સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૨૧)…. ઉપસંહાર

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ મ. પંડ્યા

આ શ્રેણીમાં આપણે નરી આંખે જોઈ ન શકાય એવા સુક્ષ્માધિસુક્ષ્મ સજીવો વિશે પ્રાથમિક કક્ષાએ પરિચય કેળવવાનો ઉપક્રમ હાથ ઉપર લીધેલ હતો. આપણે જાણ્યું કે ખુબ જ વૈવિધ્યસભર ફાંટાઓમાં વહેંચાયેલી આ સૃષ્ટીના સભ્યોને મુખ્ય પાંચ પ્રકારોમાં વહેંચવામાં આવે છે….વિષાણુઓ/Viruses, શેવાળ/Algae, જીવાણુઓ/Bacteria, ફુગ/Fungi અને પ્રજીવો/Protozoa. આ દરેક વર્ગમાં અગણિત પ્રકારના સજીવોનો સમાવેશ થાય છે. એ દરેકની પાછી આગવી વિશિષ્ટતાઓ હોય છે. મહત્વની બાબત તો એ છે કે વિશ્વભરના વૈજ્ઞાનિકો એક મુદ્દે સંમત છે કે અત્યાર સુધીમાં જેમની ઓળખ થઈ છે અને જેમનો અભ્યાસ થયો છે એ સુક્ષ્મજીવો કરતાં તો જેમના અસ્તિત્વની જ હજી ભાળ નથી મળી અને પરિણામે આપણે માટે હજી બિલકુલ અજાણ્યા છે એવા સુક્ષ્મ સજીવોની સંખ્યા અનેકગણી મોટી છે! વિજ્ઞાનના અભ્યાસની વિવિધ શાખાઓ પૈકીની પ્રમાણમાં યુવાન અને અસાધારણ ઝડપથી વિકસી રહેલી સુક્ષ્મજીવાણુશાસ્ત્ર/Microbiology નામે ઓળખાતી આ શાખાને લગતાં પુસ્તકો અને સંશોધનપત્રો વિદ્યાર્થીઓ તેમજ જિજ્ઞાસુઓ ઉપર માહિતીનો એટલો તો ધોધમાર વરસાદ સતત વરસાવતાં રહે છે કે એને ઝીલવા માટે એક કરતાં વધુ ભગીરથોની જરૂર પડે! વળી ઈન્ટરનેટ ઉપર ઠલવાયે રાખતી માહિતી તો જુદી!

આજે આ શ્રેણીનું સમાપન કરતી વેળા આપણે બેક્ટેરિયા વિશે વધુ કેટલીક હેરત પમાડે એવી વાતો ચર્ચીએ. આપણે એવું પ્રામાણીકપણે માનતા રહીએ છીએ કે સમાજજીવન એ માનવસંસ્કૃતિના વિકાસ દરમિયાન કેળવાયેલ લક્ષણ છે. તાજ્જુબીની વાત એ છે કે આપણા સામાજીક જીવનમાં જોવા મળતાં મોટા ભાગનાં પાસાં આ સુક્ષ્મ અને તદ્દન પ્રાથમિક કક્ષાના સજીવોમાં પણ જોવામાં આવે છે! મૈત્રી, દુશ્મની, પરાવલંબન અને એકપક્ષી લાભપ્રાપ્તિ જેવાં અનેક ઉદાહરણો જોવા આ સૃષ્ટીમાં પણ જોવા મળે છે. બેરહમ ખુનામરકીથી ભરપૂર એવા ખોફનાક જંગો બેક્ટેરિયાની જુદી જુદી પ્રજાતીઓ વચ્ચે સતત લડાતા રહેતા હોય છે. અમુક કિસ્સામાં કૌટુંબિક કક્ષાએ ‘બાપે માર્યાં વેર’ અને તેની વસૂલાતની રોમાંચક કથાઓ પણ મળી આવે છે! તો સામે પક્ષે અન્ય પ્રજાતીના સભ્યો માટે જાતનું બલિદાન આપી દેવાનાં ઉચ્ચ મૈત્રીભર્યાં ઉદાહરણો પણ મળી આવે છે. માનવસ્વાસ્થ્ય માટે વરદાનરૂપ પૂરવાર થયેલાં એન્ટીબાયોટીક દ્રવ્યો હકીકતે ચોક્કસ પ્રકારનાં બેક્ટેરિયાએ પોતાને માટે પડકારરૂપ બની શકે એવાં અન્ય બેક્ટેરિયાની હસ્તિ મીટાવી દેવા માટે ઉત્પન્ન કરેલાં રાસાયણિક શસ્ત્રો હોય છે. આપણે ઉપયોગે લઈએ છીએ એ એન્ટીબાયોટીક મેળવવા માટે ચોક્કસ પ્રકારનાં બેક્ટેરિયાનો ઔદ્યોગીક ધોરણે ઉછેર કરી, એમને જે તે એન્ટીબાયોટીકનું ઉત્પાદન કરવા માટે સુયોગ્ય સંજોગો પૂરા પાડી, એમના દ્વારા નિર્મીત એન્ટીબાયોટીકને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. ચેપી રોગ દ્વારા પિડીત મનુષ્યોને યોગ્ય પ્રકારના એન્ટીબાયોટીકની ચોક્કસ માત્રા વડે સારવાર આપવામાં આવે એટલે એના શરીરમાં પ્રવેશેલાં રોગકારક બેક્ટેરિયા નાશ પામે અને પરિણામે એ વ્યક્તિ રોગમુક્ત થાય છે.

આજના વૈદ્યકિય વિજ્ઞાનની સામે એક મોટો પડકાર એ છે કે રોગકારક જીવાણુઓનો સામનો કરવા જ્યારે આપણે એન્ટીબાયોટીકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ બેક્ટેરિયાના કેટલાક કોષો જે તે એન્ટીબાયોટીક સામે પ્રતિરોધ દર્શાવે છે અને પરિણામે એ રોગ સામે લડવા માટે આપણે જેને અમોઘ ગણતા હોઈએ, એ શસ્ત્ર બૂંઠું બની રહે છે. અહીં આપણે એમ માનવા પ્રેરાઈએ કે એન્ટીબાયોટીકના સંપર્કમાં આવવાથી અમુક કોષોએ પોતાનામાં યોગ્ય ફેરફાર કરી, એ એન્ટીબાયોટીક સામે પ્રતિરોધ કેળવી લીધો હશે. પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવી હકીકત એ છે કે જે તે એન્ટીબાયોટીક સામેનો પ્રતિરોધ એ કોષોને જન્મજાત મળેલો હોય છે! એ કેળવવા માટે એ કોષોને એન્ટીબાયોટીકના સંપર્કમાં આવવું જરૂરી નથી હોતું. સામાન્ય બુધ્ધિ વડે આ બાબત સહેલાઈથી ગળે ઉતરી શકે એવી નથી. પણ સાલ્વાડોર લ્યુરીયા, મેક્સ ડેલબ્રુક અને જોશુઆ લેડરબર્ગ નામના વૈજ્ઞાનિકોએ આ શાશ્વત સત્ય પ્રાયોગિક પુષ્ટી વડે પ્રસ્થાપિત કર્યું છે.

ફરી એકવાર યાદ કરીએ કે આપણા શરીર સાથે જોડાયેલાં હજારો પ્રકારનાં બેક્ટેરિયાની કુલ સંખ્યા, આપણા શરીરના કોષોની કુલ સંખ્યા કરતાં દસગણી કરતાં પણ વધી જાય છે. એ બધાં આપણા અસ્તિત્વને ટકાવી રાખવામાં અકલ્પનિય ફાળો આપે છે. શરીરમાં ચાલતી અનેક પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રીયાઓ સુપેરે ચાલ્યા કરે એ માટે આવાં જુદાંજુદાં બેક્ટેરિયાનો ફાળો મહત્વનો બની રહે છે. વળી અનિચ્છનીય એવાં રોગકારક બેક્ટેરિયા શરીરમાં દાખલ થઈ, નૂકસાન ન પહોંચાડે એ માટે પણ શરીરમાં રહેલા આપણા કાયમી સુક્ષ્મ દોસ્તો સતત કાર્યરત રહેતા હોય છે. આ સંદર્ભે ફિલસુફ કક્ષાના કેટલાક વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે કે માનવશરીર તો બેક્ટેરિયાની વિવિધ પ્રજાતિઓના રહેવાસ માટે કુદરતે ઉભી કરેલી સગવડ છે અને તેથી એની યોગ્ય જાળવણી અને માવજત આવાં બેક્ટેરિયા પોતાની ઈમારતને સલામત રાખવા માટે કરે છે.

આ લેખમાળામાં આ અગમ્ય અને મહદઅંશે અકળ એવી જીવસૃષ્ટીના સભ્યો માટે જનસામાન્યનો રસ વિકસે અને જળવાઈ રહે એ હેતુથી સંકિર્ણ કે ક્લિષ્ટ બની રહે એવી વૈજ્ઞાનિક હકિકતોથી અળગા રહેવાનો પ્રયાસ કર્યો છે. એ જ કારણથી સુક્ષ્મ સજીવોના ઉપર્યુક્ત પાંચ પૈકી માત્ર બે વર્ગો _ વાઈરસ અને બેક્ટેરિયા _ વિશે આપણે શક્ય મર્યાદામાં રહીને પરિચય કેળવવાનો પ્રયત્ન કર્યો છે. એ જ બાબતને ધ્યાને લઈને શેવાળ, ફુગ તેમજ પ્રજીવો _ આ ત્રણે પ્રકારના સુક્ષ્મ જીવોનો માત્ર અછડતો ઉલ્લેખ કરી, એમના વિશે વિગતવાર ચર્ચા ટાળી છે.અલબત્ત, એનો અર્થ હરગીઝ એવો નથી કે એ વર્ગોના સભ્યો ઓછા રસપ્રદ છે કે માનવજીવન માટે એમની અગત્ય ઓછી છે. આ બધા જ પ્રકારના સુક્ષ્મ સજીવો આપણા આદિ પૂર્વજો છે અને ‘પૃથ્વી’ને ‘સૃષ્ટી’ એમણે જ બનાવી છે.

આ શ્રેણીનું સમાપન કરતી વેળાએ જે શરૂઆતમાં કહેલું એ દોહરાવવાનું ગમશે….આપણી ચેતના સમજે/જાણે છે એ વિશ્વમાં સર્વવ્યાપી એવી હસ્તિઓ બે છે _ ભગવાન અને સુક્ષ્મ સજીવો.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

1 comment for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૨૧)…. ઉપસંહાર

  1. Dipak Dholakia
    February 22, 2019 at 11:06 pm

    બહુ જ્ઞાન સભર શ્રેણી. ઘણી નવી વાતો જાણવા મળી. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *