કૅપ્ટન નરેન્દ્ર ફણસે
પાંચ વર્ષ ભારતીય સેનામાં પૂરો સમય ફ્રંટ પર સેવા બજાવ્યા બાદ કૅપ્ટન નરેન્દ્રની ૧૯૬૮માં ભારતીય સેનામાંથી બૉર્ડર સિક્યુરિટી ફોર્સમાં નીમણુંક થઈ. બીએસએફમાં મારું પહેલું પોસ્ટિંગ પાકિસ્તાનના થરપારકર અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠા જીલ્લાના ખુણામાં આવેલી એક સંવેદનશીલ જગ્યાએ થયું.
કચ્છના રણ તરીકે ઓળખાતી ધરાનો વિસ્તાર વિશાળ છે. અહિંયા તમને મળશે ખારો પાટ – એટલે જમીન પર પંદરથી વીસ સેન્ટીમીટર જાડો અને સેંકડો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો મીઠાનો થર. હજારો વર્ષ પહેલાં અહીં સમુદ્ર હતો. દરિયો ખસતો ગયો અને તેના તળિયાની છીદ્રાળુ , ભેજ-સભર જમીનમાં તેના ક્ષારના ભંડાર રહી ગયા. અતિ ઉષ્ણતાને કારણે પાણીની બાષ્પ થઈ અને પાણીમાં ઓગળેલા ક્ષારના થર થઈ ગયા.
કચ્છના રણમાં વરસાદ નહિવત્ પડે છે. પાણીની સદા અછત. સૈનિકો માટે પચાસ-સાઠ કિલોમીટર દૂરથી આવતું પીવાનું પાણી પણ ખારું. આ ઉપરાંત રણમાં અનેક વિવિધતાઓ જોવા મળે. જંગલી ગધેડા – જે કલાકના ૪૦ કિલોમીટરની ગતિએ દોડી શકે છે, અને તેમને પાળવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે, તે અહીં જોવા મળશે. નાનપણમાં આપણે જોડકણા સાંભળતા, તેમાં “રાતા બગલા રણે ચડ્યા, પાણી દેખી પાછા ફર્યા” સાંભળી નવાઈ લાગતી. બગલા રાતા હોતા હશે? પણ આ રાતા બગલા – ફ્લેમિંગો અમને કચ્છના રણમાં જ જોવા મળ્યા! આ પરદેશી મહેમાનો રણમાં છીછરા પાણી હોય ત્યાં શિયાળામાં ચાતુર્માસ માટે આવતા હોય છે!
જ્યાં ખારો પાટ ન હોય ત્યાં જમીન સખત, લીસી અને ટેનિસ કોર્ટ કે ક્રિકેટ કે હૉકીના મેદાન જેવી સમતળ હોય છે. પણ ખારો પાટ એટલે ખતરાનો પાટલો! ઉપરથી સખત લાગતા દૂધ જેવા સફેદ મીઠાના થરની નીચે કાળો કાદવ, અને ક્યાંક ક્યાંક કળણ – quicksand. તેનાં ઉંડાણ માપવા મુશ્કેલ છે. ઉપરથી સખત લાગતી જગ્યાઓ એવી ખતરનાક કે તેમાં ભુલેચૂકે પ્રવેશ કરનાર માણસ તેમાં ગરક થઈ જાય તો તેમની કોઈ નિશાની જોવા ન મળે. રણના રેતીલા ભાગમાં આકડાના તથા કેરડાના બેસુમાર વૃક્ષો, અને હરણાંઓના ઝુંડ મળી આવે. આવી જમીનમાં રૂંછાદાર પૂંછડીવાળા ઉંદર, અને તેમનો આહાર કરી જીવતા અતિ વિષૈલ નાગ તથા ‘બાંડી’ નામથી ઓળખાતા અઢી-ત્રણ ફૂટ લાંબા sidewinder સાપ. નાગની જેમ ‘બાંડી’ ડંખ મારે અને તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ અટળ સમજવું! દરરોજ સવારે અને સાંજે કરવી પડતી કવાયતમાં અમારે જમીનમાં ખોદેલા મોરચા (trench)માં ઉતરતાં પહેલાં જોવું પડતું કે તેમાં બાંડી તો પડી નથી ને! દર ત્રીજે ચોથે દિવસે એકાદ ટ્રેન્ચમાં તો આ સર્પ દેવતા અચૂક પડેલા હોય.
અમારા સેક્ટરમાં આવેલ એક ચોકી – નાડાબેટ- માં માતાજીનું સ્થાનક છે. હાજરાહજુર માતાજીએ સૈનિકો તથા ત્યાંના વતનીઓની રક્ષા કરી તેમણે પરમ માતૃત્વ શક્તિના અનેક પરચા આપ્યા છે. રણમાં રાતે તરલ હોકાયંત્ર (liquid prismatic compass) સાથે નીકળીએ તો પણ ચોકીમાં પાછા પહોંચવાની આશા ન રખાય. હોકાયંત્ર જે અંશ બતાવે તેની સીધી લીટીમાં પણ ન જવાય. કઈ જગ્યાએ quicksand છે તે નકશા દેખાડતા નથી.
રણની આખ્યાયિકાઓ જેટલી બેસુમાર છે, તે પ્રમાણે માતાજીએ સૈનિકોને બચાવ્યાના દૃષ્ટાંત પણ એટલા જ વિવિધ. વર્ષો પહેલાં રાત્રીના સમયે રણમાં ભૂલી પડેલી સીઆરપીની ટુકડી અથડાતી, કૂટાતી ભટકી રહી હતી. એક તરફ ઘનઘોર અંધારું અને તેમની વૉટર બૉટલમાં પાણીનું ટીપું પણ બચ્યું નહોતું. થાકીને તેઓ બેસી ગયા. અચાનક તેમના સેક્શન કમાંડરને કોઈએ નાડાબેટનાં માતાજી વિશે વાત કરી હતી તે યાદ આવી. તેણે જવાનોને આની વાત કરીને સામુહિક પ્રાર્થના કરી. થોડી વારે તેમને નજીકથી ચાલી રહેલી લોબડી પરિધાન કરેલી વૃદ્ધા જોવામાં આવી. માજી તેમની પાસે રોકાયાં અને અર્ધી ગુજરાતી, અર્ધી હિંદીમાં તેમણે જવાનોને પુછયું, “બેટા, અટાણે ક્યાં જવા નીકળ્યા છો?”
“માઈ, હમે નાડા બેટ જાના હૈ, મગર રાહસે ભટક ગયે હૈં.”
“મારી ભેગા ચાલો. હું ત્યાંજ જાઉં છું,” કહી ડોશીમા તેમને માતાની દેરી સુધી લઈ ગયા. સીઆરપીનો નાયક તેમનો આભાર માને તે પહેલાં ડોશીમા અંતર્ધ્યાન !
સીઆરપીની ટુકડીના વડા પાસેથી ચોકીનો ચાર્જ લેનાર ગુજરાતની એસઆરપીના અફસર શ્રી. રેડકરે ,પોતે , ૧૯૬૮માં, આ વાત મને કહી હતી.
શિયાળામાં રણમાં ઘણા પક્ષીઓ આવતા હોય છે. તેમાં મોટા અને નાના ઇંડીયન બસ્ટર્ડ (Great Indian Bustard તથા Little Bustard) સ્થાનિક પક્ષીઓ છે. નાના બસ્ટર્ડ તિલ્લોર નામથી પણ ઓળખાય છે.
એક સાંજે રેડકર તિલ્લોરનો શિકાર કરવા એકલા જીપ લઈને ગયા. રણમાં તેઓ સતત ત્રણ વર્ષ રહ્યા હતા તેથી તેમને ગુમાન હતું કે અહીંના ઇંચે ઇંચથી તેઓ વાકેફ છે. નાના બેટમાં ભટક્યા ત્યારે તેમને તિલ્લોર તો મળ્યા, પણ સાંજની રાત થઈ ગઈ. અંધારામાં તેઓ જીપના ટાયરના નિશાન પર ગાડી ચલાવતા રહ્યા, પણ કેમે કરીને નાડાબેટ કે જલોયા પહોંચ્યા નહિ. રાતના અગિયાર થવા આવ્યા ત્યારે તેમને ખાતરી થઈ કે તેઓ રણમાં અટવાઈ ગયા છે. ‘ઘડી’કમાં શિકાર કરીને પાછા ફરીશું’ એવી આશાથી તેઓ પાણી પણ સાથે નહોતા લઈ ગયા. પાણી અને ભોજન વગર રણમાં રાત નહિ કાઢી શકાય તેવા વિચારથી તેઓ હતાશ થઈ ગયા. એક એવી ઉદાસીનતામાં તેઓ ઊતરી ગયા કે વડોદરામાં રહેતાં પત્ની અને બાળકોને મળી પણ નહિ શકાય તેવો વિચાર આવી ગયો. આવા સમયે સહાયતા માટે પરમાત્મા સિવાય બીજું કોણ યાદ આવે? તેમણે આર્જવતાપૂર્વક નાડાબેટનાં માતાજીને પ્રાર્થના કરી.
તમે રણમાં જશો તો કદાચ તમને રાત્રીના સમયે ટમટમતા દીવા દેખાશે. આ શું હોય છે તેની વાત આગળ જતાં કરીશું.
રેડકરની વાત કરીએ તો તેમને દૂર રણમાં હંમેશની જેમ દેખાતા દીપક દેખાવા લાગ્યા. જમીનને સમાંતર, અંતરાળમાં ઊડતા દીપકમાંનો એક દીવડો જે જમીનથી છ-સાત ફીટની ઉંચાઈ પર હતો, તેમની જીપથી વીસ-પચીસ મીટરના અંતર પર સ્થિર થયો. ધીરે ધીરે તે સીધી લાઈનમાં ભળતી દિશા તરફ જમીનને સમાંતર જ ઊડવા લાગ્યો. રેડકરે માતાજીનું નામ લીધું અને તેની પાછળ જીપ ચલાવવા લાગ્યા. ૪૦-૪૫ મિનિટના પ્રવાસ બાદ દીપક અદૃશ્ય થયો, અને જીપની હેડલાઇટમાં તેમને નાડાબેટના ગાંડા બાવળના જંગલની કિનાર નજરે પડી. જંગલની અંદર માતાજીની દેરી હતી.
કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું: captnarendra@gmail.com







Khub maja aavi naren bhai