ટાઈટલ મ્યુઝીક (3) : મેરે મહબૂબ (૧૯૬૩)

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

હિન્દી ફિલ્મોમાં એક પ્રકાર ‘મુસ્લિમ સોશ્યલ’ છે, જેમાં સમગ્ર પરિવેશ મુસ્લિમ હોય છે. આવી ફિલ્મોમાં સંવાદો પણ મોટે ભાગે ઉર્દૂમાં હોય અને તે ચોક્કસ પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. તેનાં ગીતો પણ મુખ્યત્વે ગઝલ, નઝમ કે કવ્વાલી પ્રકારનાં હોય. સામાન્ય રીતે આવી ફિલ્મો બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને બનાવાતી હશે એમ લાગે. ગુરૂ દત્તની ‘ચૌદહવીં કા ચાંદ’ના કેન્દ્રમાં લખનવી સંસ્કૃતિ હતી, છતાં તેની શ્રેણી આ જ ગણાય. પણ હાડોહાડ મુસ્લિમ સોશ્યલ ફિલ્મો એટલે ‘દયાર-એ-મદીના’, ‘નૂર-એ-ઈલાહી’, ‘નિયાઝ ઔર નમાઝ’, ‘આખરી સઝદા’, ‘મેરે ગરીબનવાઝ’ જેવી કહી શકાય, જેનું પોસ્ટર જ બતાવી આપે કે તે કયા વર્ગ માટે છે.

બી.આર.ચોપરા, સઇદ અખ્તર મિરઝા જેવા નિર્માતા-નિર્દેશકોએ મુસ્લિમકેન્દ્રી ફિલ્મો બનાવી, પણ તેમણે શુદ્ધ મનોરંજનને બદલે એ સમાજની એક યા બીજી સમસ્યાઓને ચિત્રિત કરી.

image

(હરનામ સીંઘ રવૈલ)

નિર્માતા હરનામ સીંઘ (એચ.એસ.) રવૈલે પણ આવી ફિલ્મો બનાવી, જેમાં ‘મેરે મહબૂબ’ (1963), ‘મહબૂબ કી મહેંદી’ (1971) મુખ્ય ગણી શકાય. 1963માં રજૂઆત પામેલી ‘મેરે મહબૂબ’. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં ફિલ્માવવામાં આવી હતી. આ ફિલ્મ અનહદ સફળ થઈ તેમાં રાજેન્દ્રકુમાર અને સાધના જેવા ત્યારના સુપરસ્ટારોનો ફાળો હશે એટલો જ, અથવા કદાચ એથી વધુ ફાળો શકીલ બદાયૂંનીનાં ગીતો અને નૌશાદના સંગીતનો ફાળો છે.

image

(‘મેરે મહબૂબ’નું પોસ્ટર)

આ ફિલ્મનાં કુલ નવ ગીતો (https://www.youtube.com/watch?v=RlLzJg4Qxo4&start_radio=1&list=RDRlLzJg4Qxo4&t=11 ) હતાં, જે મહંમદ રફી, લતા મંગેશકર તેમ જ આશા ભોંસલે દ્વારા ગવાયાં હતાં. ‘તેરે પ્યાર મેં દિલદાર’ (લતા), ‘અલ્લા બચાયે નૌજવાનોં સે’ (લતા, સાથીઓ), ‘એ હુસ્ન જરા જાગ તુઝે ઈશ્ક જગાયે’ (મ.રફી), ‘તુમ સે ઈજહારે-હાલ કર બૈઠે’ (મ.રફી), ‘મેરે મહબૂબ મેં ક્યા નહીં’ (લતા, આશા), ‘જાનેમન ઈક નઝર દેખ લે’ (લતા, આશા, સાથીઓ), ‘યાદ મેં તેરી જાગ જાગ કે’ (લતા, રફી) અને ‘મેરે મહબૂબ તુઝે મેરી મહોબ્બત કી કસમ’, જે મ. રફી અને લતા દ્વારા અલગ અલગ ગવાયેલી છે.

image

(‘મેરે મહબૂબ’ની લૉન્‍ગ પ્લે રેકોર્ડનું કવર)

આ ફિલ્મની નઝમ ‘મેરે મહબૂબ તુઝે મેરી મહોબ્બત કી કસમ’ હિન્દી ફિલ્મો માટે લખાયેલી શ્રેષ્ઠ નઝમોમાં સ્થાન પામે એવી છે. કોલેજના વાર્ષિક દિને અનવર હુસેન (હીરો રાજેન્દ્રકુમાર) કોલેજના ખંડમાં માઈક પરથી તેનું પઠન અથવા ગાન) કરતો હોય એવી તેની સિચ્યુએશન હતી. બુરખાધારી પ્રેમિકા સાથે થયેલી આકસ્મિક મુલાકાત પછી વ્યાપેલી વિહ્વળતા અને વ્યાકુળતાનું તેમાં ગજબ ચિત્રણ છે.

image

(ડાબેથી) નૌશાદ, મ.રફી, શકીલ

આ નઝમના રેકોર્ડિંગ વખતનો કિસ્સો નૌશાદસાહેબના પ્રિય કિસ્સાઓમાંનો એક હતો. (પોતાની આડકતરી પ્રશંસા તેમજ મહિમાગાન કરતા, સાચા લાગે એવા કિસ્સાઓ કહેવા નૌશાદજીની ખાસિયત હતી.) અને એ મુજબ તેના ફાઈનલ રેકોર્ડિંગ વખતે માત્ર ચાર કે પાંચ સાજિંદાઓને જ તેમણે બોલાવેલા. આ જોઈને નિર્માતા રવૈલ ભડકી ગયા. તેમને લાગ્યું હશે કે આ શું કરવા બેઠા છે?

image

આ રીતે કોઈ ગીત રેકોર્ડ થાય? તેમણે નૌશાદ સામે વાંધો પ્રગટ કર્યો. ત્યારે નૌશાદે તેમને ધરપત આપતાં સમજાવ્યું કે આ ગીતનું સંગીત તેની સિચ્યુએશનના હિસાબે હોવું જોઈએ. કોલેજના સભાખંડમાં હીરો નઝમ લલકારતો હોય ત્યારે કઈ આખી ઓરકેસ્ટ્રા ન બેસાડાય! રવૈલસાહેબના મનનું સમાધાન થયું કે નહી એ ખબર નથી, પણ તેમણે એ વાત મંજૂર રાખી. અને ત્યાર પછી જે સર્જાયો એ ઈતિહાસ હતો!

આ નઝમ અને તેમાં વપરાયેલાં વાદ્યોની વાત પછી હવે તેના ટાઈટલ મ્યુઝીકની વાત.
જે કસર નૌશાદજીએ મૂળ નઝમમાં રાખી હશે તેને અનેકગણી રીતે તેમણે ટાઈટલ મ્યુઝીકમાં પૂરી કરી. રફીસાહેબના આલાપ ‘મેરે મહબૂબ’થી ટાઈટલ મ્યુઝીક આરંભાયા પછી આ આખી નઝમનો સ્કોર અનેક વાદ્યો ધરાવતી સંપૂર્ણ ઓરકેસ્ટ્રામાં વગાડવામાં આવ્યો છે. એ સાંભળ્યા પછી લાગે કે નૌશાદ જેવા સંગીતકારના મનમાં પોતાની કૃતિ વિષે, તેના ફિલ્માંકન બાબતે કઈ હદની સ્પષ્ટતા હશે!
રફીસાહેબના અવાજમાં ગાયેલી નઝમ સાંભળીએ કે ટાઈટલમાં વગાડાયેલો તેનો સ્કોર, બંનેની અસર એટલી જ પ્રભાવશાળી બની રહે છે.

અહીં આપેલી ‘મેરે મહબૂબ’ ના ટાઈટલ મ્યુઝીકની લીન્ક પર તે સાંભળી શકાશે.


(નોંધ: તમામ તસવીરો નેટ પરથી તેમ જ ગીતોની લીન્‍ક યૂ ટ્યૂબ પરથી લીધેલી છે.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *