





પૂર્વી મોદી મલકાણ
રાઈનની ગોદમાં રહેલ લાડેનબર્ગને હું મારી યાદોમાં લઈને નીકળી ત્યારે લાગતું હતું કે મારો રાઈન સાથેનો સંબંધ પૂરો થયો. લાડેનબર્ગમાં હું પહોંચી હતી મી.મલકાણ સાથે, પણ તેઓ કામમાં રહ્યા તો હું મારી રીતે લાડેનબર્ગમાં રહેલ સંસ્કૃતિની શોધ કરી આવી, પણ મારી આ સંસ્કૃતિની શોધ અહીં પૂરી થવાની ન હતી તેથી બીજી સંસ્કૃતિની શોધમાં અમે અમારી હોટેલ છોડી ફ્રેન્કફર્ટ એરપોર્ટ પહોંચ્યાં. અહીં અમે રેન્ટલ કાર રિટર્ન કરી. ફ્રેન્કફર્ટ એરપોર્ટ મને બહુ જ ગમ્યું. કારણ કે એરપોર્ટને જ કનેકટેડ બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન છે, જે યાત્રીઓને માટે બહુ સુગમતા આપે છે. અમે ટ્રેનમાં ફ્રેન્કફર્ટથી બૉન જવાનાં હતાં જે લાડેનબર્ગની જેમ ફ્રેન્કફર્ટથી બે કલાકની દૂરી પર હતું, અને બૉનમાં પણ અમે ત્રણ દિવસ રહેવાનાં હતાં.
ફ્રેન્કફર્ટ રેલ્વે સ્ટેશન
અમારો સામાન ટ્રેનમાં મૂકી બે ઘડી પાછળ ફરી મનથી લાડેનબર્ગને યાદ કરી સ્વગત જ કહેવા લાગી કે રાઈનને કિનારે મારી જે યાદો રૂપી શંખલા મૂકી આવી હતી તે પાછા લેવા માટે ફરી લાડેનબર્ગ ચોક્કસ પાછી આવીશ. હજી મારી મારા મન સાથેની વાત પૂરી થાય તે પહેલાં ગાર્ડ આવી ગયો. અંદર જતાં જોયું કે મોટાભાગની સીટો ભરાયેલી હતી. મી. મલકાણ મને જોઈને કહે ક્યાં ઊભી રહી ગયેલી? મે કહ્યું, રાઈન સાથે વાત કરતી હતી. તેઓ કહે હઁ ….હં..કદાચ તેઓ ખાસ સમજેલા નહીં તેથી એમના જવાબની રાહ જોયા વગર હું મારી બેગ બોક્સમાં મૂકી મારી સીટ પર બેસી ગઈ ત્યારે મને ખબર ન હતી કે અહીંથી મને રાઈનનું નવું સ્વરૂપ જોવા મળવાનું હતું. ફ્રેન્કફર્ટ પૂરું થયું, તેને અડધી કલાક થઈ હશે ત્યાં બ્રિજ આવ્યો. જેની નીચે વહેતી નદીનું નામ વાંચીને આશ્ચર્ય સાથે આનંદ થયો. લાગ્યું કે રાઈન સાથે મારો બીજો સંબંધ બંધાયો. મને લાડેનબર્ગની એ હવા યાદ આવી ગઈ જેણે કહ્યું હતું કે રાઈન સાથે મારો સંબંધ હજુ પૂરો નથી થયો.
રાઈનઘાટી:-
ફ્રેન્કફર્ટ સિટી છોડ્યા પછી ફરીથી શરૂ થતી રાઈન નદી પથ્થરીલી ચટ્ટાનો વચ્ચેથી લહેરાતી, ઊછળતી, કૂદતી નીકળે છે તેને નીચલી મધ્ય રાઈન ઘાટી કહે છે. આ ૬૭ થી ૧૭૩ કી.મી લાંબી ઘાટીએ ૧૮૦૨ થી જનજીવનમાં ચમકવાનું શરૂ કર્યું હતું, પણ છેક ૨૦૦૨ માં યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહરમાં સ્થાન આપ્યું.
રાઈનની નીચલી ઘાટીનો વિસ્તાર
રાઈનનાં આ વિસ્તારને જાણવા માટે નદીનો રસ્તો જ ઉત્તમ છે, તે ચાહે નદીને કિનારેથી ચાલતી પગદંડી હોય, રાઈનને રસ્તે દોડતો વાહન માર્ગ હોય કે રેલરોડ હોય અથવા તો રાઈનમાં ચાલતી નાવ હોય. કોઈપણ રૂપે રાઈન અને રાઈનની ઘાટી નિહારવામાં આવે તોયે આ ઘાટીની પ્રાકૃતિક સુંદરતાંમાં કોઈ ઘટાડો થતો નથી, બલ્કે પ્રવાસીઓની આંખોમાં આ સુંદરતાં એવી રીતે સમાય જાય છે જાણે એમની આંખોને માટે જ એમનું સર્જન થયું હોય. આ ઘાટીમાં અનેક ગામો વસેલાં છે, અને ગામોની આજુબાજુ દ્રાક્ષનાં બાગાન બનાવવામાં છે જે ખાસ કરીને નાવ અને રેલમાર્ગથી જતાં વધુ સુંદર રીતે દેખાય છે.
રાઈન ઘાટી
અમે પણ રેલમાર્ગે બૉન જતી વખતે આ ઘાટીની સુંદરતાં જોતાં જતાં હતાં. કોઈ કોઈ જગ્યાએથી આડાઅવળા, ગોળ વગેરે આકારમાં વળાંક લેતી રાઈનની રૂમાની આકૃતિ મને આનંદથી છલકાવી દેતી હતી તે જોઈ મારી બાજુમાં બેસેલો યાત્રી સમજી ગયો કે અમારી આ પ્રથમ ટૂર છે. તે કહે આ તમે પે’લા ફોર્ટસ જોયા? પછી આંગળીથી ઘાટીમાં રહેલાં કિલ્લાઓ બતાવીને કહે ‘આ ઘાટીમાં યુરોપીયન કલાને અનુરૂપ ૪૦ થી વધુ કિલ્લાઓ છે, જે એક સમયે આર્થિક અને રાજકીય મહત્વને દર્શાવતા હતા, પણ આજે આ કિલ્લાઓ ટુરિસ્ટ પ્લેસ તરીકે વધુ પ્રખ્યાત છે.’ તમારે એની મુલાકાત લેવી જોઈએ. આમ કિલ્લાઓથી શરૂ થયેલ અમારી વાત આગળ વધી. આ વાતચીતમાં મને ઘણી નવી વાતો જાણવા મળી; ખાસ કરીને એક કથાની અને બે માન્યતાની.
પ્રવાસીઓને અવિસ્મરણિય યાત્રાનો અનુભવ કરાવતી આ ઘાટીમાં લોરેલાઇ ( LoreLey ) નામનો એક પથ્થર છે. આ પથ્થર ઉપર નાવિકોને હંમેશા એક યુવતી જોવા મળતી હતી. જે ત્યાં બેસીને હંમેશા ગીત ગાતી રહેતી જેને કારણે તે યુવતીનું ગાન હંમેશા ઘાટીમાં ગુંજતું રહેતું હતું. યુવતીનાં આ મીઠા ગુંજનને કારણે નાવિકો તેનાંથી આકર્ષાઇ તેની તરફ ભાન ભૂલી ખેંચાઇ આવતાં. જેને કારણે તેમની નાવ વારંવાર પથ્થર કે કિનારા સાથે ટકરાઇ જતી હતી. આ જ કથાની બીજી માન્યતા એ છે કે આ યુવતીનાં વસ્ત્રોની ચમકથી નાવિકોની આંખો અંજાઈ જતી હતી, જેને કારણે નાવિકોની નાવ વારંવાર પથ્થર કે કિનારા સાથે ટકરાઇ જતી હતી. આ અકસ્માતથી પરેશાન થઈ તે જગ્યામાં તપાસ કરવામાં આવી, પણ કશું હાથ આવ્યું નહીં. પણ આ તપાસ પછીયે તે અકસ્માતો ચાલું રહ્યાં. આખરે તે પથ્થરને થોડે દૂર ખસેડી લેવામાં આવ્યો. ત્યારબાદ આ અકસ્માતો બંધ થઈ ગયા. આજે આ કથા કેવળ માન્યતા જ છે, બીજું કશું જ નહીં. આ મધ્ય રાઈનનો નીચલો હિસ્સો કોંબલેસ શહેરનાં ડોઁયચે નામનાં કોર્નર પર પૂર્ણ થાય છે, ત્યાં મોજેલ નદી રાઈનને મળે છે. આ વિસ્તારમાં રોપ વે ની વ્યવસ્થા કરી છે, જેથી કરીને મોજેલ અને રાઈનનાં સંગમને જોઈ શકાય.
અમે આ સુંદર ઘાટીને જોતાં જોતાં જ્યારે બૉન પહોંચ્યાં ત્યારે પણ રાઈને પોતાનું સોહામણું રૂપ છોડ્યું ન હતું. બૉન રેલ્વે સ્ટેશન ઉતરતાં જ જોયું કે ત્યાં હાજર રહેલાં કેટલાક લોકોએ વિવિધ માસ્ક પહેરેલાં હતાં, અને કેટલાક લોકોએ ફેઇસ પેઈન્ટ કરેલાં હતાં. આ જોઈ અમે વિચારવા લાગ્યાં કે અહીં લોકો આ રીતે કેમ તૈયાર થયાં છે? પણ એ સમયે અમારી પાસે જવાબ ન હતો તેથી અમે સ્ટેશનની બહાર નીકળી ગયાં. રેલ્વે સ્ટેશનની બહાર નીકળ્યાં ત્યારે અમે કેવળ ૨ હતાં, પણ એમની ઓફિસમાંથી અન્ય લોકો પણ અહીં આવવાનાં હતાં જે અમને હોટેલમાં મળવાનાં હતાં. જેમાં ૨ જણાં પાકિસ્તાનથી આવેલા, લંડનથી ૨ જણાં અને યુ.એસ થી એક અને ચાઈનાથી એક એમ અમે કુલ ૮ જણાં હતાં. પણ આ ગ્રૂપમાં કેવળ એક જ વ્યક્તિ હતી જેને મારી જેમ સિટી ફરવાનો શોખ હતો, તે હતી મહેરીન જાવેદ. મહેરીન જાવેદની અમેરિકામાં અવરજવરને કારણે મારી તેની સાથેની મિત્રતા ઘણી જ ઘનિષ્ઠ. પણ તે આવેલી ઓફિસનાં કામ માટે તેથી તેની સાથે મારો ફરવાનો સમય ઓછો રહેવાનો હતો. પણ જેટલો સમય મળે તેટલો સમય સાથે વિતાવવો તેમ અમે નક્કી કરેલું. તેથી અમારા પહોંચ્યાંનાં કલાક બાદ જ્યારે મહેરીન પણ આવી પહોંચી ત્યારે અમે બંને સિટીને નજીકથી જોવા ઉતાવળાં થઈ ગયાં.
સ્ટેશન બહાર ૧૮૮૩ -૮૪ માં બનેલી બિલ્ડીંગ, હાલમાં અહીં મેક ડોનાલ્ડની રેસ્ટોરન્ટ અને ઓફિસ છે.
બેથોફેનની નગરી બૉન:-
બૉનને હું કેવી રીતે ઓળખું? એક શહેર તરીકે કે એક નાના ટાઉન તરીકે? ૨૦૦ -૩૦૦ વર્ષ કે તેથી વધુ જૂના બિલ્ડીંગો જોતાં એક શહેરની ઓળખાણ થાય છે, તો ખુલ્લી- ચોખ્ખી હવા, તડકો, વર્ષા, હરિયાળી, વૃક્ષો, પહાડી અને રાઈનને જોતાં એક નાનકડાં ટાઉનનો અહેસાસ થાય છે. બૉનમાં ફરતાં મને પ્રત્યેક ક્ષણે એવું લાગતું હતું, કે કુદરતનું પ્રત્યેક રૂપ અહીં બૉનની રક્ષા કરવા માટે તત્પર બની રહ્યું છે. અગર કુદરતનાં રૂપમાંથી બહાર આવવું હોય તો બૉનને યાદ કરવા માટે મારી દૃષ્ટિએ કેવળ એક જ ઓળખાણ પૂરતી છે કે આ એ સંગીતકારની નગરી છે જેણે બૉનને પોતાની સિંફનીયોથી ભરી દીધેલું.
ફોટોગ્રાફી:- પૂર્વી મોદી મલકાણ.
©૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ | purvimalkan@yahoo.com
Kyarni raah joti hati . farwani maja aavi.have aagal kyan jasho?