





-બીરેન કોઠારી
ખોરાકની શોધમાં ભટકતા રહેતા આદિમાનવે ગુફામાં રહેવાનું શરૂ કર્યું. કાળક્રમે અગ્નિ અને ચક્રની શોધે તેના જીવનમાં આમૂલ ક્રાંતિ આણી. કદાચ એ સમયગાળાથી દરેક સમયની જૂની થતી જતી પેઢીને લાગતું આવ્યું હશે કે જમાનો હવે બદલાઈ ગયો છે અને પહેલાં જેવો રહ્યો નથી. ઓગણીસમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી જીવનશૈલી વધુ એક વાર ધરમૂળથી બદલાઈ. એ વખતે પણ જૂની પેઢીએ અગાઉ કદી ન જોયું હોય એવું જોવા મળ્યું. હવે એકવીસમી સદીમાં ફરી એક વાર ડીજીટલ ક્રાંતિ જીવનશૈલીમાં એવા પરિવર્તનનું નિમિત્ત બની છે અને એ પ્રક્રિયા સતત ચાલુ છે. એ રીતે જોઈએ તો વર્તમાન યુગ ખરા અર્થમાં સંક્રાંતિકાળ કહી શકાય એવો છે.
હજી માંડ સો વરસ પહેલાં સુધી ભૂમિ પરનાં આક્રમણો સામાન્ય બાબત હતી. પ્રાચીન કાળથી થતાં રહેલાં આક્રમણોમાં સતત બદલાતું રહ્યું હોય તો શસ્ત્રોની ટેકનોલોજી છે, જે દિનબદિન વધુ ને વધુ વિનાશક શક્તિ ધરાવતી બનતી રહી છે. ડીજીટલ ક્રાંતિએ ઘણે અંશે ભૌગોલિક સીમાડાને મિટાવી દીધા છે એમ તો સાવ ન કહી શકાય, પણ સંકોચી દીધા છે એમ અવશ્ય કહી શકાય. આવા માહોલમાં પણ કેટલીક બાબતો બદલાઈ શકતી નથી એ જોઈજાણીને આશ્ચર્ય થાય.
ચૌદમી ફેબ્રુઆરીનો દિવસ હવે ભારતભરમાં ‘વેલેન્ટાઈન્સ ડે’ તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે, વિવિધ ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓ દ્વારા પોતાનાં ઉત્પાદનો માટેનું બજાર ઉભું કરવાની આ ચાલ છે, જેવી તેના વિરોધને લગતી બાબતો એટલી જાણીતી બની ચૂકી છે કે એના માટે કોઈ સંશોધન કરવાની જરૂર નથી. ભારતીય સંસ્કૃતિના ઠેકેદાર ગણાવતા કેટલાંય સંગઠનો દર વરસે જોરશોરથી ઉજવણીના વિરોધમાં નીકળી પડે છે, મન ફાવે એવા એલાનો કે ફતવાઓ બહાર પાડે છે, અને ઘણી વાર તો વ્યક્તિગત હુમલાની હદ સુધી જાય છે. જાતીય શોષણના પુરવાર થયેલા ગુના સબબ જીવનના ઉત્તરાર્ધમાં આજીવન સજા ભોગવી રહેલા આસારામે પોતાના પૂર્વાશ્રમ દરમિયાન 2007માં ‘વેલેન્ટાઈન્સ ડે’ના બદલે ‘માતૃપિતૃ પૂજન દિવસ’ મનાવવાનો આરંભ કર્યો હતો.
‘વેલેન્ટાઈન્સ ડે’ નજીક આવે એટલે આસારામના અનુયાયીઓ વાહન સરઘસ કાઢીને નીકળતા જોવા મળે છે, અને તેમના પૂજ્યપુરુષની વિશાળ તસવીરો સાથે, જોરશોરથી પ્રચાર કરે છે. આ વરસે પણ એ જોવા મળ્યું. આપણી મોટા ભાગની પ્રજાની માનસિકતા જોઈને લાગે કે તેમને બાપુઓ વિના ફાવતું નથી. ગાંધીજીને પણ પ્રજાએ ‘ગાંધીબાપુ’ના પૂજ્યસ્થાને બેસાડી દીધેલા અને તેમને કદાચ જીવતેજીવ ‘ચમત્કારી પુરુષ’ ઘોષિત કરી દેવાયા હોત તો નવાઈ ન લાગત. પણ ગાંધીજી પોતે એ બાબતે બહુ સ્પષ્ટ અને સભાન હતા. કમનસીબે બધા બાપુઓ એવા નથી હોતા, જ્યારે પ્રજા દરેક કાળમાં સરખી જ રહે છે, એમ લાગ્યા વિના રહે નહીં. મુક્ત અભિવ્યક્તિના વર્તમાન યુગમાં કોઈ બાપુની ઈચ્છા હોય કે ન હોય, સાહિત્યકારો પણ તેમના પ્રીતિપાત્ર બની રહેવા માટે રીતસર દોટ મૂકતા હોય ત્યારે એવા સાહિત્યકારો દ્વારા સર્જાતું સાહિત્ય પ્રજામાં કોઈ ચેતના પ્રગટાવી શકે એ અપેક્ષા બળદને પેટે વાછરડું જન્મે એવી આશા રાખવા બરાબર છે. વક્રતા એ છે કે આ બધું સંસ્કૃતિને નામે થાય છે.
માતાપિતાનું માહાત્મ્ય ભલે સમજાવાય, પણ ‘વેલેન્ટાઈન્સ ડે’ના વિરોધની પ્રતિક્રિયારૂપે એમ કરવામાં આવે ત્યારે એ પ્રયાસ હાસ્યાસ્પદ બની રહે છે. આ પ્રયાસ પણ હજી કદાચ પ્રશસ્ય ગણીએ, પણ જેમની આગેવાની હેઠળ અને જેમના નામે એ કરવામાં આવે છે એ કરુણાસ્પદ હોય છે. ભારતીય સંસ્કૃતિની દરીદ્રતા એવી ક્યારેય નથી રહી કે આવા પ્રતિનિધિઓ થકી તેનું માહાત્મ્ય સમજાવવાની જરૂર પડે. સૌથી વિચિત્ર બાબત એ છે કે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન અમુક ચીજો વિદેશમાં પ્રચારપ્રસાર પામે તો એ આપણી સંસ્કૃતિનું ગૌરવ ગણાય છે, પણ વિદેશની સંસ્કૃતિની ચીજો આપણે ત્યાં આવે તો એ આક્રમણ લેખાય છે. ‘વિદેશી સંસ્કૃતિ’ એટલે મુખ્યત્વે પશ્ચિમી સંસ્કૃતિ સમજવી.
અમસ્તું પણ હવે સામાન્ય નીરિક્ષણ લેખે જોઈએ તો આપણી જીવનશૈલી ઉજવણીપ્રધાન અને દેખાડાપ્રધાન બની રહી છે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો આવ્યાં પછી તેનો ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો પોતાના જીવનને જાહેર ઢબે જીવતા થયા હોવાનું જણાય છે. પોતે કોઈ ફિલ્મ જોવા જાય, ભોજન માટે જાય, પ્રવાસમાં હોય, કોઈ કાર્યક્રમમાં હાજરી આપે કે સામાન્ય સ્નેહમિલન હોય તો તેની તસવીરો અને વિગતો તરત જ જાહેર કરવામાં આવે છે, અને આ લક્ષણ હવે સામાન્ય તેમ જ સર્વસ્વીકૃત બની રહ્યું છે. આધ્યાત્મિક ક્ષેત્ર પણ ધીકતો વ્યવસાય બની રહ્યો છે, એમ સંસ્કૃતિના રખોપાનું ક્ષેત્ર પણ એક વ્યવસાયની ઢબે વિકસ્યું છે.
સંસ્કૃતિને કોઈ એક ચોક્કસ લક્ષણ કે વ્યાખ્યામાં બાંધવી મુશ્કેલ છે. જે તે પ્રદેશની ભૌગોલિકતા પણ સંસ્કૃતિ પર અસર કરતું મહત્ત્વનું પરિબળ બની રહે છે. આપણા દેશમાં જ કેટકેટલી ભિન્ન સંસ્કૃતિઓ એક સાથે અસ્તિત્વ ધરાવે છે. સંસ્કૃતિઓ જ શું કામ, સમાંતરે કેટલાય કાળખંડ આજે પણ વિદ્યમાન છે. લોકોને ઉજવણી કરવા માગતા જ હશે તો ‘વેલેન્ટાઈન્સ ડે’ના નામે રોકવામાં આવશે ત્યારે તેઓ ‘વસંતપંચમી’ના નામે કરશે. એમ તો ભિન્ન મતનો આદર કરવાની પણ આપણી સંસ્કૃતિ છે. મુશ્કેલી એ છે કે સંસ્કૃતિની વ્યાખ્યાઓ ગમે તેના દ્વારા નક્કી કરવામાં આવે એ લક્ષણ આપણી સંસ્કૃતિનું અંગ બનવા લાગ્યું છે. ‘બાપ’ને પૂજવાની આપણી સંસ્કૃતિ હતી, તેને બદલે હવે ‘બાપ’ના સ્થાને ‘બાપુઓ’ને ગોઠવી દેવાની સંસ્કૃતિ વિકસીને આપણી ઓળખ બની રહી છે. પ્રત્યેક સંસ્કૃતિમાંથી શુભ તત્ત્વોને ગ્રહણ કરવાની આપણી પરંપરા મુજબ ‘વેલેન્ટાઈન્સ ડે’ પણ હવે બાપુઓની ઈચ્છાનુસાર ઉજવવામાં આવે એ દિવસ દૂર નથી. એ રીતે પણ આપણી સંસ્કૃતિની મહાનતા જળવાઈ રહેતી હોય તો ખોટું શું છે? સાચું એ છે કે ખોટું શું છે એ આપણે સમજતા નથી એમ નહીં, પણ સમજવા માગતા નથી
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૨-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
ખૂબ સચોટ લેખ. આજના સમાજની નરી વાસ્તવિકતાનું સુંદર નિરુપણ.. ૧૦૦% સંમત.
“જાતીય શોષણના પુરવાર થયેલા ગુના સબબ જીવનના ઉત્તરાર્ધમાં આજીવન સજા ભોગવી રહેલા આસારામે પોતાના પૂર્વાશ્રમ દરમિયાન 2007માં ‘વેલેન્ટાઈન્સ ડે’ના બદલે ‘માતૃપિતૃ પૂજન દિવસ’ મનાવવાનો આરંભ કર્યો હતો.”
સાચે જ જીવનમાં આમૂલ ક્રાંતિ આણી.
હજીપણ માનવ ભટકતો રહેલોઆદિમાનવ જ છે.