વ્યંગિસ્તાન : પાણીની બોટલ: સાફસુથરે લોગ, સાફસુથરી પસંદ

Facebooktwitterredditpinterestlinkedinmail

કિરણ જોશી

માણસ જ્યારે પૂરેપૂરો નાસમજ એટલે કે શિશુઅવસ્થામાં હોય છે ત્યારે તે બોટલ પર હોય છે;ને તે જ્યારે મહદ્ અંશે સમજણો થાય છે એટલે કે પચીસી પાર કરી લે છે ત્યારે પણ તે બોટલને ભરોસે હોય છે. ફરક માત્ર એટલો જ કે પહેલી અવસ્થામાં તેને દૂધની બોટલ અને બીજી અવસ્થામાં પાણીની બોટલનો ભરોસો ભારી હોય છે.બે-અઢી દાયકા પહેલાં ટીવી,ફ્રીઝ, એસી અને મોટરગાડી ઇ.ને લક્ઝરી આઇટમ્સ ગણવામાં આવતી હતી. આજે તે જરૂરિયાતનો એક હિસ્સો બની ગઇ છે. પાણીની બોટલનું પણ તદ્દન આવું જ છે. જોકે આ બધી બાબતોમાં ‘લક્ઝરી’ અને ‘જરૂરિયાત’ કરતાં ‘પહેલાં પોસાતું નહોતું’ ને ‘હવે પોસાય છે’-વાળી હકીકત વધુ કામ કરે છે.

એક સમયે ભારતમાં ગરીબીનું પ્રમાણ એ હદે વ્યાપક હતું કે પાણીની બૉટલ ખરીદવી કે પીવી એ મોભાનું પ્રતીક ગણાતું. આજની તારીખે ગરીબીનું પ્રમાણ અગાઉ કરતાં ઘટ્યું છે. બીપીએલ એપીએલ,મધ્યમવર્ગી ઉચ્ચ મધ્યમવર્ગી ને ઉચ્ચ મધ્યમવર્ગી ટીકીટ ખરીદીને નાટક જોવા જાય એટલા પૈસાદાર બની રહ્યા છે. લગભગ દરેક વર્ગના લોકો પાણીની બોટલ ખરીદતા થયા છે.

જોકે પેલી પુરાણી ગરીબ માનસિકતા ડોકાયા વિના રહેતી નથી. ન સહેવાય તેવી તરસ લાગવાની સ્થિતિમાં માણસ લિટરની બૉટલ તો ખરીદી લે છે;પણ ચારેક ઘુંટડા માર્યા પછી તરસ છીપાઇ જતાં બૉટલ ખરીદનારો સલવાઇ જાય છે. ‘હજુ અડધા ઉપર બૉટલ ભરેલી છે. શું કરું?’ બૉટલ ઢોળી દેવાનો તો વિચાર સુધ્ધાં તે નથી કરતો.’રાખી મુકીશ તો થોડીક જ વારમાં પાણી ગરમ થઈ જશે.’ ‘જીવવું કે ના જીવવું?’-વાળી હેમલેટની દ્વિધા કરતાં પણ કરૂણતમ દ્વિધા આ બૉટલધારક અનુભવે છે. છેવટે તે તરસ છીપાઇ ગઇ હોવા છતાં પાંચ-સાત મીનીટના અંતરે એક-બે એક-બે ઘુંટડા મારી-મારીને બૉટલ પૂરી કરે છે. આમ અડધા-પોણા કલાકના ગાળામાં તેના દ્વારા એક લિટર જેટલું પાણી પી જવામાં આવતાં તેનું મૂત્રપિંડ ભારે દબાણ અનુભવે છે.

બૉટલ પર સ્પષ્ટપણે સૂચના લખેલી હોય છે કે ખાલી થયા પછી બૉટલને કચડી નાખવી. પણ ચાલીસ વર્ષ વાપર્યા બાદ કાટ ખાઇ ગયેલા અને ચાવી વિનાના તાળાને પણ સાચવીને મૂકી રાખવાની ટેવ ધરાવનારા આપણે ખાલી થયેલી નવીનક્કોર બોટલને એમ થોડી ફેંકી શકવાના છીએ! એક નહીં કરેલા સર્વેક્ષણ અનુસાર પાણીની બૉટલ લઇને ફરતા ૯૬% લોકોની બૉટલ ઘરના માટલાના પાણીથી ભરેલી હોય છે. બાકીના ૪% ઘરેથી ભરીને તૈયાર કરેલી બૉટલ લાવવાનું ભૂલી ગયા હોઇ તેમણે નવી બૉટલ ખરીદી હોય છે.

બૉટલ લઇને ફરનારા બધા દેખાડો કરવા માટે આમ કરે છે તેમ ન કહી શકાય. કેટલાક લોકોએ શુધ્ધ પાણી જ પીવાનું પાણી લઇ રાખ્યું હોય છે.ઘાટઘાટના પાણી પીને ઘડાયેલ વ્યક્તિની જેમ આવી વ્યક્તિઓએ બ્રાન્ડબ્રાન્ડના પાણી પીને સ્વચ્છ પાણી પીવાના આગ્રહનું ઘડતર કર્યું હોય છે. આવી વ્યક્તિને કોઈ કારણસર છેવાડાના ગામડે જવાનું થાય ત્યારે તેણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવા ગામડામાં દેશી દારૂ સિવાયનું એકેય પ્રવાહી પેકિંગમાં મળતું નથી હોતું. કામધંધાર્થે રાજ્યબહાર જતા મસાલાના બંધાણીઓ જેમ જથ્થાબંધ માત્રામાં માવા બંધાવીને લઈ જાય છે તેમ ચોખ્ખા પાણીના આગ્રહીઓએ આવી જગ્યાએ પાણીની થોકબંધ બૉટલો સાથે લઈ જવી પડે છે.

વ્યક્તિઓ સમૂહમાં હોય ત્યારે બૉટલનું પાણી પીતી વખતે તેઓમાં બચત અને બલિદાન-એમ બેવડી ભાવનાઓ આળસ મરડીને બેઠી થઈ જાય છે.એક બૉટલ મહત્તમ સભ્યો સુધી પહોંચે તે સારુ દરેક જણ પોતાની તરસ અને ક્ષમતા કરતાં ઓછું પાણી પીને ઉપરોક્ત ભાવનાઓનું દર્શન કરાવે છે. ‘પાણીને ઘીની જેમ કરકસરથી વાપરો.’ તથા ‘જલ નહીં તો કલ નહીં.’ જેવા સામાન્ય સ્થિતિમાં સરકારી લાગતા સૂત્રોનો સાચો અર્થ સમૂહમાં પાણીની બૉટલના વપરાશ વખતે સાકાર થતો જોવા મળે છે.

બૉટલને લીધે ખરી મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે કોઈ સુદામાને ત્યાં કૃષ્ણ મહેમાનગતિએ પધારે છે. સુદામા જેવી ચીંથર-એ-હાલ આર્થિક પરિસ્થિતિ ધરાવતા મિત્રને ત્યાં કૃષ્ણ જેવા સંપન્ન મિત્ર મહેમાનગતિએ જાય છે ત્યારે સુદામાએ નછૂટકે તેમની માટે પાણીની બૉટલનો પ્રબંધ કરવો પડતો હોય છે. પોતે બીડી પીવાનો જોગ પણ માંડ કરી શકતો હોય ત્યાં તેની પર પાણીની બૉટલનો કમરતોડ ફટકો વાગે છે.

સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા અને વરસને વચલે દહાડે ને તેય કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે હોટલમાં જમવા જનારે પણ પાણીની બૉટલને કારણે વિચિત્ર પ્રકારની સ્થિતિમાં મૂકાવું પડતું હોય છે. જમવાનો ઑર્ડર લેતા પહેલાં વેઈટર આવીને પૂછે છે,’પાની મીનરલ લાવું કે રેગ્યુલર?’ આ સવાલ યજમાન માટે ‘તમે તમારી પત્નીના હાથનો માર ખાવાનો છોડી દીધો?’ પ્રકારનો સાબિત થાય છે. ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ની જેમ ‘પરસેવાની કમાણી બૉટલમાં સમાણી’ જેવો ઘાટ થાય છે.

પાણીની બૉટલનું ચલણ આજે એ હદે વધી ગયું છે કે પાણીપુરીમાં પણ મીનરલ પાણીનો વપરાશ થવા લાગ્યો છે. કાલે ઊઠીને દૂધમાં પાણીની મિલાવટ કરીને વેચતા કેટલાક દૂધ વિતરકો એવી જાહેરાત આપશે કે ‘અમારા દૂધમાં મીનરલ પાણીની મિલાવટ કરવામાં આવે છે.’ પાણીની બૉટલના શોખીનો તો એવો આગ્રહ રાખતા હોય છે કે તેમના શરીરમાંથી નીકળતા પરસેવાનું પાણી પણ બૉટલના પાણી જેવું શુધ્ધ હોય. અરે,ખાદીના ઝભ્ભામાંથી લીનનનું શર્ટ પહેરતા થયેલા કવિઓની કવિતાના મિજાજમાં પણ બદલાવ આવ્યો છે: હવે પાંપણોમાં અદાલત ભરાશે/મેં આંસુઓની બૉટલ વેચવાના ગુના કર્યા છે.

પાણીની બૉટલના વિકલ્પે આમ આદમી માટે પાણીનાં પાઉચનો એક યુગ આવી ગયો. માત્ર બે રૂપિયામાં મળતું પાણીનું એ પાઉચ તૃષાયુક્ત માણસ માટે આશીર્વાદરૂપ સાબિત થયું;પણ ધરતી માપે તે શ્રાપરૂપ સાબિત થયું. આથી દારૂબંધીની જેમ પાઉચબંધી પણ લાગુ પાડવામાં આવી. ગરીબ-મધ્યમવર્ગીય લોકોને સુલભ એવા પાઉચ પર પ્રતિબંધ મૂકાતાં હવે પાંચ-પાંચ રૂપિયામાં પુખ્તવયની વ્યક્તિની હથેળીના કદની પાણીની બૉટલો બજારમાં આવી છે. પાંચ રૂપિયા જેવી પ્રમાણમાં ઓછી કિંમતે બૉટલ મળતી થઈ હોવાથી સામાન્ય માણસ પણ રૂઆબભેર ઊંચું માથું રાખીને બૉટલનું પાણી પીતો થયો છે. જોકે આ રીતે પાણી પીતો માણસ હજુ એ વાત સમજી શક્યો નથી કે પ્લાસ્ટિકના પાઉચથી પ્રદૂષિત થઇ ઊઠતું પર્યાવરણ પ્લાસ્ટિકની બૉટલથી પ્રદૂષિત થતાં કેવી રીતે બચી શકતું હશે!

હવે તો લગ્નપ્રસંગે તથા વિવિધ સમારંભોમાં પણ મહેમાનોને બૉટલમાં પાણી પીરસવામાં આવે છે. જે હદે બૉટલના પાણીને શુધ્ધતા અને મોભા સાથે જોડવામાં આવી રહ્યું છે ને જે રીતે ગંગા નદી પ્રદૂષિત થવાના સમાચાર આવી રહ્યા છે તે જોતાં એ દિવસ દર નથી દેખાતા જ્યારે મૃતકના મુખમાં ગંગાજળને બદલે બૉટલનું પાણી મૂકવામાં આવશે.


શ્રી કિરણ જોશીનો  kirranjoshi@gmail.com વીજાણુ સરનામે સંપર્ક થઈ શકે છે.

1 comment for “વ્યંગિસ્તાન : પાણીની બોટલ: સાફસુથરે લોગ, સાફસુથરી પસંદ

  1. Natubhai Modha
    February 13, 2019 at 11:45 am

    ધીમે ધીમે હવે પછી જાહેર મુતરડીઓમાં વોટર ફિલટર પ્લાનટ બેસાડાય તો નવાઈ નહિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *