વિમાસણ : જીવનમાં શિસ્ત હોવું જરૂરી છે?

Facebooktwitterredditpinterestlinkedinmail

સમીર ધોળકિયા

આ તો વળી કેવો સવાલ છે ? દરેક વ્યક્તિ સ્વીકારે છે કે જિંદગીના દરેક ક્ષેત્રમાં શિસ્ત જરૂરી છે અને કોઈ પણ વ્યવસ્થા ટકી રહે એ માટે પણ શિસ્ત જરૂરી છે, તો પછી આવો સવાલ મનમાં ઊભો જ કેમ થાય ?

શિસ્ત એટલે શું ? સાદી સમજ પ્રમાણે શિસ્ત એટલે નિયમોને આધીન થવું, કાયદો પાળવો, સત્તાધિકારીના હુકમને માનવો અને અનાદર ન કરવો. અંગત જીવન અને સામાજિક જીવનમાં શિસ્તનો અર્થ એમ થઈ શકે કે બધા કરતાં હોય તેનાથી ઉલટું ના કરવું !

ચાલો, સ્વીકારીએ કે શિસ્ત જરૂરી છે, પણ વધુપડતી શિસ્ત પણ જરૂરી છે?  તો સવાલ એ થાય કે શિસ્ત ‘વધુ પડતી‘ છે એ કોણ અને કઈ રીતે નક્કી કરશે ? કોઈ પણ ગુણ વધુપડતી માત્રામાં હોય તો હેરાન કરે જ છે. સારાપણું પણ. આપણી આજુબાજુ વધુપડતા સારા માનવોને આપણે હેરાન થતા નથી જોતા?  વધુ પ્રમાણમાં શિસ્તનો આગ્રહ પણ પોતાને અને આજુબાજુના બધાને પરેશાન કરી મૂકે છે. શિસ્ત જરૂર જરૂર જોઈએ પણ તે ગૂંગળાવી નાંખે તેટલી ન હોવી જોઈએ. કોણ કેટલી શિસ્તમાં ગૂંગળાશે તેના માટે કોઈ સર્વમાન્ય નિયમ નથી, એ વ્યક્તિ–વ્યક્તિએ અને સમૂહ-સમૂહે અલગ-અલગ હોઈ શકે. શાળાની શિસ્ત, સમાજની શિસ્ત અને સૈન્યની શિસ્ત એકસમાન ના હોઈ શકે. પણ આપણે અહીં વધુપડતી શિસ્તની વાત નથી કરતા. સામાન્ય શિસ્તની જ વાત કરીએ છીએ. શું સામાન્ય શિસ્ત પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે?  સામાન્ય રીતે તો નહી, પણ અમુક સંજોગોમાં, અમુક લોકો માટે શિસ્ત તેમના વ્યક્તિગત વિકાસમાં અવરોધ ઉભા કરી શકે છે. કઈ રીતે ?

કહેવાય છે કે સર્જનાત્મકતા અથવા કલ્પનાશીલતા કેળવાતી હોય ત્યારે શિસ્ત અડચણ રૂપ લાગે છે, કારણ કે અનુશાસન (શિસ્ત) એ નિયમોને અને વાત માનવાના સંમતિસૂચક વલણ( conformity) ને આધીન હોય,  જયારે સર્જનાત્મકતા તો વિચારો અને મનને બંધનો ફગાવી દેવાથી, ખુલ્લું છોડવાથી વિકસે. ભલે એવી દલીલ થતી હોય કે અનુશાસનથી જ કલ્પનાશીલતા વધુ સહેલાઈથી ખીલે છે, પણ નવું વિચારવા માટે જુના વિચારો અને જુના બંધનોમાંથી મુક્ત તો થવું જ પડે છે, અને શિસ્તબદ્ધ વ્યક્તિ માટે એ અઘરું થઈ પડે છે!

દા.ત. એક સામાન્ય, શિસ્તબદ્ધ વ્યક્તિ સવારે વહેલો ઉઠશે અને રાત્રે વહેલો સુઈ જશે. પણ જેની સર્જનાત્મકતા વિષે આપણે બધા વાકેફ છીએ એવા એ.આર.રહેમાનનો તો દિવસ જ રાત પડ્યે શરુ થાય છે! કબૂલ કે ફક્ત રાત્રે જાગવાથી જ સર્જનાત્મકતા ના આવે. પણ જે સર્જન કરવા માગતો હોય તે ઓફિસ સમયના કે અન્ય ચોક્કસ સમયના ચોકઠાંમા જ સર્જન કરવાનો આગ્રહ ન રાખી શકે. એટલે એમ કહી શકાય કે સર્જકે સર્જન પર જ તેનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ભલે તે શિસ્ત, નિયમિતતા કે નિયમોને અવગણીને થતું હોય. બીજાઓને કેટલી તકલીફ પડશે તે વિચારવું પડે, પણ એ ય સર્જનાત્મકતાના ભોગે તો નહિ જ ! સંગીતકાર, લેખક, ચિત્રકાર, શિલ્પી, કવિ વિગેરે સર્જકો જો બીજાઓની તકલીફ વિષે વિચારવા બેસે તો તો કદાચ સર્જન જ ના કરી શકે ! સર્જનાત્મકતા માટે મનને અંકુશમુકત કરવાનું હોઈ તેઓને  કોઈ નિયમ કે બંધન  ના હોઈ શકે. કદાચ એટલા માટેજ તેમને અનુશાસન અને નિયમો સાથે બહુ બનતું નથી !

કહેવાય છે શિસ્તથી “ટૂંકા રસ્તા” ની લાલચ રોકી શકાય છે. પણ એ જ શિસ્ત આપણને નવા રસ્તા શોધવાના વિચારો  કરતાં પણ રોકી શકે છે. જે પરિસ્થિતિ હોય તે સ્વીકારીને ચાલવાથી નવી રાહ, નવી દિશા મળતી નથી. એ તો પોતાનો આગવો રસ્તો શોધવાથી જ મળે છે. શું તેને અશિસ્ત કહી શકાય?  તેને તો અન્વેષણ ન કહેવાય ?   બીજો વિચાર એ આવે છે કે સતત અને સખત શિસ્તથી શું આપણી સંવેદનશીલતા થોડી બુઠ્ઠી નથી થઇ જતી ? વીતેલા સમય માં નાઝી જર્મની અને ફાસિસ્ટ ઇટાલી ના યુવાનો ની શિસ્ત ના એ વખતે ખુબ વખાણ થતા હતા ! એ વાત બિલકુલ સાચી કે જો અનુશાસન ના હોય તો અરાજકતા ફેલાઈ જાય, પણ કુટુંબમાં કે સમાજમાં જો આંખો બંધ કરીને શિસ્ત પાળવામાં આવે તો ધીમેધીમે સામી વ્યક્તિ, જૂથ કે અન્ય બાહ્ય પરિબળ તરફની આપણી સંવેદનશીલતા ઓછી થઈ જાય છે, સાથેસાથે અશિસ્તના કારણો સમજવાની ક્ષમતા અને ઈચ્છા પણ ઓછી થઈ જાય છે.

સ્વ-શિસ્ત એ સારામાં સારો ગુણ છે. દરેક વ્યક્તિમાં એ હોવો જોઈએ. એકલી શિસ્ત હોઈ શકે, પણ જો તેની સાથે અનુકંપા પણ હોય તો તે શિસ્તની આંખો અને હૃદયને ખોલી શકે છે. નિયમથી કે બળજબરીથી લાદેલ શિસ્ત લાંબા સમય સુધી ટકાવવી બહુ અઘરી છે. પણ ફક્ત એ કારણથી જ (ઉપરથી) લાદવામાં આવેલી શિસ્ત ન હોવી જોઈએ, એવી દલીલ કોઈ કાળે સ્વીકારી શકાય નહિ. એને એવી દવા સાથે સરખાવી શકાય જે લેવામાં ભલે કડવી લાગે પણ લાંબે ગાળે ફાયદો કરે. અબ્રાહમ લિંકને સાચું જ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને અત્યારે કઈ વસ્તુ જરૂરી લાગે છે અને ખરેખર તેની સાચી જરૂર શું છે તેનો ભેદ શિસ્તથી સમજાય છે.

છેલ્લે એમ કહી શકાય કે કાંટાઓ વગરની શિસ્ત ભલે હંમેશા શક્ય નથી, પણ તેના અમલમાં જો સંવેદનશીલતા હોય તો તેમાં રહેલ કાંટાઓ બહુ ચુભતા નથી !

શું સ્વીકાર્ય છે ? વ્યવસ્થા ઉભી કરે એવી શિસ્ત કે નવા રસ્તા અને સર્જનાત્મકતા તરફ દોરી જતો શિસ્તનો અભાવ ?

જવાબ સહેલો નથી !!


શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

6 comments for “વિમાસણ : જીવનમાં શિસ્ત હોવું જરૂરી છે?

 1. Bhagwan thavrani
  February 12, 2019 at 11:48 pm

  અતિ સર્વત્ર વર્જયેત !
  સરસ છણાવટ ! છેવટે તો ‘ કાયદા કાયદા, આખિર ફાયદા ? ‘

  • Samir
   February 13, 2019 at 1:21 pm

   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !
   ‘અતિ’ થી તો કોઈ પણ બાબત માં નુકસાન થાય છે સાથે સાથે સર્જનશીલતા માટે કલાકારો સામાન્ય શિસ્ત પણ કોરાણે મુકતા હોય છે(જેમ કે રહેમાન ). તે જ વિમાસણ રજુ કરી છે .

 2. February 13, 2019 at 11:26 am

  સર્જનશીલતા અને શિસ્ત એ એક જ સિક્કાની બે બાજૂઓ કહી શકાય, એક વિના બીજું અધુરું રહે.

  પોતાની કલ્પ્નનાને મૂર્ત સ્વરૂપમાં લાવવા માટે સર્જકે કોઇને કોઈ પ્રકારનું શિસ્ત અપનાવવું જ પડે.

  શિસ્તનો અતિઆગ્રહ વ્યક્તિની સર્જનશીલતાને રૂંધી નાખે તે પણ હિતાવહ નહીં, જેમ આપણી આજની શિક્ષણવ્યવસ્થા બાળકોની વિચાર શક્તિ ખીલવવામાં ઉદ્દીપક બનવાને બદલે, તેને એક જ બીબાંમાં ઢાળવાની એક ‘શિસ્તબધ્ધ’ પ્રક્રિય અબની રહી છે.

  સ્રજકે જ્યારે શ્રેષ્ઠતાની કક્ષાએ પહોંચવું હોય ત્યારે અભ્યાસની શિસ્ત આઅવ્શ્યક શરત બની રહે છે.

  • Samir
   February 13, 2019 at 1:31 pm

   ખુબ વિચારપ્રેરક પ્રતિભાવ બદલ આભાર !
   આપની પહેલી પંક્તિ માં જ મારી વિમાસણ રહેલી છે કે ઘણા સર્જકો શિસ્ત સાથે સર્જન કરી શકે છે અને ઘણા નથી કરી શકતા.

 3. Gautam Khandwala
  March 2, 2019 at 2:59 pm

  સમીરભાઈ,
  આપની ‘વિમાસણ’ વાંચી.
  વધુ પડતું શિસ્ત અકળાવે છે. શિસ્ત flexible કે practical હોવું જોઇએ.
  Just fun:
  Why rules are framed?

  So that we can know what we have violated.

  • Samir
   March 6, 2019 at 1:11 pm

   ગૌતમભાઈ,
   તમારા પ્રતિભાવ બદલ આભાર .
   શિસ્ત કડક હોય છે કે ઢીલી એ નક્કી કોણ કરશે ?
   કાયદા વ્યવસ્થા માટે હોય છે.તેથી સ્વશિસ્ત સૌથી ઉત્તમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *