વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – એક્સપ્લોરીંગ ધ ડેન્જરસ ટ્રેડ :: એલીસ હેમિલ્ટનની આત્મકથા

Facebooktwitterredditpinterestlinkedinmail

જગદીશ પટેલ

અમેરિકાના વ્યવસાયિક આરોગ્ય વિષયમાં સંશોધનની પહેલ કરનારા પાયોનીયર ડોક્ટર એલિસ હેમિલ્ટનની ૧૯૪૩માં પ્રગટ થયેલી આત્મકથાની આ વાત છે. ૧૮૬૯માં એટલે કે મહાત્મા ગાંધીના જન્મવર્ષમાં જન્મેલા એલિસ 101 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી 1970માં અવસાન પામ્યા. 1985માં આત્મકથાની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. એલિસનું નામ તો ઘણું સાંભળ્યું હતું પણ એમના વિશે વાંચવાનો ખાસ મોકો મળ્યો ન હતો. 2007 માં અમેરિકાની યાત્રા સમયે વોશિંગ્ટનમાં સર્વિસ એમ્પ્લોઇઝ ઇન્ટરનેશનલ યુનિયન (એસ.ઈ.આઈ.યુ.) ના કાર્યાલયમાં તેમના વ્યવસાયિક આરોગ્ય વિભાગના વડા માર્ક કેટલીનને મળવા ગયો ત્યારે એલિસ હેમિલ્ટન1નું નામ ઉછળ્યું અને મેં અફસોસ વ્યક્ત કર્યો કે મેં હજુ સુધી એમના વિશે કોઇ પુસ્તક વાંચ્યું નથી. ભલા માર્કે તુરત જ ઉભા થઇ કબાટમાંથી આ પુસ્તક કાઢ્યું અને હસ્તાક્ષર આંકી મને પ્રેમપૂર્વક ભેટ આપ્યું. મારી યાત્રા સાર્થક થઇ.

clip_image002427 પાનામાં પથરાયેલા પુસ્તક માટે “અદભુત” સિવાય બીજો કોઈ યોગ્ય શબ્દ નથી મળતો. ચરિત્રો કરતા આત્મકથાઓ એ મને હંમેશા આકર્ષ્યો છે. ચરિત્રકારો જે તે ચરિત્રનું મહિમા મંડન કરવા ઘણું આરોપણ કરતા હોય છે. તેવા આરોપણથી આત્મકથાઓ મુક્ત હોય છે.

ખેર! એલિસની આત્મકથા આપણને અમેરિકાના સમગ્ર સમાજ, રાજકારણ અને ઇતિહાસની ગલીઓમાં લઈ જાય છે. લેખિકા પોતે જ જણાવે છે તેમ, “જોખમી વ્યવસાયોમાં કામદારોનું રક્ષણ આ પુસ્તકનો મુખ્ય, પણ એક માત્ર વિષય નથી.” (પૃષ્ઠ 16) એનો સંક્ષિપ્ત અનુવાદ પણ ઉપલબ્ધ થાય તો ગુજરાતી ભાશિકોની સમૃદ્ધિવધે. બીજા વિશ્વ યુદ્ધના દિવસોમાં (1933 અને 1938) લેખિકાને આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવાનું બને છે ત્યારની જર્મન પ્રજાની માનસિકતા, જર્મન યહૂદીઓની યાતના, વિગેરે નું વર્ણન આપણને હચમચાવી દે છે. જર્મન વિદ્વાનો પણ યહૂદીઓ પરના અત્યાચારોને ટેકો કરતા તે વાંચીને આપણી વર્તમાન સામાજિક સ્થિતિ સાથે સરખામણી થઈ જાય છે.

જેન એડમ્સે શિકાગોમાં સ્થાપેલા હાલ હાઉસમાં પોતે રહ્યા તે કારણે શ્રમિકોના આરોગ્યનું કામ પોતે ઉપાડ્યું એમ લેખિકા કબૂલ કરે છે. આ એ સમય હતો જ્યારે અમેરિકાના મધ્યમ અને ઉચ્ચ વર્ગને ગરીબોના જીવનમાં રસ પડવો શરૂ થયો હતો.

પંદર-સોળ વર્ષની વયે તેમણે તબીબ બનવાનું નક્કી કરેલું. 1893માં મિશિગન વિદ્યાપીઠમાંથી તબીબી સ્નાતક થયા. પછી જર્મની જઈ પેથોલોજી અને બેક્ટેરિયલોજીમાં અનુસ્નાતક થયા. 1919માં હાર્વર્ડ યુનિવર્સિટીના પહેલાં મહિલા અધ્યાપક બન્યા અને તે પણ પોતાની શરતે.

છેક ચાલીસની વયે, 1910માં એમની વ્યવસાયિક આરોગ્યના ક્ષેત્રમાં કારકિર્દી શરૂ થઈ. પહેલાં ક્યારેય કોઈ અમેરિકને કર્યું ન હોય એવા કામની શરૂઆત એમણે કરી. સીસાની ઝેરી અસરોની ઇલિનોઇસ રાજ્યમાંથી બૂમ ઉઠી તેની તપાસ કરવાનું તેમણે માથે લીધું. કોઈ સાધનો પણ નહિ, અનુભવ પણ નહી અને એ અંગે કોઈ સાહિત્ય પણ નહીં. અલબત યુરોપમાં આ વિષયનું ઘણું ખેડાણ થઈ ચૂકેલું, પણ અમેરિકામાં બિલકુલ નહીં. “આ વિષય અંગે અજ્ઞાન અને ઉદાસીનતા માત્ર તબીબો પૂરતા જ સીમિત ન હતા. માલિકો અને કામદારોના પણ એ જ હાલ હતા. કામદારોના આરોગ્ય માટે માલિકોને કોઈ જવાબદાર ઠેરવતું ન હતું એટલે એ લોકો આંખો મીચી રાખતા અને કામદારો તો પોતે ગરીબ છે એટલે આપણા નસીબમાં આ ભોગવવાનું જ છે તેમ સમજી સ્થિતિનો સ્વીકાર કરી લેતા.” (પૃષ્ઠ 4)

સુશાસનહીનતાના એ દિવસો યાદ કરતાં લેખિકા કહે છે કે સીસાના એક ઉત્પાદકે પોતાને એમ પૂછેલું કે મારા કામદારો જો સીસાની ઝેરી અસરનો ભોગ બનતા હોય તો તે માટે હું શી રીતે જવાબદાર ઠરું? હલ હાઉસમાં મુલાકાતે આવેલ હંગેરિયન મહિલાએ પોતાનો અનુભવ વર્ણવતા કહેલું કે એના પતિને એક સ્ટીલ મિલમાં અકસ્માત થયો હતો ત્યાર પછી સારવાર માટે એને એક હોસ્પિટલમાં દાખલ કરેલો જ્યાં કોઈને પણ મળવાની છૂટ અપાતી ન હતી. એની પત્નીને પણ નહીં. એ જમાનામાં હજુ કામદાર વળતર માટેના કાયદા પણ થયા ન હતા. કામદારે આ જોખમ સ્વીકારેલ હતું તેમ સમજીને તેને માટે માલિક જવાબદાર હોતા નથી એવી દલીલ હેઠળ નુકસાની ચૂકવવામાં આવતી ન હતી. આ અમેરિકાની 1910ની વાત છે. એ દિવસોમાં અમેરિકામાં માલિકો સારવાર તો પોતાને ખર્ચે આપતા પણ 2018માં ભારતમાં હજુ કેટલાય કામદારો એવા જ કે જેમને વળતર તો ઠીક સારવાર પણ પોતાને ખર્ચે કરાવવી પડે છે. અકસ્માતનો ભોગ બનેલ કામદાર પોતે કેવો બેદરકાર હતો તેની વાત આગળ કરાય. તે દારૂ પીવે છે માટે બીમાર પડે છે, અમારો કોઈ વાંક નથી વિગેરે જે દલીલો માલિકો ત્યાં એ સમયમાં કરતા તેની પણ વાત છે. ૧૯૨૨ સુધી તો કામદાર પાસે બાર બાર કલાક સાતેય દિવસ કામ કરાવાતું, વેતન પણ ઓછામાં ઓછું ચૂકવતા. જયારે કામદારોએ માથુ ઉંચકવાનું શરૂ કર્યું ત્યારે બળપૂર્વક તેમને કચડી નાખવા માટે શું થતું તેની વાત પણ કરવામાં આવી છે, સ્થળાંતરિત કામદારો સસ્તા પડતા અને તેઓ વધુ આજ્ઞાંકિત હતા તેથી તેમને કામે રાખવાનું વધુ પસંદ કરાતું. પણ એ અકસ્માતનો કે વ્યવસાયિક રોગનો ભોગ બને તો માલિકો તમામ જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખતાં. સૌથી વધુ વધુ જોખમી, ભારે અને ગરમ કામ કરતા. ખાણો, પોલાદના કારખાના કે બાંધકામના કામમાં જે માર્યા જતાં તે સ્થળાંતરિત કામદારો જ હતા. પરદેશથી અમેરિકા કામ કરવા આવનારાઓનો ધસારો ચાલુ જ હતો તેથી મજૂરોની ખોટ પડતી નહીં. આપણે ત્યાં આજે આ જ સ્થિતિ છે.

સીસાની ઝેરી અસરોના અભ્યાસ સમયે શિકાગો અને તેની આસપાસના વિસ્તારમાં નેશનલ લેડ કંપનીના વ્હાઈટ લેડ અને લેડ ઓક્સાઇડના ઘણા પ્લાન્ટ હતા. એલિસે આ કારખાનાઓની મુલાકાત લીધી અને ત્યાંની બિનસલામત પરિસ્થિતિથી ઘવાયાં. કંપનીના તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ અને પછીથી પ્રેસિડન્ટ બનનાર એડવર્ડ કોર્નિશ શિકાગોના પ્લાન્ટમાં આવ્યા ત્યારે એલીસ તેમને મળવા ગયા અને પોતે જે જોયું હતું તેનું બયાન કર્યું. એડવર્ડ ખૂબ ગુસ્સે થઈ ગયા અને રસ્તે જતાં તેમના કામદારને બોલાવી ઘાંટા પાડી પૂછવા માંડ્યા કે તમે માંદા પડ્યા છો? વારાફરતી ત્રણ ચાર કામદાર ને બોલાવી પૂછ્યું. બધા પરદેશી મજૂરો હતા. બધા ગભરાઈ ગયા અને પોતે સાજા નરવા છે તેમ કહ્યું. એડવર્ડ હવે એલિસને કહેવા લાગ્યા કે, “જુઓ આ બધા શું કહે છે!” એલિસે તુરત જ કહ્યું કે, “હું આ માનતી નથી. મેં જોયું છે કે આ કામદારો વ્હાઇટ લેડ, રેડ લેડ, લીથાર્જ શ્વાસમાં લે છે અને ઓક્સાઈડ ફર્નેસના ધુમાડા પણ તેમને શ્વાસમાં જાય છે. એ લોકો બીજા માણસ જેવા માણસ છે. બીજા માટે જે ઝેર છે એ તેમને માટે પણ ઝેર જ હોય.” આવી બેધડક વાત સાંભળી એડવર્ડ સડક થઈ ગયો અને કહ્યું કે તમે પુરાવા લાવો તો હું વચન આપું છું કે તમારી તમામ સૂચનાઓનું પાલન કરીશ. એલીસે પડકાર ઝીલી લીધો. પુરાવા લાવવાનું સહેલું નહોતું. કારણ ન કારખાનામાં, ન હોસ્પિટલમાં રેકોર્ડ વ્યવસ્થિત હોય. ઘણી મહેનતને અંતે એલીસે એવા 22 કામદારો શોધી કાઢ્યા જેમને સીસાની ઝેરી અસર થઇ હોય અને સારવારની જરૂર હોય. એડવર્ડે વચન પાળ્યું અને તેના તમામ પ્લાન્ટમાં ભારે સુધારા કર્યા. પછીથી એલિસના સૂચનથી દરેક પ્લાન્ટમાં તબીબોની નિમણુક પણ કરી. એલીસ કહે છે, “32 વર્ષની કારકિર્દીમાં હું અનેક સારા માણસોને મળી પણ મને સૌથી વધુ માન તો એડવર્ડ કોર્નિશ માટે જ રહ્યું છે.”( પૃષ્ઠ 10)

એલિસનો અહેવાલ પ્રકાશિત થયો તે પછી ૧૯૧૧માં રોગોનો ભોગ બનેલા કામદારોને વળતર મળે તે માટે કાયદો ઘડ્યો. ૧૯૩૮ સુધીમાં અમેરિકાના લગભગ તમામ રાજ્યોએ આવો કાયદો ઘડી કાઢ્યો. એ અભ્યાસ પછી એમને ફેડરલ સર્વેનું કામ સોંપાયું. સિરામિક કારખાનાઓમાં એનેમલનું કામ કરનારા કામદારોમાં પણ તેમને સીસાની ઝેરી અસર જોવા મળી. બીમાર પડ્યા પછી બિમાર પડેલા કામદારો પોતાના દેશમાં ચાલ્યા જતા તેથી તપાસ થઇ જ ન શકે. આપણે ત્યાં આજે પણ સ્થળાંતરિત કામદારોમાં આવું જ જોવા મળે છે. ૧૭ વર્ષ પછી તેઓ ફરીથી આ જ કારખાનામાં સર્વે માટે ગયા ત્યારે – ૧૯૨૯માં- સીસાની ઝેરી અસર મોટું જોખમ રહ્યું ન હતું. પણ સિલિકોસિસ મોટા જોખમ તરીકે જોવા મળ્યું હતું.

મિસુરી રાજ્યના જોપલીન ગામમાં સીસાની ફેક્ટરીના માલિક તેમને આગ્રહ કરીને નિરીક્ષણ માટે બોલાવતા હતા. બહેન પહેલાં ગામમાં ગયા અને ગામ જોયું, લોકોને મળ્યા. લોકો તમને ઓળખી ગયા કે તમે તો પેલા વોશિંગ્ટનવાળા બહેનને ! બહેનને નવાઈ લાગી. ગામમાં બધા જ જાણતા હતા કે કોઈ બેન આવવાના છે. કારખાનાવાળા તેમના સ્વાગતની કેવી તૈયારી કરી રહ્યા છે તેની વાતો તેમણે ગામ લોકો પાસેથી સાંભળી. માલિકે બીમાર કામદારો શોધીને તેમને સૂચના આપી હતી કે થોડા દિવસ આવવું નહીં. વળી પ્લાન્ટને ઉતાવળે સાફ કરાવેલો એટલે બેન સમજી ગયા કે પોતાને સાચું ચિત્ર તો જોવા મળવાનું જ નથી. બીજા દિવસે સવારે કારખાનામાં ગયા અને માલિકોને મળીને જણાવ્યું કે તમે જે સફાઇ કરી છે તેમ હંમેશા જાળવો તો ખરા. પોતાને મળેલી માહિતીની વાત કરી અને કહ્યું કે મારા અહેવાલમાં આ બધાનો હું ઉલ્લેખ કરીશ. માલિકો શરમાયા. તેમણે સત્ય હકીકત જણાવવાનું વચન આપ્યું. ૬૨.૫% કામદારોને ઝેરી અસર થઇ હોવાનું જાણવા મળ્યું. 128 કામદારોને અસર થઈ હતી તેમાંથી ત્રણના તો મૃત્યુ થઈ ચૂક્યા હતા.

પહેલા વિશ્વયુદ્ધ સમયે ધડાકા-ભડાકા માટેના રસાયણોની માગ વધી ગઈ હતી. પીકરીક એસીડ, ડાયનાઈટ્રોબેન્ઝોલ,નાઈટ્રોગ્લીસરીન, ટીએનટી, ગન પાવડર વિગેરે રસાયણોનું ઉત્પાદન એક્દમ જ વધી ગયું હતું. એલિસને એની તપાસનું કામ સોપાયું. પણ ઉત્પાદકો કોણ છે અને ક્યાં છે તેની માહિતી કોઈ આપતું ન હતું. લશ્કર પણ આપતું ન હતું. આછી પાતળી માહિતી હતી ત્યાંથી શરૂ કર્યું. પછી તો કારખાના પોતે જ ચાડી ખાતાં. ચીમનીના કથ્થાઈ ધુમાડાથી ખબર પડી જતી કે અહીં નાઈટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે. આ કારખાનાઓમાં કામ કરતા કામદારો એવા રંગાયેલા હોય કે જોતાંવેંત ખબર પડી જાય. આવા કામદારો રસ્તે જતા દેખાય જાય તો પણ ખબર પડી જતી કે આટલા વિસ્તારમાં કારખાનું હોવું જોઈએ. ન્યુ જર્સીના એક નાના રેલ્વે સ્ટેશન પર મળેલા બે કામદારોએ આપેલી માહિતી કેવી ઉપયોગી નીવડી વિગેરે પ્રસંગો વર્ણવ્યા છે. કામદારો ઝેરી કમળાથી અને એપ્લાસ્ટિક એનિમિયાને કારણે મૃત્યુ પામતા. માલિકોની ઉદ્ધતાઈ અને યુનિયનના સભ્ય ન હોય તેવા કામદારો પ્રત્યેના યુનિયનના તિરસ્કારને પાર નીકળી તપાસ કરવાનું કામ કેવું દુષ્કર છે તે તેમને સમજાયું.

ગ્રેનાઇટ અને માર્બલના પથ્થર કાપનારા કામદારોમાં રજ ને કારણે ફેફસાંના રોગો જોવા મળ્યા. રજ ઓછી કરવાના કામમાં ત્રીસ વર્ષ નીકળી ગયાનું તે નોધે છે. (પૃષ્ઠ 201) આ કામમાં ધ્રુજારીને કારણે આંગળાં બહેરાશ મારી જતાં હોવાની ફરિયાદો તેમને મળી. આંતરિક વેરઝેર, વેતન અને કામના સમય માટેના ઝઘડા, યુનિયનના ડખા અને તબીબોની વર્ગ ચેતનાને કારણે સત્ય ડહોળાઈ જતું હોવાના તેમને અનુભવ થયા.

વર્મોન્ટમાં ગ્રેનાઇટ કાપનારા કામદારોને સિલિકોસિસ વિશે કશી માહિતી તે સમયે ન હતી. પણ બરેમાં એક કામદારે એમ જણાવ્યું કે, “મને ચોક્કસ ખાતરી છે કે મારો ભોગ લેવાશે. મારા બાપાને થયું, મોટા ભાઈને પણ થયું. મને પણ થશે જ. સવાલ ફક્ત સમયનો છે….” એ કામદારો કબરના પથ્થર બનાવતા હતા અને સાથે જ પોતાના મોતનો પણ. આપણને ખંભાતના અકીક કામદાર યાદ આવ્યા વગર ન રહે. દુઃખી થયેલા એલીસે એક સભામાં શ્રોતાઓને અપીલ કરી કે તમે તમારા મૃત્યુ પછી કબર પર ગ્રેનાઇટ મુકાવવાનો આગ્રહ ન રાખશો. બીજા દિવસે અખબારોમાં આ સમાચાર મોટા મથાળે ચમક્યા. તુરત જ ગ્રેનાઈટ ઉત્પાદકોના સંઘે વાંધો જાહેર કરતા જણાવ્યું ગ્રેનાઇટ કાપવાનું કામ કામદારો માટે સ્હેજેય જોખમી નથી!

તુરત જ સરકારે એક સમિતિ બનાવી જેનું કામ ધૂળિયા વ્યવસાયોમાં કામ કરતા કામદારોમાં ટીબીનું પ્રમાણ જાણવાનું હતું. સમિતિએ જોયું કે વર્મોન્ટમાં 40 વર્ષથી મોટી ઉંમરના પુરુષોમાં ટીબીને કારણે મરણનું પ્રમાણ દર હજાર પુરુષે એક ૧.૫ હતું. મરેમાં આ પ્રમાણ ૬૦.૬ જેટલું ઊંચું હતું. બરેમાં પથ્થર કાપવા માટેના યંત્રો તે મૂકાયાને તે સમયે 30 વર્ષ થઈ ચૂક્યાં હતાં. સમિતિના અહેવાલ પછી મોટા પાયે સુધારા થયા.

કાર્બન મોનોક્સાઇડને કારણે થતી અસરો વિશે આ પુસ્તકમાં સંદર્ભો છે તો પારાની અસર વિષે ની વાતો પણ છે. પારાની ખાણના કામદારોને પોતાને તો અસર થતી પણ તેમના કપડા પર પારો ચોટેલો હોય તે લઈને એ ઘરે જાય તે કારણે પરિવારના સભ્યોને પણ અસર થતી. પારાની ઝેરી અસરનો ભોગ બનનાર હેટ બનાવનારાની વાતો વ્યવસાયિક રોગોના ઈતિહાસમાં આપણે વાંચતા હોઈએ છીએ જેની ખુબ ઝીણી વિગતો આ પુસ્તકમાં જોવા મળે છે. ૧૯૨૧-૨૨માં એલીસે એનો અભ્યાસ કર્યો ત્યારે ૧૦૦ કામદારોમાંથી 43ને આવી અસર જોવા મળી હતી. પણ લેખિકા જણાવે છે કે ગંભીર અસર પર ઘણો કાબુ આ સમય દરમિયાન મેળવી લેવાયો હતો. ખાસ કરીને પહેલા વિશ્વ યુદ્ધ બાદ ઘણો સુધારો જોવા મળ્યો. રશિયામાં આ એક ગૃહ ઉદ્યોગ હતો. પણ ક્રાંતિ પહેલાં જ તેમણે પારાના સ્થાને કોસ્ટિક પોટાશના ઉપયોગથી હેટ બનાવવાની પદ્ધતિ વિકસાવી હતી. જ્યારે એલિસે એમને કહ્યું કે એ હેટની ગુણવત્તા ઉતરતી કક્ષાની છે ત્યારે એમને જવાબ મળ્યો કે રશિયામાં હેટ કરતાં માણસના આરોગ્ય નું મૂલ્ય વધુ ઊંચું છે.

૧૯૨૪માં બેન્ઝીનની ઝેરી અસરો વિશે મળેલી વાત સાથે દ્રાવકોના જોખમની વાત વણી લેવાઈ છે. તે સંદર્ભે ડાયઈથીલીન ડાયોક્સાઈડ નામના દ્રાવક અંગેનો એક ચોંકાવનારો અનુભવ લેખિકા નોધે છે. આ રસાયણ બેન્ઝીન કરતાં સલામત હોવાનું મનાતું હતું કારણ હવામાં એનું પ્રમાણ જોખમ ઊભું થાય એટલું વધે તો આંખ અને ગળામાં બળતરા બળે અને કામદારો કામ જ બંધ કરી દે. બન્યું એવું કે ઇંગ્લેન્ડમાં ક્રિસ્ટમસના તહેવારો નજીક હતા ત્યારે એક કારખાનામાં પાંચ કામદારો ઓવરટાઈમમાં કામ કરતા હતા. આ દિવસોમાં પૈસાની સૌને જરૂર હોય. માલિકો ઉત્પાદન ઝડપથી પૂરું કરીમાલ રવાના કરવા માગતા હતા. એક્ઝોસ્ટ બગડી ગયો હતો છતાં કામ ચાલુ રાખેલું. કામદારોની આંખ અને ગળામાં બળતરા થવા છતાં કામ ચાલુ રાખ્યું. 15 દિવસ પછી એ તમામ માંદા પડ્યા અને થોડા દિવસમાં જ લિવર અને કિડની ખરાબ થતા મૃત્યુ પામ્યા.

છેલ્લે ૧૯૩૭-૩૮માં તેમણે વિસ્કોસ રેયોનના કારખાનાઓમાં કાર્બન સલ્ફાઈડની ઝેરી અસરોના અભ્યાસ વિશે લખ્યું છે. પીડિત કામદારો વિશે કેવી ખબરો આવતી, તપાસમાં કેવી મુશ્કેલીઓ થતી તેની જે વાતો તેમણે જણાવી છે તે આજે આપણે અહીં અનુભવીએ છીએ.

જો કે આ પુસ્તકમાં એસ્બેસ્ટોસના જોખમો વિષે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી કે બીસ્સીનોસીસ માટે થયેલા આંદોલનો કે બ્લેક રંગ માટે થયેલા આંદોલનોનો ઉલ્લેખ જોવા મળતો નથી. કારણ ૧૯૪૩માં આ પુસ્તક પ્રગટ થયું એટલે ૧૯૪૦ સુધીની ઘટનાઓનો આ પુસ્તકમાં સમાવેશ થયો હોય. પરંતુ ૧૯૨૯ની ગોલી બ્રીજ ટનલના બાંધકામમાં ૪૦૦ ઉપરાંત કામદારો સિલિકોસિસથી માર્યા ગયા તે પસંગનો જરા જેટલો ઉલ્લેખ નથી તેની નવાઇ લાગે છે. એલિસ પોતે એ કામમાં જોડાયા ન હોય તેથી તેનો ઉલ્લેખ ન હોય તેમ બને. કારણ આ તો તેમની આત્મકથા છે, વ્યવસાયિક રોગોનો ઇતિહાસ નથી.

એલિસના વિચારો પ્રગતિશીલ હતા. મજુર તરફી કાયદાઓ થાય તે માટેના હિમાયતી રહ્યા. અમેરિકન સમાજમાં રહેલી અસમાનતા તેમને કાયમ ખટક્યા કરતી. અનેક વિવાદાસ્પદ મુદ્દાઓમાં નીડર બનીને તેમણે પોતાને ઠીક લાગ્યું તેનો પક્ષ લીધો. દાખલા તરીકે તે જમાનામાં તબીબો ગર્ભ નિરોધકોનો વિરોધ કરતા ત્યારે તેમણે તેની તરફેણમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિશ્વ યુદ્ધ બાદ તેઓ શાંતિવાદી બન્યા. પણ હિટલરના કૃત્યો જોયા બાદ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવવું જોઈએ તે વાતના સમર્થક રહ્યાં. નાગરિક અધિકારના આજીવન ચુસ્ત સમર્થક રહ્યા. ઠંડા યુદ્ધના દિવસોમાં ઠંડા યુદ્ધના વિરોધી રહ્યા અને 1963માં ૯૪ વર્ષની વયે અમેરિકાએ વિયેટનામ માંથી પાછા આવવું જોઈએ તેવી માગણીનું સમર્થન કર્યું.

એલિસ માનતાં કે કામદારોની તકલીફોનું કારણ માલિકોને પક્ષે અજ્ઞાન છે. એમાં એમને માલિકોની ખંધાઈ દેખાતી ન હતી. માનવજાતમાં અન્ય માનવ પ્રત્યે જે શુભ લાગણી છે તેમાં તેમની શ્રદ્ધા હતી. તેમ છતાં વળતરના કાયદાઓનો સંગઠીત ઉદ્યોગ વિરોધ કરતો તેની કડક ટીકા કરતાં. કાયદા ન હોય છતાં કેટલાક માલિકોએ કેવા સુધારા કર્યા તેના ઉલ્લેખ પુસ્તકમાં એલીસ ઘણે ઠેકાણે કરે છે ત્યારે જ્યાં કાયદા છે છતાં તેનો અમલ કરાતો ન હોય તેવા આપણા અનુભવને આપણે સરખાવીએ. નક્કી કરી ન શકીએ કે કાયદા હોવા જોઈએ કે નહીં અથવા કાયદા કામદારોના આરોગ્યને જાળવવામાં કેટલા ઉપયોગી છે. એક વાત નક્કી છે કે માનવ વર્તન સંફુલ છે અને તેની આગાહી કરવાનું ઘણું મુશ્કેલ છે. વ્યવસાયિક આરોગ્ય જેવા વિવાદ કે મત-મતાંતરો ઊભા થાય તેવા વિષયમાં માનવીય સંવેદના એકમાત્ર દીવાદાંડી છે તેમ આ પુસ્તક વાંચતા સમજાય છે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855


નોંધઃ આ પુસ્તક અહીથી ડાઉનલોડ કરીને વાંચી શકાશે.


1. Alice Hamilton

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *