સોરઠની સોડમ ૩૨. – ઓજતનો પૂલ ભલે ઢબ્યો પણ…

Facebooktwitterredditpinterestlinkedinmail

ડો. દિનેશ વૈષ્ણવ

યુ.એસ.માં ન્યુઓર્લિન્સ ગામ નજીક લેઈક પોન્ચેરીયન ઉપર ૧૬૫ કી.મી લાંબો પૂલ છે, કેનેડામાં પોર્ટમેન પૂલ ૨૧૩ ફુટ પો’ળો છે, તો ભારતમાં પણ મુંબઈમાં સી-લિંક, કલકતામાં હાવરા ને દિલ્હીમાં નહેરુ પૂલ પણ કમ નથી પણ મારે જે વાત કરવી છ ઈ તો જૂનાગઢ તાલુકાના વંથલી ગામ પાસે ઓજતનાં પૂલની. નથી ઈ પૂલ એટલો લાંબો કે પો’ળો, કે નથી ઈ પૂલ ઉપર રચાયેલી મધુબાલા અને અશોકકુમારની “હાવરા બ્રિજ” જેવી કોઈ ફિલ્મ; પણ જે ઈ ઓજતનાં પૂલે મારી જિંદગીના આજ સાતમા દાયકે મને ખેંચી જાતું મારુ છથી પણ વધુ દાયકા પે’લાનું બાળપણ. ભલે મને આજે પણ ખબર નથી કે ઈ પૂલ ક્યારે કે કેટલા ખર્ચે બધાંણો, કે કોને બાંધ્યો પણ જે ખબર છે ઈ ૨૦૧૮માં ઓજત નદી ઉપરનો આ પૂલ અકસ્માતે તૂટ્યો એના મેં એકબે ફોટા છાપામાં જોયા, યુટ્યુબમાં એકાદ વિડીયો કલીપ જોઈ ને ઈન્ટરનેટ ઉપર ઉપરછલ્લું લખાણ વાંચ્યું. ટૂંકમાં, મેં જે કાંઈ આ પૂલ વિષે વાંચ્યું-જોયું ઈ બધું એકવીસમી સદીના ૨૪/૭ “ફ્લેશ ન્યુઝ” જેવું કોઈ પણ વિગતો વિનાનું હતું ને છતાં મેં મારા બાળપણનો એમાં એક ફ્લેશબેક જોયો.

તો મિત્રો, ઓજત નદીનું પિયર એટલે સાસણ ગર્ય પાસે ગર્યના ચોખ્ખા ઘીનું ઘર વિસાવદર અને સાસરું સોમનાથ મહાદેવનું ઘર વેરાવળ પાસે અરબી સમુદ્ર. એની ચાર સગી બે’નું ઈ ગર્યની નદીયું આંબાજળ, પોપટડી, ઉબેણ ને ઉતાવળી. ઓજત નદી આમ તો ૧૨૫ કી.મી. જેટલી લાંબી એટલે ઈ નર્મદા, ગઁગા, ગોદાવરી કે કાવેરી જેવી કદાવર નથી પણ એના કાંઠે વસતી મીઠુડી પ્રજા અને ઈ ઓઝતનાં ફળદ્રૂપ કાંપમાં કાંઠે ઉગતાં મીઠાં શાકભાજીને લીધે ઓઝત જૂનાગઢ તાલુકાનું નાક તો ખરી જ.

હવે ૧૯૫૪-૬૦ વચ્ચે અમે મેંદરડા ને ઈ ટાણે દર વરસે અમે અમારા ગામડેથી નોરતામાં, એકાદ વાર રોયલ, જેમિની કે કમલા સરકસ ચિત્તખાનાચોકમાં જોવા, દિવાળીના ફટાકડા લેવા અને વૈશાખે મામાને ઘેર એમ જૂનાગઢ જાતા. ઈ ટાણે ગામડાઉમાં એસ.ટી.ના લીલા, લાંબા નાકના ખટારા હાલતા ને મેંદરડા-જૂનાગઢ વચ્ચે દી’માં એકવાર ઈ ખટારો પાદરમાં બાબુ કલાલની પાન-બીડીની દુકાનેથી સવારે દસેક વાગે જૂનાગઢ જાય ને સાંજના સાત-સાડાસાતે યાંથી પાછો આવે. આ ગામના પાદરમાં અમારી તાલુકાશાળા પણ હતી એટલે ત્રીજા ધોરણમાં શઁકરભાઈ માસ્તર અમને દર શનીવારે સવારની નિશાળમાંથી રિસેસમાં ઈ ખટારો જોવા મોકલતા. અમે પાદરેથી ખટારો જોઈ ને પાછા નિશાળે આવીયે તીયે આખો રસ્તો એક જ વાત, “હું મોટો થઈ ને ખટારો હલાવાની નોકરી કરીસ.” ટૂંકમાં, ઈ વખતે ઈ લાંબા નાકનો લીલો ખટારો અમે ગાડે ચડીને ગામતરાં કરનારા હું ને મારા દોસ્તારું શંભુ, ચંદુ, જુસબ, અબ્દુલ અને પ્રતાપ ભટ્ટ માટે ઈ ચન્દ્ર ઉપર જાતાં આજના રોકેટુંથી વધુકો લાગતો.

ઈ ૧૯૫૦ના દાયકે અમારા મેંદરડામાં મુસાફરીનાં આધુનિક સાધનોમાં ડો. અજ્મેરાસાહેબની મહિનામાં પાંચ દી’ હાલે ને પચી દી’ જેકે ચડી ને ઉભી હોય એવી એક ફોર્ડ જી.ટી. મોટર ને બીજો ઈ પાદરમાં એસ.ટી.નો ખટારો. અજ્મેરાસાહેબના ડ્રાઈવર હબીબભાઈ કે જે ફઝર, દુહર, અસર, મગરીબ ને ઈસા એમ રોજની પાંચેય નમાજ બારે મહિના આજાન દેવાય એટલે જ્યાં હોય યાં લીલી ચાદર પાથરીને પઢનારો ને અલ્લાહની બંદગી ને ઈબાદતમાં દી’ કાઢનારો ઓલિયો તો એસ.ટી. ખટારાના ડ્રાયવર બડુકા, જાતવાન કાઠી મઁગાભાઇ સૂરાભાઇ ગોવાળિયા. ઈ દેખાવે બેઠી દડીના, એનો ભરાવદાર ઘાટીલો બાંધો, થોભિયાં મૂછ, લીબુંની ફાડ જેવી એની હિંગોળી આંખ, ઓડિયાં વાળ ને વાને ઘઉંવર્ણા. કાનમાં ચાંદીની મોગરીયું, જમણા હાથે સવાસેર બલોંયું, ડાબા કાંડે મેંદરડાનાં મધુવંતીના કાંઠે આજેય ઉભેલ આશ્રમના રાધાબાનો બેરખો, ગળે રુદ્રાખની માળા, પગે અમીભાઈની ઘાણીનું તેલ પાયેલ નાળ ને નારંગી જડેલ ને લાંબી બજારે દુલાભાઇ મોચીએ પરમાણુ લઇ ને બનાવેલ મેઘલા હાડીના પાડાની ખાલના લાલ જોડા; ને જીયે ખટારો હલાવે તીયે તમંચા આકારના ચાંદીના ચાર બટને બન્ધ એવું ધોળું પાણકોરાનું પેરણ, પેરણના ગુંજે યેવલા બીડીની જુડી ને કપાસિયા છાપ બાકસ, નીચે તડોતડ ચોયણી, ઉપર ખાખી કોટ ને માથે સૂઈબાલની ટોપી કે જેની માલીપાથી મઁગાભાઇના ઓડિયાં વાળ એની દેગડા જેવી ડોકે પોરો ખાતાં હોય. મંગાભાઇ ઉપરાંત બીજો આ લાંબા નાકના લીલા ખટારાની નોકરી કરનાર એનો જ લોંઠકો દીકરો ભીમ.

ભીમ દી’માં એકવાર ગામના પાદરમાં સવારે આઠેક વાગે હવેડેથી પખાલમાં પાણી ઉલેચી ઈ ખટારાને નવરાવે ને અંદરથી જાપટજુપટ કરી સંજવાળી કાઢે એટલે ગામ એને “સરકારી સાવયણો” કે’તા. ખટારો ધોવાઈ જાય એટલે ઈ એના પાણકોરાના પેરણની ચાળે ડ્રાઈવરનો સામેનો ને પડખેની બારીના કાચું લુવે, ખટારામાં પેટ્રોલના ત્રણેક ને પાણીનું એકાદ તુમડું ઉમેરે, ને પેટ્રોલ ને પાણીનાં બેએક તૂમડાં ખટારામાં ડ્રાઈવરની ડાબીકોર એની પોતાની બેસવાની જગ્યાએ ગોઠવે. પછી ઈ ખટારાના છાપરે ચડી ને આગળ “મેંદરડા – જૂનાગઢ વાયા લુશાળા” એમ પતરાનું લંબચોરસ પાટિયું લોખંડની પટીયુંમાં ટેકવે ને જે મુસાફરોને સામાનના કોથળા ખટારાના છાપરે મુકવા હોય ઈ મૂકી દે. આ હન્ધુય પત્યે ઈ એના બાપુ મઁગાભાઇને ખટારો કાઢવા સાદ દે. પછી મંગાભાઇ યેવલા બીડી હોઠે ટેકવી ને ખટારામાં ડ્રાઇવરની જગ્યાએ ઓસીકે બેસે ને બઠકો ભીમ ખટારાના લાંબા નાકના ફોમણામાં (એટલે બોનેટ નીચે) હેન્ડલ ભરાવીને એને ચારપાંચવાર ગોળગોળ ઘુમેડે એટલે ખટારો ઘરરરર કરતોક ને સવારે સાડાનવ પોણાદસે ચાલુ થાય. પછી ઈ હાકલ દે એટલે મુસાફરું ખટારામાં પાટલીએ ગોઠવાય. અમારો દાક્તરનો પરિવાર એટલે અમારી બેઠકું ખટારામાં આગળ હોય ને અમારી પાટલીયે ભીમ બાબુ કલાલની દુકાનેથી શેમળાના રૂની રજાઈ લઈ ને પાથરે એટલે અમને પુંઠે ચીપટીયું ન આવે.

ખટારો ભરાઈ જાય એટલે મંગાભાઇ “હરહર મહાદેવ” બોલી ને પાદરમાંથી સવારે દસેકવાગે વાગે જૂનાગઢ જાવા કાઢે. તીયે ખટારે કોઈ ટીકીટ દેવા વાળો જણ (આજનો કન્ડકટર) નો’તો એટલે મઁગાભાઇને જ પૈસા દઈને બસમાં ચડવાનું. અમે દાક્તર પરિવાર એટલે અમારી ટીકીટ ન હોય ને બાકીનાની ટીકીટ પાવલુંપાવલું હતી. તીયે મેંદરડા-જૂનાગઢ વચ્ચે આજના બગડુ-દાત્રાણા કે ઈવનગરના ટૂંકા રસ્તા નો’તા એટલે ખટારાનું પેલું થોભણ મધુવંતી ઉપર મોટો પૂલ, પછી ગંગેડીનો પૂલ, સમઢીયાળા, સીમાસી, અણિયાળા, બરવાળા, ખોખયડા, જાંજયડા, કણજા, ખોરાસા, લુશાળા, ગાદોઇ ફાટક ને ઓજતના પૂલે થઇ વંથલી રોકાઈ ને બપોરે દોઢેક વાગે ઈ ખટારો જૂનાગઢ પુગે. લુશાળામાં ટ્રેન સ્ટેશન હતું એટલે ઈ મોટું ગામ ગણાતું. યાં ખટારો ભગાબાપાની ચા-ગાંઠિયા રેંકડીએ થોભે એટલે સૌ પગ છુટા કરી નાસ્તો કરે ને કરનારા બીડી-બાક્સ કરે. અમને ભગાબાપા ટીનની રકેબીમાં ગાંઠિયા ને પિતળની અડાળીમાં ચા મફતમાં આપે પપ્પાની દાક્તરી વગ ત્યારે લુશાળાથી પણ થોડીક આગળ લગી પૂગતી. રસ્તામાં ખટારો જ્યાં થોભે યાં બેચાર જણા ચડે-ઉતરે, ઈ ગામના વાવડ દે, વરસાદપાણી ને જરજમીનની વાત્યું કરે, ને મોટાભાગના પપ્પાને ઓળખતા હોય એટલે અમને તો કટમ્બહારે ચારધામની જાત્રાએ નીકળ્યા હોય એમ લાગે.

બસમાં હું ને મારી મોટી બેન આગળ પાછળ બેસીયે ને બસની બારી માંથી હાથ કાઢી ને ઈ પવનની લેરખીયુંમાં ભટકાવીયે, ને ઈ અમે ઠેઠ જૂનાગઢ પુગીયે યાં લગી એમ હાથ ભટકાવીને રમીયે કારણ તીયે ક્યાં આજની ઘોડે સેલફોન હતા કી ઈમા રમતું રમીયે કે ગાણાં સાંભળીયે. પણ જીવો ઓજતના પૂલે ખટારો ચડે એટલે અમે ઈ પૂલના છ કાંગરા ગણીએ ને ઋતુ અનુસાર ઓજતના પટે દેવીપુતરોએ ઉગાડેલ કલીંગરો ને ભાજીપાલો જોયેં, નદીના છીછરાં પાણીમાં બેસી ને નરવાં થાતાં ભેંસુના ખાડાં જોયેં, ગામડાની પ્રજાના દિલ જેવાં નદીનાં નિર્મળ વેણ ને એમાં કિલોળ કરતાં છોકરાં જોયેં, બાયુંને તગારું ભરીને કપડાં ધોતા જોયેં, દીકરીયુંને કપડાં વાવલતાં જોયેં, બેનુને પાણીની હેલે જોયેં કે પછી ઉપરવાર વરસાદ થ્યો હોય તો ઘોડાપૂરે ડોળા કોગળા કરતાં નદીનાં ધસમસતાં પાણી જોયેં. આમ ઈ નજારો જોતાંજોતાં અમે વંથળીના પાદરે પૂગિયે. યાં ગોળી સોડા મઁગાભાઇ અમારી હાટુ લિયાવે એટલે વળી અમારે પાઈના ખરચ વિના મોજેમોજ. પછી એમ કરતાંકરતાં જૂનાગઢ અઝાદચોકે ખટારાનું મથક હતું યાં ઉતરીએ ને મામાને ઘેર હાલરહુલર પુગીયે. અમે ગામડાના એટલે અમારી રે’ણીકે’ણી ગામઠી એટલે થોડાક દી’ અમારાં પિતરાઈ ભાઈ-બેનોને જોઈ-સાંભળી ને કુવામાંથી હવેડે ઈ શહેરી પાણી વાળવા મથીયે ને મનમાં એમ હોત થાય કે ઓલ્યા ઓજતાના પૂલેથી અમારું મેંદરડા ઓજતમાં ફેંકી ને મામાને ઘેર આવ્યા હોત તો પાધરું રે’ત. પણ અમારા ઈ પિતરાયું અને અમારો સમગ્ર પરિવાર અમને કોઈ ગામડા-શહેરના ભેદભાવ વિના અપનાવતું ને આજે પણ અપનાવે છ.

સમય જાતાં ઈ લાંબા નાકના લીલા ખટારા ગ્યા ને એની જગ્યાએ ચીબા નાકના લાલપીળા ખટારા આવ્યા ને જાજા પૈસા દઈ ને માય બેસવાની વળી સીટુ પણ લોકો અગાઉથી લઈ સકે એવી સગવડતા આવી. આજ તો હવે ઈ ખટારાની જગ્યાએ લક્સરી ને વોલ્વો બસુ ફરે છ, ને તોયે પાનને ગલ્લે ત્રાગા દોઢ પગે ઊભીને પોણો દી’ કાઢતા નવરાનાથા “મારી પાસે ટેમ નથી,” “બાપુજીને બસ ફાવતી મને ઈ ન ફાવે” એમ કઈ ને છકડાં ટેક્ષીયુમાં કે પોતાની મોટરુંમાં જૂનાગઢ-મેંદરડા વાચાળેના બગડુ-દાત્રાણ કે ઈવનગરના ટૂંકા રસ્તે જાય-આવે છ. આ આજની મલેનીયલ પ્રજાને ક્યાં હવે ઈ ઓજતના પૂલના છ કાંગરા ગણવા છ કે ઈ નદીનો નજારો જોવો છ. ઈને ક્યાં જાણવું છ ઈ અરસામાં રાજકોટની સૌરાષ્ટ્ર એકાદમીએ “સોરઠ તારાં વે’તાં પાણી” નાટક કાઢેલ ને એના ઉપરથી અમારા મેંદરડે આવતા મનહર નાટ્ય કલા મંડળે “ઓજત તારાં વે’તાં પાણી” નાટક કાઢેલ. ઈને ક્યાં ખબર છે કે ઈ નાટકમાં ગાદોઇ ફાટકે રે’તી ચારણ કન્યા અને ઓજતના પટમાં કૂબે રે’તાં દેવીપુતરના પ્રેમની વાત હતી. ટૂંકમાં જો હું કહું તો ઓજતનો પૂલ આજ ભલે ઢબ્યો પણ મારુ ગઈકાલ તો હજી ઈ પૂલના ઢબેલા છયે કાંગરાની જેમ અડીખમ ઉભું છ ને મને ખાતરી છે કે ઈ પૂલના કાંગરા પાછા બેઠા થાસે કારણ મારામાં મારું ગઈકાલ હજી જાગે છે, જીવે છે, ધબકે છે.


ડૉ. દિનેશ વૈષ્ણવનો વિજાણુ સંપર્ક કરવા માટેનું સરનામું: sribaba48@gmail.com

2 comments for “સોરઠની સોડમ ૩૨. – ઓજતનો પૂલ ભલે ઢબ્યો પણ…

 1. girish dave
  February 5, 2019 at 12:17 pm

  may I request you write about the year of your memories

  • Dinesh Vaishnav
   February 9, 2019 at 12:18 am

   જેમ ઉપર લખ્યું છ એમ, “૧૯૫૪-૬૦ વચ્ચે અમે મેંદરડા ને ઈ ટાણે દર વરસે અમે અમારા ગામડેથી નોરતામાં, એકાદ વાર રોયલ, જેમિની કે કમલા સરકસ ચિત્તખાનાચોકમાં જોવા, દિવાળીના ફટાકડા લેવા અને વૈશાખે મામાને ઘેર એમ જૂનાગઢ જાતા.” આમ મારી યાદો ઈ અરસામાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *