પરિસરનો પડકાર : ૧૯ : શ્વાન – કુળમાં આવતાં ભારતના પ્રાણીઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા.

મિત્રો, આજના આ લેખમાં આપણે ભારતના જંગલ અને ગામડાઓની આસપાસ સીમમાં જોવામાં આવતા કેટલાંક પ્રાણીઓ વિષે વાત કરશું. સામાન્યતઃ પાળતુ કૂતરાં (Domestic Dogs), જંગલી કૂતરાં (Wild Dogs), શિયાળ(Jackals), વરુ (Wolf) અને જેને ઘણાં લોકો લોંકડી (Fox) કહેતાં હોય છે તે સઘળાં પ્રાણીઓના બાહ્ય દેખાવમાં મામુલી તફાવત હોય છે અને એકની જગ્યાએ બીજું પ્રાણી માની લેવાની ભૂલ થઇ જતી હોય છે. પરંતુ જો આવાં તમામ પ્રાણીઓને નજીકથી જોવાની તક મળે અથવા તો તેમની રહેવાની, શિકાર કરવાની અને અન્ય વર્તણુંકથી આપણે પરિચિત થઈએ તો સાચી ઓળખ જરૂર મેળવી શકાય.

કુતરાંઓથી આપણે સુપેરે પરિચિત છીએ. તેમની આદતો, વફાદારી પ્રખ્યાત છે અને તેથી જ, પાળી શકાય તેવાં પ્રાણીઓની લોકપ્રિયતામાં કૂતરાંઓનો નંબર પ્રથમ આવે છે. ઉપર જણાવ્યા તે તમામ પ્રાણીઓ ‘શ્વાન કુળ’ માં સમાવિષ્ટ છે જેને Family Canidae (કેનીડી) તરીકે પ્રાણીશાસ્ત્રની ભાષામાં ઓળખવામાં આવે છે. માંસાહાર કરતા તમામ પ્રાણીઓમાં, આ કુળમાં સમાવિષ્ટ પ્રાણીઓ વિસ્તારની દ્રષ્ટીએ સૌથી વધારે ફેલાવો ધરાવે છે. અન્ય પ્રાણીઓની માફક આ કુળના પ્રાણીઓનું ઉદભવ સ્થાન પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહ્યું છે જે કાળાંતરે અન્ય ખંડો (ઓસ્ટ્રેલિયા સિવાય)માં પણ ફેલાયાં. ભારતમાં પણ શિયાળ, વરુ, લોંકડી અને જંગલી કુતરાઓ ઉત્તર તરફથી પ્રવેશ પામ્યા છે જે પૈકી શિયાળ વિવિધ પરિસરતંત્ર જેવાં કે પર્વતીય વિસ્તાર, રણ, ગાઢ જંગલો કે મેદાની ઇલાકાઓમાં સ્થાઈ થવામાં સૌથી વધારે સફળ થઇ શક્યાં છે. વરુ અને લોંકડી ખુલ્લા મેદાની વિસ્તારોમાં અનુકુલન પામ્યા જયારે જંગલી કુતરાઓ ગાઢ જંગલોના નિવાસી બન્યા. આ દરેક પ્રજાતિ તેમની ઉત્તર અક્ષાંશમાં જોવા મળતી પિતરાઈ પ્રજાતીઓથી બિલકુલ જુદી નથી સિવાય કે ઉત્તર તરફની પ્રજાતિઓ કદમાં મોટી જોવામાં આવે છે.

૧. વરુ (Canis lupus): Wolf

વરુ તેના આકાર અને કદને કારણે, શ્વાન કુળના સભ્યો પૈકી ઓળખવામાં સૌથી સહેલાં છે. મેદાની અને હિમાલય વિસ્તારના વરુનો રંગ આછો રેતાળ/પીળાશ પડતો ભૂખરો હોય છે. ભારતમાં ઉંચાઈવાળા વિસ્તાર જેવાં કે કાશ્મીર, લદાખ; ગુજરાત તેમ જ રાજસ્થાનના રણ વિસ્તાર અને મધ્ય ભારતના ખુલ્લાં મેદાનોમાં જોવાં મળે છે.

clip_image002

વરુ (Canis lupus) Wolf

જંગલ વિસ્તારમાં પણ વરુ જોવામાં આવે છે પરંતુ ખુલ્લાં મેદાન તેમનો પસંદગીનો વિસ્તાર છે. હિમાલય પ્રદેશમાં સ્થાનિક ઢોર ચરાવનારાઓ અને જંગલી બકરાંઓ/ઘેટાંઓના ટોળાની પાછળ સ્થળાંતર કરતા હોય છે. ગુફાઓ અને ખડકોમાં આવેલ પહોળી તિરાડોમાં તેમનું નિવાસસ્થાન બનાવે છે જયારે મેદાની ઇલાકામાં કાંટાળા ઝાંખરાની મધ્યમાં અથવા તો બખોલોમાં વરુ પોતાનું નિવાસસ્થાન બનાવી લે છે. માનવી દ્વારા તેમના આવાસો પર અતિક્રમણ થતું હોવાથી આપણા ભારતમાં કોઈ વખત નાના બાળકોને વરુ મારફત ઉઠાવી જવાના કિસ્સા પણ નોંધાયા છે. રાજસ્થાન, ગુજરાત અને આંધ્રપ્રદેશના ઘાસિયા મેદાનોમાં તેઓ કાળીયાર, ચિંકારા, સસલાં અને લોંકડી જેવાં પ્રાણીઓનો નિયમિત રૂપે શિકાર કરે છે. ચોમાસા બાદ શરુ થયેલાં સંવનન કાળના પરિણામે લગભગ બે માસના ગર્ભકાળ બાદ ડીસેમ્બરમાં બચ્ચાંઓને જન્મ આપે છે.

૨. શિયાળ (Canis aureus): Jackal

આકારમાં વરુની નજીક પરંતુ કદમાં નાનું અને વધરે ચાલાક પ્રાણી છે. ગામડાઓમાં રાત્રીના સમયે તેનો અવાજ સ્પષ્ટ રૂપે સંભળાતો હોય છે જે તેની હાજરીની સાક્ષી પુરે છે પરંતુ દેખાતું હોતું નથી. ઋતુ પ્રમાણે તેની ચામડીનો રંગ બદલાતો રહે છે. મોટા ભાગે આછો કાળાશ પડતો ભૂખરો રંગ ધરાવે છે. સમગ્ર ભારતમાં વત્તાઓછા અંશે ગાઢ જંગલો, ખુલ્લાં મેદાનો અને રણમાં જોવા મળે છે. દસથી બાર હજાર ફીટની ઉંચાઈએ હિલ સ્ટેશનોમાં પણ તેની હાજરી જણાઈ આવે છે. મેદાની વિસ્તારોમાં મુખ્યત્વે ગામડાઓમાં અને નાના શહેરોની આસપાસ જોવા મળે છે. શિયાળ સામાન્યતઃ જોડીમાં રહે છે પરંતુ મોટાં પ્રાણીઓનો શિકાર કરવા માટે ટોળામાં પણ જોવા મળે છે. ગામડાઓમાં મરઘાં, ઘેટાં અને બકરાઓનો શિકાર કરે છે. માનવી પર ક્યારેય હુમલો કરતું નથી સિવાય કે હડકાયું થયું હોય. જંગલ વિસ્તારમાં ટોળું બનાવીને નર ચિતલ (સ્પોટેડ ડીયર) જેવાં મોટા હરણનો શિકાર કરે છે.

clip_image004

શિયાળ (Canis aureus) Jackal

શાકભાજીના પાક જેવાં કે તરબૂચ, ટેટી અને શેરડીના ખેતરોમાં પારાવાર નુકસાન પહોંચાડે છે. બોર જેવાં નાના ફળ પણ પસંદ કરે છે. બચ્ચાં આખું વર્ષ જન્મી શકે છે. ગર્ભકાળ બે માસ.

૩. લાલ લોંકડી (Vulpes vulpes): Red Fox

ઘણું જ આકર્ષક પ્રાણી છે. ભરપુર રૂંછડા ધરાવે છે અને લાલાશ પડતી ચામડી હોય છે. કાનનો ઉપરનો અડધો ભાગ કાળો અને પૂંછડીની ટોચ સફેદ રંગની હોય છે. ભારતમાં કાશ્મીરના લડાખથી સિક્કિમ સુધી અને ઉત્તર પશ્ચિમી સૂકાં રણ પ્રદેશમાં જોવા મળે છે. હિમાલય પ્રદેશમાં ખેતરોની આસપાસ તેની માનીતી જગ્યા રહી છે જયારે રણ પ્રદેશમાં સુકાઈ ગયેલી નદીઓના પટમાં રેતીના ઢુવાઓ પાસે વસવાટ કરે છે. જમીનમાં બખોલ બનાવે છે અથવા પત્થરની શીલાઓની તિરાડોમાં રહે છે. ભીની અને ભેજયુકત જગ્યાઓ કરતા સુકી જગ્યા વધારે પસંદ કરે છે. મુખ્યત્વે રાત્રીના સમયમાં તેતર સમાન નાના પક્ષીઓ, ઉંદર, ખિસકોલી અને જીવજંતુ પર નિર્વાહ કરે છે. જોડીમાં રહેવાનું અને શિકાર કરવાનું પસંદ કરે છે.

clip_image006

લાલ લોંકડી (Vulpes vulpes) Red Fox

પોતાના જોડીદાર સાથે એક જ નિવાસસ્થાનમાં આખું જીવન વિતાવે છે. સલામતીના ભાગ રૂપે પોતાની બખોલમાં હમેશા એક કરતા વધારે નિકાસની વ્યવસ્થા રાખે છે. હિમાલય પ્રદેશમાં રેડ ફોક્સનો મુખ્ય આહાર પહાડી ઉંદર, ખિસકોલાં અને સસલાં જેવાં પ્રાણીઓ છે જયારે રણપ્રદેશમાં ગરોળી, રણના ઉંદર અને અન્ય જીવજંતુઓ પર આધાર રાખે છે. પચાસથી પંચાવન દિવસના ગર્ભકાળ બાદ છ થી સાત બચ્ચાંને જન્મ આપે છે.

૪. ભારતીય લોંકડી (Vulpes bengalensis): The Indian Fox

મેદાની પ્રદેશમાં સૌથી વધારે દેખા દેતું પ્રાણી છે ભારતીય લોંકડી. દેખાવે ઉમદા અને લાલ લોંકડીની સરખામણીમાં કદમાં નાજુક અને નાનું હોય છે. સામાન્યતઃ ભૂખરો રંગ ધરાવતાં આ પ્રાણીની પૂંછડીની ટોચ કાળી હોય છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારતમાં ભારતીય લોંકડી નિવાસ કરે છે અને જંગલ વિસ્તારને બદલે ખુલ્લા ગ્રામિણ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. ગામડાંઓની સીમમાં, પાકથી લહેરાતા ખેતરો અને પાણીના ધોરિયાઓ નજીક ભારતીય લોંકડી સહેલાઈથી જોવા મળે. આખા ય દેશમાં તેના નિવાસસ્થાન એક સમાન હોય છે જેવાં કે ખેતરો, પાણીની નીક અને પત્થરોની વિશાળ શીલાઓમાં આવેલી બખોલો. જમીનમાં પોતાના કદ અનુસાર બખોલ બનાવે છે જેમાં એક પ્રવેશદ્વારથી વધારે સંખ્યામાં બહાર નીકળવાની જોગવાઈ કરે છે જેથી આપત્તિ ટાણે સહેલાઈથી છટકી શકાય.

clip_image008

ભારતીય લોંકડી (Vulpes bengalensis) The Indian Fox

નિશાચર હોવાથી શિકાર કરવા માટે રાત્રે બખોલની બહાર નીકળે છે અને જીવજંતુ, નાના સર્પ, ગરોળી અને ઉંદર જેવાં સજીવોનો શિકાર કરે છે. ચોમાસા બાદ ઉધઈના રાફડાને નિશાન બનાવે છે. ઘણી વખત ગામડાંમાં પ્રવેશ કરી ખોરાક ‘ચોરી જતાં’ માલુમ પડે છે. કદ નાનું હોવાથી તાકાતવર દુશ્મનથી બચવા માટે પોતાની ભાગવાની ઝડપ અને કુશળતા પર આધાર રાખે છે. સંવનન સમય ઠંડીની સીઝન અને ગર્ભકાળ ૫૫ થી ૬૦ દિવસ. ફેબ્રુઆરી થી એપ્રિલ દરમ્યાન ૩ થી ૪ બચ્ચાંને જન્મ આપે છે.

. ભારતીય જંગલી કુતરાં (Cuon alpines): The Indian Wild Dog

આ પ્રાણી ધોલ (Dhole) તરીકે પણ ઓળખાય છે. પાળતુ કુતરા કરતા નાનું કદ અને વરુ જેવું શરીર ધરાવે છે. પગ અને મોં પ્રમાણમાં નાના હોય છે. પૂંછડી અત્યંત ગુચ્છાદાર ધરાવે છે જેની ટોચ મોટા ભાગે કાળી હોય છે અને કાનનો ઉપરનો ભાગ ગોળાકાર હોય છે.

ધ ઇન્ડીયન વાઈલ્ડ ડૉગ સમગ્ર ભારતમાં મળી આવે છે. ધોલ ખુલ્લા વિસ્તાર કરતા ઘટાદાર છાંયડો ધરાવતો જંગલ વિસ્તાર, ખોરાક અને પાણીની ઉપલબ્ધીને કારણે વધારે પસંદ કરે છે. વાઈલ્ડ ડૉગ ખુબ જ સામાજિક પ્રાણી છે અને હંમેશા સમૂહમાં જોવા મળે છે. આ સમૂહ ખરેખર તો એક બહોળું કુટુંબ હોય છે જે પુખ્ત અને બાળ કુતરાઓથી બનેલું હોય છે. વાઈલ્ડ ડૉગના સમૂહ તેમની એકધારી અને થાક્યા વગરની ઝડપ માટે જાણીતા છે જે પોતાના કદ કરતા અનેક ગણા વિશાળ પ્રાણીનો શિકાર કરવા માટે સહાયભૂત બને છે.

clip_image010

ધોલ/ઇન્ડીયન વાઈલ્ડ ડૉગ (Cuon alpines)

વાઈલ્ડ ડૉગ હંમેશા પોતાના સમુહમાં અન્ય પ્રાણીનો શિકાર કરે છે અને દરેક સભ્ય પોતાની ‘ભૂમિકા’ બખૂબી બજાવે છે. શિકારનો અવિરત પણે પીછો કરતી વેળાએ બિલકુલ અવાજ નથી કરતા અને ક્યારેક તો શિકાર કરવા માટેનું પ્રાણી મૃત્યુ પામે તે પહેલા જ તેનું ભક્ષણ શરુ કરી દે છે. જંગલી કુતરાઓ ઘણી વખત સિસોટી જેવો અવાજ (વ્હીસલિંગ સાઉંડ) કરે છે જે ખરેખર તો તેમની વચ્ચે ‘સંદેશાની આપ લે’ થતી હોય છે. વાઈલ્ડ ડૉગના સમૂહ દ્વારા વાઘનો શિકાર પણ થયો હોય તેવા કિસ્સા મોજુદ છે. નવેમ્બર-ડીસેમ્બર તેમનો સંવનનનો સમય છે. ૭૦ દિવસના ગર્ભકાળ બાદ ફેબ્રુઆરીમાં ૫ થી ૬ બચ્ચાં જન્મે છે.


નોંધ: પ્રસ્તુત લેખમાં માહિતી અને ચિત્રો ઈન્ટરનેટ પરથી લેવામાં આવ્યાં છે જે માત્ર અભ્યાસ અને જનજાગૃતિ માટે છે. કોઈ પ્રકારનો વ્યવસાયિક ઉદ્દેશ રાખ્યો નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *