Science સમાચાર : ૫૮

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

() એંજિનની અંદર ફરે તેવા માઇક્રો રોબોટ

કોઈ પણ મશીનના અસંખ્ય ભાગ હોય છે. જેટ એંજિનમાં ૨૫,૦૦૦ નાનામોટા ભાગ હોય છે. કયો ભાગ બરાબર કામ નથી કરતો તે જાણવા માટે પણ આખું મશીન ખોલવું પડે. આમ એક મશીનના મેન્ટેનન્સમાં એક મહિનો નીકળી જાય. પણ હવે હાર્વર્ડ યુનિવર્સિટીના ‘Wyss Institute for Biologically Inspired Engineering અને Johan A. Paulson School of Engineering and Applied Sciencesના સંશોધકોએ એવા માઇક્રો રોબોટ બનાવ્યા છે જે મશીનની અંદર જઈને કામ કરી શકે છે. આ રિપોર્ટ રોબોટિક સાયન્સ મૅગેઝિન માં પ્રકાશિત થયો છે.

મશીનની અંદર મોટી મુશ્કેલી એ હતી કે માઇક્રો રોબોટ સીધી દિશામાં જઈ શકતા અને ઉલટા પાચા ફરી શકતા પણ ઉપર ચડવું હોય કે ઉલટી સપાટી પર ચાલવું હોય તો એ ન થઈ શકતું. સંશોધકોએ હવે એના પગમાં ચોંટી જાય એવી વ્યવસ્થા કરી છે. આથી જ આ માઇક્રો રોબોટનું નામ HAMR-E (Harvard Ambulatory Micro-Robot with Electroadhesion) રાખવામાં આવ્યું છે. આ પહેલાં HAMR માઇક્રો રોબોટ હતા તેમાં અને આ નવા રોબોટમાં ફેર એટલો જ છે કે આ કોઈ પણ દિશામાં જઈ શકે છે અને ઉલટા ચોંટીને પણ કામ કરી શકે છે. હવે એના પગ એવા બનાવેલા છે કે સપાટી પ્રમાણે એ લાંબાટૂંકા થઈ શકે છે, આ રોબોટ પાણીમાં તરી પણ શકે છે.

નવા રોબોટને કારણે હવે મોટા મશીનની સારસંભાળ લેવાનું કામ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં થઈ શકશે. આ વીડિયો જોવા જેવો છેઃ https://www.youtube.com/watch?v=oYSINDEn21Y૦૦૦

૦૦૦

સંદર્ભઃ https://wyss.harvard.edu/robots-with-sticky-feet-can-climb-up-down-and-all-around/

()()()()()

() વાઇરસ બેક્ટેરિયાની વાતો સાંભળીને એની હત્યા કરે છે!

પ્રિન્સટન યુનિવર્સિટીનાં મોલેક્યુલર બાયોલૉજિસ્ટ બોની બૅઝ્લર અને એમના વિદ્યાર્થી જસ્ટિન સિલ્પીએ એક એવા વાઇરસની ભાળ મેળવી છે, જે બૅક્ટેરિયાની વાત છાનામાના સાંભળીલે છે અને પછી “આ જ ગુનેગાર છે” એમ નક્કી કરીને એને મારી નાખે છે. હવે એમણે એક રસ્તો શોધી કાઢ્યો છે કે જેથી આ વાઇરસ VP882 ઈ-કોલી અને કૉલેરાનાં બૅક્ટેરિયા ઉપર હુમલો કરતાં થઈ જાય. શ્રીમતી બૅઝ્લર કહે છે કે બેક્ટેરિયા સંદેશાની આપ-લે માટે જે અણુનો ઉપયોગ કરે છે તેનો જ ઉપયોગ વાઇરસ કરે છે – ફોન ટૅપિંગ જેમ! જસ્ટિને આ જોયું કે આ તો સ્વાભાવિક ક્રિયા છે. પછી એણે વાઇરસમાં એવી રીતે ફેરફાર કર્યો કે એ કોઈ પણ રીતે સંપર્ક કરી શકે.

બૅઝ્લરે સમજાવ્યું કે વાઇરસ પાસે બે જ વિકલ્પો હોય છે. કાં તો એના આશ્રયદાતાની અંદર રહેવું અથવા તો પોતાના જેવાં અનેક વાઇરસ પેદા કરવાં કે જેથી આશરો આપનાર મરી જાય અને બીજા યજમાનના પરોણા થવું. પણ બીજો યજમાન ન હોય તો આ વાઇરસ પોતે જ મરી જાય! પરંતુ VP882 પહેલાં બહાર થતી વાતો સાંભળે છે. એટલે એ સમજી શકાય છે કે આપણે જેની અંદર છીએ તેને મારી નાખશું તો વાંધો નથી, કારણ કે પાડોશમાં જ એવા કોઈ સજ્જન છે જે એમને આશરો આપશે. આથી એ મૂળ યજમાનને મારીને બહાર નીકળી બીજાના ઘરમાં ધામા નાખે છે. જસ્ટિને વાઇરસને જાસૂસી કરતાં જોયા પછી એમને ખોટી માહિતીઓ આપવાનું શરૂ કર્યું કે જેથી વાઇરસ અફવાઓ કે ‘ફેક ન્યૂઝ’ને સાચા માનીને કામ કરે. અને જસ્ટિન કહે તે બૅક્ટેરિયાને મારી નાખે. બૅઝ્લર અને જસ્ટિને એ પણ જોયું કે વાઇરસને બેક્ટેરિયાની ભીડ વિશે ખબર પડે તે પછી એ આખા ‘રાજ્ય’માં આ સમાચાર ફેલાવે છે. એમનું કહેવું છે કે આ બહુ આશ્ચર્યની વાત છે.

૦૦૦

સંદર્ભઃhttps://www.princeton.edu/news/2018/12/13/biologists-turn-eavesdropping-viruses-bacterial-assassins

()()()()()

() ઊંઘ ન આવતી હોય તો ઘોડિયામાં સૂઓ!

જિનીવાના વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે પુખ્ત વયની વ્યક્તિઓને ઊંઘ ન આવતી હોય તો એમણે ઘોડિયામાં સૂવું જોઈએ. ઘોડિયું ઝૂલતું રહેશે તો એમને ઊંઘ આવી જશે અને એ ઊંઘ NREM એટલે કે નૉન-આર. ઈ. એમ. હશે.એનો અર્થ એ કે ઊંઘમાં બંધ આંખોનું હલનચલન પણ નહીં થતું હોય. બહુ ગાઢ નિદ્રા હોય છે, એમાં સપનાં પણ નથી આવતાં. ઊંઘમાં પણ સંવેદી ઇંદ્રીયોનું કામ ચાલ્યા કરે છે એટલે મગજના કંપન પર પણ એની અસર થઈ શકે છે. બપોરે હીંચકે ઝૂલતાં (0.25 Hz) ઝોકું લો ત્યારે જાગૃતિમાંથી નિદ્રામાં સહેલાઈથી સરકી જવાતું હોય છે.

સંશોધકોએ ૧૮ પુખ્ત વયની વ્યક્તિઓ પર અખતરો કર્યો. આ લોકો એક કંપનવાળા પલંગ પર આખી રાત સૂતા. ઊંઘમાં મગજ જે કંપન અનુભવે તેનો પ્રભાવ સ્મરણશક્તિ પર પણ પડતો હોય છે, એટલે સંશોધકોએ એની પણ નોંધ રાખી. એમને જોવા મળ્યું કે એમની કાચી ઊંઘનો ગાળો બહુ ટૂંકો રહ્યો. એમની સ્મ્રુતિઓને સંઘરવાની શક્તિ પણ વધી હોવાનું મગજની પ્રક્રિયાઓના અભ્યાસમાં જણાયું.

૦૦૦

સંદર્ભઃ https://www.cell.com/current-biology/pdfExtended/S0960-9822(18)31662-2

()()()()()

() ચીનના વૈજ્ઞાનિકોએ બીમાર વાંદરાના પાંચ ક્લોન બનાવ્યા

સવાલ નૈતિકતાનો છે અને પ્રાણીઓના જીવનના અધિકારનો છે. ચીનના વૈજ્ઞાનિકોએ માણસને પજવતી કેટલીક બીમારીઓ, જેમ કે અનિદ્રા, સ્કીઝોફ્રેનિયાના અભ્યાસ માટે વાંદરાના પાંચ ક્લોન બનાવ્યા છે. જેના કોશોનો ઉપયોગ કરવામાં આવ્યો તે વાંદરો આવી બીમારીઓથી પિડાય એવી શક્યતાઓ હતી. નવા ક્લોનમાં નકારાત્મક લક્ષણો જોવા મળ્યાં છે. એમને અનિદ્રાનો રોગ છે અને બેવડા વ્યક્તિત્વની બીમારી – સ્કીઝોફ્રેનિયાનાં લક્ષણો પણ દેખાય છે. વૈજ્ઞાનિકોએ વાંદરાની જૈવિક ઘડિયાળને સંચાલિત કરતો જીન કાઢી લેતાં આ ક્લોનને એનો લાભ નથી મળ્યો.

ચીન કહે છે કે એથિક્સ કમિટીએ આ પ્રયોગ મંજૂર કર્યો તે પછી જ ક્લોનિંગ કરવામાં આવ્યું છે. જો કે આ વિવાદાસ્પદ પ્રયોગ મનાય છે.

૦૦૦

સંદર્ભઃ https://in.reuters.com/article/us-china-health/china-clones-gene-edited-monkeys-for-sleep-disorder-research-idINKCN1PI045

()()()()()

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

1 comment for “Science સમાચાર : ૫૮

  1. February 20, 2019 at 7:56 am

    આપણી સાઇઝનું ઘોડિયું ક્યાંથી મળે ? !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *