સંયમિત ગાનના ગુંજક : યોગી કૃષ્ણપ્રેમ

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

“વાકશક્તિની એક કક્ષાનું વર્ણન કરતાં તાંત્રિકો ‘પશ્યન્તી વાક’ શબ્દ વાપરે છે, મને લાગે છે કે કૃષ્ણપ્રેમમાં ‘પશ્યન્તી બુદ્ધિ’ છે. વિચારની પેલે પાર અનુભવની ભૂમિકાએ એ પહોંચેલા છે એથી એવું હોય; પરંતુ અનુભવના ધનભંડારવાળા તો ઘણા છે પણ એમની બુદ્ધિની દ્રષ્ટિ આટલી સ્વચ્છ જોવા મળતી નથી.”

યોગી શ્રી કૃષ્ણપ્રેમ (૧૮૯૮-૧૯૬૫)

૧૯૩૨ના માર્ચ મહિનામાં શિષ્ય દિલીપકુમાર રાય પરના એક પત્રમાં મહર્ષિ અરવિંદે જેમના વિશે આવાં અંજલિ વાક્યો ઉચ્ચાર્યા છે એ યોગી કૃષ્ણપ્રેમ એટલે પૂર્વાશ્રામમાં ઇંગ્લૅન્ડના વતની રોનાલ્ડ નિક્સન. કેમ્બ્રિજમાં ભણ્યા પણ યુરોપના વૈજ્ઞાનિક જડવાદમાં તેમણે વિશ્વાસ ગુમાવ્યો ને યોગસાધના કરવા ભારત આવ્યા. લખનૌમાં અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક બન્યા તે અરસામાં લખનૌ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી હતા. જેમનાં પત્ની મોનિકાદેવી બહારથી મોભાદાર વ્યક્તિત્વ ધરાવતાં પણ અંદરથી કૃષ્ણભક્ત હતાં. પછીથી તેમણે ‘યશોદા’ નામ ધારીને સંન્યાસ ગ્રહણ કર્યો ને રોનાલ્ડ તેમના શિષ્ય બનીને થયા કૃષ્ણપ્રેમ.

કૃષ્ણપ્રેમના વ્યક્તિત્વમાં ભક્તિ ને જ્ઞાનનો અદભુત સમન્વય જોવા મળે છે. સ્વભાવે એ અંગ્રેજ હોઈ, શુદ્ધ, તર્કનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે ને બીજી બાજુથી તેમના ભારતના રહેવાસે એ તર્કમાં ભળે છે પ્રેમ. આ બંને તત્વોના મિલને કરીને તેમની સમજ ગહનને તાકી શકવા ભારે સમર્થ બની શકે છે એવું એમના ચરિત્રકાર ને મહર્ષિ અરવિંદ જેવી વ્યક્તિના સમર્થ શિષ્ય દિલીપકુમાર રાયનાં વિધાનો સાબિત કરે છે. રાયને આનંદ છે કે તેમનો પરદેશી મિત્ર તેમના કરતાંયે ક્યાંક ચઢિયાતો સાબિત થયો છે.

કૃષ્ણપ્રેમનું ભારતમાં વીતેલું જીવન અધ્યાત્મના કોઈ પણ સાધકને એમના ચાહક બનાવી દે તેવું છે પણ તેમના પત્રો તેમણે પ્રાપ્ત કરેલાં અમૃત તત્વોને, પ્રસન્નતાને સમજવામાં વધારે મદદ કરે છે. શ્રી દિલીપકુમાર રાયને તેઓ એક પત્રમાં લખે છે : ‘મારો દેશ એક જ છે અને તે ભારત, ઇંગ્લૅન્ડ નહીં. મને જે લાગે છે તે એ છે કે દેશની પરંપરા છે તે જ દેશ છે, તે જ પ્રજા છે; અને એ પરંપરા એવી કીંમતી ચીજ છે કે બીજા દેશની પરંપરા સાથે, લંડનથી યોકોહામા, એને ભેળસેળ કરી ખીચડો કરી શકાય નહીં… જ્યારે દેશની પરંપરા મરી જાય છે ત્યારે તે દેશ મરી પરવારે છે; અને દુનિયામાં મહાન સત્તા તરીકે એ ચાલુ રહે તોપણ એ કેવળ મનુષ્યોના સરવાળા સિવાય બીજું કંઈ નથી… બધે મૂળ સત્ય માત્ર એક જ છે અને તે છે પરમાત્મા ! જે એનું દર્શન કરવામાં સહાય કરે તે સત્ય અને જે એનાથી આપણને દૂર રાખે એ અસત્ય…’

અધ્યાત્મયાત્રા, કૃષ્ણપ્રેમને મતે અત્યંત કઠિન છે. આથી જ શ્રી રોય જ્યારે તેમને પોતે થાકી ગયા છે એવું જણાવે છે ત્યારે મિત્રને અભિનંદતો યોગીનો ઉત્તર આવો છે : ‘તને આગળ વધવું કઠીન લાગે છે, એ સારું ચિહ્ન છે. આ માર્ગ કઠિનમાં કઠીન છે જ્યાં સુધી એ સરળ લાગે ત્યાં સુધી સમજવું કે આપણે બહુ આગળ વધતા નથી, માત્ર સડક પર લટાર મારીએ છીએ.’

ભારતીય પરંપરાનું કૃષ્ણપ્રેમે ભારે ઝીણવટથી દર્શન-નિરીક્ષણ કર્યું છે. આથી જ, તેમણે ભારતીય સંતોની વિચાર ને આચારસરણીમાં મૌલિક રીતે વિચાર્યું પણ છે ને આચાર્યું પણ છે. હિંમતપૂર્વક પોતાની વિચારસરણી વ્યક્ત કરતાં તેઓ શ્રી રોયને જણાવે છે : ‘ભક્તની સ્થિતિ ઊંચામાં ઊંચી ગણાય ?’ આવા પ્રશ્નની ચર્ચા કરવાનું મને મન નથી. ભક્તિનો આનંદ અદભુત છે પણ બીજી રીતે એ સંસારને સુસંગત નથી. મને લાગે છે કે આનાથીયે ઊંચી એક ભૂમિકા છે જે અવસ્થામાં કૃષ્ણનો પ્રકાશ નીચે ઊતરી મન અને ઇન્દ્રિયોને પણ તેજોમય કરી દે છે અને તેમને સાધારણ પ્રવૃત્તિઓ માટે વત્તા-ઓછા પ્રમાણમાં શક્તિમાન બનાવે છે.’ આ પછી મહાપ્રભુ ચૈતન્યનો દાખલો ટાંકીને તેઓ લખે છે : ‘ચૈતન્ય ભક્તિને કારણે ભણાવવાનું કામ ન કરી શકતા. વૈષ્ણવોને કદાચ આઘાત લાગશે પણ આનાથીયે આગળની ભૂમિકા છે જ્યાં પહોંચીને તેઓ વધારે સારી રીતે પાઠ લઈ શક્યા હોત… પહેલી ભૂમિકા નાયગરાનો ધોધ ખડક પરથી પાગલ બની પૂર્ણ ભવ્યતા સાથે કૂદી પડે એ છે : બીજી ભૂમિકાએ એ જ જળ આખા દેશને વિદ્યુતશક્તિ પૂરી પાડે છે. ઘોંઘાટ નહીં, પછડાટ નહીં, ભવ્યતા પણ નહીં, પણ સંયમિત ચમત્કારી શક્તિનું ધીમું ગુંજન !’

યોગીએ પોતાનું જીવન આલમોડામાં જ પસાર કર્યું – અહમથી, ધારણાઓથી મુક્ત બનીને. મિત્ર દિલીપકુમાર તેમના વિશે કોઈ પ્રકારનો પ્રચાર કરે તે તેમને બિલકુલ પસંદ ન પડતું. એક પત્રમાં તેઓ રોયને જણાવે છે : “કૃપા કરીને મને ‘પરમપૂજ્ય’, ‘હિઝ હોલિનેસ’ ન કહે. મારો ઠાકુર Holy નથી. મારા ગુરુ પણ નથી અને હું પોતે પણ નથી અને થવા માગતો પણ નથી.”

જીવનભર તેમણે સાધનાને જ મહત્વ બક્ષ્યું ને અસાધારણ કહેવાય તેવી સમજપૂર્વક એના ઊંડાણને તેઓ તાગી શક્યા. એ ઋષિના મુખમાંથી જ નીકળી શકે તેવું તેમનું યોગ વિશેનું દર્શન આ શબ્દોમાં પ્રગટ્યું : “જ્યારે પહેલો માણસ ધરતી પર આવ્યો ત્યારે યોગની નિસરણી ઊતરીને આવ્યો હતો અને જ્યારે છેલ્લો માણસ પૃથ્વી છોડીને જશે ત્યારે એ પણ નિસરણી ચડીને જશે. નિસરણી એક જ છે, માર્ગો અને સાધનો ભલે ભિન્ન હોય.”

કૃષ્ણપ્રેમે અધ્યાત્મરતિને પાળી, પોષીને સંવર્ધી તેનું પ્રમાણ તેમની પ્રસન્નતામાં પડેલું છે. નિરાશ થયેલા મિત્ર દિલીપ તેમને એક વાર જણાવે છે કે ‘હું એકાન્તમાં ચાલ્યો જાઉં છું…બધું છોડીને. હવે હસવું, હસાવવું બંધ !’ જવાબમાં યોગી લખે છે : ‘એ વળી શું ? બીજું તારે જે છોડી દેવું હોય તે છોડી દે, પણ હસવાનું છોડી દઈશ તો હું રડીશ !’

જીવનના અંતે વેઠેલી શારીરિક પીડાને પણ આ યોગીએ હસી કાઢી છે. મહાભારતના શાન્તિપર્વનો આ મંત્ર તેમનો પ્રિય મંત્ર છે : “મરણને વધાવવું નહીં અને જીવનને વધાવવું નહીં, પણ નોકર જેમ શેઠની ઇચ્છાની રાહ જુએ તેમ હરિની ઇચ્છાને માથે ચડાવવા કાળની પ્રતિક્ષા કરવી.” આથી જ આંતરપીડાની પીડા વચ્ચે, જીવનના અંતિમ દિનોમાં તેઓ રાયને લખે છે ‘શારીરિક અને અધ્યાત્મિક બેઉ રીતે આપણે દર્દ લઈને જ જનમ્યા છીએ, પરંતુ અંદરનું જીવન આપણે માગીએ છીએ. સ્વાર્થલોલુપ હયાતીનો આપણને મોહ નથી. ઈશ્વર જ આપણું જીવન છે એવી જેને ખતરી છે એવા આપણા સૌની એ ફરજ છે કે આપણે આપણાં મન સ્વસ્થ અને સાબૂત રાખીએ જેથી ઈશ્વર એનો રણક્ષેત્ર તરીકે ઉપયોગ કરી લડી શકે.”

૧૯૬૫ના નવેમ્બરની ચૌદમીએ દેહ છોડનારા આ પરમ યોગીના અંતિમ શબ્દો એમની વિરલ અધ્યાત્મયાત્રાની સચ્ચાઈના સાક્ષી છે : “છેવટે મારી નૌકા છૂટી !”

૧૦ મે, ૧૯૯૮ના દિવસે સો વર્ષ પૂરાં કરતા યોગીનાં જીવન અને વિચારનું દર્શન કરતાં, શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ સાથે વાત વાતમાં સાંભળેલો એક વિચારકણ યાદ આવી જાય છે. મનુભાઈને મતે, સંસ્કૃતિ ને અધ્યાત્મ ઊગેલાં હોય તો જ કામ થાય. વાત સાચી છે. ઇગ્લેન્ડના વાસી રોનાલ્ડનું આ રીતે કૃષ્ણપ્રેમમાં થતું રૂપાંતર, સત્યની સાર્વત્રિકતાની વધુ એક વાર સાક્ષી પૂરે છે.

શતાબ્દી પર્વે તેમની વંદના કરતાં અભ્યાસીઓને રુચે તેવાં, તેમની વિકાસયાત્રાને આલેખતાં ત્રણ પુસ્તકો તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે. આ ત્રણે પુસ્તકો શ્રી દિલીપકુમાર રાય દ્વારા લખાયેલાં ને શ્રી રમણલાલ સોની દ્વારા અનૂદિત છે : (૧) યોગમાર્ગના પ્રવાસી કૃષ્ણપ્રેમ (૨) ઉત્તર વૃન્દાવનના મહાયોગી (૩) અનંતના યાત્રીઓ.

આ પુસ્તકોનો અભ્યાસ કૃષ્ણપ્રેમના ભક્તિપ્રકાશને નિહાળવામાં વધુ મદદરૂપ થશે એમાં શંકા નથી.

————

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

1 comment for “સંયમિત ગાનના ગુંજક : યોગી કૃષ્ણપ્રેમ

  1. Purvi
    February 25, 2019 at 7:08 pm

    Sundar jankari valo lekh aa yogi ne prathamvaar janya.

Leave a Reply to Purvi Cancel reply

Your email address will not be published. Required fields are marked *