સાયન્સ ફેર : સ્પેસ ટેકનોલોજી માટે આ વર્ષ રહેશે ઘટનાપ્રધાન

Facebooktwitterredditpinterestlinkedinmail

પ્રથમ ‘સ્પેસ ટેક્સી’ પણ આ જ વર્ષે ઉડાન ભરશે

જ્વલંત નાયક

છેલ્લા એક-દોઢ વર્ષ દરમિયાનના સમાચારો પર નજર ફેરવશો તો એક બાબત સ્પષ્ટ જણાશે. વિજ્ઞાન-ટેકનોલોજીની બીજી કોઈ પણ શાખા-ઉપશાખા કરતાં વધારે ખબરો સ્પેસ એટલે કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે બનેલી ઘટનાઓ અંગેની હતી! એનું એક કારણ એટલે અવકાશ ક્ષેત્રે સામાન્ય માણસનો વધી રહેલો રસ, અને બીજું મુખ્ય કારણ એ કે દુનિયાભરના વૈજ્ઞાનિકોના માનવા મુજબ ભવિષ્યના માનવીએ વિવિધ કારણોસર પૃથ્વી સિવાયનું રહેઠાણ વિકસાવવું જ પડશે! વળી ભવિષ્યમાં સંદેશવ્યવહારના માળખાનો આધાર પણ સ્પેસ ટેકનોલોજી જ રહેશે. આથી દુનિયાની તમામ સ્પેસ એજન્સીઝ આદુ ખાઈને કોઈક ને કોઈક સ્પેસ મિશન પાછળ પડી છે. વિજ્ઞાનનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ ‘સ્પેસ રેસ’ની ગતિ પણ વધતી જાય છે. ચીનવાળા તો ગયે વર્ષે પોતાનો આખો અલગ ‘કૃત્રિમ ચંદ્ર’ જ વિકસાવવાનો પ્રોજેક્ટ લઇ આવ્યા. એટલું જ નહિ, ચંદ્ર પર ખેતી કરવાની ટેકનિકના વિકાસ માટે એક છોડ પણ રોપી આવ્યા! આવા સમયે આપણને ય વર્ષ ૨૦૧૯ દરમિયાન આકાશમાં શું શું નવાજૂની થવાની છે એ જાણવાની તાલાવેલી રહે જ. તો ચાલો ઇસ ૨૦૧૯ દરમિયાન આકાર લેનારી આકાશી ઘટનાઓ વિષે જાણીએ.

ચીનવાળાઓએ ચંદ્રની ધરતી ઉપર ઉગાડવા ધારેલો છોડ અધવચ્ચે જ કરમાઈ ગયો હોવાના સમાચાર છે, પણ ટેકનોલોજીના સહારે રણમાં ય પાક ઉગાડી બતાવનાર ઇઝરાયેલ ફેબ્રુઆરી મહિનામાં જ ૬૦૦ કિલોગ્રામ વજનનું મૂન લેન્ડર ચંદ્ર પર પહોંચાડવાની ફિરાકમાં છે, જે ચંદ્રની સપાટીની હાઈ-રિઝોલ્યુશન ઇમેજીસ મોકલશે. બીજી તરફ, ભારત પોતાના મૂન મિશનને આગળ ધપાવવા માટે કમર કસી રહ્યું છે. ‘ચંદ્રયાન-૨’ એ ભારતના પ્રખ્યાત ‘મૂન મિશન’નું બીજું ચરણ છે. ચંદ્રયાન-૨ની ખાસિયત એ છે કે તે એક ‘સંપૂર્ણ સ્વદેશી’ મિશન છે, જેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરનાર ઓર્બીટર જ નહિ પરંતુ ચંદ્ર પર ઉતરી શકે એવું લેન્ડર અને રોવર પણ સામેલ હશે. મોટે ભાગે ફેબ્રુઆરી કે માર્ચમાં ચંદ્રયાન-૨નું લોન્ચિંગ થાય એવી શક્યતાઓ જણાઈ રહી છે.

દુનિયા ચંદ્ર પર પહોંચવા ઘેલી થઇ છે ત્યારે જાપાનીઝ સ્પેસ એજન્સી પૃથ્વીની નજીક આવેલા લઘુ ગ્રહ-એસ્ટેરોઈડ ‘રયુગુ’ (Ryugu) પર ખણખોદ કરવાનો ઈરાદો સેવે છે. આ માટે જાપાને ગયા વર્ષે જ પોતાનું પ્રોબ(ખાસ પ્રકારનું અવકાશી વાહન-રોબોટિક સ્પેસક્રાફ્ટ) રયુગુ એસ્ટેરોઈડ પર મોકલી આપેલું. આવતાં મહિને આ પ્રોબ દ્વારા લેવાયેલા એસ્ટેરોઈડના ખાસ નમૂનાઓ પૃથ્વી પર લવાશે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ અભ્યાસ દ્વારા સૂર્યમંડળની રચના અંગેના કેટલાક રહસ્યો જાણી શકાશે.

સાયન્સ ફિક્શન સ્ટોરીઝમાં ઘણીવાર એવું આવે છે કે ઉલ્કાનો એક મોટો ટુકડો પૃથ્વી તરફ ધસી રહ્યો હોય અને પછી કોઈક અમેરિકન સુપરહીરો ઉલ્કાના એ મસમોટા ટુકડાના ટુકડેટુકડા કરી નાખીને દુનિયાને બચાવી લે! જો કે વાર્તાઓમાં આવી ઘટનાઓ કાયમ અમેરિકામાં બનતી જ કેમ બતાવાય છે, એ પણ એક ‘અવકાશી’ રહસ્ય જ છે. ખેર, આ વર્ષે ૧૨-૧૩ ઓગસ્ટ દરમિયાન ખરેખર ઉલ્કાના ટુકડાઓ પૃથ્વી નજીકથી પસાર થવાના છે. પોતાના સંશોધકોના નામ ઉપરથી ‘સ્વિફ્ટ-ટટલ’ તરીકે ઓળખાતા ધૂમકેતુની ભ્રમણકક્ષા પૃથ્વીથી ખાસ્સી નજીક છે. પરિણામે ઓગસ્ટ મહિનામાં અવકાશી સંશોધકોને એના ટુકડાઓના દર્શન થવાના પૂરા ચાન્સીસ છે. તો ડિસેમ્બરમાં જેમિની નક્ષત્રમાં થતી ‘જેમીનીડ્સ’ તરીકે પ્રખ્યાત ઉલ્કાવર્ષા જોવા મળશે. આકાશમાં રંગીન અને તેજસ્વી ભાત ઉપસાવતી આ ઉલ્કા-વર્ષા નયનરમ્ય હોય છે.

એક્ઝોપ્લેનેટ્સ એટલે એવા ગ્રહ જે સૂર્યમંડળની બહાર આવેલા છે. ઓક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન યુરોપીયન સ્પેસ એજન્સી આવા એક્ઝોપ્લેનેટ્સના અભ્યાસ માટે મિશન લોન્ચ કરવા જઈ રહી છે. હેતુ એ જ જૂનો ને જાણીતો છે, પૃથ્વી જેવો જ કોઈક ગ્રહ સોલાર સિસ્ટમની બહાર છે કે નહિ એ ચકાસવું! જો કે અમુક એક્ઝોપ્લેનેટ્સના અભ્યાસ દ્વારા પૃથ્વી ગ્રહ ઉપરના પ્રારંભિક વર્ષો બાદ માનવ જીવન કઈ રીતે પાંગર્યું, એનો ય તાગ મળે એવી શક્યતા છે.

અને હવે સૌથી મજેદાર સમાચારની વાત. જરા કલ્પના કરો કે હાલમાં આપણા મોટા શહેરોમાં ચાલતી ઓલા કે ઉબેર જેવી ટેક્સી સર્વિસ પૃથ્વી અને બીજા અવકાશીય સ્થળો વચ્ચે શરુ થાય તો? અત્યારે તો આ વાત ટાઢા પહોરનું ગપ્પું જ લાગે, પણ નાસા એટલીસ્ટ અવકાશયાત્રીઓ માટે તો ‘ટેક્સી’ જેવું સ્પેસશટલ મોકલવાનો પ્લાન ઘડી જ ચૂક્યું છે. સ્પેસ એક્સ અને બોઇંગ કંપનીએ બનાવેલું આ વિહિકલ ‘એસ્ટ્રોનોટ ટેક્સી’ તરીકે જાણીતું છે. અમેરિકામાં ચાલી રહેલા મેજર શટ ડાઉનને કારણે સ્પેસ ટેકસીની લોન્ચિંગ ડેટ પાછળ ઠેલાઈ છે. મોટે ભાગે ૨૦૧૯ના શરૂઆતી મહિનામાં જ આ સ્પેસ ટેક્સી ‘ડેમો ૧’ મિશન હેઠળ ટેક ઓફ કરશે. જ્યાંથી નીલ આર્મસ્ટ્રોંગે ઉડાન ભરેલી એ જ ‘પેડ૩૯-એ’ નામક લોન્ચ પેડ ઉપરથી માનવ રહિત ટેક્સી પ્રથમ ઉડાન ભરશે. જો સફળતા મળશે તો થોડા મહિનાઓ બાદ ‘ડેમો ૨’ મિશન હાથ ધરાશે, જેમાં ૨ અવકાશયાત્રીઓ સ્પેસ ટેકસીની મુસાફરી કરશે! [1]

What most call a Blue Moon isn't blue in color. It's only Blue in name. This great moon photo from EarthSky Facebook friend Rebecca Lacey in Cambridge, Idaho.

અને છેલ્લે ગ્રહણની વાત. ૨૧ જાન્યુઆરીના પૂર્ણ ચંદ્ર ગ્રહણના ફોટા / વિડીયો લગભગ બધાંએ જ જોયા હશે. પરંતુ આ વર્ષે સુપર મૂનને ભૂલાવે એવો નજારો ૨ જુલાઈએ જોવા મળશે, કેમકે એ દિવસે સંપૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે, જે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ ઉપર આવેલ દેશોને જોવા મળશે. જો કે આર્જેન્ટીના અને ચિલીને જ એના મહત્તમ દર્શન થશે, બાકી આપણે એ ઘટના યુટ્યુબ ઉપર જોઈશું. વળી ડિસેમ્બરમાં ૨૬ તારીખે વધુ એક સૂર્યગ્રહણ જોવા મળશે, જો કે અંશત: ગ્રહણ હશે.

અહીં જણાવેલી બાબતો તો એક સરસરી નજર માત્ર છે, ૨૦૧૯માં સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે બીજું ઘણું થવાનું છે. ટૂંકમાં, આ વર્ષે આકાશ તરફ મીટ માંડેલી રાખજો.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.


[1]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *