જયા-જયંત : અંક ૧ : પ્રવેશ સાતમો

Facebooktwitterredditpinterestlinkedinmail

ન્હાનાલાલ દલપતરામ કવિ

પાત્રપરિચય

સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી.

કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા.

મુખ્ય પાત્રો :

દેવર્ષિ : દેવોના ઋષિરાજ.

ગિરિરાજ : ગિરિદેશના રાજવી.

જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર.

કાશિરાજ : વારાણસીના રાજવી.

વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.

તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.

પારધી : પશુત નો શિકારી.

રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.

જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.

તેજબા : તીર્થગોરની બહેન.

શેવતી : તીર્થગોરની બ્રહ્મકન્યા.

નૃત્યદાસી : એક દાસી.

-૦-

                                                              અંક

                                                         પ્રવેશ સાતમો

                 સ્થલકાલ: ગિરિરાજના રાજમહેલમાં વસન્તચોકમાં નમતો પહોર

(દાસીઓ છેલ્લા શણગાર ધરાવતી હોય છે.)

એક દાસી : લ્યો, બાંધો આ કમળતોરણ
રાજમહેલના ચન્દનદ્વારે
એવાં ખેલશે સહુનાં હૈયાં.

બીજી દાસી : મૂકું છું મુગટો સિંહાસને-સિંહાસને;
પધારશે તે પહેરશે.

ત્રીજી દાસી : સત્કારો કાશીરાજને આજ
ગિરિદેશની સારી રાજશોભાથી.

બીજી દાસી : શણગારી શણગારી થાક્યાં,
પણ ઝાંખો દીસે છે વસન્તચોક;
પ્રકાશમાં જાણે પડછાયા પાથર્યા.

પહેલી દાસી : સ્હાંજ છે તે જ પાતળું પડે.
દૂરથી જયા કુમારીનો ગીતનો ટહુકો.
‘સખિ ! એકાકી ચાંદલો ઉગિયો.’

ત્રીજી દાસી : ગાજ્યો ઉમંગનો એ ઉરટંકાર.
આવો, આવો, ફૂલડાંની ફૂલદેવીઓ !
ઝીલો એ ગીતવર્ષાની અમૃતધારા.

                                        (ઘટાઓમાંથી બીજી સાહેલીઓ આવે છે. ગીત ગાતી જયા કુમારી પધારે છે.

જયા અને સાહેલીઓ :
ચન્દ્ર જીરે ઉગ્યો સખિ ! આજ મ્હારા ચોકમાં,
આશા-નિરાશાનો ચન્દ્રમા જી રે.
ચન્દ્રમા જી રે ઉગ્યો છે ભગવે ભેખ જો !
યોગી-વિયોગી શો ચન્દ્રમા જી રે.
કરે ગગનના ગોખમાં ચાંદલિયો ચમકાર;
ઉરને સરવર પોયણાં ઉઘડે અપરંપાર.
સખિ ! એકાકી ચાંદલો ઉગયો.
સખિ ! એ તો શોભે છે આભલાંને ગોખ;
મ્હારા માથાના મુગટે આવે નહીં રે.
આશા-નિરાશાનો ચન્દ્રમા જી રે.
ઘડી તપશે-ને આથમશે ચન્દ્રમાની કોર;
એવા તપશે? – કે આથમશે ઉરના અંકોર?
કોઈ કહેશો ? હો રાજ !
કોઈ કહેશો ? હો રાજ !
આયુષ્યે અજવાળિયાં ક્ય્હાં સૂધી?
ચન્દ્રમા જી રે ઉગ્યો છે ભગવે ભેખ જો!
યોગી-વિયોગી શે ચન્દ્રમા જી રે;
ચન્દ્ર જીરે ઉગ્યો સખિ ! આજ મ્હારા ચોકમાં,
આશા-નિરાશાનો ચન્દ્રમા જી રે.
કહેશો કેમ શણગાર્યો છે
આજે વસન્તચોક?

પહેલી દાસી : વાહ રે જાણ્યાં અજાણ્યાં જયાબા !
શણગારાઈને આવ્યાં છો સલૂણાં,
ને પૂછો છો પરાયાં થઈ.

જયા : ચુપ, સરખો ઉત્તર દ્યો.
બાણ જેવાં વીંધે છે
તેજ કિરણો યે આજ મ્હારા દેહને.

બીજી દાસી : સારા ગિરિદેશે પાળ્યો છે આ ઉત્સવ;
જયા કુમારી પરણશે આજ કાશીરાજને.
જયા કુમારીને વજ્રપાત થાય છે.

જયા : જીભ જ જુઠ્ઠી છે બોલનારની
દેવગિરિની રાજકુમારિકા
નીચે પડશે અવની ખોળે?
ગંગા ઢળી, ને ધૂળે રગદોળાઈ.
જગતના મુગટ સમોવડા
હિમાદ્રિના સનાતન શિખરે ચ્હડશે,
પણ નહિ ઉતરે અવનીની અવનતિઓમાં
જાવ સહુ વસન્તચોકમાંથી

                              (દાસીઓ જાય છે.)

છેતરી-માતાએ મ્હને છેતરી.

                             (પોતાના કંઈક શણગાર તોડી પીંખી નાંખે છે.)

માતા ! માતા થઈ છેતરી મ્હને ?
પુત્રીઓ ક્યહાં શોધશે દિલના દિલાસા ?
જાવ, ભસ્મ થાવ,
વસન્તચોકના શણગાર!

                             (વસન્તચોકના શણગાર વીંખી પીંખી નાંખી દે છે.)

સ્હવારે પૂછ્યું, શું છે?
તો કહે, વસન્તનો છે ઉત્સવ.
બપ્પોરે પૂછ્યું, શું છે?
તો કહે, વિધાત્રીની છે પૂજા,
તે આવજે સજીને સોળે શણગાર.
છેતરી-માતાએ છેતરી પુત્રીને.
નહીં-નહીં સ્વીકારે જયા
જન્મજન્માન્તરે યે કાશીરાજેન્દ્રને.

                               (એક અશોક નીચે ઊભે છે. લગ્નની ભેટ લઈને જયન્ત આવે છે.)

જયન્ત : (સ્વગત જયાને જોઈને)
એ ? એ જ ! શું ક્રોધનું છે જોમ મુખડે !
વીર રસની જાણે મૂર્તિ !
જાણે છંછેડાયેલી સિંહણ !
મધ્યાહ્નની પ્રચંડ સૂર્યજ્વાળા !
લોચનમાંથી અગ્નિ વરસે છે,
જાણે બાળશે સારો ગિરિદેશ.
શા ઉડે છે, પલયતણખા શા,
રોમરોમમાંથી વિજળીઓના ભાલા !

                        (પાસે જાય છે.)

અખંડ સૌભાગ્ય, જયા કુમારી !
ધરાવું શીર્ષે સુરરાણીજીનો આ મુગટ?

જયા : જયન્ત ! તું યે હસીશ મ્હને ?

જયન્ત : જયા ! સૂણ્યું છે વાયુમાંથી
કે જયા પરણે છે કાશીરાજને.
લાવ્યો છું તેથી આ લગ્નભેટ.

જયા: લાવ, લાવ તે, જયન્ત !

                          (જયા મુગટ હાથમાં લે છે.)

જોજો, ઓ જગતના લોક !
નિરખજો, ઓ પિતૃઓ પરલોકવાસી !
ઈન્દ્રદેવને નહીં, પણ
ઈન્દ્રાસનને પરણે છે ઈન્દ્રરાણીજી;

                         (જયન્ત સ્હામે તીરછે કટાક્ષે નીહાળી રહી.)

ને એ મુગટ પહેરાવે છે
જયન્ત કુમાર જયા કુમારીને.

જયન્ત : મા વીંધ મ્હને, ઓ જયા !
નયનની બરછીઓથી;
મા માર એ શબ્દની સાંગ.
લાવ, જયા ! લાવ એ મુગટ.

                         (મુગટ પાછો લે છે.)

ત્હને ન ગમ્યું જે,
યોગ્ય નથી ત્હેનું અસ્તિત્વે
નાશ પામો –

                      (મુગટને ભાંગી નાંખવા જાય છે.)

જયા : રહેવા દે, જયન્ત ! રહેવા દે
એ ઈન્દ્રરાણીનો સૌભાગ્યમુગટ.
આજે નહીં તો કાલે,
પૃથ્વીના કંઈ કંઈ પૃથ્વીપતિઓની
પરણશે રાજકુમારિકાઓ
રાજવીને નહીં, પણ રાજસિંહાસનને;
ત્હેમને કાજે રાખ એ મુગટ.

જયન્ત : ત્ય્હારે શી સ્વીકારશો કુમારિ ! લગ્નભેટ ?
ગયા આવશે હમણાં વનમાંથી,
કે દેવાશે કન્યાદાન.

જયા : તીર્થરાજ મ્હારા વીર છે, જયન્ત !
ધર્મછત્રધારી મ્હારા ધર્મપિતા છે.

જયન્ત : શું ? જયા નહીં પરણે તીર્થરાજને

જયા : ના, જયન્તકુમાર ! ના.
દેવગિરિની દેવબાલા
તળેટીમાં નહીં પડે દેવશિખરેથી.

જયન્ત : જાહ્નવી ગઈ, જયા !
ને તાર્યા સાગરપુત્રોને.
પોતા કાજે નહીં, પણ પર કાજે
તું યે ઉતર, ને તાર.
વારાણસીની રાજરાણી તો છે
આર્યાવર્તની ધર્મમાતા.
જયા ! જા, ને થા બ્રહ્મમાતા
આર્યોના જગદુદ્ધારક મહાકુટુંબની.

જયા : ગંગાની યે માતા ગંગોત્રી.
ક્યહાંથી લાવું એ નગરીમાં, જયન્ત !
મ્હારા દેવગિરિના દેવાશ્રમો ?

જયન્ત : રાજવીની રાજઆજ્ઞા છે તે?

જયા : રાજકુમારીની રાજપ્રતિજ્ઞા છે તે?

જયન્ત : એ અહં છે ત્હારૂં, જયા
નહીં નભે; દુઃખ દેશે.
વિધિમોકલ્યો આવ્યો છે કુંકુમથાળ,
કાં મથે છે પાછો વાળવા?
દેવર્ષિએ ભાખ્યું છે કે
‘જયાને ભાગ્યે લખ્યાં છે
વારાણસીનાં વન’
સવિશેષ છે વિધિલેખથી યે આ;
વનઘટાને બદલે રાજમહેલ.

જયા : વિધિના વાંકા અક્ષરે હું વાળીશ.
વારાણસીનાં વનમાં વસીશ,
તો વનમાં યે વસાવીશ
મ્હાર વિશ્વોદ્ધારક બ્રહ્મમહેલ.
પણ નહીં-નહીં વરે
દેવગિરિની રાજબાલા એ ખીણવાસીને.

જયન્ત : આજે જ આવશે કાશીરાજ;
કરીશ એ અતિથિના યે અનાદર?

                                 (જયા ચમકે છે.)

જયા : આજે જ શું પધારે છે
તીર્થરાજવી ગિરિદેશમાં ?
પલક વિચારમુગ્ધ રહે છે. દૃઢતાથી.
જયન્ત ! પ્રણામ કહેજે મ્હારા,
ક્ષમા યાચજે મુજ વતી.

જયન્ત : એમ કાં બોલે ? જયા !

જયા : જયન્ત ! કોઈ મ્હને બોલાવે છે;
હું જાઉં છું – પર્વતોમાં.
શિખરો ચ્હડીશ, તીર્થો કરીશ,
ને વસીશ દેવનિવાસોમાં
ધરાઈને જોયાં, જયન્ત !
રાજમહેલોમાંના સુખનાં સ્વપ્નાં.
શિખરેથી કોઈ સાદ દે છે; જાઉં છું.

જયન્ત : જયા ! વિચારજે, વિમાસવું ન પડે
વર્તમાન એવો વાવ
કે ભવિષ્ય અદ્‌ભુત ઉગે.

જયા : બોલે-બોલે છે ગિરિઓમાં મોર,
ઢેલડ ટહૂકો કરે;
મ્હારે અન્તર ઉછળે અંકોર,
જીવન ઝોલે ચ્હડે.

જયન્ત : નથી જીવનનો બોલ જયા ! એ,
નથી ટહુકો એ આત્મન્‌નો;
નથી ઉરઝરણાં, એ ભ્રમરમણા;
એ ઘોર ધ્વનિ કંઈ વનવનનો.

જયા : બોલે-બોલે છે શિખરોમાં દેવ,
દેવીઓ હાસ્ય હસે;
મ્હારા અયુષ્યનો અવશેષ
શિખરે ને વગડે વસે.

જયન્ત : નથી જગતનો મન્ત્ર જયા ! એ
નથી ન્હોતરૂં એ અમરોનું;
નથી પ્રભુપ્રેરણા, એ સહુ ભ્રમણા;
એ ઇન્દ્રજાળ કંઈ અસુરોનું.

જયા : બોલે -બોલે છે ગિરિઓમાં મોર
ઢેલડ ટહૂકો કરે;
મ્હારે અન્તર ઉછળે અંકોર,
જીવન ઝોલે ચ્હડે.
મોર ને ઢેલ બોલાવે છે;
જયન્ત ! હું જાઉં છું શિખરોમાં.

                              (જયા શિખરો ભણી પગલાં વાળે છે. )

જયન્ત : નહીં-નહીં જવા દઉં, જયા !

                              (જયન્ત ઝાલવા જાય છે, પણ જયા કૂદી ને ગઈ.)

ગઈ, ગઈ રાજકુમારી;
વીજળીના ઝબકારા સમોવડી.
ગઈ, જયા ! તું ગઈ;
ચાપમાંથી જાણે છૂટેલું બાણ.
ખરી જાણે સૌન્દર્યની તારલી
જગત્‌શોભાના શિખરોથી.
જા, સુખી થા સદા;
પણ નહીં જાય , જયા !
જયન્ત જીવનમાંથી તું.

                                  (જયન્ત ફૂલક્યારાઓમાં જાય છે. રાજ પરિવાર સંગાથે કાશીરાજ, ગિરિરાજ ને રાજરાણી પધારે છે.)

રાજરાણી : તીર્થરાજ ! આ અમારો વસન્તચોક;
ને-

                                   (જયા કુમારીને શોધે છે)

કાશીરાજ : સુન્દરતાનું જાણે સરોવર, રાણીજી !

ગિરિરાજ : ને પેલો પથરાયેલો ગિરિદેશ.

કાશીરાજ : જાણે વીર જનોના વાસ.

રાજરાણી : આ સ્વર્ગફૂલના ક્યારાઓ.

કાશીરાજ : જાણે નક્ષત્રોનાં ઝૂમખાં
ને કુમારી રમતાં હશે તે તો
જાણે મંહીનો પૂર્ણિમાનો ચન્દ્ર.

રાજરાણી : જયાને હજી ન નિરખીને
મ્હારી જયા ક્ય્હાં?
લાવો અહીં એ કુલલક્ષ્મીને,
કે સત્કારે આ અતિથિરાજ.

                                (કેટલાક પરિજન જયાને તેડવા જાય છે.)

કાશીરાજ : ગિરિરાજેન્દ્ર ! લગ્ન ક્ય્હાં કરશો?
અહીં કે ત્ય્હાં ?

ગિરિરાજ : જેવા તીર્થસ્વામિન્‌ના અભિલાષ
ફરમાવશો તો ગિરિદેશમાં,
ઈચ્છશો તો કાશીને તીર્થઆરે

કાશીરાજ :

                            (સ્વગત)

આ અનિષ્ચિય શેનો?
ગુફા જેવાં ભેદવચનો કેમ?
જોઉં તો ખરો શ્લોકનું બીનું ચરણ.

રાજરાણી : હિમાદ્રિને શિખરે શિખરે
ઉત્સવઅગ્નિ જગાવશું, સૂર્ય સમા;
ને લખશું તેજઅક્ષરે આભમાં ય તે
કે પરણી જયા તીર્થોના તીર્થરાજવીને.

                                       (એક દાસી આવે છે.)

દાસી : માતા ! જયાબા તો નથી જડતાં.

રાજરાણી : જયા નથી જડતી !

                                    (બીજી દાસી જયન્તને તેડીને આવે છે.)

બીજી દાસી : માતા જયાબા નથી જડતાં.
પણ માલતીના મંડપે.
જયન્ત કુમાર જડ્યા.
લખતા હતા પૃથ્વી ભરીને
કે ‘જયા ગઈ.’

ગિરિરાજ : શું? જયા ગઈ? ક્ય્હાં ગઈ?
બોલ, જયન્ત ! જય ક્ય્હાં ગઈ?

જયન્ત : જયા શિખરોમાં ગઈ.

રાજરાણી : એણે જ ભગાડી મ્હારી કુંવરીને.

ગિરિરાજ : જયન્ત ! કહે , ક્ય્હાં ગઈ?
શા કાજે ગઈ?

જયન્ત : રાજબાલાએ રાજમહેલ ત્યજ્યો.
સાંભળ્યા એણે ભવિષ્યના ભણકાર,
ને ગિરિશિખરોમાં ગઈ.

                           (કાશીરાજને.)

તીર્થરાજ ! આપ તીર્થપતિ છો,
પ્રણામ કહાવ્યા છે જયા કુમારીએ;
‘તીર્થરાજ ધર્મપિતા છે મ્હારા,
જયા એમને નહીં વરે;’
એમ કહી ગઈ તે શિખરોમાં.

રાજરાણી : જયન્ત ! ઉછેરનો સારો આપ્યો લ્હાવ.
ત્હારો મન્ત્રીપિતા જીવનમન્ત્ર હતા
ગિરિદેશના ને ગિરિરાજના.
મરતાં મ્હને સોંપી ગયા ત્હને.
મ્હેં હૈયાના અમૃતે ઉછેર્યો, જયન્ત !
તે આ દિવસ દેખવાને?
જા, લ્હાવ મારી જયાને.

કાશીરાજ : ગિરિરાજ ! શાં છે આ નાટક ?
શું આદર્યું છે અપમાન
નિમન્ત્રેલા આ રાજઅતિથિનું?
ગંગાના જેટલો છે વિશાલ
કાશીરાજનો આ બલબાહુ.
રાજકન્યા નહીં આપો, અપમાનશો,
તો રાજપાટ લેઈશ, વનવાસી કરીશ.
રાજકન્યા ક્યહાં?

જયન્ત : વિશાલ હશે બલબાહુ આપનો, રાજેન્દ્ર!
પણ વજ્રના છે દેવદુર્ગ અમારા.
ગિરિદેશનાં સન્તાન, રાજવી !
ઓળખતાં નથી ભયને અમે.

                                 (રાજરાણીને.)

માતા ! ઉછેરેલું જીવન આપનું જ છે. આજ્ઞા કરો ઉઠાવીશ તે.

રાજરાણી : જા, લાવ મ્હારી જયાને.
જ્યહાં હોય ત્ય્હાંથી.
ન બતાવીશ મુખ ત્હારૂં જયાવ્હોણું.

ગિરિરાજ : જા, જ્ય્હાં જયા હોય ત્ય્હાં.
ન રહેતો ગિરિદેશમાં;
શોધ સ્વર્ગ મૃત્યુ ને પાતાળ.

જયન્ત : જાઉં છું, રાજમાતા !
આજ્ઞાને આધીન છે આત્મન્ મ્હારો.
ઢૂંઢીશ દિશાઓનાં વન,
ને શોધીશ જયાને.
જગાવીશ એ અલખની ધૂણી
જગતનાં જંગલ જંગલમાં.
જાઉં છું.

                          (જયન્ત જાય છે.)

કાશીરાજ : ગિરિરાજ ! ઉતારો મુગટ.

રાજરાણી : તીર્થરાજ ! તીર્થરાજ !

કાશીરાજ : રાણીજી ! તુચ્છકારી નથી મ્હેં
સુન્દરીની યાચના કદી.
આજ નહીં, એક માસમાં;
લઈશ હું ગિરિરાજ પાસેથી
રાજક્ન્યા કે રાજપાટ.

રાજરાણી : ભલે, માસ વીત્યે લેજો.
થશું અમે યે તીર્થવાસી
પુત્રીની પાછળ પુણ્ય શોધતાં.

કાશીરાજ : સુણજો, ઓ આકાશના દેવ
સુણજો, ઓ રાજપિતૃઓ!
કાશીરાજની આ રાજપતિજ્ઞા
બ્રહ્મચર્ય વ્રત ધારે તો ભલે,
પણ વરવા નહીં દઉં અવરને
એ ગિરિદેશની રાજકુમારિકા.

                                                                              –૦-

( ક્રમશ: )

1 comment for “જયા-જયંત : અંક ૧ : પ્રવેશ સાતમો

  1. February 24, 2019 at 4:26 am

    વાહ! સુંદર રચના મ્હાણવા મળી.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *