જયા-જયંત : અંક ૧ : પ્રવેશ છઠ્ઠો

ન્હાનાલાલ દલપતરામ કવિ

પાત્રપરિચય

સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી.

કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા.

મુખ્ય પાત્રો :

દેવર્ષિ : દેવોના ઋષિરાજ.

ગિરિરાજ : ગિરિદેશના રાજવી.

જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર.

કાશિરાજ : વારાણસીના રાજવી.

વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.

તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.

પારધી : પશુત નો શિકારી.

રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.

જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.

તેજબા : તીર્થગોરની બહેન.

શેવતી : તીર્થગોરની બ્રહ્મકન્યા.

નૃત્યદાસી : એક દાસી.

-૦-

                                   અંક

                               પ્રવેશ છઠ્ઠો

             સ્થલકાલ: યોગીજનોની યોગગુફા

દેવર્ષિ : જગતનું મહાભારત આજે ઉઘાડું,
ને વાંચું મંહીથી ત્રિકાળનાં ત્રણ પર્વ.
આદરૂં વિશ્વ દર્શનની સમાધિ,
ને ઉકેલું બ્રહ્માંડના પરમભેદ.

                   (ગુફામાં આસન વાળી સમાધિ જમાવે છે.)

ફાટો, ઓ ધરતીની ગુફાઓ !
યોગીના આદેશ છે;
પાઠવો પુરાણજોગી ભૂતકાલને.

(પૃથ્વીમાંથી ભૂતકાલમાં પધારે છે.)

ભૂતકાળ : યોગીરાજ ! આદેશ.

દેવર્ષિ : બચ્ચા ! જગતની શી સેવા સાધી ?

ભૂતકાળ : યોગીરાજ ! ઈતિહાસમૂર્તિ છું.
સૃષ્ટિનું હું સ્મરણ છું,
માનવકથાનું મહાકાવ્ય છું,
ચિત્રવિચિત્રનો ચોપડો છું.
મહાપુરૂષોના અનુભવ છું, ડહાપણ છું.
ઉદાર દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
અમૃતાક્ષરે લખું છું, સત્કર્મો સાધુઓનાં,
બોધના શબ્દે આલેખું છું
જીવનભૂલો કો અસાધુઓની.
ઢાંકેલા ધરા, ભયની ગુફાઓ
દાખવું છું પ્રવાસીઓને
મનુષ્યના મનુષ્યત્વના
લખ્યા છે ચાર વેદ મ્હેં;
ને મૂક્યા છે ચાર દિશાઓમાં
દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે;
એ મહેલનો હું વજ્રપાયો છું;
બ્રહ્માંડ જેટલો પુરાણ,
ને બ્રહ્મ જેટલો અવિચળ.
મ્હારૂં નામ ‘હતું’

                        (અન્તર્ધાન થાય છે.)

દેવર્ષિ : થંભો, ઓ વાયુના વેગ !
યોગીના આદેશ છે,
પાઠવો ચિરંજીવયોએએ વર્તમાન ને.

                     (વાયુમાંથી વર્તમાન આવે છે)

વર્તમાન : યોગીરાજ ! આદેશ.

દેવર્ષિ : બચ્ચા ! શું સાધ છ જગત હિત ?

વર્તમાન : યોગીરાજ ! જીવનમૂર્તિ છું.
જગતની ગતિ ને પ્રવૃત્તિ છું.
માનવમહાકથાનો ચાલતો અધ્યાય છું.
ચિત્રવિચિત્રની કલમ છું.
દિવસને રાત્રીની પરંપરા
અન્ધકારને પ્રકાશના પડછાયા
પાડું છું સ્થૂલ ને સૂક્ષ્મમાં
તિક્ષ્ણ દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
માનવ જાતનું મન છું.
પરકમ્પાવાસીના પાય છું,
સન્તજનોની સુવાસ છું,
અસન્તોના ઓછાયા છું.
સજ્જીવનનું છું મહાસંગીત.
યાત્રાળુઓ તો મ્હારે આભલાં છે.
નથી-નથી કો સત્વ બ્રહ્માંડભરમાં
જે મ્હારે દોરે ન પરોવાયું હોય.
દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે,
એ મહેલનો હું ફૂલબાગ છું;
નવરંગ ફૂલડે શોભતો,
અજબ વાસનાઓ ફોરતો.
મ્હારૂં નામ ‘છે’

                            (અન્તર્ધાન થાય છે.)

દેવર્ષિ: ઉઘડો, ઓ આભના પડદાઓ !
યોગીના આદેશ છે,
પાઠવો અદ્ભુત યોગી ભવિષ્યને

                               (આકાશમાંથી ભવિષ્યકાલ ઉતરે છે)

ભવિષ્ય : યોગીરાજ ! આદેશ.

દેવર્ષિ : બચ્ચા ! શું કરીશ જગતનું ?

ભવિષ્ય : યોગીરાજ ! આદર્શમૂર્તિ છું,
માનવી ને દેવની યે આશા છું,
બ્રહ્માંડની હું કવિતા છું,
પરબ્રહ્મની પ્રસન્નતા છું.
ઊર્ધ્વ દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
સહુનું મહાઆકર્ષણ,
સૃજને શિખરે સૂર્ય સમો વિરાજી
પાઠવું છું કિરનોના દોર
માનવીને ઝાલી ઉંચે ચ્હડવાને કાજ.
ઉત્સાહ છું, અભિલાષ છું, પ્રેરના છું;
કલ્પના છું અદ્ભુત અમૃતની.
આધાર છું પડતાંનો,
ઉદ્દીપન છું થાક્યાનું.
તીર્થ છું તીર્થગામીઓનું,
મોક્ષ છું મુમુક્ષુઓનો.
જગતની શક્યતાનો ભંડાર,
વિશ્વના વિકાસનું કેન્દ્ર,
મનુષ્યનું દિવ્ય લોચન છું
દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે,
એ મહેલનો મિનાર ને ધ્વજ છું
મહાઆભથી યે ઉન્નત,
ને બ્રહ્મધામની દીવાદાંડી જે
મ્હારૂં નામ ‘થશે’

                         (અન્તર્ધાન થાય છે. દેવર્ષિ સમાધિમાંથી જાગે છે.)

દેવર્ષિ: સ્મરણ, પ્રવૃત્તિ ને આદર્શ;
ઈતિહાસ, પરકમ્મા ને મોક્ષ
ત્રણે કાલ સરજ્યા છે સરજનહારે
બ્રહ્માંડની ઉન્નતિને અર્થે.
પડ્યા છે ભૂતકાલના હિમાદ્રિ,
સમાધિસ્થ, અવિચલ ને યોગમૂર્તિ;
જન્મે છે ત્હેમાંથી વર્તમાન ગંગા,
વહે છે સદા તે વાડીઓમાં થઈ.
ઉભા છે આરે આરે
તીર્થ તપસ્વીઓ, ને ઋષ્યાશ્રમો
ઉદ્ધારે છે બ્રહ્માંડવાસીઓને,
અને મૂકે છે લઈ જઈ
ભવિષ્યના બ્રહ્મસાગરમાં
જગત એટલે ઉન્નતિક્રમ,
બ્રહ્મધામનાં અમૃતપગથિયાં.
જગત અસત્યે નથી,
જગત અનીશ્વરે નથી.
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम्
ગીતા ભાખે છે એને અસુરવાણી
દેવસંઘને દુનિયા સત્ય જ છે.
ब्रह्म सत्यं जगत्सत्यं जीवोब्रह्म सुहृद्द्धयम्
ગંગા ! ઓ કાલગંગા !
બ્રહ્માંડના ભાગ્યની ઓ ભાગીરથી !
દિશાકાલની ગંગાયમુનાનો જય !
બ્રહ્મ ને બ્રહ્માંડનો જય !

                       (દેવર્ષિ ગવરાવે છે ને સૃષ્ટિના સત્વો બ્રહ્મસંગીત ગાય છે.)

સત્ત્વો: અહો ! ધન્ય ધન્ય ! હો !
બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે;
અહો ! ધન્ય ધન્ય ! હો !
દુનિયાં કહે છે કે દેવ છે.
વડાં પાથર્યાં આભનાં પત્ર કાળાં,
લખી તેજના શબ્દથી મન્ત્રમાળા;
દિશાકાલેદોરે ગૂંથ્યાં સૌ ખગોળે;
મહાગ્રંથ બ્રહ્માંડનો બ્રહ્મ બોલે.
અહો ! ધન્ય ધન્ય ! હો !
બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે;

દેવર્ષિ :कालोस्मि लोकक्षयकृत्प्रवृद्ध
પ્રભો ! એ છે એક પક્ષી.
જગતમાં મૃત્યુના મહાઓટ છે,
સૃજનની ભરતી એથી યે છે મ્હોટી.
ગાવ, ગાવ ફરી એક વેળા
માનવજાતિની કલ્યાણગીતા, ઓ નાથ !
સર્વત્ર નિગૂઢ મહાસત્યની દેવઋચા કે
कालोस्मि लोकोन्नतिकृत्प्रवृद्ध:

                                                           –

( ક્રમશ: )

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.