સાયન્સ ફેર : વેલેન્ટાઈન ડે પર આવા ‘ખોટાબોલા’ઓથી ચેતજો!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

બ્રેકિંગ ન્યૂઝ : પ્રેમમાં પડેલાઓની ખૂલી ચૂકી છે પોલ! વેલેન્ટાઈન ડે સે પહેલે પ્યારકે મામલેમેં બડા ખુલાસા! વાત એમ છે કે આજ સુધી જેટલા પણ પ્રેમી-પ્રેમિકાઓએ પોતાના પ્રિયપાત્રને એવું કીધું છે, કે “મારા દિલમાં માત્ર તારા જ વિચારો ચાલતા હોય છે”, એ તમામેતમામ ઈશ્ક્બાજો હળહળતું જુઠ્ઠું બોલેલા! કેમકે દિલમાં કોઈ પણ જાતના વિચારો કદી હોતા જ નથી! વિચારો માત્ર દિમાગમાં જ આવે, દિલમાં નહિ!

કેટલીક ધારણાઓ-માન્યતાઓ એટલી બધી પ્રચલિત હોય છે કે આપણે એને વાસ્તવિક માની લઈએ છીએ. થેન્ક્સ ટુ ફિલ્મી ડાયલોગ રાઈટર્સ એન્ડ કવિ ભાઈલોગ, આપણા મનમાં એવી માન્યતા દ્રઢ થઇ ગઈ છે કે આપણું હૃદય પ્રેમમાં પડે છે… બીજા શબ્દોમાં કહીએ તો, પ્રેમ વિશેના વિચારો-લાગણીઓ હૃદયમાં ઉમટે છે. પણ વાસ્તવિકતા એવી છે કે હૃદયમાં લોહીના પ્રવાહ સિવાયનું પ્રેમ-બેમ જેવું કશું ઉમટતું નથી! હૃદય સતત એક પંપની જેમ સતત કામ કરતું રહે છે. (અને જે સતત કામમાં બીઝી હોય એ પ્રેમમાં પડે જ નહિ!) હૃદયનું મુખ્ય કામ માત્ર બ્લડ સર્ક્યુલેશનનું જ છે. વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો વિચાર પેદા થવા માટે જે પ્રકારની ‘મશીનરી’ જોઈએ, એ હૃદયમાં હોતી જ નથી, માત્ર મસ્તિષ્કની રચના જ એ પ્રકારની છે કે એમાં વિચાર કે કોઈ પ્રકારની લાગણી પેદા થઇ શકે! માટે આપણે બોલચાલમાં ભલે એમ કહીએ કે ‘હું તને દિલથી પ્રેમ કરું છું’. પણ હકીકત એ છે કે પ્રેમની લાગણી પણ અંતે તો મગજની જ પેદાશ છે. (પોઈન્ટ ટુ બી નોટેડ!)

પણ તો પછી અમુક સમયે આપણા મનમાં પેદા થઇ જતી પેલી ‘લાગણીઓ’નું શું? એ લાગણીઓ કંઈ ખોટી તો નથી જ હોતી ને! અચાનક કોઈક સાવ અજાણી વ્યક્તિ પોતીકી લાગવા માંડે, ગમવા માંડે… કોઈકને જોયા પછી રાતોની ઊંઘ ઉડી જાય અને દિવસ રંગબેરંગી દિવાસ્વપ્નોમાં પસાર થાય… ૨૪ કલાક ‘પેલી પાર્ટી’ના જ વિચાર આવ્યા કરે… અને જો એ સ્માઈલ આપી દે તો -મગજ પર અસર થવાને બદલે- હૃદયના ધબકારા વધી જવાનું કારણ શું? ઉપર જણાવ્યું એમ જો લાગણીઓ હૃદયને બદલે મગજમાં પેદા થતી હોય, તો હૃદયના ધબકારા વધવાને બદલે માથામાં સણકો મારવો જોઈએ કે નહિ?! વેલ, આને માટે ‘પડદા પાછળના કલાકાર’ જેવા હોર્મોન્સ જવાબદાર છે.

અમુક વખત કોઈ વિજાતીય પાત્રને તમે જુઓ છો અને કુદરતી વ્યવસ્થાના ભાગરૂપે તમે એના તરફ આકર્ષણ અનુભવો છો કે પછી તમારી કામેચ્છા જાગી ઉઠે છે. આવું બનવા માટે ‘ટેસ્ટોસ્ટેરોન’ અને ‘એસ્ટ્રોજન’ નામના બે હોર્મોન્સ જવાબદાર છે. કોઈક વાર વાત દૈહિક આકર્ષણ કે કામેચ્છાથી આગળ વધીને સાચી લાગણી ઉત્પન્ન થવા સુધી પહોંચતી હોય છે, જેને આપણે પ્રેમ-ટ્રુ લવ કહીએ છીએ. આવું થાય તો માનવું કે આ પરિસ્થિતિ માટે મોનોએમાઈન્સ જવાબદાર છે. આ મોનોએમાઈન્સ પાછા ત્રણ પ્રકારના હોય છે. ડોપામાઈન, નોરેપાઇનફ્રાઇન અને સેરોટોનિન. જ્યારે પણ મસ્તિષ્કની ગ્રંથિઓ દ્વારા ડોપામાઈનનો સ્રાવ થાય ત્યારે તમને ‘ફેન્ટસી’નો અનુભવ થતો હોય છે. (આજ મેં ઉપર, આસમાં નીચે…) નોરેપાઇનફ્રાઇન એક્ટીવેટ થાય ત્યારે પરસેવો છૂટવાથી માંડીને હૃદયના ધબકારા વધી જવા સુધીની ઘટના બને છે. (તુઝે દેખ મેરા દિલ ધડકા…) અને સેરોટોનિન વધુ એક્ટીવેટ થાય તો એ તમને તાત્ક્ષણીક ગાંડપણ આપી શકે છે! (મેં તેરે પ્યાર મેં પાગલ). તો હવે ખ્યાલ આવ્યો ને કે ‘હૃદયમાં ઉમટતી લાગણીઓ’ અસલમાં ક્યાંથી આવે છે!

image

અહીં પ્રેમની લાગણીઓને ઉતારી પાડવાનો કે ખોટી ચીતરવાનો આશય બિલકુલ નથી. બલકે આ આખા મામલામાં આપણું મસ્તિષ્ક કઈ રીતે ભાગ ભજવે છે, એ સમજવાનો હેતુ છે. હૃદય પોતે વિચાર કરી શકે છે કે લાગણીઓ જન્માવી શકે છે, એ માન્યતા ખોટી છે. મૂળે તો આપણે મસ્તિષ્કમાં કુદરતી વ્યવસ્થા મુજબ એક્ટીવેટ થનારા હોર્મોન્સથી દોરવાતા હોઈએ છીએ. અને આમાં કશું ખોટું પણ નથી. જેણે આપણે ‘સાચો સંબંધ – ટ્રુ લવ’ ગણીએ છીએ, એવા સંબંધો પાછળ પણ હોર્મોન્સ ભાગ ભજવતા હોય છે. જ્યારે આ પ્રકારના સંબંધોમાં ‘કમિટમેન્ટ’નો તબક્કો આવે છે, ત્યારે બન્ને પાત્રો એકબીજાને વધુ સારી રીતે સમજતા થાય છે અને એકબીજાની ખૂબી-ખામીઓને સહજતાથી અપનાવતા થાય છે. આ ‘સમજણ’ આવવા પાછળ જવાબદાર છે ‘ઓક્સીટોસિન’ અને ‘વેસોપ્રેસિન’ નામના હોર્મોન્સ! કોઈક વ્યક્તિના સહવાસમાં ઓકસીટોસીન ‘એક્ટીવેટ’ થતો હોય તો એ વ્યક્તિ સાથેના સંબંધો, અનેક ખટરાગ હોય તો પણ, એવા સ્તરે પહોંચે છે જેને માટે “ડાંગે માર્યા પાણી જુદા ન પડે” વાળી કહેવત વાપરી શકાય. મુખ્યત્વે સંતાનને જન્મ આપતી માતા સાથે આ પ્રકારનો સંબંધ સ્થપાય છે. જેમાં બને પક્ષે ‘સંતુષ્ટિ’ મળતી હોય એવા શારીરિક સંબંધો ધરાવનાર વ્યક્તિઓ પણ આ સ્ટેજ સુધી પહોંચી શકે છે.

માત્ર પ્રેમ થવા પાછળ જ નહિ, પરંતુ પ્રેમમાં નિષ્ફળ ગયા પછીની પરિસ્થિતિ-ડિપ્રેશન માટે પણ આપણા હોર્મોનલ રિએક્શન્સ જ જવાબદાર હોય છે. અને આજ કારણોસર જ્યારે કોઈ પ્રેમીનું ‘દિલ તૂટે’ અને એ ડિપ્રેશનનો શિકાર થઇ જાય ત્યારે એનો ઈલાજ કરવા માટે એને હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે નહિ પરંતુ સાઈકીયાટ્રીસ્ટ પાસે લઇ જવો પડે છે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

1 comment for “સાયન્સ ફેર : વેલેન્ટાઈન ડે પર આવા ‘ખોટાબોલા’ઓથી ચેતજો!

  1. Bharti
    February 22, 2019 at 11:42 pm

    Aa lekh vanchi ne wegu na ek lekhak Purvi ben Ni yaad avi gai, temne aaj vishay upar tunk ma kidhelu. Aaje aa vishay ne vistar thi samajavu ye gamyu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *