શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૭ મું : ઘેરો

શિવાજીની સુરતની લૂટ

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ

પાંચમી જાનેવારીની સમીસાંજના સાડા પાંચ થયા હતા. બાદશાહી મહેલોમાં દીવા સળગ્યા હતા. દિવાનખાનામાં ગ્યાસુદ્દીન રૂમી હંમેશના પોતાના ઠાઠમાઠ કરતાં વધારે માણસોનો જમાવ કરી, એક મોટી ખુરસીપર બિરાજ્યો હતો. ડાબી બાજુએ મોતી બેગમ કંઈક દિલગીરી ભરેલે ચહેરે બેઠી હતી. આસરે એક ડજન મેજબાનો ટેબલ પર મૂકેલી હુક્કાની ગુડગુડી ખેંચતા હતા ને ગ્યાસુદ્દીનનાં વખાણપર વખાણ બોલતા હતા. બે બહાદુર જમાદારો નવાબની બંને બાજુએ નાગી તરવારે ઉભેલા હતા. કંઈ ખુશ નીશો કરવાનું પેય (પીવાનો પદાર્થ) ખોજાએ ટેબલ પર લાવીને મૂક્યું. દરેકના ગ્લાસમાં આ લાલ રંગની કેફી વસ્તુ રેડવામાં આવી. દરેક જણ તે મેટા ઉમંગથી ઊઠાવી નવાબની સલામતી ચાહી પી ગયો, માત્ર બેગમ ને તેની લોંડી વગર બીજા સર્વેએ તેમાં ભાગ લીધો. મોતી બેગમે જમણી બાજુએ બેઠેલા નવાબના વજીર તરફ નજર કીધી. તેના મોતીયા જ મરી ગયા ! તેણે જાણ્યું કે, મારા ઉપર કંઈ કરડી નજર છે, પણ મોતીની નજર તો માત્ર સહજ જ હતી; તથાપિ જે ચોર હોય તે સૌને ચોર દેખે છે ! વજીર જાતે ખંધો અને સૌને પીડાકારી હતો તે બેગમ જાણતી હતી. ઘણીવાર તે વિષે તેને સતાવ્યો હતો. તે સમે ભયથી વજીર ધ્રૂજ્યો એટલું જ નહિ, પણ એ કરતાંએ વધારે પાપ આ કમજાત માણસના દિલમાં ભરેલું હતું તેથી ધ્રૂજ્યો. ઘણા ઘણા પ્રકારના તે કાવાદાવા કરતો અને અનેક સ્ત્રીઓની નીતિ ભ્રષ્ટ કરવામાં ને લાજ લૂંટવામાં મહા અઘોર પાપી બન્યો હતો. તે બેગમ સાથે કંઈ બોલવા જાય છે, તેટલામાં તો બે માણસો દિવાનખાનામાં ધસ્યા આવ્યા. વજીરને નીચા નમી સલામ કરી તેના કાનમાં કંઈ કહી, પાછા વળતી સલામ કરી ચાલ્યા. મોતીને કંઈક શક પડ્યો ખરો, પણ તેણે તે ચહેરાપર બતાવ્યો નહિ, તે તુરત ઉઠી પોતાના ઓરડામાં ગઈ ને સીસોટી વગાડી. પલકમાં બે માણસ આવી પહોંચ્યા. તેમને વજીર સાથે વાત કરનાર માણસોને પકડીને એકદમ કેદ કરવાનો હુકમ આપ્યો અને તુર્ત તે દિવાનખાનામાં આવી સ્વસ્થતાથી પાછી બેઠી ! ત્યાં આવીને એ જોય છે તો વજીર પોતાની જગાએ હતો નહિ. તે ચેતી ગઈ કે કંઈ પણ કાવતરું છે. તત્ક્ષણે પોતાના ખાસ પાસબાનને વજીરની ચર્ચા જોવા મોકલ્યો. નવાબ તરફ નજર કીધી તો તે તદ્દન બેશુદ્ધિમાં હતો. જાતે કંઈ પણ ભય વગરની છતાં આવા બારીક વખતમાં ઘણી ગભરાઈ; પણ પોતાની લોંડીપર વિશ્વાસ મૂકીને કહ્યું: “બહેન ! જો કે મારા ખાવિંદ આજે નિશામાં બેભાન જેવો થયો છે, પણ તેને તું તપાસજે. હું આ સર્વ મેજબાનોને પાનગુલાબ આપીને રુકસત આપું છું.” મુસલમાની રીત પ્રમાણે દાસીએ નમન કર્યું ને તે વાત સ્વીકારી હોય તેમ મોંથી દર્શાવ્યું. મોતીએ સર્વે મેમાનોને પાનગુલાબ અત્તર વગેરે છાંટીને રજા આપી.

* * * *

પણ શહેર બહાર આ વખતે જે બને છે, તે આપણે તપાસીએ. એક ચોક્કસ માણસે આવી શહેરમાં જણાવ્યું કે, ‘મરાઠા પિંડારાઓનું લશ્કર આવે છે. ઘેાડાનાં પગલાંનો ધબડધબડ થતો અવાજ અને પુષ્કળ ધૂળનો વંટોળીયો દૂર દિશામાં દૃષ્ટે પડતો મેં જોયો હતો.’ કોઈ લૂટારો શહેર લૂટવા આવે છે એવો શહેરમાં ભય વ્યાપ્યો; ક્ષણમાં શહેરમાં વાત ફેલાઈ ગઈ; સર્વે ગભરાઈ ગયા.

કડીંગ કડીંગ કરતા ધડીયાળમાં છ વાગ્યા. લોકોમાં તે અવાજ એક રીતે એવો તો ભયંકર થઈ પડ્યો કે, સૌ પોતપોતાની સાવચેતીમાં પડ્યા. ભય ઘણું મોટું હતું; એવું કે બાપને દીકરાની ફીકર કરવાનો સમય ન હતો ને દીકરાને બાપની ! જાન અને માલની ફીકરમાં સૌ પડ્યા. ધડાધડ ઘરનાં બારણાં દેવાવા લાગ્યાં; તેપર મોટી ભારે ભુંગળો નાંખવામાં આવી. કંઈક લોકો દોડધામ કરીને પોતાના બચાવ માટે હથિયાર લેવા દોડ્યા; પાંચ પચીશ ટોળે મળી એક ઘરમાં ભરાવાને, એક નાકેથી બીજે નાકેના ઘરમાં જતા જણાયા; હાથમાં જોખમના પોટલા ને નાનાં બાળકોને ઘસડતાં જતાં હતાં. કેટલાકોએ પોતાનો માલ ભેાંયરામાં ભર્યો, કોઈએ કૂવા કે તાંકામાં નાંખો, કેાઈએ ચુલા નીચે દાટવા માંડ્યો. ગરીબ ગુરબાએ જમીન ખેાદી ધનમાલ દાટવા માંડ્યા; ને કેટલાક તીસમારખાંઓ બેાલવા લાગ્યા કે, “હમ નવાબ કે બચ્ચેકું કોન લૂટનેવાલા કાફિર હૈ !” તે વિચારથી પાંચ પૈસાનો માલ હોય તે ખુલ્લો રાખવા લાગ્યા. નાણાવટીએાએ પોતાના બચાવ માટે અંગ્રેજની કોઠી ભણીનો રસ્તો લીધો; શહેર ને પરાંઓની ખડકીએા બંધ થઈ ગઈ. ધડાધડ બુરાનપુરી વગેરે બારે ભાગળેાના દરવાજા પણ બંધ થઈ ગયા. વલંદાની ને અંગ્રેજની કોઠી આગળ સાહુકારોનો જમાવ એટલો થયો કે, તલભાર જવાની જગ્યા રહી નહોતી. સઘળા સાહુકારો કંઈ પણ જોખમે પોતાનો માલ એ કોઠીમાં રક્ષણ થાય, તે માટે મૂકવા તૈયાર હતા. કોઠીદાર અંગ્રેજ તેમ વલંદા ઘણા ગુંચવાડામાં પડી ગયા. શું કરવું તે તેમને પણ સૂઝે નહિ, તેઓને પોતાના ધન તથા માલના રક્ષણની જ મોટી ચિંતા હતી. અંગ્રેજ કે વલંદા, પોતાનું જ રક્ષણ કરવાને સશક્ત નહતા, પણ હિંમતવાળા ને હથિયારબંધ હતા, તેથી પોતાના માલમતાની બરાબર ગોઠવણ કરી દીધી હતી. પહેલ વહેલાં તો સૌ સાહુકારોનો માલ લેવાને તેઓએ ના પાડી; પણ જ્યારે કેટલાકોને રડતા કકળતા જોયા એટલે દયા લાવી, એક સરતે સઘળા વેપારીનાં ધન અને માલ લેવાને હા કહી. તે સરત એ કે, કદાચિત્ શિવાજીનું લશ્કર સઘળો માલ લૂટી જાય તો તેના જોખમદાર અમે નહિ. જો માલ બચે તો સેંકડે દશ ટકા એમાંથી સચવામણીના કાપી લઈએ. મને કે કમને સર્વેએ વાત કબુલ કરી. તે જ ક્ષણે આસરે દોઢથી બે કરોડનું જરિયાન તથા જવાહીર કોઠીમાં આવીને પડ્યું. રોકડ તો જૂદી જ. વલંદાની કોઠીમાં પણ તેવા જ પ્રકારે જોખમ રાખવામાં આવ્યું, આમ આખા શહેરમાં મોટો હાહાકાર વર્તાઈ રહ્યો. સૌ કોઈ પોતપોતાનાં બૈરાં છોકરાં સાથે ઘરમાં ભરાઈ બેઠા. રસ્તાપર થોડે થોડે સમયે માત્ર ઘોડાએાનાં પગલાં સંભળાતાં. તે વગર બીજો કંઈ અવાજ નહતો. રાતના ચંદ્રપર વાદળાં છવાઈ ગયાં હતાં ને તે પણ આવનારા ભયથી અપ્રસન્ન થયો હોય તેવો જણાતો હતો.

જેવા શહેરના દરવાજા બંધ થઈ ગયા, તેવું જ મરાઠાનું ધોડેસ્વાર સૈન્ય શહેર બહાર કડેડાટ આવતું જણાયું. ચપળ પગલાં ઉપાડતા હારદોર ઘોડા ચાલ્યા આવ્યા ને દિલ્લી, સહરા, માન ને નવસારીના દરવાજા બહાર તેઓ ફરી વળ્યા. ઘણા કદાવર ઘોડાપર લૂટારાનો સરદાર શિવાજી હતો. તેની એક બાજુએ બહિરજી, હરપ્રસાદ, ને બીજી બાજુએ મોરો ત્રીમલ ને તાનોજી માલુસરે હતા. શહેરની નજીક આવતાં ઘોડેસ્વાર લશ્કરને છ ભાગમાં વહેંચી નાંખ્યું ને દરેક ભાગ ઉપર બીજા કેટલાક સરદારો નીમ્યા, પાંચસો પાંચસો માણસની વ્યુહ રચના થયા પછી બાકી રહેલું એક હજાર માણસ શિવાજી પોતાની સાથે લઈને નવાબના મહેલની બાજુએ આવ્યો. બહિરજી તથા હરપ્રસાદ, શહેરનો વચલો ભાગ લૂટનારી ટુકડી સાથે હતા.

જ્યાં રાતના નવ વાગ્યા કે તમામ લશ્કર શહેરની આસપાસ ફરી વળ્યું. ભય ને ત્રાસ સર્વત્ર પથરાઈ ગયો. નવાબના મહેલમાં પણ જેવું તેવું ભય નહોતું. ત્રણસો આરબ પઠાણોને ઉત્તમમાં ઉત્તમ શસ્ત્રો આપી તૈયાર રાખ્યા, પૂર્વે કહી ગયા તેમ નવાબની સ્થિતિ એ જ વખતે અતિસેં બગડી ગઈ હતી, તેને પોતાના દેહનું ભાન નહતું, તો આવા બારીક સમયમાં તે લોકોનું સંરક્ષણ શી રીતે કરી શકે ? તેથી મોતી ઘણી સાવચેત રહીને પોતાના માથાપરનો બોજો કેટલો અસહ્ય છે તે વિચારી, સર્વ પ્રકારનું જોર એકઠું કરીને તેણે શહેરનું રક્ષણ કરવાનો નક્કી ઠરાવ કીધો. સધળા દરબારીઓ, જેઓ આવે સમયે કંઈ પણ સહાય આપી શકે તેમની એક મંડળી બેલાવી રાત્રિના દશ [વાગી ગયા હતા. ઘણા ફીકરમંદ ચહેરાથી સાડાદશ કલાકે દશેક કારભારી આવી પહોંચ્યા. આદર સત્કાર આપવામાં એવે સમયે મોતી પાછી પડે તેમ નહતું. પોતે તદ્દન દૃઢ છે, એમ બતાવતી તે ટેબલને મોખરે બિરાજી અને આસપાસ એક તરફ ચાર હિંદુ-બે નાગર ને બે કાયચ-અને બીજી તરફ પાંચ મુસલમાન અમીરો બિરાજ્યા.

સદ્‌ગુણી સ્ત્રીના ગૌરવની જે શોભા છે, તે તેનામાં રહેલા કોઈ એક પ્રકારના સદ્‌ગુણની પ્રતિમા છે. સ્ત્રીના સદ્‌ગુણની શરુઆત ને અંત સર્વસ્વ, વાસ્તવિક રીતે સદ્‌ગુણમય પ્રેમમાં છે. પ્રેમનાં કાર્ય આદરવાનાં હોય છે, ત્યારે સ્ત્રીઓ ઘણી સુખી દેખાય છે અને તે જો શુદ્ધ મન અને વિચક્ષણ બુદ્ધિથી થઈ શકે તો તેની અપૂર્વ સ્તુતિ ગવાય છે. જ્યારે સ્ત્રીનો પ્રેમ કોઈ એકાદ બાજુએ ઢળે છે, ત્યારે તે જગ્યા સ્વર્ગ તુલ્ય બને છે અને સ્ત્રીઓમાં જે જે પ્રેમની રચનાનો યંત્ર ગોઠવાયો છે, તેથી તેઓને હાથે જે જે કાર્યો થાય છે તે સધળાં ઘણાં અલૌકિક દબદબાવાળાં થાય છે, સદ્‌ગુણમય સ્ત્રીનું તેજોબિંદુ, તેની વાણીમાં મીઠાશ, હરવા ફરવામાં છટા અને નજર નાખવામાં તીક્ષ્ણ શક્તિ છે. એવી છતાં જ્યારે તે દેશસેવામાં ભક્તિભાવથી પ્રેમ બતાવે છે, ત્યારે તેજોબિંદુ, કોઈ પણ પ્રકારે તેની દિવ્ય શક્તિમાં ઉણું કરતો નથી – વધારો કરે છે. સ્ત્રીઓને સ્વતંત્ર રીતે કામકાજ કરવામાં ભાગ આપવામાં આવે તો તે પોતાનું કામ ઘણી સારી રીતે કરી શકે; કેમકે તેનો પ્રેમ જે તરફ ઢળે છે, તે તરફ કંઈ પણ એાછપ રાખતું નથી. ઘણું કરીને પ્રાચીનકાળથી એમ કહેવાય છે કે, “સ્ત્રીની મતિ પગની પેનીએ !” તેની શક્તિ શી, બુદ્ધિ શી, સલાહ શી ! તો પણ કહેવું જોઈયે કે, સ્ત્રીઓએ પ્રેમના આવેશમાં જે મોટાં કામ કીધાં છે, તેના જેટલાં યશાળાં કામો પુરુષ ઘણે શ્રમે કરી શક્યા છે. મુસલમાનના રાજકાળમાં, જનાનું સેવતી, મુસલમાન નવાબની બેગમે, સંકટ સમયે ખુલ્લું દરબાર ભરી, દરબાર મંડળમાં ભાગ લીધો, તે જાણીને વાંચનારા વિસ્મય પામશે. મુસલમાનો તો હમેશાં જનાનો સેવનારા છે, તે આટલી છૂટ શી રીતે આપી શકે ? પણુ ગ્યાસુદ્દીન રૂમી જાતે ઘણો છુટા વિચારનો, સમજુ અને દાનો હતો. તે જેટલો હતો તેના કરતાં વિશેષ તેની પત્નીએ તેને બનાવ્યો હતો. તથાપિ મુસલમાનોમાં જે આળસ ને મોજશોખના દુર્ગુણ હોય છે, તેથી એ બાતલ નહોતો. સ્ત્રીને છૂટાપણું આપવામાં તે ઘણો અગાડી પડેલો હતો, ઘણી વેળાએ તેણે પોતાના દરબારીઓની મજાક કીધી હતી કે, “જેનાં બૈરાં અંધારી કોટડીમાં રહેનારાં હોય, તેનાં ફરજંદો પણ તેવાં જ બાયલાં થાય. સ્વતંત્રતા જ સર્વે સુખનું સાધન છે; તે પડતીમાંથી ચઢતીમાં લાવવાનો સુલભ માર્ગ છે. સ્વતંત્ર થયલાં સ્ત્રી પુરુષ, પ્રેમમાં જે સુખ ભોગવે છે, તેવું બીજા ભોગવવાને અશક્ત છે, ને તેના પુત્રો સ્વતંત્ર સુખના લહાવા લેવાને કેમ ભાગ્યવંતન થાય !” આવી રીતિથી મોતી બેગમને સર્વ પ્રકારની સ્વતંત્રતા મળી હતી. છચોક તે બહાર ફરવા નીકળતી હતી – જો કે આ રીવાજને કેટલાક અમીર ઉમરાવો ધિક્કારતા હતા, તો પણ નવાબની સામા બોલવાની હીંમત કોની ચાલે ?

દરબારીઓ દશ મિનિટ સુધી અબોલ રહ્યા, કોઈએ પણ ચુપકીદી તોડવાની હીંમત કીધી નહિ; અગરજો આ વખતે નવાબના સ્થાનક ઉપર એક સ્ત્રી બેઠી હતી.

“મારા દરબારીઓ !” સધળી શાંતિ તોડી નાંખી, શોક, ચિન્તા ને ભય મુખપર છવાઈ રહ્યા છતાં, હીંમતથી મોતી બોલી; “તમે જાણો છો કે, આપણા નગર ઉપર આજે જે આફત આવી છે, તેને માટે મારી પૂરી સાવચેતી છતાં, કમભાગ્યે તેમાં નિષ્ફળ થઈ અને એ નધારેલું સંકટ પ્રાપ્ત થયું છે, એને માટે આપણે શો બંદોબસ્ત કરવો, તે તમે સૂચવશો.”

“આપણે આપણા નગરનો બચાવ કોઈ પણ જોખમે કરવો.” અમિર નવરોઝે પોતાના વૃદ્ધપણાના ડોળથી, ડાઢી હલાવતાં હલાવતાં કહ્યું. ઘણા દૃઢ ને પાકા વિચારવાળો, તે દરબારમંડળમાં પહેલો સલાહકાર હતો.

તુરત જ નાગર દિવાન પોતાની ખુરસી લગાર પછાડી હતી તેને અગાડી લાવ્યો, ને ટેબલ પર હાથ મૂકી બોલ્યો, “આપણા હાથમાં ઉપાય શું છે ?”

“આપણી તરવાર એ જ આપણો ઉપાય, તમારે તોષાખાનાવાળાને નાણાં આપવાની વરદી આપવી. અમે અમારું કામ સારી રીતે સમજિયે છિયે.” સેનાધિપતિએ જવાબ દીધો.

“તોષાખાનામાં પૈસા જ ક્યાં છે ? ત્રણ ત્રણ મહિનાના સીપાહીઓના પગાર ચઢી ગયા છે, તેઓ તેથી બૂમ પાડે છે;” કરડાકીમાં તોષાખાનાનો ઉપરી બોલ્યો.

“જ્યાં સુધી નવાબ પોતાનો ખરચ ખુંટણ ઓછો કરે નહિ, ત્યાં સુધી ને મારાં ધીરેલાં નાણાં મને આપવાને માટે પાકી જામીનગીરી મળે નહિ, ત્યાં સુધી હું હવે એક પૈ પણ ધીરનારો નથી;” એક નાગર સાહુકારે ટચકો માર્‌યો.

“અાપણા લશ્કરની હાલત કોઈ પણ રીતે સારી નથી. પઠાણ ને આરબ સીપાહીઓ નારાજ થયલા છે, તેથી આવે સમયે કોઈ પોતાનો જાન આપવાને તૈયાર થશે નહિ. મારો વિચાર તો એવો છે કે, જેમ બને તેમ આપણે આપણું પોતાનું રક્ષણ કરી, શહેરને તેના પોતાના નસીબપર છોડી દેવું. શિવાજી જે કરવાનો હશે તે કરશે, લોકો પોતાનું રક્ષણ જાતે કરી શકે તો કરે, નહિતર આપણે શું કરી શકીશું?” એક નાગર અધિકારીએ પોતાનો વિચાર આપ્યો.

“ચૂપ ! મૂર્ખ !” પહેલા સલાહકારે ગુસ્સાના આવેશમાં તેને ધિક્કારી કહાડ્યો. “તું ચંડાળ છે ! રાજદ્રોહી છે ! તારો વિશ્વાસ કેવો ? હું તને હમણાં તારા રાજદ્રોહીપણાનું-”

અકસ્માત્ બારણું ઉઘડ્યું ને બે માણસો એકદમ ધસ્યા આવ્યા. એક બેગમ સાહેબા પાસે ગયો ને બીજો બીજા સલાહકાર પાસે ગયો. બંનોએ જતાં વારને ઉતાવળા ઉતાવળા મુંગે મોડે તેમના હાથમાં ચિઠ્ઠીઓ આપી દીધી, આ બંનો જાસુસો ઘણા જ હાંફતા હાંફતા આવેલા હતા, તેથી એમ લાગતું હતું કે, આ ચિઠ્ઠી ઘણી અગત્યની હશે, હતું પણ તેમ જ. અહીંઆં આ રાજમંડળીને હાલ બેસાડી મૂકી આપણે એ શું હતું તે તપાસીએ.

* * * * *

પાછલા પ્રકરણમાં બહિરજી અને બેરાગીને સુરત છોડીને કલ્યાણી તરફ જતા આપણે જોયા હતા. શિવાજીને તેઓ જઈ મળ્યા ને ત્યાં નગરની સંપત્તિની દિલ લલચાવે તેવી વાર્તા કહી; ને તેમાં હરપ્રસાદ બેરાગીના આશ્રયની વાત કહી, તેમ તેની સાથે જે સરત કરવામાં આવી હતી, તે વાત પણ કહી સંભળાવી. શિવાજી ઘણો ખુશી થઈ ગયો ને હરપ્રસાદને પોતાના તનનો સાથી કીધો, ઉત્તરાયણ પહેલાં ચઢાઈ કરવાનો ઈરાદો રાખીને, શિવાજીએ ૪૦૦૦ સરસ ધોડેસ્વારને લઈને નિકળવાનો ઠરાવ કીધો. તેટલામાં બેરાગીના કહેવા ઉપરથી શિવાજીએ જાતે વજીર ગજનાફરખાનજીને તથા દિવાન નવનીતલાલને પત્રો મોકલ્યા. તેમાં વજીરને જણાવ્યું હતું કે; “જો તમે આશ્રય આપશો તો ગ્યાસુદ્દીન રૂમીને મારીને તમને રાજગાદી સોંપવામાં આવશે, એ ઉપકારના બદલામાં ઘાસદાણા પેટે દર વર્ષે તમારે ત્રીશ લાખ રૂપિયા આપવા.” એવી જ મતલબનો પત્ર દિવાનપર પણ લખ્યો હતો, વજીર ને દિવાન બંને લોભના માર્યા આંધળાભીંત બની ગયા હતા. નગરને માથે જે મોટું સંકટ છે, તે વિચાર મનમાંથી કહાડી નાંખીને, પોતાનો સ્વાર્થ સાધવો જ કલ્યાણકારી માન્યો – જાણ્યો. સ્વાર્થ જાતે જ અંધો છે. તે, પોતાને મનગમતી ચીજ મેળવવા માટે કેવાં કાળાં ધોળાં કરે છે, કેવા પ્રકારે દેશદ્રોહી બને છે, તે જોવાને તે શક્તિમંત નથી. સ્વાર્થી માણસ નિમકહરામ થતાં વિલંબ લગાડતો નથી. સ્વાર્થીઓ હમેશાં જ બુદ્ધિને કોરણે મૂકી દે છે, તેને ધર્મનો ઢોંગ કરતાં આવડે છે, તે પ્રમાણિકપણાનું ડોળ ઘાલવામાં ચતુર છે, પણ અંદરથી તેનાં કૃત્યો એવાં તે કાળાં મેંસ જેવાં હોય છે કે, જ્યાં સુધી કોઈ વિદ્વાન વૈદરાજ તેનાં કાળજાં કાપીને બતાવે નહિ, ત્યાં સુધી તેને ખ્યાલ પણ આવે નહિ. નાગર દિવાન મોટું ત્રિપુંડ કરતો, ભેંસ ભડકે તેવી રાખ ચોળતો, દોઢ મણ ભભૂતિ કપાળપર ચોળતો. પણ તેના જેવો અધમ પાપી બીજો સુરતમાં નહિ હશે. “મુખમાં રામ બગલમાં છૂરી, ભગત ભયા પણ દાનત બૂરી” તેમ ગૂજરાતમાં ઘણાં રાજ્યોનું સત્યાનાશ વાળનાર નાગરો છે ! કરણને પાયમાલ કરવાનું કારણ નાગર થઈ પડ્યો હતો. આજે સુરતને પાયમાલ કરવા પણ નાગર તૈયાર થયો છે અને સુરતને વેચનાર પણ નાગર હતો.

નવનીતલાલ દીવાને શિવાજીના પત્રથી લોભાઈ વજીર સાથે વાતચીત કીધી; અને એમ ઠર્યું કે જેવો શિવાજી આવે કે નવાબને મારી નાંખીને શિવાજીને દંડ આપી તાબે થવું અને ગાદીપર ચઢી બેસવું.

મોતી બેગમ જાતે અતિ ચંચળ હતી. તેણે વજીરની રીતભાતપર શકની આંખથી જોવા માંડ્યું હતું. આ તે નિયમ છે કે પાપી માણસ હમેશાં જ બિહતો રહે છે, તેમ વજીરે પણ સાવધ રહેવા માંડ્યું હતું. જે દિવસની આપણે વાત કરીએ છીએ, તે દિવસે તેને ખબર હતી કે, આજે શિવાજીની ચઢાઈ આવનારી છે, ને તે લૂટફાટ કરવાને તત્પર છે; તેટલામાં આપણું કામ કહાડી લઈયે અને તે દુષ્ટ વિચારથી દારૂના ગ્લાસમાં કંઈક કેફી વસ્તુ નાંખી નવાબને બેભાન કીધો હતો.

જે બે જાસૂસ વજીર પાસે આવ્યા હતા, તેની પછાડી મોતી બેગમે પોતાના જાસૂસોને મોકલ્યા હતા, તેઓ છુપે વેશે તેની પછાડી ગયા હતા. પ્રથમ જાસુસોએ રસ્તામાંથી શહેર બહાર જવાનો વિચાર કીધો, પહેલાએ બીજાને કહ્યું: “સૈૌથી સારો તડાકો આપણે છે, જો વજીર, નવાબની ગાદીએ બેસે તો તેઓએ મને ત્રણ ગામ બક્ષીસ આપવા કહ્યાં છે.” બીજે લોલ્યો; “દિવાનજીએ પણ મને સારી આશા આપી છે; ને તેની જામીનગીરીમાં આ મહારાજા શિવાજીનો પત્ર આપ્યો છે. એ જો હું કોઈને પણ આપું તો દિવાનજીના મહાબુરા હાલ તાત્કાળ થાય.”આમ બોલી પોતાના ખીસામાંથી કાગળ કહાડ્યો ને તે પોતાના સોબતીને વંચાવ્યો. એકદમ મોતીના દૂતે તેઓની સમક્ષ જઈને તે પત્ર માગ્યો. બંને જાસૂસો તો આભા જ બની ગયા. તેઓ ઘણા ગભરાટમાં પડ્યા. પણ બીજાએ હીંમત લાવી પોતાના ગજવામાં કાગળ મૂકવા માંડ્યો, એટલે નવાબી દૂતે તેના હાથપર પોતાનો હાથ મૂકી કહ્યું: “દોસ્ત, યાદ રાખ કે તારો જાન સલામત છે, જો આ પત્ર મારા હાથમાં આપશે તો;- પણ વધારે ગડબડ કીધી તો કંઈપણ સાંભળ્યા વગર હમણાં જ કાપી નાંખવાની સત્તા ધરાવું છું.” આમ બોલી રહ્યા પછી એકદમ પોતાના ગળામાંથી એક સીસોટી કહાડી વગાડી ને બે મીનીટમાં ત્રીસ ઘોડેસ્વાર તેની આસપાસ ફરી વળ્યા, ખેાજો દૂત, જેનું નામ સેનાદીન હતું, તેણે હુકમ આપ્યા કે, “આ બંનેને પકડીને એકદમ કાળી કોટડીમાં લઈ જાઓ, હું ત્યાં હમણાં આવી પહોંચું છું.” એકેક સ્વારે બંનેને પોતાના ઘેાડા૫ર બેસાડી એકદમ કાળી કોટડીમાં લઈ જઈને પૂર્યા, બંને જાસૂસોને જેલમાં નાંખ્યા કે પછી તેઓ થોડીવારે સ્વસ્થ થયા. સેનાદીને બેગમને આવીને સવિસ્તર હકીકત કહી. બેગમે પોતાના આપ્ત મંડળના મંત્રીને બોલાવી વિચાર કીધો, કે હવે શું કરવું? જે પત્ર શિવાજીએ દિવાન અને વજીર ઉપર મોકલ્યો હતો, તે જોઈને તેમના કાવતરાં માટે સંશય રહ્યો નહિ. આપ્ત મંત્રી ઘણે લાંબો વિચાર કરીને કંઈ બોલવા ગયો પણ તેટલામાં મોતી બોલી-જે આટલો વખત પેલા પત્રપર જ નજર કરતી હતી.

“એ બેરહેમ પ્રભુ, મારું શું થશે ?” ઘણી ચમકીને ડચકીયાં ખાતી ખાતી તે બોલી. “આ બને યમદૂત રાજ્યનું લૂણ ખાઈને હરામ કરે છે ને તે વળી સૂર્યપુરની ગાદીપર – જાણે ઈંદ્ર શચિને લઈને બેસે તેમ, મને લઈને બેસવા ઈચ્છે છે, અરે ! કમભાગ્યે એમ બન્યું તો ઓ ! હું શું કરીશ ?”

“બેગમ સાહેબા ! તમે બીહીશો નહિ !” ભાઈ જેવા પ્યારથી આ હિંદુ બોલ્યો, તે જાતે ઘણો નમ્ર ને કોમળ મનવાળો તરુણ હતો. “જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી તમારે કોઈપણ પ્રકારે ડરવાનું નથી; હું કોઈ પણ પ્રકારે તમારું તો રક્ષણ કરીશ જ, એટલું જ નહિ, પણ મારી માતૃભૂમિનું પણ રક્ષણ કરીશ !”

“પણ તું જો, આ પત્રમાં શું છે તે;” મોતીએ પોતાના હાથમાંનો પત્ર તેના હાથમાં આપીને કહ્યું.

“મને સર્વ માલમ છે !” ધીમેસથી આ હિંદુ બોલ્યો. “પણ વજીર હમણાં ક્યાં છે ? તેને ઘણો જલદીથી પકડીને તાબે કરવા જોઈયે. જો તે છટકી જશે તો-”

“તે આપણા તાબામાં આવ્યા છે ને મહેલના ભોંયરામાં હમણાં પોતાના પાપનો પસ્તાવો કરતો બેઠો છે !” અકસ્માત ઓરડાનું ખાનગી બારણું ઉઘડ્યું ને ખેાજા થુમરુરે કહ્યું: “જનાબના હુકમથી હું એકદમ વજીર પછાડી દોડ્યો; અને મને એમ ભાસ્યું કે તે પોતે દરવાજા બહાર શહેર છોડી જાય છે. થોડે ગયા પછી, તેણે આસપાસ દૂર લગણ કોઈ માણસને માટે નજર કીધી, પણ કોઈ જણાયું નહિ, ત્યારે તે થોભ્યો. મને લાગ્યું કે તે કોઈ બીજાની રાહ જોતો હતો. પાએક કલાક વીત્યો ને કોઈ ન આવ્યું ત્યારે તેણે ઘોડાને એડ મારી; પણ ઘણે લાંબેથી ઘોડો દોડાવીને હું તેની પાસે ગયો. મેં તેને જણાવ્યું કે; “ખુદાવંદ ! આપ પાછા ફરો ! આપ મારા બંધીવાન છો ! જો કોઈ પ્રકારે લાંબી ટુંકી કરશો તો એક ઝટકે છપ્પન ટુકડા કરી તમને સોનાની શૈયામાં પોઢાડવાને બદલે ડુક્કરને ખાવા માટે મૂકીશ ” હું આટલું બોલી ન રહ્યો, તેટલામાં તો વજીરે સમશેર ખેંચી કહ્યું: “અલહમદીલુલા ! એ કુત્તા સમાલ ! મારી સમશેરનો ઘા, અને પછી તારા પૃથ્વીનાથના હુકમની બજાવણી કર !” તે જ ક્ષણે પોતાની સમશેરનો ઘા તેણે મારા પર કર્યો, પણ “અલાહી હાફેઝ,” તે મેં ચૂકાવ્યો ને ઉલટો ઘા મારો પડવાથી તેની સમશેર હાથમાંથી ઉડી ગઈ ને તે તાબે થયો, તેને મેં સાથે લીધો ને હથિયાર વગરનો બનાવી, કંઈ પણ ચેં કે ચું કર્યા વગર જ્યાં સૂધી તેને ભોંયરામાં ગોંધ્યો નહિ ત્યાં સુધી તેણે એક પણ શબ્દ ઉચ્ચારવાની હીંમત કીધી નથી. તેના ખીસામાં જે કાગળોનો જથ્થો. હતા તે, સરકાર! આપની હજુર મૂકુ છું, આપ તપાસો.”

ત્યાં બેઠેલા હિંદુએ સઘળા પત્રો વાંચી જોવાને બેગમ સાહેબા પાસેથી માગી લીધા. બેગમે કંઈ પણ આનાકાની વગર ઘણી ખુશીથી આપ્યા અને તે હિંદુએ જણાવ્યું કે, “જે બે જાસૂસને કેદ કીધા છે, તે બન્નેની હું જેલમાં જઈને તપાસ કરું છું અને કંઈ વિશેષ હકીકત મળશે તે લઈને પાછો સત્વર આવું છું.” બેગમે સર્વ પ્રકારની રાજસત્તાનો ઉપયોગ કરવાની તેને પરવાનગી આપી ને પોતાની રાજ્ય મહોર જેવી વીંટી પણ તેને સોંપી – કે જેથી કંઈ સંકટ સમયે તેનો ઉપયોગ કરવો હોય તે તે કરી શકે.

જે હિંદુ ગૃહસ્થને આપણે આ સ્થળે જોયો, તે એક શૂરવીર અને રણધીર નાગર બચ્ચો જ હતો. તેની વય માત્ર ત્રીસની હતી ને તે બેગમનો હમેશનો ખાનગી સલાહકાર હતા. તે દેખાવે ઘણો ગંભીર અને વિચારમાં પુખ્ત હતો, જુવાન સ્ત્રી પુરુષો ઘણું કરીને અતિશય પ્રેમાળ હોય છે, તેવો જ એ પણ હતો. જ્યારે મોતી બેગમ બાળવયમાં હતી ત્યારે એ તેનો શિક્ષાગુરુ હતો. ઘણું કરીને બન્ને જણનો વાતના પ્રસંગથી એટલો તો ઘાડો પ્રેમ બંધાયો હતો કે, એક દિવસે સુરલાલે પોતાનો પ્રેમ છચોક બતાવ્યો. મોતી પહેલ વહેલી તો ચમકી, પણ તેનું મન આકર્ષાયું હતું, તેથી જણાવ્યું કે, ‘જો મારાં માતાપિતા કબુલ કરે, ને તું અમારો ધર્મ સ્વીકારે તો કંઈ પણ મારા તરફની હરકત વગર તારી સાથે નેકાહ પઢીશ. પણ એ જો ન બને તો ફરીથી એ વાત ન કહાડતો, માત્ર મારી પોતાની ખાતર જ – રે કોઈ બીજા ખાતર નહિ, તોપણ મારી તરફના પ્રેમને ખાતર જ – તારે એ વાત મનમાંથી કહાડી નાંખવી; ને એક બહેન ભાઈને ને એક ભાઈ બહેનને જેટલા ને જેવા પ્રેમથી જોય તેવા પ્રેમથી વર્તજે.” અંતે એ જ પ્રમાણે થયું. બક્ષી કોઈ દિવસે પોતાની દીકરી આવા માણસને આપે એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવું હતું. એ દિવસથી સુરલાલ હમેશાં દિલગીર રહેતો ને થોડોક કાળ તો મોતીને મળતો પણ નહિ; તથાપિ મોતીના આગ્રહથી – વચનથી બંધાયલો હતો, માટે સમયે સમયે તેને મળવા જતો હતો. મોતીને એનાપર અપૂર્વ પ્રેમ હતો, જો કે તે સ્વચ્છ અને બંધુત્વ દર્શાવનારે પ્રેમ હતો !

આજે સુરલાલને તેડાવ્યો, તેથી તે આવ્યો હતો, તે મોતીને મળીને પાછો ઘેર ગયો ને સઘળા પત્રવ્યવહાર વાંચી જોયો. તેમાં દિવાનનાં કાવતરાં ઘણાં અઘોર માલમ પડ્યાં.

* * * *

રાતના આઠ વાગ્યા ને જેલનાં બારણાં ઉઘડ્યાં. અંધારામાં બે કેદી નિરાશ થયલા લાંબા છટ થઈને પડ્યા હતા. કેટલીકવાર એમ બને છે કે, દુઃખમાં નિદ્રા ઘણી આવે છે. અણધાર્યું બેહદ દુઃખ આવ્યા પછી માણસ એક રીતે નચિંત થઈ જાય છે. “ભે થા સે ડાલ દિયા” એમ સમજીને તે ઉદાસીમાં મનનો ભાર ઉતારવાને, કોઈ પણ પ્રકારની દુનિયાની દરકાર વગર ઘસઘસાટ, તે દુઃખી મનુષ્ય નિદ્રા લે છે. બંને જાસૂસોની પાસે સુરલાલ ગયો ને દરવાજાપર બે માણસો બેસાડ્યાં. બંનેને ઊઠાડીને તેણે જે સર્વ વૃત્તાંત જાણ્યો, તે આપણે ઉપર વાંચી ગયા છીએ, તેને વિશેષ ખાત્રી એટલી જ મળી કે, દિવાન આ કાવતરાંમાં અસલથી જ સામેલ છે અને તે સવારના શિવાજીને શરણે જઈને શહેર તેને તાબે કરવાનો છે.

આ ખબર સાંભળીને સુરલાલ ઘણો જ ગભરાયો અને તેણે પ્રથમ જૂદો વિચાર કીધો; પણ પછી તાત્કાળ નક્કી કીધું કે, શાહજાદા નવરોઝપર પત્ર મોકલી દિવાનને પકડવાનો બંદોબસ્ત કરવો, જેલમાંથી બહાર નીકળીને ઘેર જઈને તેણે ઝટ એક પત્રિકા લખી કહાડી ને પોતાના એક વિશ્વાસપાત્ર માણસ સાથે શાહજાદા નવરોઝપર મોકલાવી અને પોતે શિવાજી જે બાજુએ પડેલો છે તે બાજુના દરેક દરવાજા- પર દશ દશ સ્વારની ચોકી મૂકી સૌ સ્વારને હુકમ આપ્યો કે, “જેવા દિવાનને દેખો કે તેનું કંઈ પણ સાંભળ્યા વગર તમારે તેને એકદમ પકડી લાવવો.”

જે સંદેશો લઈ જનારને શાહજાદા નવરોઝને ઘેર મોકલ્યો હતો, તેને ખબર મળી કે અત્યારે સઘળા નવાબના મહેલમાં પધારેલા છે, એટલે તે ત્યાં ગયો. દરવાને પ્રથમ તેને અટકાવ્યો, પણ તેના કાનમાં કંઈ કહ્યું ને ‘પાસ પોર્ટ’ બતાવી એટલે તે વગર મુશ્કેલીઓ દિવાનખાનામાં જઈ શક્યો; ને ત્યાં જઈ શાહજાદા નવરોઝના હાથમાં ચિઠ્ઠી આપી.

શાહજાદા નવરોઝે ચિઠ્ઠી વાંચી કે તાત્કાળ-વાંચતાં વાંચતાં તેનાં રોમેરોમ ઉભા થઈ ગયાં. તે એકદમ જોસ્સામાં અને ગુસ્સાના આવેશમાં બોલી ઉઠ્યો:

“અરે આ તે કેવી વિચિત્ર વાત, મને ખબર નથી પડતી કે આ ગુનેહગારને યમરાજા કેવી શિક્ષા દેશે.” એક ક્ષણ ચૂપ રહ્યા પછી તે દિવાન તરફ નજર કરી બોલ્યો: “તું જાણે છે ઓ સયતાનના બચ્ચા ! કે તારાં કાળાં કર્મ કેવાં પ્રસિદ્ધ થનારાં છે ? પાપી ચંડાળ ! તું જેનું નિમક ખાય છે તેનો દ્રોહી થવા માગે છે ? યાદ રાખ કે, તારે માટે દોજખ શિવાય બીજી જગ્યા નથી !”

“ખબરદાર ! તારી જીભડી સંભાળ, નહિ તો હું હમણાં તારા અમીરીપણાને ઝાંખ લાગે તેવા તારા આ કર્મને યોગ્ય તને શિક્ષા કરીશ;” દિવાને કહ્યું. “ચાલ્યો જા, મૂર્ખ ! નહિ તો મારે મારી સત્તાની રૂપે તને યોગ્ય સજા કરવી પડશે;” શાહજાદા નવરોઝે ધિક્કારીને જવાબ વાળ્યો.

“નહિ, નહિ;” દિવાને કૃતજ્ઞપણાનો ડોળ ધારણ કરીને શબ્દ કહાડ્યો. “જેવા તમે જાતે મૂર્ખ છો, તેવા બીજાને ધારવામાં મોટી ભૂલ કરો છો.”

“કુતરા ! રસ્તો પકડ” ક્રોધાંધ થઈ શાહજાદો નવરોઝ બોલ્યો. “નહિ તો મુક્કીએ મુક્કીએ તારા ચુરેચુરા કરી નાંખીશ. જાણતો નહિ કે, તારાં દુષ્ટ કામોની કોઈને ખબર પણ નથી, પરંતુ એટલું યાદ રાખજે કે, તે જ કામો તારી ગરદન કપાવશે !”

“તું જાણે છે કે કોની સાથે વાત કરે છે ?” પોતાની દિવાનગીરીની સત્તાના તોરમાં જ દિવાને સવાલ કીધો.

“હા ! એક નિમકહરામ પાપિષ્ઠ હેવાન સાથે ?” નવરોઝે ઉભા થઈને, તરવારપર હાથ મૂકતાં જવાબ દીધો; ને અાંગળી બતાવીને બોલ્યો કે, “જલદી ચાલ્યો જા અહીંથી, નહિ તો હમણાં તને તારી સત્તાનો સ્વાદ ચખાડીશ !”

“સુવરના બચ્ચા ! તું તારું પરાક્રમ આજે બતાવે છે ?” પોતાની ખુરસીપરથી ઉભા થતાં દિવાન બોલ્યો:-“પણ યાદ રાખજે કે તેનું પરિણામ તારે કેવું ચાખવું પડે છે. તને શી સત્તા છે કે, તું આજે આ દિવાનખાનામાંથી મને જવાની ફરજ પાડે. પણ તું જાણ ને યાદ રાખ કે હમણાં હું જઈશ, પણ કાલે સવારના કાગડા કકળે તે પહેલાં તારું લોહી વહેતું જોઈશ ને તારે આ સામે ખડક માફક ઉભેલો મહેલ જમીનદોસ્ત થઈ જશે અને ત્યાં ગધેડાં ભૂંકશે.” આમ બોલીને તે નાસવાની યુક્તિ કરવામાં મનથી ગુંથાયો. પણ જે શબ્દ દિવાન બોલ્યો હતો, તે શબ્દ શાહજાદા નવરોઝના મનમાં એવા તો કારી ઘા પેઠે લાગ્યા, કે તેણે પોતાની તરવાર મ્યાનમાંથી ખેંચવા માંડી. “ખબરદાર !” બંને જણ તરફ પોતાની નજર નાંખીને તેમને શાંત પાડવાના હેતુથી મોતી બોલી: “તમારે મારી સત્તાને માન્ય રાખીને વર્તવું. જે બનાવ આ પ્રસંગે અહીંયાં બન્યો છે, તેમાં શો ગૂઢ ભાવાર્થ રહ્યો છે, તે અમે કોઈ સમજી શક્યાં નથી. મારી વિનતિ શાહજાદા નવરોઝને એ છે કે, તેણે સર્વ હકીકત સવિસ્તર અમને જણાવવી.”

“હું તૈયાર છું ” એમ કહી શાહજાદાએ તુરત સુરલાલનો પત્ર બેગમના હાથમાં આપ્યો. બેગમ વાંચે છે તેવામાં દિવાને જોયું કે, સર્વની નજર બેગમ તરફ છે, માટે એકદમ તે બારણા ભણી જવાને તત્પર થયો. તેણે થોડાંક પગલાં મૂક્યાં નહિ હશે, તેટલામાં તો એકદમ સુરલાલ આવી પહોંચ્યો. તેની નજર દિવાનપર પડતાં, ને તેને ગભરાયલો જોતાં, તે તરતજ ચેતી ગયો કે, આ નિમકહરામ માણસ ખરેખરો ચોર છે. દિવાને સુરલાલપર છુપી નજર નાંખી, ને જ્યારે તેણે જોયું કે એની નજર બીજી બાજુએ છે, ત્યારે એ એકદમ બારણ બહાર, બેદરકાર હોય તેમ ધીમે ધીમે પગલે, દીવાનખાનામાં આગળ ને આગળ જતો હોય તેવા ડોળમાં ચાલ્યો ને દાદરપર ઘણું ત્વરાથી પગલું મૂક્યું, કે તુરત સુરલાલે પોતાની સાથેના સીપાહીને હુકમ આપ્યોઃ-

“બાદશાહી મહોરની સત્તાથી હું તમને એવો હુકમ કરું છું કે, આ રાજકેદી છે તેને પકડી લો.”

“શા માટે ?” ગભરાટમાં દિવાન બોલ્યોઃ “મને રાજકેદી કહેવાની તને શી સત્તા છે ?”

“મને સઘળી સત્તા છે, તમે તાબે થાઓ, પછી જે પૂછવું હોય તે પૂછજો;” તિરસ્કારથી સુરલાલ બેાલ્યો.

“કયાં છે રાજનો હુકમ ને મહોર !” ગળગળી જઈને ઘણું નમ્રતાથી દિવાને સવાલ પૂછ્યો, “સુરલાલ, તું જાણે છે કે કોની સામા તેં તારી સત્તાનો ઉપયોગ કરવા માંડ્યો છે ? જે લોકો મારી તરફ શકમંદ આંખે જોય છે, તે જાતે જ ચોર છે. હું જાણતો નથી કે મેં શો ગુન્હો કીધો છે ! મને જણાવશે નહિ ત્યાં સુધી હું તારા હુકમને અને આ મહોરને માન આપવાને બંધાયેલો નથી. હું તને જણાવું છું કે, તું એક મોટો રાજકેદી છે, કોની સત્તાથી તે મહેલમાં પ્રવેશ કીધો ?” જેમ ઓલાઈ જતો દીવો આખરે ઘણો ઝબકારો મારે તેવા ઝબકારાથી દિવાને છટકી જવાનો માર્ગ શોધ્યો; જો કે તેણે જાણ્યું કે, હવે આપણા દહાડા ભરાઈ ચૂક્યા છે.

“દિવાનજી ! આપ તો મોટા લોક છો, આપની સામા કોઈ ચેં કે ચું થઈ શકે નહિ ને કોઈથી આ૫ને પકડાય પણ નહિ; પણ સીપાઈઓ ! એને પકડીને એકદમ બેગમ સાહેબ પાસે લાવો.” સુરલાલે જરાક કરડાકીમાં જવાબ દઈ સખ્ત હુકમ કીધો.

“કોણ કમબખ્તની તાકાદ છે કે, અમારા સરદારને અાંગળી લગાવે !” દિવાનના બે બોડીગાર્ડ એકદમ ઉપર ચઢી આવી, નાગી તરવાર સાથે ઉભા રહી બોલ્યા.

“તમે તમારે માર્ગે ચાલ્યા જાવ, રક્ષકો ! આ જગ્યાએ તમારાથી તમારા સરદારનું રક્ષણ નહિ થઈ શકે. તમારો સરદાર નિમકહરામી માટે ગુન્હેગાર છે !” સુરલાલે તેમને સમજાવ્યા.

“તમારા હુકમ અમારા શિરપર છે. એ નિમકહરામ હોય તો હમે એની સાથ કદી પણ રહીશું નહિ.” રક્ષકોએ જવાબ દીધો. પણ તેટલામાં સુરલાલે સીસોટી વગાડી ને નીચેથી છ સીપાઈઓ નાગી તરવાર સાથ ઉપર દોડી આવ્યા; અને દિવાનખાનામાં બીરાજેલા સઘળા દરબારી પણ એ શું થયું છે, તે જાણવા આવી પહોંચ્યા.

“મારા સિપાહો ! આ બે રક્ષકો કંઈ પણ ચૂં ચાં કરે તો તેમને પણ પકડી, એમના સરદાર સાથે કેદ કરી બેગમ હજુર લાવો.”

“ના, ના; કંઈ હુજજતી ભરેલું પગલું ભરતા નહિ,” બેગમે અગાડી ધસી આવીને સઘળા સિપાઈને વારી રાખી હુકમ આપ્યો, “દિવાનજી ! આપ દિવાનખાનામાં આવીને બિરાજો.આપની યથાસ્થિત તજવીજ થશે.” “હું આપની સત્તાને માન આપવાને ધર્મથી બધાયલો છું. હું તાબે છું.” ઘણે ધીમેસથી દિવાન બોલ્યો; અને સૌની અગાડી દિવાનને લઇને સર્વે દરબારીઓ સુરલાલના રક્ષકો સાથે દિવાનખાનામાં આવ્યા.

સૌ પોતપોતાની જગ્યાએ બેસી ગયા, દિવાન જીવતો મુવા જેવો થયો હતો. તેણે પોતાનું મરણ સમીપમાં જોયું, હવે બચવું એ માત્ર પ્રભુકૃપા વગર બીજું કંઈ નથી, એમ તેણે સ્પષ્ટ જાણ્યું, શાહજાદો નવરોઝ દિવાનની સામી જગ્યાપર બેઠો હતો, તે મૂછપર તાવ દેતો બોલ્યોઃ-

“કેમ કુત્તા! તેં ક્યાં નાસવાનો રસ્તો લીધો હતો? કાલે સવારના મહેલને ખેદાનમેદાન કરનાર હતો તે કરશે કે બકી જ જશે ?”

“તમારે વધારે બોલવાની જરૂર નથી.” બેગમ બોલી, “શાહજાદા નવરોઝ ! તમે જાણો છો કે આપણે મોટા સંકટમાં છીએ, તે પ્રસંગે જેમ બને તેમ સલાહસંપથી કામ કહાડી લેવું જોઈએ.” દિવાન તરફ ફરીને બેગમે જૂદી જ છટામાં કહ્યું: “દિવાનજી આ૫ અમારા ને પ્રજાના રક્ષણ કરનારા છો, તેથી તમને શિવાજી સાથે મળી જવું ઘટે નહિ. તમારે જાણવું હતું કે, આ નવાબી જેટલી સુખદેણ છે તેટલી મરેઠી થનાર નથી. તમે જણાવશો કે શિવાજીથી આ શહેરને બચાવવાનો ઈલાજ શો છે ? સધળો આધાર પ્રધાનપર હોય છે. સતરંજની રમતમાં પણ પ્રધાન મુખ્યત્વે કરીને સૌનું રક્ષણ કરે છે, તો સર્વનું રક્ષણ કરવાનું જોખમ તમારા શિરપર આવી પડ્યું છે. માત્ર તમારી સલાહથી જ વર્તવું, એવો મારો દૃઢ નિશ્ચય છે.” આમ કહેતાંની સાથે મોતીએ નજર ફેરવી શાહજાદા નવરોઝને સાનમાં જણાવ્યું કે, એનો જવાબ મળે ત્યાં સૂધી થોભજો.

“આપનો હુકમ હોય તે બજાવવાને હું તત્પર છું;” બેગમનું દાવપેચનું બોલવું સમજ્યા વગર દિવાને જણાવ્યું, મારા ઉપર વિનાકારણે જે બટ્ટો મૂકવામાં આવ્યો છે તેમાંથી મને મોકળો કરવો, એવી પ્રથમ મારી બેગમ સાહેબને વિનંતિ છે. હું કોઈપણ દિવસે શિવાજીનો પક્ષ ખેંચતો નથી, શિવાજીને હાથે શહેર લુટાય તે જોવાને કોણ રાજી થાય ? મારો વિચાર એવો છે કે, કંઈક દંડ આપીને શહેરને બચાવવું. તે મારા જાણવા પ્રમાણે ઘણો જબરો છે, ને આપણા યોધાઓ મુડદાલ ને સરંજામ ઘણો નબળો છે, તેથી તેની સામે થવામાં આપણે ફાવીશું નહિ.”

“પણ તમને તો શિવાજી સાથે કંઈ સંબંધ નથીને!” સુરલાલે પૂછયું.

“ના, બીલકુલ નહિ;” ગભરાતો ગભરાતો દિવાન બોલ્યો.

“જુઓ, આ કોના અક્ષર છે ?” એક કાગળ દિવાનના હાથમાં મૂકીને પૂછ્યું.

એ જોતાંને વાર જ તે બોલ્યો; “ હું મુઓ ! હવે મારો ઇલાજ નથી. બેગમ સાહેબ ! તમારે શરણે છું, મારું રક્ષણ કરો !” નિરાશ થતાં તેણે કહ્યું કે, “હું રક્ષણ માગવાને લાયક નથી.”

“કાફર ! ચાંડાલ ! દેશદ્રોહી ! તારું રક્ષણ થાય નહિ ! જે માણસ પોતાના સ્વાર્થ માટે નગરની રાંક પ્રજા ને નિર્દોષ નવાબનો નાશ કરવા ઈચ્છે તેનું રક્ષણ ?” કંઈ પણ દયા વગર શાહજાદો બોલ્યો; “બેગમ સાહેબે એને કાપી નાંખવાને હુકમ આપવો.”

“જો સુરલાલે આ કાવતરું શોધી ક્હાડ્યું નહત, તો આપણી અવદશા કેવી થાત ?” બીજો અમીર બેલ્યો, “હમણાં ને હમણાં એને ખાટકીને હવાલે કરવો જોઈયે. બોલ ! તું આ ભયમાંથી બચવાને શી સરત કબુલ કરે છે ?”

“જે કહો તે; વગર સરતના દસ્તાવેજ પર સહી કરી આપવા તૈયાર છું.” નીચા નમીને દિવાને હિચકારાપણાથી કહ્યું.

“વગર સરતના દસ્તાવેજપર !” બેગમે પૂછ્યું.

“હા, કોઈપણ પ્રકારના દસ્તાવેજપર;” દિવાને જવાબ દીધો.

“ત્યારે જે જાણતા હો તે સઘળું જણાવો;” સુરલાલે કહ્યું. “દિવાન સાહેબ ! તમે રાજસ્થંભ છો, ને જે બન્યું તે ન બન્યું થનાર નથી, પરંતુ જે જાણતા હો તે બોલો, કે તે સર્વનો ઈલાજ થાય.” તુરત દિવાને શિવાજી સાથે જે પત્રવ્યવહાર ચાલ્યો હતો, તેની સઘળી હકીકત જણાવી અને તેમાં વજીર ને બીજા બે કારભારી સામેલ હતા તેનાં નામ જણાવ્યાં, તેણે વધુ કહ્યું કે, “સધળા દરવાજાના ચોકીદારોને ફોડેલા છે, તે હવે થોડા વખતમાં દરવાજા ઉઘાડી નાંખશે અને શહેરમાં લશ્કર દોડી આવશે, માટે તેનો ઈલાજ જલદી થવો જોઈયે, જો તેમ નહિ બનશે તો હું નથી ધારતો કે, આપણી જીંદગી સલામત રહી શકશે.”

“પણ મને કહે, ઓ પાપિષ્ઠ દિવાન ! બચવાની આશા જરાએ નથી ?” નિરાશ મુખડે ગભરાતી બેગમ બોલી; “નવરોઝ ! મને નથી સમજાતું કે હવે શેનો ઈલાજ લેવો, ને આ કયા પ્રકારનો માણસ છે!”

“અમે કોઈ પણ પ્રકારે યત્ન કરીશું;” સૈન્યાધિપતિ બોલ્યો, “દિવાનને કેદમાં મોકલો, એ છૂટશે તો કરેલી મહેનત વૃથા થશે, પણ હવે તૈયારી રાખીને બેસજો.” અને પછી તેણે સઘળા અમીર ઉમરાવને નિરાશાથી કહ્યું કે, “જો બને તે સૌએ દરેક દરવાજે જઈને દરવાનેને અટકાવવા.” આમ બોલીને દરબાર બરખાસ્ત કીધી. મોતી ધ્રૂજતી ધ્રૂજતી પિતાના મહેલમાં જઈ નિ:શ્વાસ નાંખતી છત્રપલંગપર આંસુ ઢાળતી પડી. સઘળા અમીર ઉમરાવો ઘોડાપર બેસતા બારે દરવાજા તરફ દોડ્યા.


ક્રમશઃ


‘શિવાજીની સુરતની લૂંટ’ વિકિસ્રોત પરથી સાભાર લીધેલ છે.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.