવે છે. પૃથ્વી ઉપર ઉપલબ્ધ બધા જ પ્રકારનો આહાર, ઔષધિઓ અને દવાઓ કે જેના થકી મનુષ્ય તંદુરસ્ત રહી જીવન જીવી શકે છે, તે આપણને આ પ્રકાશ સંષ્લેષણ નામની અદભૂત પ્રક્રિયાના કારણે ઉપલ્બ્ધ બને છે. ચરબી-તેલ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, મીણ – તે તમામ શર્કરા દ્વારા ઉત્પન્ન થાય છે. મનુષ્ય પોતાના “ઘોડિયા” થી શરૂ કરી “કોફિન” સુધી પોતાના આશ્રય, કપડાં,બળતણ અને જરૂરી બધી જ વસ્તુઓ માટે વનસ્પતિ પર જ આધાર રાખવાનો થાય છે.

પ્રાચીન કાળના ભારતીય વેદોમાં આવી વનસ્પતિઓના પ્રદાનનું એક જીવંત દેવતારૂપી સ્વરૂપનું ગાન કરાયું છે. પરંતુ પછીનો લાંબો સમય તેને એક ભૌતિક જડ પદાર્થ મનાયા કર્યો હતો. તે પછી સર્વ પ્રથમ વનસ્પતિમાં પણ આપણા જ જેવો જીવ અને પ્રાથમિક લાગણીઓ હોવાનું સિદ્ધ કરી આપનાર આધુનિક વૈજ્ઞાનિક ઋષિ મનીષી શ્રી જગદીશચંદ્ર બોઝ હતા. આ બધા પછી પણ આપણે ક્યારેય ઘડી બે ઘડી નિરાંતવો ગાળો લઈ છોડવા-ઝાડવા-વેલાની નજદીક જઈ, એની પવનમાં જૂલતી ડાળીઓ, હવામાં ફરફરતાં એનાં પાંદડાં, અરે ! એ પાન ઉપર ઝીલાતો સૂર્યપ્રકાશ, પાનના બદલાતા રંગો, ફૂલોમાંથી મહોરતી મંદ મંદ સુગંધ, અને એના પર લટ્ટુ બનેલાં રંગબેરંગી પતંગિયાની હરફર ! વગેરે હરકતો ધ્યાનથી નિરખવા અને જોવા-સમજવાની તસ્દી લીધી છે ક્યારેય ?

શું ? વનસ્પતિમાં બુદ્ધિ હોય ?

અમારા ઘરના આંગણાંમાં “લજામણી” નો એક છોડવો છે. આપણે એના પાંદડાને જરાક અમસ્થું અડકીએ કે તરત જ એનાં પાંદડાં બધાં સંકેલાઇ જઈ ભેળાં થઈ જાય એ તો ઠીક, પણ તેની એ પાંદડાવાળી આખી તીરખી નીચેની બાજુ એવી રીતે ઢળી કે આપણને એમ થઈ જાય કે અરે અરે ! આ શું થઈ ગયું ? મેં એનું બરાબર નિરીક્ષણ કરી ધ્યાન રાખ્યું છે કે જ્યારે કોઇ કીડા-મકોડા કે કીટક તેના પર ચડે ત્યારે તરત જ તેની ડાળી વળી જાય છે અને પાંદડાં સંકોડાઇ જાય છે, એટલે હુમલાખોર મોટેભાગે તો નીચે પડી જાય છે, અગર તો લજામણીના આવા અણધાર્યા હલનચલનથી ડરી જઈ નીચે ઉતરી જાય છે. દુશ્મનોથી બચવા તેને કેવી તરકીબ આવડે છે, તમે જ કહો ! અને મેં બરાબર ધ્યાન રાખીને એ પણ જોયું છે કે થોડા સમય પછી જ્યારે એને લાગે કે હુમલો કરનાર દૂર હટી ગયું છે, જોખમ ટળી ગયું છે, ત્યારે તીરખી ટટ્ટાર કરી દઈ, પાંદડાં ખુલ્લાં કરીવાળી પૂર્ણ રીતે ખીલી ઊઠે છે. લજામણીના આવા વર્તન ઉપરથી એવું સો ટકા સિદ્ધ થઈ શકે છે કે વનસ્પતિના છોડવા જ્ઞાનેંદ્રીય ધરાવવા ઉપરાંત બુદ્ધિ પણ ધરાવે છે. તમે જુઓ ! સુર્યમુખીના છોડવાના પૂર્વ દિશા તરફ મોઢું રાખી ખીલતાં ફૂલ પણ આ જ વાતની શાખ પૂરે છેને ?

મારે પૂછવું છે કે રાત દિવસ હું અને તમે – આપણે સૌ ખેડૂતોએ આ વનસ્પતિની જ વચ્ચે વસીને રોટલો રળવાની મહેનત આદરી છે કે તેને ક્યુ ખાતર કેટલા પ્રમાણમાં દેવું ? પિયત કેટલું અને ક્યારે આપવું ? અને છોડવો માંદો પડે કે એને કોઇ જીવડાં કનડે ત્યારે કેવાં કેવાં ઝેર છાંટવાં ? આવી બે ચાર મુખ્ય મુખ્ય બાબતોનો પણ પૂરો અને સાચો ખ્યાલ ન હોય ત્યાં આ વનસ્પતિ એટલે એ છે કોણ ? તેની કેવી કેવી તાકાત છે ? અને એને જરૂરિયાત ઊભી થયે તે કેવી વિશિષ્ઠ ત્રેવડ દેખાડી શકે છે ? અરે ! કપરા સંજોગોમાં પણ આપણા માટે થઈને ટકી રહેવા કેવી રીતે મોત સામે ઝઝુમતી રહે છે ? અને કહોને તેની કેવી રહસ્યમયી જિંદગી છે તેની ઊંડી ઓળખ-ખરો પરિચય પામવાની મહેનત લીધી છે ક્યારેય ?

આપણા ખેડૂતોનો વ્યવસાય એટલે “ખેતી”.અને આ ખેતી વ્યવસાય ભાઇઓ વનસ્પતિના કંધોલે બેઠેલો હોઇ, એના વિષે જેટલી ઊંડી સમજણ હોય એટલા એની ગોવાળી કરવામાં વધુ વ્યવસ્થિત થઈ શકીએ. અને પરિણામે આપણા ખેતીપાકો પણ આપણા તરફથી કરાયેલ સેવા-ચાકરીનો એટલો જ ઉત્તમ અને સવાયો બદલો વાળી શકે હો મિત્રો !

શું આપણે એવું ક્યારેય વિચાર્યું છે ?

શું આપણે એવું ક્યારેય વિચાર્યું છે કે આપણી વાડીનાં ઝાડવાં ઉગમણી દિશા તરફ જ કેમ વધુ નમેલાં અને વધુ વિકસેલાં જોવા મળે છે ? કારણ છે એનું મિત્રો, કે ઝાડવાંઓને બરાબરની ખબર છે કે આથમણી દિશા તરફથી તો મોટાભાગે સખત પવનના આંચકા અને ઉનાળા વખતે ગરમાગરમ લૂ નો જ મારો સહેવાનો હોય એ બાજુ જવાથી શું મળે ? જે દિશા તરફથી જીવનદાતા એવા કુણા કુણા સૂર્યપ્રકાશને પેટભરીને પી લેવાની શરૂઆત જ્યાંથી થવાની હોય એ બાજુ જ આગળ ફેલાવાય ને !

શું ? છોડવાઓ દેખી શકતા હશે ?

વનસ્પતિ વિજ્ઞાની ફ્રાંસના મત મુજબ પાંદનું ધ્રુજવું, ડાળીનું વળવું અને મૂળનું આગળ વધવું જેવા કેટલાય પ્રકારના હલનચલનમાં છોડવાઓ સતત રોકાયેલા જ હોય છે. ખરું કહીએ તો કોઇ પણ વનસ્પતિ હલનચલન વગરની હોતી જ નથી. તમે જોજો ! અમૂક વેલાઓને આગળના ભાગે લાગેલા તંતુઓના અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે તેની આસપાસની એક ફૂટની ત્રિજ્યાના વર્તુળમાં તે અંદાજે 60-70 મિનિટ સુધી આધાર શોધવા ફરે છે, અને જ્યારે આવો કોઇ આધાર મળી જાય ત્યારે ફક્ત અર્ધી-પોણી મિનિટમાં જ તેની ફરતે ગોળ ગોળ વિંટળાઇ જાય છે. અને એકાદ કલાકમાં તો એવી સજ્જડ રીતે ચોટી જાય છે કે તેને તોડીને છુટું પાડવાનું પણ મૂશ્કેલ પડે છે. ઊંચે ચડતી વેલીને આધારની જરૂર પડતી હોવાથી તે સૌથી નજદીકના આધાર તરફ સરકતી હોય છે, ક્યારેક અખતરો કરી જોજો ! એ આધારને ખસેડી લેજો અને પછી નિરખજો કે હવે શું થાય છે ? બસ, થોડા કલાકોમાં જ તમે જોઇ શકશો કે તેની સરકવાની દિશા બદલી ગયેલી હશે ! એટલે આપણને સહેજે પ્રશ્ન થવાનો કે છોડવાને આપણી જેમ જોવા માટેની આંખો તો નથી, છતાં શું છોડવાઓ થોડે છેટે મળી શકનાર આધારને જોઇ શકતા હશે ? અગરતો અનુભવી શકતા હશે ? હા, આવો કોઇ આધાર ન હોય એ દિશાને તે નજર અંદાજ કરે છે, એ જ એનો પૂરાવો છે કે છોડવા તેની આંત;ચક્ષુથી જોયા-તપાસ્યા પછી જ કઈ બાજુ આગળ વધવું તેનો નિર્ણય લેતા ભળાય છે.

શું ? વનસ્પતિ એકબીજા સાથે સંવાદ કરી શકે ?

લાંપડાથી માંડી વડલા સુધીની વનસ્પતિઓનાં રસોડાં ભલે એનાં પાંદડાં ગણાય, પણ ધરતીમાંથી જમીનરસ ચૂસનારાં તો એના આધારમૂળને છેડે લાગેલાં તંતુમૂળો જ ગણાયને ? અત્યાર સુધીમાં કોઇએ વૃક્ષના મૂળની ગણતરી કરેલ નથી. પરંતુ “રાય” [એક પ્રકારની વનસ્પતિ] નાં મૂળિયાંની ગણતરી કરતાં એવું અંદાજવામાં આવ્યું છે કે આ છોડને 130 લાખ જેટલાં તંતુમૂળો છે. જેની સમગ્ર લંબાઇ 300 માઇલ જેટલી હશે, અને તંતુમૂળોની ઉપર પાછા સુક્ષ્મવાળ હોય છે, જેની સંખ્યા અંદાજે 14000 લાખ અને લંબાઇ માઇલોના માઈલો જેટલી-એટલે કે અંદાજે પૃથ્વીના એક-ઉત્તર ધ્રુવથી બીજા – દક્ષિણધ્રુવ સુધીની હશે.

વનસ્પતિ જગતની અજાયબી બાબતેના થયેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે મૂળિયાને છેડે આવેલા તંતુમૂળો પાતળા દોરાના સ્વરૂપે જમીનમાં સતત આગળ વધતા હોય છે ત્યારે જમીનમાં આસપાસ અને ઊંડે ઊતરી જમીનનો આસ્વાદ માણતા હોય છે, અને પોતાને ભાવતો સ્વાદ ભાળી જાય તો ઓર જોર લગાવી ચૂસવા લાગી જાય છે. આગળ વધતાં જો જમીન સુકી આવી જાય તો ત્યાં આગળ વધવાનું બંધ રાખી, જે બાજુ ભેજ ભળાતો હોય તે બાજુ આગળ વધવાનું શરૂ કરે છે. આગળ જણાવતાં સંશોધન તો એમ કહે છે કે પાણી વગર પીડાતું વૃક્ષ પાડોશી છોડને ઓછા પાણીએ જીવવાની તૈયારી કરવાનો સંકેત આપવાની પણ આ મૂળિયાં ક્ષમતા ધરાવે છે બોલો ! આના ઉપરથી એ વાત પણ સિદ્ધ થાય છે ને કે છોડવા એકબીજાની સાથે સંવાદ પણ કરી શકે છે.

વનસ્પતિ ગંધ-સુગંધ સુંઘી પણ શકે ?

અરે ! તેલઅવિવ યુનિવર્સિટીમાના સેંટર ફોર બાયોસાન્સીસના ડિરેક્ટર ડેનિયલનું તો એવું કહેવાનું છે કે છોડવા જોઇ-સુંઘી અને અનુભૂતિ પણ કરી શકે છે અને જોખમી સ્થિતિમાં પોતાનો બચાવ કરવાની પણ મહેનત કરે છે, અને આગળ કહીએ તો વનસ્પતિ યાદશક્તિ પણ ધરાવે છે, ઉપરાંત પાડોશી છોડ કે ઝાડને ચેતવણી પણ આપે છે.

તમે ક્યારેક આ પ્રયોગ કરી જોજો ! એક પાકેલા ફળને બીજા વનપક ફળો સાથે મૂકી જોજો ! કાચા ફળોના સહવાસમાં પાકું ફળ મૂકવાથી કાચાફળો જલ્દીથી પાકી જશે ! કારણ કે પાકેલા ફળમાંથી ઇથેલીન હોર્મોન છુટું પડે છે અને જેની ગંધ બાજુમાં રહેલાં કાચાં ફળો સૂંઘે છે, અને તેમાં પણ પાકવાની ક્રિયા શરૂ થઈ જાય છે. એનો અર્થ બસ એવો જ થયોને કે વનસ્પતિ આસપાસમાં પ્રસરતી ગંધ-સુગંધ સુંઘી પણ શકે છે. સંગ સદગુણોનો કરવો એવી માણસોને ઓછી, એને પૂરી ખબર છે.

સંવેદનાની અનુભૂતિ અને સાંભળવાનો પ્રતિસાદ :

પ્રયોગો ઉપરથી માલુમ પડેલ છે કે આપણા કાનને અશ્રાવ્ય એવા અવાજ અને આપણી દ્રષ્ટિને ન દેખાય તેવા રંગોને ઓળખી શકવા વનસ્પતિ શક્તિમાન છે. અમેરિકાના એક વૈજ્ઞાનિકે “બેકસ્ટરે પોલીગ્રાફલાઈ ડિરેક્ટર” નામના સાધનનો ઉપયોગ કરી તેના છેડા અમૂક ચોક્કસ છોડનાં પાંદડાંઓ સાથે જોડીને તે છોડવાના અન્ય પાંદડાંને શરૂઆતમાં પાણીમાં ઉકાળવાનો અને ત્યારબાદ પાંદડાંને બાળવાનો પ્રયોગ કરતાં આ છોડવે ચોક્કસ પ્રકારની સંવેદનાનું દર્શન કરાવેલું અને એ સિદ્ધ થયેલું કે છોડવાઓને ચોક્કસ પ્રકારની સંવેદના હોય છે.

આપ સૌને જાણ હશે જ કે આજના વિકસતા વિજ્ઞાનની ભેર લઈ કેટલીક આદર્શ ગૌશાળાઓમાં જેમ દૂધ-દોહન સમયે સુમધુર સંગીત સંભળાવી, ગાયોને સંગીતના સૂરમાં તર બ તર કરી, તેની પ્રસન્નતાનો લાભ દૂધઉત્પાદન બાબતે લેવાઇ રહ્યો છે બસ, એ જ રીતે એક એવું અનુમાન વનસ્પતિ વિજ્ઞાનીઓએ લગાવ્યું છે કે રૂમમાં રહેલા છોડને શાસ્ત્રીય સંગીત સંભળાવવામાં આવે તો તેની વધવાની ગતિમાં ઝડપ આવી શકે છે. વનસ્પતિ અવાજ અને કંપનનો પ્રતિસાદ આપે છે. બેંગલોરની યોગા ઇંસ્ટીટ્યુટે જણાવ્યું છે કે શ્લોક સંભળાવતા ઘઉંનો પાક ઝડપથી વૃદ્ધિ પામે છે.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

2 comments for “અજબ વનસ્પતિની કેફિયત ગજબ !

  1. Purvi
    March 4, 2019 at 3:04 am

    Bahu j saras lekh che.

  2. નિરંજન બુચ
    March 28, 2019 at 5:05 am

    આપનો અભ્યાસુ લેખ સતત વાંચવા પ્રેરે છે , ખુબ જ જ્ઞાનવરધક , લેખ ગુજરાત ની શાન છે , આપને વંદન ને આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *