ફિર દેખો યારોં : સાવન જો અગન લગાયે, ઉસે કૌન બુઝાયે

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

‘જુરાસિક પાર્ક’ અને એ શ્રેણીની ફિલ્મો જોનાર સૌને યાદ હશે કે તેમાં વિજ્ઞાનની સિદ્ધિ થકી લાખો વર્ષ અગાઉ થઈ ગયેલાં ડાયનોસોરને વર્તમાન યુગમાં જીવંત કરાતાં બતાવાયાં હતાં. આરંભે આશ્ચર્ય, નવિનતા અને રોમાંચ પછી આખરે તેનાં વિપરીત પરિણામોનાં દૃશ્યો લગભગ આ શ્રેણીની બધી ફિલ્મોમાં સામાન્ય હતાં. ફિલ્મબોધ એટલો કે કુદરત સાથે ચેડાં ન કરાય. જ્ઞાનવિજ્ઞાનના પ્રસારની સાથેસાથે અનેકવિધ બાબતો અંગેની જાણકારી અને જાગૃતિ દિનબદિન વધતી રહી છે, અને હવે તો આંગળીના ટેરવે માહિતીનો ભંડાર ઉપલબ્ધ છે. પણ આપણે છીએ કે સુધરવાનું નામ લેતા નથી. પર્યાવરણનો ખાત્મો કરતા રહેવાનું જાણે કે આપણે નક્કી કરી લીધું છે.

આપણી કોઈ મૂળભૂત કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાતી હોય તો આવા પગલાંને કદાચ અમુક હદે વાજબી ઠેરવી શકાય, પણ માત્ર ને માત્ર મનોરંજન માટે આમ કરવામાં આવે ત્યારે લાગે કે બહારથી આપણે ભલે ગમે એવા સભ્ય અને સુસંસ્કૃત થયેલા ગણાઈએ, પણ આપણી અંદર રહેલી આદિમ વૃત્તિ મટી નથી. નદીઓ પર બંધ બાંધવાની પર્યાવરણ પર અનેકવિધ વિપરીત અસરો છે, છતાં આખરે એ પાણીનો ઉપયોગ મુખ્યત્વે સિંચાઈ અને જળવિદ્યુત માટે થાય છે એ આશ્વાસન લેવું હોય તો લઈ શકાય એમ છે. પણ નર્મદા નદી પર બંધાયેલા બંધની વાત જ અલગ છે. તે એક યા બીજી રીતે રાજકારણનો અને વિવાદનો ભોગ બનતો આવ્યો છે. તાજેતરમાં ત્યાં મૂકાયેલી સરદાર પટેલની પ્રતિમા પછી તેને પ્રવાસનસ્થળ તરીકે અગ્રસ્થાને મૂકવાના મરણિયા પ્રયાસો થઈ રહ્યા છે. આ બંધ બાંધવાનો મૂળભૂત હેતુ અને તેની ઉપયોગિતાની વાત જાણે કે એક તરફ હડસેલાઈ ગઈ છે.

અગ્રણી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં ગયા સપ્તાહે આવેલા એક અહેવાલનો પડઘો અનેક સમાચારમાધ્યમોમાં જોવા મળ્યો. અદિતિ રાજાએ લખેલો આ અહેવાલ વાંચીને આઘાત અને દુ:ખની સાથોસાથ ચીડ અને ક્રોધ પણ થઈ આવે એવું છે. આ બંધ થકી બનેલા જળાશયમાં વિશાળ સંખ્યામાં મગરો વસે છે. અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે સી-પ્લેનનું આકર્ષણ ઉમેરવાની વાત છે. આ પ્રતિમાના લોકાર્પણ વખતે વડાપ્રધાન અહીં સી-પ્લેનમાં આવે એવી વાત હતી, પણ અહીં વસતા મગરોને કારણે એ શક્ય બન્યું નહોતું. પ્રતિમા ખુલ્લી મૂકાયાને પગલે ‘એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્‍ડિયા’ તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા અહીં સી-પ્લેન સેવા શરૂ કરવા અંગેની વ્યવહારુ ક્ષમતા અને શક્યતા ચકાસતો ફીઝીબીલિટી રિપોર્ટ તૈયાર કરી દીધો છે. જે જળાશય પાંચસો જેટલા મગરોનું નૈસર્ગિક નિવાસસ્થાન હોય એ સ્થળનો ફીઝીબીલિટી રિપોર્ટ વિમાની સેવા શરૂ કરવાની તરફેણમાં આવે એ અહેવાલને કેટલી હદે ભરોસાપાત્ર ગણવો એ પણ એક સવાલ છે.

આટલા બધા મગરોનું કરવું શું? ગુજરાત વનવિભાગે એક એક કરીને મગરોનું સ્થળાંતર કરવાનો રસ્તો અપનાવ્યો છે. માછલીઓ વડે લલચાવીને મગરોને આકર્ષિત કરવાના, પછી એને પકડીને લઈ જવાના. આ રીતે પકડેલા મગરોને પછી ક્યાં છોડવા એ વિચારાધીન છે. નર્મદાના આ મગરો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ, 1972 ની અનુસૂચિ 1 અંતર્ગત વર્ગીકૃત કરવામાં આવેલા છે. આનો અર્થ એ કે આ પ્રજાતિ અતિશય જોખમગ્રસ્ત ગણાય છે. તેનું રક્ષણ કરવાની ફરજ વનવિભાગની, એટલે કે સરકારની છે. તેના માટે પૂરતી કાનૂની જોગવાઈઓ કરવામાં આવેલી છે. પણ સરકાર પોતે જ આ પ્રજાતિ સાથે છેડછાડ કરવા લાગે તો કાનૂની જોગવાઈઓનો કશો અર્થ સરતો નથી. જે વનવિભાગના શિરે આ પ્રજાતિઓના રક્ષણ અને સંવર્ધનની જવાબદારી છે એ જ વિભાગ અત્યારે સરકારના આદેશ અનુસાર આ પ્રજાતિના સ્થળાંતરમાં વ્યસ્ત છે. અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં કુલ પંદર મગરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પકડાયેલા મગરમાં સૌથી મોટા મગરની લંબાઈ દસ ફીટની છે.

સ્થળાંતરિત કરાયેલા આ મગરોને ક્યાં લઈ જવાશે? તેનું પરિણામ શું આવશે? પર્યાવરણ અને જૈવપ્રણાલિ પર તેની શી વિપરીત અસર થશે? આ મગરોને જ્યાં છોડવામાં આવશે તેની આસપાસની માનવવસાહતોને કોઈ ખતરો ખરો? આવા તો અનેક સવાલો ઊભા છે. ખરેખર તો આ સવાલ વનવિભાગના અધિકારીઓએ સરકારના સંબંધિત વિભાગને પૂછવાના હોય. પ્રસારમાધ્યમોએ વનવિભાગના અધિકારીઓને પૂછવાના હોય.

માત્ર ને માત્ર સહેલાણીઓને આકર્ષવા માટે સી-પ્લેનની વ્યવસ્થા ઊભી કરવી, અને એના માટે એક આખી જોખમગ્રસ્ત પ્રજાતિના આવાસ સાથે કરાતી છેડછાડ વિશે જાણીને લાગે કે આપણે કશું શીખવા કે સમજવા માગતા જ નથી. એક વાર સહેલાણીઓ આવતા થઈ જાય, સી-પ્લેનની સવારી માણવા લાગે અને તેના થકી જે મબલખ આવક ઊભી થાય એનો અમુક હિસ્સો પાછા આ જ મગરોના જતન અને સંવર્ધન માટે વાપરવાની ઘોષણા કરવામાં આવે એમ પણ બને.

માનવસંસ્કૃતિ જો આને કહેવાતી હોય તો કહી શકાય કે આ જ આપણી પરંપરા રહી છે. પોતાના ટૂંકા ગાળાના લાભ માટે કોઈકનું લાંબા ગાળાનું નુકસાન કરવું એ માનવઈતિહાસની તાસીર રહી છે. પશુપક્ષીઓ તો ઠીક, આપણે તો સભ્યતા અને સંસ્કૃતિના નામે માનવોની આખેઆખી પ્રજાતિઓનું નિકંદન કાઢી નાખ્યું છે. વાઘ, ચિત્તા કે એવા બીજા વન્ય જીવોની શી વિસાત? એટલો ઉપકાર કે વન્ય જીવોના સંરક્ષણ માટે આપણે કાયદા ઘડ્યા છે. તેને લઈને ઓછામાં ઓછું એટલું આશ્વાસન લઈ શકાય એમ છે કે આપણને તેમની ફિકર છે.

પ્રવાસીઓને શિસ્ત અને વર્તણૂકના પાઠ શીખવવાને બદલે તેમના મનોરંજન માટે સરકાર પદ્ધતિસર ધોરણે પર્યાવરણ સાથે દેખીતી રીતે ચેડાં કરે ત્યારે હસવું કે રડવું એ ન સમજાય. અલબત્ત, સૌથી ઊંચી પ્રતિમા જ્યાં ઊભી છે, અને જ્યાંથી સી-પ્લેનની સવારીનો આનંદ પ્રાપ્ત થવાનો છે એ સ્થળ એટલે કે નર્મદા બંધના જળનું સિંચાઈના હેતુસર વ્યવસ્થાપન શી રીતે કરવામાં આવશે એના વિશે પણ સાથેસાથે વિચારવામાં આવ્યું હશે એવી ધારણા આપણે ધારીએ તો એ હકારાત્મકતા ગણાશે, આશાવાદ મનાશે કે દિવાસ્વપ્ન એ સમજાતું નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૩૧-૧-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ફિર દેખો યારોં : સાવન જો અગન લગાયે, ઉસે કૌન બુઝાયે

 1. February 8, 2019 at 2:44 am

  મગરનાં આંસું સારીએ તો?!

  • purvi
   February 10, 2019 at 12:35 am

   સુંદર , જાની સાહેબ સરસ સવાલ પૂછયો. બીરેનજી લેખ બહુ સમજવા લાયક રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *