ફિર દેખો યારોં : દીપડા કે મગર કરતાં માનવપ્રજાતિ વધુ જોખમી છે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સરદાર સરોવરમાંથી કરાઈ રહેલા મગરોના આડેધડ સ્થળાંતરના સમાચાર વ્યાપક રીતે પ્રસારમાધ્યમોમાં ચમક્યા. હવે કર્મશીલ રોહિત પ્રજાપતિએ પર્યાવરણ મંત્રાલયને આના વિરોધમાં કાનૂની નોટિસ મોકલી હોવાના અહેવાલ છે. આ બાબતે સરકાર દ્વારા શી કાર્યવાહી હાથ ધરાય છે એ જોવું રહ્યું, પણ પર્યાવરણનો આડેધડ, અને આયોજનબદ્ધ ખો જે રીતે નીકળી રહ્યો છે એ બાબત ચિંતાપ્રેરક છે.

વડોદરાની પૂર્વે આવેલા દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાઓ આજકાલ કંઈક આવા જ કારણોસર સમાચારમાં છે. આ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં દીપડા દ્વારા માનવો પર થતા હુમલાનું પ્રમાણ વધી ગયું છે. જંગલના જે વિસ્તારમાં પહેલાં ગ્રામજનો નિર્ભયપણે અવરજવર કરી રહ્યા હતા, ત્યાં દીપડો દેખા દે છે, અને તે હુમલો પણ કરે છે. આવા બનાવો પહેલાં એકલદોકલ બનતા. ક્યારેક કોઈ દીપડો ભૂલો પડીને ગામ તરફ આવી ચડે ત્યારે તે ભયભીત થઈને આક્રમણ કરી બેસતો. તેને બદલે આવા બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય રીતે પશુઓ પર હુમલો કરીને તેમનું ભક્ષણ કરતો દીપડો હવે માનવ વસાહત સુધી અવારનવાર આવી પહોંચે છે. ગામવાસીઓએ દીપડાથી પોતાનું રક્ષણ કરવા માટે જાતજાતના ઊપાયો યોજવા પડે છે. વહેલી સવારના તેઓ ખેતરે પહોંચી જતા હતા, તેને બદલે હવે તેમણે પોતાની દિનચર્યામાં ફેરફાર કરવા પડ્યા છે. ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’માં ઐશ્વર્યા મોહન્‍તી દ્વારા આલેખાયેલા અહેવાલમાં વિસ્તૃત રીતે આનું વર્ણન કરવામાં આવ્યું છે.

પંદરેક વર્ષ અગાઉ દાહોદ જિલ્લાના ધાનપુરની રેન્‍જમાં એક જ મહિનામાં દીપડાના હુમલાથી અગિયાર લોકોનાં મૃત્યુ અને એકવીસ લોકોને ઈજા થઈ હતી. તેને પગલે વનવિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ત્રણ દીપડાને ઠાર મારવામાં આવ્યા હતા અને બારને પકડવામાં આવ્યા હતા. ત્યાર પછી આટલા વ્યાપકપણે દીપડા દ્વારા હુમલા હવે આટલા વરસે ફરી શરૂ થયા છે. આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા દીપડાઓની વર્તણૂકમાં પણ દેખીતું પરિવર્તન નોંધાયું છે. દીપડાઓની સંખ્યામાં થયેલા વધારા અને તેમના આવાસવિસ્તારમાં થયેલા ઘટાડાને કારણે આમ થયું હોવાનું અનુમાન છે. વનવિભાગ દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ, દીપડાની વસતિમાં છેલ્લા પાંચ વરસમાં 29 ટકા જેટલો વધારો થયો છે.

માનવ અને દીપડા વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે ગુજરાત સરકારે ‘લેપર્ડ પાર્ક’ વિકસાવવાનું આયોજન પણ કર્યું હોવાના સમાચાર ગયે વર્ષે હતા, જે દીપડાઓ માટે પુનર્વસન કેન્‍દ્રની ગરજ સારે એમ હતા. વન્ય પશુ સંરક્ષણ કાનૂન, 1972 અનુસાર દીપડાનો સમાવેશ પણ વાઘ, સિંહ તેમ જ હાથી જેવા, રક્ષણની સૌથી વધુ જરૂરિયાત ધરાવતા પ્રાણીઓ ભેગો થાય છે. રાબેતા મુજબ, આ પ્રાણી પર પણ માનવની વિવિધ ગતિવિધિઓ થકી ખતરો છે. દેશભરમાં દીપડાઓની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતનો ક્રમ મધ્ય પ્રદેશ પછી દ્વિતીય ક્રમે છે. 2016ની વસતિગણતરી અનુસાર, ગુજરાતમાં દીપડાની સંખ્યામાં દેખીતો વધારો જણાયો હતો. 2011માં 1,160 થી વધીને આ આંકડો 2015માં 1,395 સુધી પહોંચ્યો હતો. મધ્ય ગુજરાતમાં આશરે 291 દીપડાઓ પૈકીના 209 દીપડાઓ માત્ર દાહોદનાં જંગલોમાં છે.

વનવિભાગના વધુ આંકડા અનુસાર વડોદરા સર્કલનો વિસ્તાર 2014-15માં 2,712.03 ચો.કિ.મી. હતો. 2017-18માં આ વિસ્તાર ઘટીને 2,112.29 ચો.કિ.મી. થઈ ગયો. આ રીતે ઓછો થયેલો વિસ્તાર હજી પણ વન સંરક્ષણ અધિનિયમ (એફ.સી.એ.) કે વન આરક્ષણ અધિનિયમ (એફ.આર.એ.) હેઠળ જંગલ તરીકે જ ગણનામાં લેવામાં આવે છે. વન આરક્ષણ અધિનિયમ અંતર્ગત વનના ચોક્કસ વિસ્તારોમાં જે તે જનજાતિઓને નિવાસ કરવાની છૂટ આપવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તેઓ આ વિસ્તારોમાં ખેતી કરવાનું શરૂ કરે છે, જેની સીધી અસર વનના વિસ્તાર પર થાય છે. દીપડાના આહારસ્રોત તેમ જ તેના ભ્રમણવિસ્તારમાં આ રીતે ઘટાડો થાય છે.

સામાન્ય રીતે દીપડો ઉંદર, બકરી, હરણ, નાનાં પક્ષીઓ, વાંદરાના શિકાર પર નભે છે. વનવિસ્તારમાં ઘટાડો થતાં આ પ્રાણીઓ ટકી રહેવા માટે સ્થળાંતર કરે છે અને ખેતરો તથા ગામના વિસ્તાર તરફ જાય છે. આને કારણે દીપડાના આહાર પર વિપરીત અસર પડે છે. માનવોની વનવિસ્તારમાં અવરજવર વધે તેને કારણે પણ દીપડાના પ્રાકૃતિક આવાસ અસરગ્રસ્ત થાય છે. એક દિવસમાં ત્રણેક કિલો ખોરાક ખાધા પછી દીપડો ત્રણ દિવસ સુધી ખાધા વિના રહી શકે છે.

હવે દીપડાઓની વર્તણૂકમાં પણ પરિવર્તન થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. માનવ પર વધી રહેલા દીપડાના હુમલા આ પરિવર્તનને કારણે હોવાનું મનાય છે. એક તરફ પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે, બીજી તરફ દીપડાઓના પ્રાકૃતિક આવાસ દિનબદિન સંકોચાઈ રહ્યા છે. આમાં હંમેશાં ભૂલ કોઈ અન્ય કરે છે, અને તેનો ભોગ અન્ય કોઈએ બનવું પડે છે.

કાયદાકાનૂનથી લઈને સરકારી નીતિઓ કાગળ પર ગમે એટલી ચુસ્ત હોય, તેનો અમલ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેનો કશો અર્થ રહેતો નથી. વન્ય પશુઓને પોતાને ખબર નથી હોતી કે તેમનો સમાવેશ કઈ અનુસૂચિ અંતર્ગત થાય છે. એ અનુસૂચિ તૈયાર કરનાર માનવોને તેના વિશે બરાબર જાણકારી હોય છે. માનવે પશુઓની આખેઆખી પ્રજાતિઓનો ખાત્મો બોલાવી દીધો હોય એવા અનેક ઉદાહરણો છે, અને છતાં માનવને કોઈ પ્રાણીએ ભયજનક પ્રજાતિમાં સામેલ કર્યો હોવાનું જાણમાં નથી. છોટા ઉદેપુર અને દાહોદનાં જંગલોમાં વધી રહેલા દીપડાના હુમલાઓના બનાવ હોય કે સરદાર સરોવરમાં સી-પ્લેનની સેવા શરૂ કરવા માટે સ્થળાંતર કરાઈ રહેલા મગરોનો મામલો હોય, પુરવાર એટલું જ થાય છે કે માનવ કરતાં વધુ ભયજનક પ્રાણી બીજું કોઈ નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૭-૨-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *