ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૪

ચિરાગ પટેલ

पू.आ. ६.४.९ (६२३) हरी त इन्द्र श्मश्रूण्युतो ते हरितौ हरी। तं त्वा स्तुवन्ति कवयः परुषासो वनर्गवः॥

હે ઈન્દ્ર ! આપના દાઢીમૂછ લીલાં છે અને બંને ઘોડાં પણ લીલા છે. હે ઉત્તમ ગાયોના પાલક! વિવેકશીલ માણસો તમારી સ્તુતિ કરે છે. (વામદેવ ગૌતમ)

આ શ્લોકમાં ઋષિ વામદેવ ગૌતમ સામવેદ કાળના પુરુષોના દેખાવ વિષે આડકતરો નિર્દેશ કરે છે. ઈન્દ્ર કે જે દેવ અને પૂજનીય છે, ને દાઢી અને મૂછ છે. એટલે કે, એ સમયમાં પુરુષો દાઢી મૂછ દૂર નહિ કરતા હોય અથવા એ વિશેના સાધન ઉપલબ્ધ નહિ હોય! વળી, સોમરસના પાનથી તેમની દાઢી મૂછ લીલા રંગના દેખાય છે. શું ઈન્દ્ર નામની કોઈ વ્યક્તિવિશેષ અહીં હાજર હોય અને સોમરસ પીતા હોય એ માનવું, કે ઋષિ ઈન્દ્રની મૂર્તિને સોમરસ અર્પણ કરતા હશે એ માનવું? ગમે તે શક્યતા હોય, ઈન્દ્ર માત્ર પ્રકૃતિના કોઈ તત્વરૂપે નહિ પણ તેમના પ્રતીક રૂપે કોઈ મૂર્તિ કે સદેહે ઉપસ્થિત કોઈ વ્યક્તિરૂપે હોય એમ લાગે છે.

पू.आ. ६.५.८ (६३४) अदृश्रन्नस्य केतवो वि रश्मयो जनाँ अनु। भ्राजन्तो अग्नयो यथा॥

પ્રજ્વલિત બનેલ અગ્નિકીરણો સમાન સૂર્યના પ્રકાશ કિરણો સંપૂર્ણ પ્રાણી જગતને જુએ છે. (પ્રસ્કણ્વ કાણ્વ)

પ્રસ્કણ્વ કાણ્વ ઋષિનો આ શ્લોક સૂર્ય કિરણો માટે પ્રજ્વલિત અગ્નિના કિરણોની ઉપમા પ્રયોજે છે. સૂર્યના કિરણોની આવી ઉપમા પ્રયોજવા માટે એમની ઉત્પત્તિ અંગેની થોડીઘણી જાણકારી આવશ્યક છે. એ સમયે ધાતુને તપાવવાની પ્રક્રિયા હતી. લોઢું ગરમ લાલચોળ થાય અને એની ગરમી મળે એવી ઉપમા ઋષિ પ્રયોજી શકે એમ હતા. વહેલી સવાર કે મોડી સાંજનો સૂર્ય એ ઉપમા માટે ઉપયુક્ત છે. પરંતુ, ઋષિ પ્રજ્વલિત અગ્નિના કિરણોની ઉપમા આપે છે. સૂર્યમાં થતી પ્રક્રિયા સામવેદ સમયના ઋષિ કેવી રીતે જાણી શક્યા હશે?

पू.आ. ६.५.९ (६३५) तरणिर्विश्वदर्शतो ज्योतिष्कृदसि सूर्य। विश्वमाभासि रोचनम्॥

હે સૂર્ય! આપ સાધકોનો ઉદ્ધાર કરનારા છો. સમસ્ત સંસારમાં એકમાત્ર દર્શનીય પ્રકાશક છો. ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર વગેરે પદાર્થોને પણ આપ જ પ્રકાશિત કરો છો. (પ્રસ્કણ્વ કાણ્વ)

ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે એ આપણે ઋષિ ત્રિત આપ્ત્યના શ્લોક पू.ऐ. ४.३१.९ (४१७) માં જોઈ ગયા. ઋષિ પ્રસ્કણ્વ કાણ્વ ચંદ્ર ઉપરાંત ગ્રહોને પણ સૂર્ય પ્રકાશિત કરે છે એવું જણાવે છે. નક્ષત્રો વિશેની તેમની માહિતી ખોટી છે એવું આપણે આધુનિક વિજ્ઞાન મુજબ જાણીએ છીએ. પાશ્ચાત્ય વિજ્ઞાન આ માહિતીનું શ્રેય 16મી સદીના ગેલિલિયો ગેલીલીને આપે છે.

पू.आ. ६.५.१३ (६३९) अयुक्त सप्त शुन्ध्युवः सूरो रथस्य नप्त्र्यः। ताभिर्याति स्वयुक्तिभिः॥

સૂર્યે શુદ્ધ કરનારા સાત ઘોડાઓને પોતાના રથમાં જોડ્યા છે. રથ ચલાવનાર ઘોડારૂપી કિરણોથી પોતાની શક્તિ દ્વારા સૂર્ય બધે સ્થળે જાય છે. (પ્રસ્કણ્વ કાણ્વ)

पू.आ. ६.५.१४ (६४०) सप्त त्वा हरितो रथे वहन्ति देव सूर्य। शोचिष्केशं विचक्षण॥

હે પ્રકાશક સૂર્ય! શુદ્ધ કરનારાં સાત કિરણો આપના રથને લઈ જાય છે. (પ્રસ્કણ્વ કાણ્વ)

આધુનિક વિજ્ઞાન સૂર્યકિરણો સાત રંગોના સમૂહથી બનેલા છે, એ માહિતીના શોધક તરીકે 17મી સદીમાં થઈ ગયેલા આઈઝેક ન્યૂટનને ગણે છે. ઉપરોક્ત બે શ્લોકમાં આપણે સ્પષ્ટરૂપે જોઈ શકીએ છીએ કે, ઋષિ પ્રસ્કણ્વ કાણ્વ એ જાણતા હતા. તેમણે આ જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરી હશે એ સંશોધનનો વિષય છે. જો માત્ર અવલોકન અને અનુમાનથી એ જાણી શક્યા હોય એમ માની લઈએ, તો પશ્ચિમનું વિજ્ઞાન બે હજાર વર્ષના ઇતિહાસમાં એવું કઈ જણાવી શક્યું નથી! ઈન્દ્રધનુષની ઘટના તો માનવી હજારો વર્ષોથી જોતો આવ્યો છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

4 comments for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૪

 1. Dipak Dholakia
  February 15, 2019 at 4:49 pm

  पू.आ. ६.४.९ (६२३) हरी त इन्द्र श्मश्रूण्युतो ते हरितौ हरी। तं त्वा स्तुवन्ति कवयः परुषासो वनर्गवः॥

  અહીં લીલા રંગનો અર્થ સ્પષ્ટ નથી. પણ ‘લીલો રંગ’ આપણી લોકપરંપરામાં પણ છે. રામદેવ પીરનો લીલો ઘોડો છે, તો લીલૂડાં માથાં વધેરાયાં એવા પ્રયોગો લોકકથાઓમાં હોય છે. આમ લીલા રંગને તાજગી, ચિત્તાકર્ષક રંગ તરીકે ઓળખી શકાય. આવો અર્થ કંઈક અહીં માની શકાય. ખરી વાત એ છે કે ગુજરાતની લોકપરંપરામાં આ અર્થ છે.(બીજો પ્રતિભાવ અહીં જોશો).

 2. Dipak Dholakia
  February 15, 2019 at 4:50 pm

  ૨.
  સામવેદમાં પણ એનો પ્રયોગ છે તેના પરથી કહી શકાય કે કદાચ આ ઉપમા છેક સામવેદના કાળમાં આપણે ત્યાં જન્મી અને ભારતની મુખ્ય ભૂમિ સુધી પહોંચી, અથવા એમ માનીએ કે આપણા લોકસાહિત્યમાં આ ઉપમા સામવેદમાંથી આવી અને આજ સુધી સચવાઈ રહી છે.
  ઇન્દ્ર નામની વ્યક્તિ ઋગ્વેદકાળમાં પણ પ્રત્યક્ષ દેવતા નથી. ઋગ્વેદના ઋષિઓ કહે છે કે ઇન્દ્ર અમારા પૂર્વજોના યજ્ઞમાં આવતા અને પોતાના હાથે સોમરસ લેતા. ઋગ્વેદના પ્રત્યક્ષ દેવતા અગ્નિ છે. એ ઇન્દ્ર પાસે હવિ લઈ જાય છે. આમ સામવેદના ઋષિ જૂની પરંપરાની જ વાત કરે છે. મૂર્તિઓ તો એ વખતમાં નહોતી. મૂર્તિપૂજા તો બૌદ્ધ સ્તૂપો અને વિહારો પછી આવી હોવી જોઈએ એમ હું માનું છું.
  પ્રસ્કણ્વ કાણ્વ ઋષિની સુર્યોપાસનામાંથી ખગોળવિજ્ઞાનની સમજણ દેખાઈ આવે છે.

Leave a Reply to Dipak Dholakia Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.