





-ડો. દેવાંશ પંડીત (‘અધીર’ અમદાવાદી)
(૧) જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય
જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય.
મોતના લાસ્ટ સીનમાં રિટેક ના હોય.
ગુજરાતી ને ઘોડા વચ્ચે ફેર તું સમજ,
અમારામાં બુદ્ધિ હોય સિક્સ પેક ના હોય.
ખાવા હોય તો ખા, આ લાડવા પડ્યા છે,
છૂટાછેડાની એનિવર્સરી પર કેક ના હોય.
પીઠના દુખાવાના તું બીજા ઈલાજ શોધ,
પ્રેમની ઉષ્માના આમ કંઈ શેક ના હોય.
આપવું હોય તો રોકડું આપ અત્યારે જ,
ચુંબનના કોઈ પોસ્ટ ડેટેડ ચેક ના હોય.
એક જ ચોપડામાં બધાં હિસાબો રાખે છે,
ચિત્રગુપ્તને ત્યાં વ્હાઈટ ને બ્લેક ના હોય.
ચોરેલું દિલ તમારું એણે પાછુ સોંપ્યું,
બધા બંદા ‘અધીર’ જેટલા નેક ના હોય.
* * *
(૨) ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી એ કે ભૂલી જાવ બર્થ ડે તો પકડે કોલર,
ને યાદ રાખો ત્યારે, તબિયત સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે ચા કરજો,
ઘણાંય એવાંય છે જેની ચા સારી નથી હોતી.
નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જવાય છે,
ચીંધે રાહ જે પત્નીઓ એ દિશા સારી નથી હોતી.
કુંવારાઓ છો ભરે બેચાર વધુ દમ આઝાદીના,
પરણેલાઓના ઘરની આબોહવા સારી નથી હોતી.
સહે છે પત્નીના બોજા સાથે કામકાજનો બોજો,
કરે પત્નીઓ પતિની એ દશા સારી નથી હોતી.
કબરમાં પોઢશો તો ત્યાંથીય પત્ની ઊભા કરશે,
અહીં ‘અધીર’ કોઇ પણ જગા સારી નથી હોતી.
(‘બેફામ’ સાહેબની ખૂબ જાણીતી ગ઼ઝલની પેરોડી બેફામ સાહેબની જાહેર ક્ષમાયાચના સાથે…. )
* * *
સંપર્ક સૂત્રો :-
ઈ મેઈલ – Adhir Amdavadi <adhir.amdavadi@gmail.com>
મોબાઈલ – ૯૯૦૯૯ ૫૬૬૬૧