કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૩ :: ૧૯૬૮: નાના રણના સાંધ્ય ક્ષેત્રમાં…..

Facebooktwitterredditpinterestlinkedinmail

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

બનાસકાંઠા-થરપારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. કંપની હેડક્વાર્ટરથી ત્યાં જવા માટે રણના કિનારે આવેલ પાડણ થઈ સુઈગામ અને ત્યાંથી નાડાબેટ જવાય. પાડણ નાનકડું ગામ છે. અહીં આપણા સોલંકી રાજા મૂળરાજે બંધાવેલ ભવ્ય શિવમંદિર છે. અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો. મંદિરના નાનકડા બગીચામાં માટીથી લીંપાયેલ સુઘડ એવા મોટા મોટા દસેક ગોળા  છે. મંદિરના પુજારીશ્રીના કહેવા મુજબ અવસાન પામેલા પૂર્વ મહંતોની આ સમાધિઓ  છે. આ રસ્તેથી આવતાં જતાં હું હંમેશા ભગવાનનાં દર્શન કરવા રોકાતો.

એક વાર મહાદેવનાં દર્શન કરીને બહાર નીકળ્યો. અહીંથી નાડાબેટ સ્પષ્ટ નજર આવે. આ વખતે મેં ત્યાં નજર કરી અને વિચારમાં પડી ગયો. વાયા સુઈગામ જઈએ તો ચાલીસ-પચાસ કિલોમીટર થાય. ઑર્ડનાન્સના નકશા પ્રમાણે પાડણના મંદીરેથી રણમાં ઉતરી સીધી લાઈનમાં નાડાબેટ જઈએ તો કેવળ દસેક કિલોમીટરનું અંતર હતું. સ્થાયી હુકમ મુજબ પાડણથી રણમાં ઉતરી સીધા નાડાબેટ જવાની અમને મનાઈ હતી. ત્યાંના ખારાપાટમાં માણસ ગરક થઈ ગયાના દાખલા હતા.  મેં મારા ડ્રાઈવરને કહ્યું, ‘ચાલ, હિંમત કરીએ અને ખારાપાટમાંથી જીપ લઈ જઈએ.’ ડ્રાઈવર તો ચિઠ્ઠીનો ચાકર! તેણે રણમાં જીપ ઉતારી.

અમે પચીસેક મીટર ગયા હઈશું ત્યાં આગલા પૈડાંની નીચેથી કાળો કાદવ  બહાર આવવા લાગ્યો. ડ્રાઈવરને ગાડી રોકવાની સૂચના આપું તે પહેલાં જીપ ખારાપાટમાં ખૂંપવા લાગી. તેણે 4×4નો  ગીઅર ચડાવ્યો પણ જીપના ટાયર વધુ ખૂંચી ગયા. પૈડાં લપસવા લાગ્યાં અને એક જ જગ્યાએ ઘુમવા લાગ્યાં. વ્હીલની નીચેથી સફેદ મીઠાના થર અને ત્યાર પછી ભીનો, કાળો કાદવ ઊડવા લાગ્યો. પોણા ભાગની આગલી એક્સલ કાદવમાં ખૂંપી ગઈ. ડ્રાઈવરે જીપ રીવર્સ કરી, તો પાછળના પૈડાં પણ તેમની જગ્યાએ જ ફરવા લાગ્યા. અમે ટાયરની નીચે તાડપત્રી મૂકી અને ફરી રીવર્સમાં ચલાવવાનો પ્રયત્ન કર્યો પણ તાડપત્રી કાદવની નીચે ગરક થઈ ગઈ. હવે તો પાછલા પૈડાં પણ સ્કિડ થઈને એક જ જગ્યાએ ઘૂમતાં રહ્યાં અને  મીઠાના થરને દૂર કરી તેની નીચેના કાદવમાં ઊતરી ગયાં. વ્હીલની સાથે પાછલી એક્સલ પણ કાદવમાં ખૂંપી ગઈ.

હું જબરી વિમાસણમાં પડી ગયો. એક તો મેં સ્થાયી હુકમનો ભંગ કર્યો હતો, અને હવે જીપ ખારાપાટમાં અટવાઈ ગઈ હતી. લાંબો વખત ત્યાં રહે તો કદાચ કળણમાં એટલી ઊંડી ઉતરી જાય કે તેનો પત્તો ન લાગે. આવું થાય તો હેડક્વાર્ટર તરફથી કોર્ટ ઑફ ઈન્ક્વાયરી થાય અને જવાબદાર અધિકારી તરીકે મારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે. શું કરવું તે સમજાતું નહોતું. ડ્રાઈવરે મદદ માટે બૂમો પાડી, પણ શિવ મંદિરમાં તે સમયે કોઈ નહોતું. આસપાસ કોઈ મકાન પણ નહોતાં. તેવામાં ફરી એક વાર અમારી નજર દૂર ક્ષિતિજ પર દેખાતા નાડાબેટ પર પડી. મૃગજળને કારણે લીલોછમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો. મને નાડાબેટનાં માતાજીની આખ્યાયિકાઓ યાદ આવી. છેલ્લી આશા હવે માતાજીની કૃપાની હતી. અમે બન્નેએ નાડાબેટ તરફ નમસ્કાર કરી શાંત ચિત્તે પ્રાર્થના કરી. માતાજી પાસે મદદની યાચના કરી. થોડી વારે ફરી જીપનું એન્જીન સ્ટાર્ટ કર્યું અને રીવર્સમાં ગિયર લગાવ્યો. ભાસ કહો, આભાસ કહો, વહેમ કહો કે પરમ શક્તિની કૃપા કહો, મને અહેસાસ થયો કે જીપને એક અદૃષ્ટ બળ પાછળથી ઊંચકીને ખેંચી રહ્યું હતું. પાછળના બન્ને પૈડાં જાણે પાણીમાં તરતાં હોય તેમ થોડાં ઉપર આવ્યાં અને ધીમે ધીમે જીપ પાછળ સરકવા લાગી. તેવી જ રીતે આગળનાં પૈડાં થોડાં ઉંચકાયાં અને પહેલાં જે જગ્યાએ ટાયર લપસી રહ્યાં હતાં ત્યાં તેમને જાણે નવી પકડ મળી. દસ-પંદર મિનિટમાં અમે ખારાપાટની બહાર મંદિરના કિનારે પાછા આવી ગયા.

હું કશું કહું તે પહેલાં મારા ડ્રાઈવરે ધ્રૂજતા અવાજે કહ્યું, “હુકમ, આપને મહેસૂસ કિયો જો મૈંને કિયો? ઐસો લગો જૈસે ગાડીને કિસીને પીછેસે ઉઠાયો ઔર ખિંચ કે અઠે કિનારે લાયો!”

આ શું હતું? ચમત્કાર? આભાસ? કોઈ કહેશે તમારી જીપ 4×4 હતી તેથી તે પોતાના મોટિવ ફોર્સથી ચાલી ગઈ. પહેલાં અમે જીપને 4×4માં જ ચલાવી હતી ત્યારે જીપનાં  આગળ અને પાછળના બન્ને એક્સલ ખારાપાટના કાદવમાં ખૂંપી ગયા હતા.

આ બાબતમાં હું તો એટલું જ કહીશ: આનું રહસ્ય મારા માટે અગમ્ય છે.

રાજસ્થાનના ચુરૂ જિલ્લાના નાનકડા ગામમાંથી આવનાર મારા ડ્રાઈવર માટે આ ચમત્કાર અને પ્રાર્થનાની પ્રસાદી હતી.

હું તેની વાતથી અસંમત નથી!

*********

ક્રમશઃ


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

5 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૩ :: ૧૯૬૮: નાના રણના સાંધ્ય ક્ષેત્રમાં…..

 1. Purvi
  February 20, 2019 at 6:30 am

  Ek swase puru karyu Narenji

 2. Akbar
  February 20, 2019 at 8:48 am

  Very good !

 3. Samir
  February 20, 2019 at 12:10 pm

  અદભુત !
  આભાર, નરેનભાઈ !

 4. Purvi
  February 23, 2019 at 11:36 am

  Narenji, haju ye aava khara paat hashe kuchch ma?

 5. Bhagwan thavrani
  March 5, 2019 at 11:39 am

  કેટલીય ઘટનાઓ અગમ્ય, ગૂઢ હોય છે અને એને એમ જ રહેવા દેવી જોઈએ. તર્ક પાસે બધા પ્રશ્નોનો જવાબ હોતો નથી.
  કોઈ ઘટનામાં જેમ માર્યા જવું એક અકસ્માત છે એમ જ બચી જવું એ પણ !
  આ મારો અંગત અને વિનમ્ર મત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *