ટાઈટલ મ્યુઝીક : ૪ : ધોતી લોટા ઔર ચૌપાટી (૧૯૭૫)

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સંગીતકાર તરીકે એકને બદલે બે વ્યક્તિનાં નામ હોય ત્યારે એ જોડી હશે એમ માની લેવાનું મન થાય. પણ સુરતના સંશોધક હરીશ રઘુવંશી સ્પષ્ટપણે જણાવે છે કે જ્યાં પણ જોડી તરીકે બે નામ હોય ત્યાં વચ્ચે (-) નિશાની મૂકવી જોઈએ. જરા વિચારો કે, આજથી પચાસ-સો વરસ પછી કોઈ સંશોધક ફિલ્મસંગીત વિશે સંશોધન કરવા જશે તો એને શી રીતે ખ્યાલ આવશે કે શંકર જયકિશન, લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજી ખરેખર બે વ્યક્તિઓ હતી? ‘શંકર-જયકિશન’ લખવાથી એ આપોઆપ સમજાઈ જાય.

આવા એક સંગીતકાર હતા શ્યામજી ઘનશ્યામજી. આ નામ કોઈ જોડીનું નહોતું, બલ્કે એક જ સંગીતકારનું નામ હતું. તેમણે ચૌદ ફિલ્મોમાં સંગીત આપ્યું, એમ કહેવા કરતાં વધુ યોગ્ય એ કહેવું રહે કે તેમના સંગીતવાળી તેર ફિલ્મો પૂરી થઈ, અને ચૌદમી ફિલ્મ (‘ફિલ્મી દુનિયા ફિલ્મી લોગ’)પૂરી થઈ, પણ સેન્‍સર ન થઈ. તેમની છ જેટલી ફિલ્મો અધૂરી રહી. આ સંગીતકારે નીતિન મુકેશ, પ્રીતિ સાગર, વર્ષા ભોંસલે, નરેન્‍દ્ર ચંચલ જેવા એ સમયે નવા ગણાતા ગાયક-ગાયિકાઓને તેમની કારકિર્દીના આરંભે તક આપેલી.

image

(શ્યામજી ઘનશ્યામજી)

તેમનાં જાણીતાં ગીતો ‘તેરી ઝીલ સી ગહરી આંખોં મેં કુછ દેખા હમને‘ (ધુંએ કી લકીર), ‘મૈં ઢૂંઢતા હૂં જિનકો રાતોં કો ખયાલોં મેં‘ (ઠોકર), ‘કભી ગમ સે દિલ લગાયા‘ (ડાકૂ) વગેરે કહી શકાય.

શ્યામજીની જન્મતારીખની જાણ નથી, પણ તેમનું નિધન 17 જુલાઈ, 1984 ના રોજ થયું.

હાસ્યઅભિનેતા મોહન ચોટી નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘ધોતી, લોટા ઔર ચોપાટી’ (1975) માં તેમનું સંગીત હતું.

image

આ ફિલ્મ હાસ્યપ્રધાન હતી. તેમાં ફરીદા જલાલ અને રમેશ અરોરાની મુખ્ય ભૂમિકા ઉપરાંત મોહન ચોટી, કેશ્ટો મુખર્જિ, શુભા ખોટે, બીરબલ, ટુનટુન, જહોની વ્હીસ્કી, મિર્ઝા મુશર્રફ જેવા અનેક હાસ્ય કલાકારો હતા. તદુપરાંત પ્રેમનાથ, ધર્મેન્‍દ્ર, સંજીવકુમાર, રાજેન્‍દ્ર નાથ, બિંદુ, જગદીપ, જીવન, ઓમ પ્રકાશ, મહેમૂદ, જોગીન્‍દર, સત્યેન કપ્પૂ, રુપેશ કુમાર સહિત અનેક જાણીતા કલાકારો મહેમાન ભૂમિકામાં હતા.

ધોતી લોટા ઔર ચૌપાટીના ગીતકારો - (ડાબેથી)- ગુલશન બાવરા, કુલવંત જાની, હસરત જયપુરી

કુલવંત જાની (1 ગીત), ગુલશન બાવરા (1 ગીત) અને હસરત જયપુરી (3 ગીતો) એ આ ફિલ્મનાં ગીત લખ્યાં હતાં. ‘ધોતી લોટા ઔર ચૌપાટી’ (મુકેશ/હસરત ), ‘આજ જગત મેં રામબાણ હૈ’ (મ.રફી, નીતિન મુકેશ, મોહન ચોટી અને સાથીઓ/કુલવંત  ), ‘ઠુમક ઠુમક ચાલ ચલે’ (રફી, ઉષા મંગેશકર/ગુલશન), ‘સૌ બાર કી તૌબા’ (ઉષા મંગેશકર/હસરત  ) અને ‘અરે આયના ભી તેરા ઉન પે..’ (રફી, પ્રીતિ સાગર અને સાથીઓ/હસરત  ) એમ કુલ પાંચ ગીતો આ ફિલ્મમાં હતાં.

હાસ્યઅભિનેતા મોહન ચોટીએ નિર્માતા તરીકે બે ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ‘ધોતી લોટા ઔર ચૌપાટી’ અને ‘હંટરવાલી 77’. બન્ને ફિલ્મો સદંતર નિષ્ફળતાને વરી હતી.

image

(મોહન ચોટી)

આ ફિલ્મના ટાઈટલમાં સંગીતસહાયક તરીકે ઝમીર (બિકાનેરી)નું નામ વાંચી શકાય છે, જેમણે ‘હમ બચ્ચે હિન્‍દુસ્તાન કે’ (1985)માં સ્વતંત્ર સંગીતકાર તરીકે સંગીત પીરસ્યું હતું. આનાથી વધુ માહિતી તેમના વિશે ઉપલબ્ધ નથી.

અહીં આપેલી ટાઈટલ મ્યુઝીકની લીન્‍કમાં સંગીત 0.18 થી શરૂ થાય છે.

બ્રાસવાદ્યોથી થતા ઊઘાડ પછી તંતુવાદ્યવિભાગ અને પછી રીધમ ઊમેરાય છે. સમગ્ર સંગીતની અસર કોઈ થ્રીલર ફિલ્મના સંગીત જેવી છે, ખાસ તો વચ્ચે વચ્ચે ડ્રમના પીસને કારણે એ અસર વધુ ઘેરી બને છે. ડ્રમના પીસ પછી ફરી એની એ જ પેટર્ન શરૂ થાય અને આખી ટ્રેકમાં એ પુનરાવર્તિત થતી રહે છે. એ સંગીત આગળ વધતું જણાતું નથી. 3.29 પર ટાઈટલ મ્યુઝીકનું સમાપન થાય છે. એ રીતે જોઈએ તો સામાન્યપણે દોઢથી બે મિનીટની ટાઈટલ ટ્રેકની સરખામણીએ આ ટ્રેક કુલ 3.10 મિનીટની, એટલે કે ઠીક લાંબી કહી શકાય એવી છે.

ખબર નહીં કેમ, પણ આ ટ્રેકનું સંગીત ‘સ્ટૉક મ્યુઝીક’ હોય એમ તેને સાંભળતાં લાગે છે.


(નોંધ: તમામ તસવીરો નેટ પરથી તેમ જ ગીતોની લીન્‍ક યૂ ટ્યૂબ પરથી લીધેલી છે.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *