





પૂર્વી મોદી મલકાણ
અમે હોટેલ પર પાછા ફર્યા ત્યારે રાતે ૧૦ વાગી ગયાં હતાં. આજનો બીજો દિવસ અમારે માટે પૂરો થયો હતો. હવે કેવળ એક જ દિવસ બચ્યો હતો. તે રાત્રે રૂમ પર પાછા આવી હું મોડી રાત સુધી લાડેનબર્ગને ફોટાઓમાં નીરખી રહી.
ત્રીજે દિવસે મલકાણના ઓફિસ ગયા બાદ હું મારી બેગ અને કેમેરો લઈ નીકળી પડી. આ ત્રીજા દિવસે ફરી મે રાઈનને કિનારેથી ચાલવાનું ચાલું કર્યું. સૌ પ્રથમ બેસલિકાની મુલાકાત લીધી, આ બેસેલિકા રોમનયુગની યાદ તાજી કરતું હતું. આસપાસનો આખો એરિયા લીલથી છવાયેલો હતો, બે દિવસ પહેલા પડી ગયેલા વરસાદનો ભેજ હજુ અહીં સચવાયેલો હતો, તેથી એક ખાસ પ્રકારની વાસ અહીં આવતી હતી તેથી હું ઝડપથી ફોટા ક્લિક કરી અહીંથી નીકળી ગઈ. આ બેસેલિકાની પાછળનાં ભાગમાં આવેલ “વિચિઝ ટાવર” પણ જોવા જેવો છે.
હું ત્યાં પહુંચી ત્યારે ફાધર કોઈ લેડી સાથે વાત કરી રહ્યા હતા. આ ચર્ચની બહાર રહેલ બોર્ડ વાંચતાં આ ચર્ચનો ઇતિહાસ જાણવા મળ્યો. એક સમયે ત્યાં બ્લેક મેજિકને માનનારી સ્ત્રીઓ વિવિધ વિધિઓ કરતી હતી. પાછળથી આ ટાવર જ તે સ્ત્રીઓ માટે જેલ બની. આજે ત્યાં તેઓએ ચર્ચ બનાવ્યું છે અને આ ચર્ચની બહાર ચારે દિશામાં ક્રોસ લગાવ્યાં છે. સામાન્ય રીતે ચર્ચની કેવળ દિશામાં ક્રોસ મે જોયો છે, પણ ચારે દિશામાં ક્રોસ … મારે માટે નવાઈ હતી. માન્યતા છે કે આ ચર્ચમાં હજુ પણ તે વિચિઝનો અવાજ સંભળાય છે અને મોડી સાંજનાં સમયે ચર્ચનાં અમુક ભાગમાં ધુમાડો ઊડતો હોય તેવું દેખાય છે ત્યારે નેગેટિવ એનર્જી વધી જાય છે તેથી પણ જે નબળા હૃદયવાળા લોકો છે તેમને ત્યાં જવાની મનાઈ છે. ફાધરે આ ચર્ચની બહાર ચારે દિશામાં ક્રોસ લગાવ્યાં હોવાથી નેગેટિવ એનર્જી કોઈને પરેશાન કરતી નથી. માન્યતા જે હોય તે, પણ કેવળ બહારથી આ ચર્ચ જોઈ હું ત્યાંથી આગળ વધી ગઈ.
મારો નેક્સ્ટ સ્ટોપ હતો સેન્ટ સેબાસ્ટિયન ચેપલ. આ ચેપલ ૭ મી કે ૮ સદીમાં બનેલું હતું. આ ચેપલની ઉત્તર દિશામાં રોમન સમયનાં કેટલાક ચિત્રો હતાં, જે ખૂબ જર્જરિત થઈ ગયાં હતાં. હું ત્યાં પહોંચી ત્યારે તે ચિત્રોને ફરી પુર્નઃજીવિત કરવાનું કામ ચાલું હતું, તેથી મને અહીં ફોટો લેવા ન મળ્યો.
રોમન બેસલિકા
આ ચેપલ છોડી હું ફરી મુખ્ય રસ્તા પર આવી, જ્યાં એક સાઈડમાંથી રાઈન વહેતી હતી અને બીજી બાજુ થોડી ટર્કીશ રેસ્ટોરન્ટ હતી. જર્મનીમાં અન્ય પ્રજાની સરખામણીમાં ટર્કીશ પ્રજા વધુ છે. સિરીયાનો પ્રોબ્લેમ થયાં પછી હવે થોડા સિરિયન રેફયુજીનું પ્રમાણ વધી ગયું છે, જે બર્લિન તરફ વધુ દેખાય છે. પણ લાડેનબર્ગ જેવાં અંદરનાં ભાગમાં ટર્કીશ, મુસ્લિમ વગેરે પ્રજા વધારે દેખાય છે. કદાચ ધર્મને કારણે વધુ લોકોની સામે આવે તે કરતાં અંદરનાં ભાગમાં શાંતિથી રહેવામાં તેઓ વધુ સલામત હતાં તેથી. હું આ એરિયામાંથી નીકળતી હતી ત્યાં મારી નજર ચાર યુવતી પર પડી. તેઓ રાઈનને કિનારે બેસી વાતચીત કરી રહી હતી. મે તેમની પાસે જઈ તેમનો ફોટો લેવા માટે પૂછ્યું.
રાઈનને કિનારે બેસેલી ટર્કીશ યુવતીઓ
તેઓ કહે તમે અમારો ફોટો પાછળથી લો, ચહેરાથી નહીં. કારણ કે ફેસબૂકમાં અમારો ફોટો આવી જશે તો અમારા ફેમિલીને નહીં ગમે, મે તેમને કહ્યું કે હું ફેસબૂક નથી યુઝ કરતી, પણ તેમ છતાં આપની ઈચ્છા મુજબ હું પાછળથી ફોટો લઇશ. પછી તે મિત્રોનો ફોટો લઈ તેમને થેંક્યું કહી હું મારી હોટેલ તરફ ચાલી નીકળી. કારણ કે હજુ મારે રૂમ પર જઈ બેગ પણ પેક કરવાની હતી. તે દિવસે રાત્રે ૪ વાગે અમારે હોટેલ છોડવાની હતી અને બીજે દિવસે અમે જર્મનીનાં કેપિટલ સિટી બૉન તરફ અમે નીકળવાનાં હતાં. હું રાઈનને મનથી માણતી માણતી મારી હોટેલ તરફ જઈ રહી હતી ત્યારે વિચારતી હતી કે બસ રાઈન સાથે મારો આટલો જ સમય રહી ગયો છે, પણ મને ખબર ન હતી કે રાઈનને મારો સાથ બહુ ગમી ગયો છે તેથી તે મને સરળતાથી છોડવાની ન હતી. પણ તે સમયે હું એ વાતથી અજાણ હતી, તેથી રાઈનની સુંદરતાંને હૃદયમાં ભરી હું ઉતાવળે હોટેલ તરફ ચાલી નીકળી.
© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com
Mast, Episode.
Berlin ghanivaar gai chu, pan tame kidho te vistar kyarey joyo nathi tethi aagal Ni safar romanchak has he.