લ્યો, આ ચીંધી આંગળી : બાવડું પકડીને જાફરહુસેનને પાછા ઉપર ખેંચી લેવામાં આવ્યા (ભાગ 3)

Facebooktwitterredditpinterestlinkedinmail

૪-૨-૨૦૧૯ના રોજ પ્રકાશિત થયેલ ભાગ ૧ અને ૧૧-૨-૨૦૧૯ના રોજ પ્રકાશિત થયેલ ભાગ ૨ પછી હવે આગળ

-રજનીકુમાર પંડ્યા

‘દે લાખ! તો કહે, લે સવા લાખ !’

આવી એક કહેવત સાવ નાનપણમાં સૌરાષ્ટ્રમાં વારંવાર કાને પડતી હતી. એમાં વાસ્તવ કરતાં ટીખળનો ભાવ વધારે વરતાતો હતો. અત્યાર લગીની જિંદગીએ પણ એ ટીખળના એ ભાવને જ એન્ડોર્સ કર્યા કર્યો હતો. વાસ્તવિકતાઓ તો કડવી હોય છે. કુંડમાં બધાએ દૂધનો લોટો રેડવો ફરજિયાત હતો તે અકબરના કુંડમાં સવારે છલોછલ પાણી હતું. કેમ ? સૌને એમ કે બીજા દૂધ નાખશે. એમાં આપણું એક લોટો પાણી ક્યાં જુદું વરતાઈ આવવાનું છે. માટે ધબેડો પાણી ! એટલે હવે તો લાખ માગો ત્યાં રાખ મળે એવું જ બને છે.

દૂધ રેડવાનું પણ ફરજિયાત ન હોય ત્યારે તો કુંડમાં પાણીના પણ વાખા હોવા ઘટે, પણ સાતમી ઓક્ટોબર 2001ની સવારે દસ વાગે મેં તાજા જ બનાવેલા કુંડમાં ‘દૂધ’ની ચડતી જતી સપાટી જોઈને હું માત્ર તાજજુબ થયો. એટલું જ નહીં, મારી (એ વખતની) ચોસઠ વર્ષની જિંદગીમાં એ સૌથી મોટા સંતોષનો દિવસ સાબિત થયો. વાચકોએ ‘જન્મભૂમિ પ્રવાસી’ જેવા ઉમદા અખબાર પર તો ખરો જ, પણ મારી કલમ પર અમર્યાદ વિશ્વાસ મૂક્યો તે એવો ધીંગો નીકળ્યો કે અત્યારના કારમા ત્રાસવાદના, વિકરાળ કોમવાદ અને ભયાનક સ્વાર્થાંધતાના દિવસોમાં આ વાત વાંચનારા, અનુભવનારા, સાંભળનારા સૌનો વિશ્વાસ માનવતા પર, માનવજાત પર જડબેસલાક દૃઢ થયો.

ના, એમાં એક લેખક તરીકે મારે અંગત રીતે અભિમાન લેવા જેવું કંઈ જ નથી. હું માત્ર સાત્ત્વિક આનંદ કે સંતોષનો અધિકારી હોઈશ, પણ ખરો યશ દેવા જેવો હોય તો સાપ્તાહિક ‘જન્મભૂમિ પ્રવાસી’ના તંત્રી કુંદન વ્યાસ અને પૂર્તિ સંપાદિકા તરુબહેન કજારીયાને કે જેમણે આવી વ્યક્તિગત મદદ માગતો લેખ છપાવાની હામી ભરી .એ લેખ વાંચીને જ એ અખબારના સેંકડો વાચકો કે જેઓ મારો સાતમી ઑક્ટોબરનો ‘શબ્દવેધ’માં ‘ક્ષિતિજ ભલે દેખાય, આપણે અસ્તાચળને આઘો કાઢીએ’ શીર્ષકથી પ્રગટ થયેલો લેખ વાંચીને દ્રવી ઊઠ્યા ને પંચાવન હજાર માગ્યા ત્યાં ત્રણ લાખ ધરી દીધા ! દે લાખ, તો લે સવા લાખ !

મને એ વિષે લેખ લખવાનો કોઇ વિચાર જ નહોતો આવ્યો, કારણ કે એમાં નિયમિત છપાતા મારા કોલમ ‘શબ્દવેધ’નું શેડ્યુલ હવે કોઇ ખાલી જગ્યા જ નહોતું બતાવતું. પણ કોઇ અજબ યોગાનુયોગે ‘જન્મભૂમિ પ્રવાસી નાં પૂર્તિ સંપાદિકાબહેન તરુબહેન કજારિયાએ મારા બીજા વિષયનો બે ભાગનો મેં મોકલેલો કોઇ લેખ આગલી તારીખમાં એક ભાગ કરીને વાપરી નાખ્યો હતો. એટલે નવા એક લેખની ઘટ પડી. સાતમી ઑક્ટોબરે છાપવા માટે એક લેખની જગ્યા અણધારી જ ખાલી પડી ! સમય મર્યાદા તો વીતી જવા આવી હતી. એટલે મુંબઇથી તાકીદ કરતા બે રિમાઇન્ડર્સ આવતાં આવ્યા પણ મને લખવાની કોઇ મરજી થતી નહોતી કારણ કે એમ કરવાથી ‘ફૂલછાબ’ કે ‘કચ્છમિત્ર’ સાથેની સમાંતરતા તૂટી જાય તેમ હતું.

પણ આ જાફરહુસેનના મામલે હું હવે શું કરી શકું તે વિચારતો હતો ત્યાં જ એકાએક મારા મનમાં ફ્લેશ થઇ. અને એનો વીજળીક અમલ પણ કરી દીધો. જાફર હુસેન વિષેનો લેખ લખીને મોકલી દીધો. શિર્ષક આપ્યું હતું : ‘ક્ષિતીજ ભલે દેખાય, આપણે અસ્તાચળને આઘો કાઢીએં ‘. એમાં મેં સાવ સીધી ટહેલ તો નાખી નહોતી, પણ હકીકતને મારી, એક વાર્તાકારની બાનીમાં પેશ કરી હતી. અગાઉ ઘણા પ્રસંગોએ મને પરિણામ લાવી બતાવ્યું હતું એટલે એ તર્કને નિસરણીએ એટલી આશા કે એ વાંચીને કદાચ દસ-બાર હજાર જેટલી રકમ વાચક પાસેથી મળી જાય. વધારે આશા નહોતી, કારણ કે એ લેખ બંધુ–અખબારો ‘ફૂલછાબ’ કે ‘કચ્છમિત્ર’માં છપાવાનો નહોતો. કારણ કે ત્યાં તો ધારાવાહી એવો બીજો લેખ પડ્યો હતો.

આ નવો લેખ મળતા જ તરુબહેને લેખ હાથમાં લીધો, વાંચ્યો અને એ તો સાહિત્યસેવી સ્પંદનક્ષમ હૃદય ! મેઘાણીના પિતરાઇ વંશના સ્વ રમણિક મેઘાણીનાં પુત્રી. ફોનમાં મને તરત કહ્યું : ‘હું વાંચતાં વાંચતાં રડી પડી છું. મને શ્રદ્ધા છે વાચકોને પણ એ રડાવશે.’

હા, રડે છે એનું જ હૃદય દ્રવે છે. એમનું અનુમાન સાચું પડ્યું. સાતમી ઓક્ટોબરે રવિવારે પૂર્તિમાં એ લેખ છપાયો. મને તો સોમવારે ફેરિયો આપી જાય ત્યારે જોવા મળે પણ મુંબઈના વાચકો પાસે રવિવારે સવારે આઠ-નવ વાગે છાપું આવી જતું હોય છે. હું અને મારાં પત્ની સવારની ચા લેતાં લેતાં સામસામે બેઠાં હતાં ત્યાં નવ વાગ્યાથી મુંબઈથી ફોન આવવા શરૂ થયા. વાંચનારા ચિંતાતુર અવાજે, કોઈ ઉદ્વેગપૂર્ણ અવાજે, કોઈ ભીના સ્વરે મને પૂછતા હતા : ઑપરેશન ક્યારે કરાવવું છે ? ક્યાં ? કેટલો ખર્ચ ? એટલામાં થશે ? ચાલો હું પાંચ – દસ-બાર હજાર મોકલું છું. હું ચકિત થયો. મારા પરિવારના સૌ સ્તબ્ધ ! આટલા બધા ફોન એકસામટા ? કોને માટે ? જાફરહુસેન નામના એક સાવ ગુમનામ, નિષ્કિંચન (ગરીબ શબ્દ વાપરવો ઠીક નથી, કારણ કે એ બીજી રીતે ગરીબ નહોતા જ ) મુસ્લિમ બિરાદર માટે એક હિન્દુ લેખકને હિન્દુ વાચકો ઉદગ્રીવ થઈને પૂછતા હતા ! છાપાની હેડલાઈનોમાં ત્રાસવાદ – આતંકવાદ, ફતવા, ઘોષણા, હોંકારા –પડકારા, જેહાદ, રેલી, ધર્માધતાની વાતો હવામાં છલકાતી હતી ને અહીં એ બધાથી બેતમા, એ બધાથી નિરપેક્ષ, એ બધાને ફગાવીને અનેક સહ્રદયો એ મુસ્લિમબંધુ પરત્વે પૂરી નક્કર, રોકડી નિસબત જતાવતા હતા. એક ભાઈ બીજા ભાઈ અંગે પૂછે તેમ ચિંતાથી પૃચ્છા કરતા હતા.

છેક બપોરે ત્રણ વાગે મેં જાફરહુસેનને એમના પાડોશમાંથી બોલાવવાની વિનવણી કરીને, બોલાવીને ફોન પર કહ્યું:

‘ક્યું ધીરુભાઇ અંબાણી ! કૈસે હો ?”

એ ચોંકી ગયા. આ જાનલેવા બિમારીના દિવસોમાં આવી મશ્કરી !

પણ મેં તરત જ ફોડ પાડ્યો.:’ જાફરમિયાં. અબ તુમ જાફર નહિં રહે , ધીરુભાઇ અંબાણી બન ગયે હો, ખુશામદીદ, ખુશામદીદ, સાઠ હજારનાં વચનો આવી ગયાં છે. મને ખબર છે હજુ પૂરતા ન કહેવાય. પણ હજુ તો છાપું માત્ર અડધા મુંબઈમાં જ પહોંચ્યું છે. દેશ-પરદેશ તો હજુ બાકી છે.’

વધુ લાંબી વાત નથી કરવી, પણ મારા આ શબ્દો પછી એક જ અઠવાડિયામાં એ રકમ સવા લાખને આંકડે આંબી ગઇ. ડૉ. તુષાર કહેતા હતા કે વધારાનું એક ઉપકરણ મૂકવાથી બાયપાસ સર્જરી વધુ સક્ષમ બનશે પણ ચિંતા ના કરો. એની જોગવાઈ પણ હું ક્યાંકથી કરીશ.’

image

ડૉ. તુષાર શાહ

મેં જાફરહુસેનને હસતા રાખવાના આશયથી એ મળ્યા ત્યારે મોં મલકાવીને કહ્યું: ‘જનાબ, ફરી વાર કહું કે હવે તમે દરિયાપુરના જાફરહુસેન મન્સુરી નામના મામૂલી આદમી નથી. હવે તો બાદશાહીથી સર્જરી કરાવીશું. કોઈ કસર રાખવી નથી આપણે. હોસ્પિટલથી પાછા ફરીએ પછી આપણે તમારી જ રેકોર્ડો ઉપર સંગીતજલસો ગોઠવીશું.’

અને ખરેખર સ્થિતિ એવી થઇ કે તા 7-10-2001ના અપીલ કરતા મારા મૂળ લેખને પ્રગટ થયાના બે ત્રણ સપ્તાહમાં જ રકમ એક લાખ એકતાળીસ હજારના આંકડે તો પહોંચી જ ગઇ. અને તેથી તા 11-11-2001ની ‘જન્મભૂમિ-પ્રવાસી’ની પૂર્તિમાં મે બીજો એક લેખ લખ્યો કે જે સાગમટે આભારદર્શનનો હતો. (એના અંતભાગમાં મેં એ નાણાની વ્યવસ્થા સાથે જાફર હુસેનના અન્ય ખર્ચ માટેની જોગવાઇની પણ વાત કરી છે.)

લેખ તા 7-10-2001 પછી જાફરહુસેન મન્સુરીની હાર્ટની શસ્ત્રક્રિયા માટે 11-11-2001 ની પૂર્તિ માટેનો આ લેખ લખતાં સુધીમાં રૂપિયા એક લાખ એકતાળીસ હજાર ઉપર રકમ એકઠી થઇ. પરંતુ તે પછી પણ નાણાનો પ્રવાહ જારી રહ્યો તે છેક આંકડો લગભગ ત્રણ- સાડા ત્રણ લાખ સુધી પહોંચ્યો.

image

(લેખક, કાંતિભાઇ પટેલ અને ગાયક બદ્રીભાઇ સાથે સર્જરી પછી જાફરહુસેન)

14-10-2001 ના દિવસે એમને ઘેર દરીયાપુરથી એમને શાહીબાગની રાજસ્થાન હૉસ્પિટલમા એડામિટ કરવામાં આવ્યા અને તે જ વખતે ડૉ તુષાર શાહે એમનો હવાલો સંભાળી લીધો. 15 મી તારીખે જાફરહુસેનની એમણે, ડૉ તરુણ દવે અને મદદનીશોએ એમની સફળ બાય પાસ સર્જરી સંપન્ન કરી દીધી. આ એ જ સૌમ્ય પ્રકૃતિના ડૉ તુષાર શાહ કે જેમણે હૃદયરોગના દર્દી એવા આપણા મશહૂર લેખક સ્વ અશ્વિની ભટ્ટની જીવાદોરી પોતાના કૌશલ્યથી પંદર વર્ષ જેટલી લંબાવી આપી. સાહિત્યપ્રેમી એવા આ તબીબે પોતે તો કંઇ ન લીધું, પણ બીજો ખર્ચ પણ ઘટાડી આપ્યો.એ દિવસોમાં સદાના સેવાભાવી પોતે અકિંચન છતાં અનેક વ્યક્તિઓ અને અનેક સંસ્થાઓ વચ્ચે સેતુરુપ બની રહેનારા એ હૉસ્પિટલના જ કર્મચારી એવા કાંતિભાઇ પટેલે રાતદિવસ ખડે પગે જાફરહુસેનની સેવા કરી.

એ પછી ડોક્ટરોએ તો એમને વહેલા ડિસ્ચાર્જ થવાની છૂટ આપી, પણ મારે મુંબઇ જવાનું હતું એટલે પણ મારી એવી ઇચ્છા હતી કે જાફર હુસેનની સ્થિતિ જોતાં એમને થોડો વધુ વખત હૉસ્પિટલમાં રહેવા દેવા વધુ ઠીક છે. એ દિવસોમાં પણ નાણાનો પ્રવાહ વાચકો દ્વારા વહેતો રહ્યો હતો.એટલે આ નવા ‘ધીરુભાઇ અંબાણી’ને નાણાની ચિંતા સતાવે એમ નહોતી.

image

(લેખક સાથે પ્રસન્ન મુદ્રામાં જાફર હુસેન હૉસ્પિટલમાં)

અંતે સરવાળો કર્યો તો સાડા ત્રણ લાખ જેવી રકમ એકત્ર થઇ હતી . જેમાંથી આ હૉસ્પીટાઇલેઝનનો સવા બે લાખ જેવો ખર્ચ કાઢતાં બાકીના રૂપિયા નજીકમાં આવતા ઇદના તહેવારો માટે, ઘરની મરમ્મત, સમયે સમયે થનારા દવાના ખર્ચ અને કપડાંલત્તા માટે તેમને સોંપી દેવામાં આવી હતી.

વિશેષ નોંધ:

જુઓ, આ સમગ્ર ઘટનાક્રમના સૂચિતાર્થો કેવા સુંદર, શાતાદાયક અને આંખ ઉઘાડનારા નીકળ્યા ? ‘જન્મભૂમિ પ્રવાસી’નો વ્યાપ ક્યાં ક્યાં ?’ નાઈજીરિયા, કેન્યા, ઈન્ગ્લેન્ડ ઉપરાંત દેશમાં કોલકત્તા, મદ્રાસ, જમશેદપુરથી પત્રો આવ્યા. રકમો પણ કેટકેટલી ? સોથી માંડીને પાંત્રીસ હજાર સુધીની સામટી. (અલબત્ત, નાનીનાની વધારે). બધાનાં નામ લખતો નથી. પણ કોઈ વિદ્યાર્થી એકલ તો સહિયારા, તો કોઈ વૃદ્ધાશ્રમના વૃદ્ધોના પચીસ પચીસ કરીને પંદરસો ! મુસ્લિમ વાચકો ખરા પણ માત્ર પાંચ જેટલા જ, તો બાકીના બધાં જ હિન્દુ ભાઈ-બહેનો ! આના સૂચિતાર્થો કોમવાદ, કોમવાદની બૂમો પાડનારા કટ્ટરવાદીઓ જાતે જ તારવી લે. કોઈએ શુભેચ્છા કાર્ડ મોક્લ્યા છે તો જાફર હુસેનના ઉગાર માટે રામ ભગવાનને પ્રાર્થના કરી છે ! લંડનના એક ચિંતાતુર મુસ્લિમ વાચક બિરાદર સૈફુદ્દીન કપાસીએ મને મુંબઈમાં જ મોબાઈલ ફોન પર ત્યાં બેઠે બેઠે ઝડપ્યો અને થોડા જ કલાકોમાં ક્રાફર્ડ માર્કેટની એક દુકાનેથી પચીસ હજાર મેળવી લેવાનું ગોઠવી દીધું. (આ વાત 2001ની પણ એ હૃદયસંબંધ એવો રોપાયો કે છેક સત્તર વર્ષે 2018ની 7 મી માર્ચે એ જનાબ સૈફુદ્દીન કપાસી સપત્નીક રૂબરુ મારે ત્યાં આવ્યા ત્યારે મેં એમને પહેલી જ વાર જોયા અને દોસ્ત બની ગયા.)

વાચકો વરસ્યા છે. કોઈ કોઈએ એમ પણ પૂછ્યું કે હાલ તો આટલાની સગવડ છે એટલે આટલા મોકલું છું. વધારેની જરૂર હોય તો જણાવજો. આપનારા કોઈએ ક્યારેય મગજમાં કોઈ હવા ભરીને વાત કરી નહિ. આપનારા પોતે ધન્ય થતા હોય એવો ભાવ અનુભવ્યો છે.

જાફરહુસેનને જ્યારે જ્યારે હૉસ્પિટલમાં મૂકવા-મળવા-લેવા ગયો હતો ત્યારે આંખોમાં ભરપૂર આંસુ સાથે ભેટ્યા છે. ત્યારે મને લાગ્યું કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ભેટતી નથી. કોઈ મુસ્લિમ કોઈ હિન્દુને ભેટતો નથી. બલકે એક માણસનો જણ્યો બીજા માણસના જણ્યાને ભેટીને અદ્વૈતનો અનુભવ કરી–કરાવી રહ્યો છે. જાફરહુસેન વારે વારે અલ્લાતાલાનો શુક્ર અદા કરતા હતા. આપનારા વળી મોટે ભાગે ઉપરવાળા ઇશ્વરનો પાડ માનતા હતા. હું એમને કહેતો હતો કે ઉપરવાળાનો આભાર માનવો હોય તો ભલે માનો. પણ ‘આસમાં પે હૈ ખુદા, ઔર, જમીં પે હમ, આજકલ વો ઈસ તરફ દેખતા હૈ કમ’ (સાહિર લુધિયાનવી) – આભાર માનવો હોય તો તમારી કારમી વિપત્તિને પોતાની ચિંતાના પરીઘમાં સમાવી લેનારા મોટા વ્યાપક માનવસમૂહનો માનો. Smile

(નોંધ:

એ પછી તા 11-11-2001ના લેખમાં મેં વાચકોનો જાહેર આભાર માન્યો અને આવેલા ફંડની ગોઠવણની પણ ચોખ કરી, એ લખાણના અંતિમ ભાગનો ટૂકડો અહિં મુક્યો છે.

image

એ પછી જાફર હુસેન અગીયાર વર્ષ જીવી ગયા. 2012ની આસપાસ એમનું અવસાન થયાનું કંઇક યાદ છે,

ઘર નંબર 3185, વડ પાસે, ડબગરવાડ, દાંડીયા વાડ ,દરીયાપુર .એ એમનું સરનામું હતું, પુત્રનું નામ અલ્તાફ અને પુત્રીનું નામ શહેનાઝ. અત્યારે પ્રયત્નો છતાં એમાના કોઇનો સંપર્ક થઇ શકતો નથી. કોઇ કરી –કરાવી આપશે તો આભારી થઇશ.

-રજનીકુમાર પંડ્યા)

**** **** ***

લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

પાદ નોંધ : જાફરહુસેન મન્સુરીને તેમના ખજાનાનાં એક રત્ન સાથે આ વિડીયોમાં લેખક સાથે જોઇ/સાંભળી શકાય છે.

12 comments for “લ્યો, આ ચીંધી આંગળી : બાવડું પકડીને જાફરહુસેનને પાછા ઉપર ખેંચી લેવામાં આવ્યા (ભાગ 3)

 1. Gajanan Raval
  February 18, 2019 at 10:18 am

  All the three parts are very touching and your task to depict the whole pen picture is worth…A big thank YOU..Rajnibhai..!1

 2. Prafull Ghorecha
  February 18, 2019 at 10:54 am

  કોમી એખલાસ, તથા સંગીત પ્રેમીઓનું બહુ જ ઉમદા વર્તન.

 3. Samir
  February 18, 2019 at 2:17 pm

  રજનીભાઈ ,ખુબ સરસ ! આમેય તમે વ્યક્તિચિત્ર ઉપસાવવા માં નિષ્ણાત છો .
  મને ૧૯૯૪-૯૫ માં જાફરભાઈ ને મળવાનો મોકો મળ્યો હતો .બિલકુલ ખુદા નો બંદો !
  તેમની પાસે થી સાંભળેલી કેટલીય વાતો ફિલ્મ જગત ના મોટા માથાઓ વિષે હતી અને જાફરભાઈ તો વિના સંકોચે બોલ્યા જતા હતા !
  પછી સંપર્ક જતો રહ્યો પણ આજે આટલા વર્ષે રજનીભાઈ દ્વારા ફરી થી સંપર્ક થયો. ખુબ ખુબ આભાર રજનીભાઈ !

 4. February 19, 2019 at 12:43 am

  ક્યારેક માણસો પણ માણસાઈ પર ઉતરી આવે ને ત્યારે કમાલ કરી દેખાડે છે.

  ક્યારેક કોઈ નિષ્કિંચન નસીબના બળીયા ય હોઈ શકે ને!

 5. Capt. Narendra
  February 19, 2019 at 12:52 am

  My salute to you Rajnibhai! I read all three parts of your article. They touched the inner most strings of my hearts and, for a few minutes after reading the final part, my heart stood still. So great was the effect your article had on me. All I can say is, the collection of Jaffer Bhai was priceless; the words that came from your pen are invaluable. They not only saved a life, but also presented to the world of music a a great heritage of gramophone records.
  This reminds me of another great service you had done for a star which was disappearing without trace; yeas, I am talking about Jagmohan. You kept him alive by providing him meals three times a day for so many years without taking credit for it.
  It has been my honor having you as my brother and friend. Salaam!

  • Rajnikumar Pandya
   February 20, 2019 at 1:19 am

   Thanks Captain
   I am moved bu your appreciative words
   Jagmohan Da was my favorit singer and in his days of darkness I brought him to my small residence and maintained him just as my Father. That’s all.
   I succumb to my hearts appeal, That’s all. I have not done any obligation on him, I think
   Thanks again.
   Regards

 6. February 19, 2019 at 7:37 am

  પ્રિય રજનીકુમારઃ નમસ્તે.
  જાફર હુસેન વિશેના તમારા શબ્દોએ ખરેખર ચમત્કાર કર્યો છે.
  –ગિરીશ પરીખ Tavares Florida

 7. La Kant Thakkar
  February 19, 2019 at 6:26 pm

  માનવતા અને કુદરતના કરિશ્માનો જુગાડ ! કૉણ કોણ ક્યાન્થી પ્રેરણા મેળવે ?
  કોણ આપે? કોને પહોન્ચે ? કરેલુ વ્યર્થ જતુ નથી !

 8. February 19, 2019 at 9:28 pm

  Rajnikumaji
  This all your magic which happened here !

 9. February 20, 2019 at 7:54 am

  અદભૂત .

 10. Niranjan Mehta
  February 20, 2019 at 2:21 pm

  આપને ખુબ ખુબ અભિનંદન, એક સદ્કાર્ય કર્યાનો અને તે પણ નમ્રભાવે.

 11. Lata Hirani
  February 20, 2019 at 4:19 pm

  સલામ…. રજનીભાઈને અને દિલદાર વાચકોને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *