– રજનીકુમાર પંડ્યા
‘સ્વાગત હૈ જાફરહુસેન મન્સુરી કા, હમારે સ્ટુડિયો મેં. જો એક આમ ઈન્સાન કે રૂપમેં અહમદાબાદ મેં ઘૂમતે હૈ,સબ્ઝીયાં બેચને કા મામૂલી ધંધા કરતે હૈં, મગર ફીર ભી અપને દિલ મેં સંગીત કે પ્રતિ ગહરી રુચિ રખતે હૈ. યહ રુચિ આજકલ કી નહીં, મગર કરીબ પચાસ સાલો સેં ઉન્હોંને અપની રુચિકો શૌક મેં બદલ દિયા હૈ – આજ નૌબત યહાં તક કી હૈ આજ ઉનકે પાસ પુરાની ફિલ્મોં કે ગાને કે ઈતને રેકોર્ડ્સ જમા હૈ કિ શાયદ હી ગુજરાત મેં કિસી ઔર કે પાસ હો.’
ઉઘાડા બટનના મેલખાઉ કોટવાળા, ત્રણ દિવસની વધેલી સફેદ દાઢી અને માથે ખીચડિયા વાળવાળા, વળી અભિનેતા રાજકુમાર જેવી લાલ દોરાવાળી મોટી મોટી ભીની આંખોવાળા જાફરહુસેન મન્સુરી આકાશવાણી અમદાવાદના એરકન્ડિશન્ડ સ્ટુડિયોમાં મારા મોંએ થતા આ વખાણ શૂન્ય નજરે છત સામે તાકીને સાંભળી રહ્યા. મારું બોલવાનું પૂરું થવાની એમને રાહ હોય એમ જૂનાં ફિલ્મી ગીતોની રેકોર્ડની થપ્પી પર હાથ મૂકીને જાણે કે એ ગ્રામોફોન વગર જ એમાં પુરાયેલાં ગીતોને સાંભળી રહ્યા.
મેં કહ્યું :‘જાફરભાઈ, નમસ્કાર, સ્વાગત હૈ.”
‘જી, નમસ્કાર’ એમણે માઈક ભણી મોં કરીને મારા સામે નજર કરીને કહ્યું :‘ફરમાઈએ-ક્યા જાનના ચાહતે આપ ?’
‘કૃપયા યહ બતાઈયે કી આપકો પૂરાને ફિલ્મ સંગીતકા યહ અનુઠા શૌક કૈસે ઔર કબ સે લગા?’
એ સાથે જ બૅકગ્રાઉન્ડમાં ઝોહરાજાનનું એક અતિશય પુરાણું બિનફિલ્મી ગીત ગુંજવા માંડ્યું: ‘છોટા સા બાલમા, મેરે અંગનામેં ગીલ્લી ખેલે.’
જાફરહુસેનની આસપાસ જાણે કે એ ગીતે ભૂતકાળનું એક ગાઢ ધુમ્મસ ઊભું કરી દીધું. રેડિયો ઈન્ટરવ્યુની શિસ્તના તકાજા મુજબ એમણે ઇસી ક્ષણે મારા સવાલનો જવાબ આપવો જોઇએ પણ એને બદલે એ છત તરફ જ તાકી રહ્યા. પારદર્શક કાચ બારીની બીજી તરફ આવેલા રેકોર્ડિંગ રૂમમાંથી અમારા તરફ હાથના અકળાયેલા ઈશારા થયા. અરે, અરે, આ સ્પૂલની ટેપ ખાલીખાલી સરી જાય છે. તમે બોલતા કેમ નથી ? બોલો…. બોલો….
અમદાવાદ રેડિયો પરથી પ્રસારિત થનારા જયભારતી કાર્યક્રમમાં કોઈ નિષ્ણાતના ઈન્ટરવ્યૂને બદલે શું ખાલી ખાલી ટેપમાં રેકર્ડ થતી શૂન્યતા પસાર થવા દેવી ?
પણ જાફરહુસેનનું દિમાગ એ શૂન્યતાને વિંધીને દાયકાઓની પાર નીકળી ગયું હતું.
**** **** *****
‘બેટા જાફર,’ શકુરાદાદી બોલ્યાં: ‘તારા દાદાના થાળીવાજાને ચાવી ચડાવ.’
બહુ ઓછા માણસોને દાદીની ગોદમાં બેસવાનું નસીબ મળે છે અને પરદાદીના ખોળામાં તો કોઇને જવલ્લે જ ! પણ એ જાફરહુસેનને મળ્યું હતું. 1942ની સાલમાં સાત વરસની ઉંમરના જાફરહુસેન શકુરાદાદી એટલે કે દાદાની અમ્મીજાનના પણ બહુ લાડકા હતા. એટલે એમણે જ્યારે દીકરાનું થાળીવાજું વગાડવા માટે, દીકરાના પૌત્રને ફરમાઈશ કરી ત્યારે પૌત્રને એનો અમલ સામાન્ય રીતે નહિં, પણ દડબડ દડબડ દોડીને કરવાનું મન થયું. એ રીતે એ દોડીને થાળીવાજા પાસે ઊભા રહી ગયા. ‘કઇ રિકાર્ડ ચડાવું?’
‘એ જ…’ શકુરાદાદી બોલ્યાં :’છોટા સા બલમા, મેરે અંગના મેં’ અને હા, બીજી ‘છોટીમોટી સુઈયાં કા મોરા કટના, એક સુખ પાયા મૈંને અમ્મા કે રાજ મેં.’
એ બે ગીતો તો સાકરના ગાંગડા જેવા હતા–પરદાદી રોજ સાંભળતાં. એ સાંભળતાં ત્યારે જાફરહુસેન એને કાનથી તલ્લીન થઈને પીતા. પણ એપત્યે પુરું થતું નહિં. એ પછી પણ એક પછી એક રેકર્ડ વાગતી. સંગીતનો સમો બંધાઈ જતો. એક મધુરા ઘેનનું ટાઢું વાદળ જાફરને વિંટળાઇ વળતું.
મુશ્કેલ નહોતું–થાળીવાજું એ જમાનામાં સુખી ઘરની શોભા ગણાતું. જાફરહુસેનના દાદા આદમભાઈને અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનની બહાર ખુલ્લામાં ‘નેશનલ રેસ્ટોરાં’ હતી. જાફરહુસેનના અબ્બા ગુલામરસુલ પણ એમાં જોડાયેલા હતા. પણ દાદા સંગીતના ઘરેડ બંધાણી હતા–એમાંથી દાદાની મા શકુરાબાનુને પણ એનો ચસ્કો લાગ્યો. કદાચ એમ પણ બને કે માતાના શોખને કારણે જ જાફરના દાદા આદમભાઈને એનું બંધાણ થઈ ગયું હોય. ગમે તેમ, પણ ઘરમાં ઘરના સભ્યો કરતાં વિશેષ તો પહાડી સન્યાલ, કે.સી.ડે. પંકજ મલિક, સાયગલ, કલ્યાણી. ખુરશીદ, પારુલ ઘોષ, રસુલનબાઈ, ઝોહરાજાન, અમીરબાઈ કર્ણાટકી અને અખ્તરીબાઈ ફૈજાબાદી જેવાં ગાયક-ગાયિકાઓની વસ્તી વધુ રહેતી. એમાં સમયાંતરે વળી સુરેન્દ્રનાથ, અઝીમ પ્રેમરાગી, કાલુ કવ્વાલ, અશરફખાન જેવાઓનાં ફિલ્મી-બિન ફિલ્મી ગીતોની રેકર્ડની પણ ધૂમ મચી જતી. ઘણી વાર તો દાદી શકુરાબહેન હસીને કહેતાં : ‘અચ્છા હૈ યે ગાનેવાલે લોગ બગૈર ખાયેપીયે હી ઘરમેં ઇસ પેટીમેં બંધ રહેતે હૈં–વરના તો દિવાલા હી નીકલ જાતા.’
દેવાળું નીકળવાની વાત તો અલબત્ત હસવામાં જતી હતી. પણ ખરેખર ઘરમાં જમનારાની સંખ્યા ઓછી નહોતી. ‘નેશનલ રેસ્ટોરાં’નો સારો એવો કારોબાર હતો ત્યાં સુધી વાંધો નહોતો પણ એ પછી રેલવેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો અને દાદા આદમભાઈ પણ જન્નતશીન થયા. તે પછી જાફરહુસેનના પિતા ગુલામરસુલે પોતે જ્યાં રહેતા હતા ત્યાં નીચેના ભાગે જ લગભગ 1948ની સાલમાં રેસ્ટોરાં શરુ કરી. નામ રાખ્યું ‘ઝફર રેસ્ટોરાં’–જાફરહુસેનના નામ પરથી ‘જાફર રેસ્ટોરાં’ કેમ નહીં ? જવાબ કલામય હતો. મોગલ વંશના છેલ્લા શહેનશાહ, શાયર બહાદુરશાહ ઝફરના એ જબરદસ્ત ચાહક હતા અને હોટેલમાં સૌને દેખાય તેમ તેમણે બહાદુરશાહ ઝફરની મોટી તસવીર સજાવીને ટાંગી હતી. જાહોજલાલી થોડી ઓછી થઈ, પણ સાહિત્ય-સંગીતનો સંગ થોડો જ ઓછો થયો હતો ?
થાળીવાજાનું શું થયું ? હા, એ ઘરમાંથી હોટેલમાં આવી ગયું હતું–એ દિવસોમાં ગ્રામોફોન સાથે ઈલેકટ્રિક એમ્પ્લીફાયર જોડીને જાહેરમાં ફિલ્મી ગીતો વગાડીને ગ્રાહકોને આકર્ષવાનો ચાલ હતો. આ ‘ઝફર રેસ્ટોરાં’ સાવ વેજીટેરીયન હતું. બે પૈસાની ચા મળતી હતી અને એક આનાનો માલપુડો મળતો હતો. બીજો એક આનો આપે તો મલાઈ મળતી હતી. આથી આ હોટેલમાં ગ્રાહકોને ખેંચવા માટે, ખેંચી રાખવા માટે સવારના 6 થી 12 અને સાંજના 4 થી 11 ફિલ્મી, ગૈરફિલ્મી અને કવ્વાલીની રેકર્ડ વાગતી હતી. જાફરહુસેન હવે ચૌદ-પંદરના થયા હતા એટલે એમને પણ થડે બેસીને રેકર્ડ બદલવાની કામગીરી કરવી પડતી હતી. સાથે બીલવસૂલી તો ખરી જ.’
પણ જાફરહુસેનનું ધ્યાન બીલવસૂલી કરતાં વધુ તો રેકર્ડ બદલવામાં અને પછી એને સાંભળવામાં પડતું હતું. સંગીત શરૂ થવાની સાથે જ એના સૂરો સાથે એવો તાર સંધાઈ જતો હતો કે એની આગળ રૂપિયા, પૈસા, ધંધો બધું જ તુચ્છ લાગતું. રેકર્ડના નાદે નાદે ફિલ્મો જોવાનું મન થતું. હોટેલ અને ઘરની પછવાડે ઉપરના ભાગે લાંબી અગાસી હતી ત્યાં આગળ નોકરોનું લગભગ વીસ માણસોનું રસોડું હતું. જાફરહુસેન ઘણીયે વાર ત્યાં જઈને દૂધી-ચણાની દાળનું શાક અને રોટલા-પ્યાજ ખાવાની લિજ્જત લઈ આવતા. અરે, ક્યારેક તો ત્યાં જઈને સૂઈ પણ જતા હતા.પણ એમાં ફિલ્મો જોવા જવાની ઘરવાળા છૂટ્ટી ન આપે તો અનેક અનેક તદબીરો કરવી પડતી. ખિસ્સાખરચીના જે પૈસા મળતા તેમાંથી નોકરોને થોડાક આના આપીને છેલ્લા શોની ટિકિટો મંગાવવામાં આવતી. એ ગાળો 1948થી 1954નો હતો. હિંદી ફિલ્મોનો અને એના સંગીતનો સુવર્ણયુગ ચાલી રહ્યો હતો. જમ્યા વગર ચાલે, પણ ફિલ્મો જોયા વગર કંઈ ચાલે? સુવાના ઓરડામાંથી ઊઠીને ગાદલા પર તકિયો પાથરીને, ઉપર ચાદર ઓઢાડી દેવાની. જેથી ઘરનાંને એમ લાગે કે જાફર તો આરામથી સૂઈ રહ્યો છે પછી પાઈપ વાટે નીચે ઊતરીને થિયેટર પહોંચી જવાનું અને પછી એ જ રીતે પાછા આવવાનું. હા, આમાં ક્યારેક પ્રપંચસ્ફોટ થઈ જતો તો મનમાં ગીતને બદલે ગાલ પર પડતી થપ્પડનો મામલો પણ બની જતો.
પણ 1954માં આ દૌર પણ ખત્મ થયો–જાફરહુસેન ઓગણીસ વર્ષના હતા ત્યારે 1954માં સરકાર તરફથી ઈન્કમટેક્સ અને બીજા કરવેરા જેવું લાંબુ લેણું નીકળ્યું–એ ભરવા માટેના કાંધા(હપ્તા) નક્કી થયા, પણ એ પણ ભરી ન શકાયા અને અંતે મિલકતની હરરાજી થઈ. સરકારી કલમના એક જ ઝાટકે બધું જ જતું રહ્યું. જાણે કે પાકિસ્તાન ન જતા રહેવાનો અને ભારતમાં જ નિવાસ કરવાનો દંડ કૉગ્રેસ સરકારે વસૂલ કરી લીધો. એના કામદારો જે હતા તે ધીરે ધીરે પાકિસ્તાન જતા રહ્યા હતા. કોઈ 1947માં તો કોઈ તે પછી તક મળી તેમ.(એમાંથી અત્યારે કરાચી કે સિંધ-હૈદરાબાદમાં કેટલાક કરોડપતિ છે)–જેઓ ગયા અગાઉ તેમના જાફરહુસેને આપેલા ઉતારાની દીવાલ પર લખતા ગયા હતા : ‘ખુદાબક્ષ કો સલામ, ખુદાહાફિઝ.’ આ બધા હાલ ક્યાં છે કશી જ ખબર નથી. બસ, એમના સારા સમાચારો સાંભળવા મળે છે–એમ તો એમાંથી યુસુફભાઈ નામે એક કર્મચારી તો બોમ્બે આવીને ફિલ્મોમાં છોટી-મોટી ભૂમિકા પણ કરી લેતા હતા. એવા જ એક ઈસ્માઈલભાઈ ખપૈયા હતા, એક દાઉદખાન પણ હતા.
૧૯૫૪માં જ્યારે પાયમાલી પરકાષ્ઠાએ પહોંચી ત્યારે સાવ ભાંગી પડતા કોણે બચાવ્યા ?
‘યે સંગીત ન હોતા તો મૈં હારકર ચૂર હો જાતા’ જાફરહુસેને રેડિયો ઈન્ટરવ્યૂમાં અંતે કહ્યું જ :‘ખુદાને શાયદ મેરે લીયે સંગીત કી શકલ મેં ફરિશ્તે ભેજે. ફરિશ્તે ભી કૈસે કૈસે ? મોહમ્મદ રફી, તલત મહેમુદ, સુરૈયા, લતા, ગીતા, આશા, મુકેશ, દુર્રાની, કિશોર, હેમંતકુમાર, મુબારક બેગમ, – ઔર ન જાને કૌન કૌન… યે સબને મિલકર મુઝે ટૂટતા બચાયા.’
જૂના ફિલ્મસંગીત પ્રત્યે આટલી બધી ચાહના ? હા, એનાં મૂળ તો એમના બચપણમાં પડ્યા હતા. દાદા ચાલ્યા ગયા, દાદી, પરદાદી અને અબ્બા સૌ કોઈ કબરમાં પોઢી ગયા – હોટેલમાલિક હોવા છતાં મન્સુરી પિંજારા તરીકે એમનાં માતા મરીયમબીબી અને દાદી એક જમાનામાં જે કામ કરતા હતા, તે આ બેહાલી પછી પણ ચાલુ રાખ્યું–રૂ વેચવું, માટલાં વેચવાં, ગોદડાં ભરવાં જેવાં કામ.
પણ જાફરહુસેન મન્સુરીમાં જૂના ફિલ્મસંગીતની જે અડપ ચડી તે ચડેલી જ રહી. એમની પાસે હોટેલના વખતનો રેકર્ડનો જંગી ખજાનો તો હતો જ. પણ એમાં જે ગીતો ન હોય તેવાં ગીતો તેમણે ખિસ્સામાં રહેલી છેલ્લી પાઈ ખર્ચીને પણ રેકર્ડરૂપે એકઠાં કરવાં માંડ્યાં. ગીતો લઈ આવે. સતત પ્યાસી રુહની જેમ થાળીવાજા પર ચડાવીને સાંભળે ને ચમત્કાર થાય. ગીત એમના મગજમાં એના આરોહ-અવરોહ, સંગીત અને એના તાનપલટા સહિત આખેઆખું છપાઈ જાય ! રોજ સવારપડે ને એમના દિમાગમાં જૂના ગીતોમાંથી એક એક ગીત વારાફરતી આખો દિવસ વાગતું રહે –જાફરહુસેન લોકો સાથે વાત કરતા હોય ત્યારે એમના ચહેરા સામે જોઈને વાત કરતા હોય એટલું જ. બાકી મગજમાં કોઈ ગીત એમની ઈચ્છા-અનિચ્છા છતાં જોર કરીને વાગતું જ હોય. એક વાર મને મળ્યા ત્યારે અચાનક જ બોલી પડ્યા :
‘બેદર્દ તેરે દર્દ કો સીને સે લગાકર, રો લેંગે તસવ્વુરમેં તુઝે પાસ બીઠા કે, ઠંડક તુમ્હેં મિલતી હૈ અગર મેરી જલન સે, દેખોગે તમાશા મેરે ઘરકો જલા કે.’
‘અરે’મેં કહ્યું :’આ તો મશહૂર ફિલ્મી ગીત ! 1948 ની ફિલ્મ ‘પદ્મિની’, લતા મંગેશકર.’
‘હા’, એમણે કહ્યું: ‘મ્યુઝિક ગુલામ હૈદરનું હતું. કમ્બખ્ત સવારથી જ દિમાગનો પીછો છોડતું નથી – શું કરું અને ક્યાં જાઉં?’
‘સંગીતની પછવાડે, જાફરહુસેન,તમે આટલીહદે પાગલ છો ?’ મેં કહ્યું : ‘કેટલી રેકર્ડ એકઠી કરી છે ?’
‘ઓછામાં ઓછી પાંચ હજાર, અરે બારસો જેટલી તો ઓડિયો કેસેટ છે. આ બધું જ મારા ગરીબખાનામાં !’
દરિયાપુરમાં એમની શાકભાજીની નાનકડી, સાવ મામૂલી કહી શકાય તેવી ઓટા પર બે-ચાર ટોપલા માંડીને બીબી દ્વારા ચલાવાતી દુકાનનામાળીયા ઉપર ભારતના ફિલ્મીસંગીતનો શ્રેષ્ઠ ખજાનો સચવાયો હતો એની કોને ખબર ? ક્યારેક મારા જેવાને પ્રૃચ્છા કરતું કોઈ મળી જાય કે ભાઈ, ફલાણું ગીત ક્યાં મળે ? ત્યારે જો જીભે ચડે તો તરત જ એમને સરનામું દઈ દેતો.‘લખી લો: જાફરહુસેન મન્સુરી, શાકભાજીની દુકાન, વડ પાસે, દાંડિયાવાડના નાકે, દરિયાપુર,અમદાવાદ-380001.’ આ જ રીતે કોઈ ચાહકે એમનો અને નૌશાદનો, એમનો અને ગાયક જગમોહનનો ભેટો કરાવી દીધો. દિલીપ ધોળકિયા, બદરુભાઈ અને બીજી અનેક ફિલ્મીસંગીતની હસ્તીઓનો એમનો ભેટો કરાવી દીધો, તો એ લોકો પણ જાફરહુસેન પર આફ્રીન-નૌશાદમિયાં તો એમને પત્રો પણ લખે. ‘યાર જાફર, મુઝે ‘સ્ટેશન માસ્ટર’નામ કી મેરી પહેલી ફિલ્મ કા ફલાં ફલાં ગીત ચાહીએ, મિલેગા ?’–જાફરહુસેન એટલે કે જાણે અલગારી અલાદ્દીન. અઠવાડિયામાં કેસેટ પર એ ગીત નૌશાદમિયાંને ઘેર પહોંચી ગયું હોય – જાફરહુસેન બોમ્બે જાય ત્યારે દિલીપકુમારના ઘરની ચા પણ પી આવે અને બદરુદીન– ઉર્ફે જોની વોકર સાથે પણ ગોષ્ઠી કરતા આવે.
પણ આટલા જંગી ખજાનાના માલિક છતાં જાફરહુસેનનો હાથ હંમેશા તંગીમાં. કારણ ?
કારણ કે એમનામાં સોફિસ્ટીકેશન નહોતું. નહીં તો એ આ મૂડીના જોરે લાખોમાં આળોટતા હોત. આ ઈન્ટરવ્યુના થોડા સમય પહેલાં મેં મારા કોલેજ-હોસ્ટેલના મિત્ર અને ધીરુભાઇ અંબાણીના નાના ભાઇ નટુભાઇ અંબાણીને કહીને એમને એક ડેક લઈ આપ્યું. એના પર મામૂલી ધંધો, ગીતો રેકોર્ડિંગ કરી આપવાનો કરી લેતા. પણ એ મશીનને એક દૂધાળી ગાયની જેમ ‘દોહતા’ એમને ન આવડયું. મારા જેવા હકદાવે રેકર્ડિંગ કરાવી જનારા પણ ઘણા. જાફરહુસેન એનો બદલો બીજામાં વાળી લેવા જાય તો વળી છાપ બગડે છે. શું કરવું ?
તબિયત પણ હમણાં કથળી હતી. રૂપિયા-પૈસાની સખત જરૂર હતી. કમાણી પાતળી થઇ ગઇ હતી. બીબી દરીયાપુર પોપટીયાવાડના- લતીફની નજીકમાં જ કહેવાય એવા જર્જરિત મકાનના ઓટલે થોડાં શાક્ભાજી વેચીને જે કાંઇ આવક થાય તેમાંથી ઘરનું રોડવતાં હતાં. સંગીતથી આત્મા તરબરથાય છે. પેટ ભરપેટ થતું નથી. કુટુંબ છે. બાલબચ્ચાં ખરાં. મોટા થયા, એક દિકરો કોઇ દુકાનમાં ગુમાસ્તાગીરી કરતો હતો, તો એક ડાહી સંસ્કારી છોકરી શહેનાઝ મદ્રેસામાં ભણાવતી હતી. જાફરસાહેબ સંગીતના થોડા છાંટણા કરવા સિવાય કોઇ રોજગાર કરતા નહોતા-કરી શકે તેમ નહોતા કે કરવા માગતા નહોતા. ત્રણેનું પરિણામ એક જ હતું. જેને ઉછેરવામાં આવેલી બેકારી કહી શકો. છોકરાઓને પણ પોતપોતાની જવાબદારીઓ ઉભી થઇ હતી. ઉંમર પણ થઈ હતી. આ લેખની સાલ 1998. મેં કરેલા આ રેડિયો ઈન્ટરવ્યુ વખતે ઉમર તેંસઠ વર્ષ… શરીર હવે જવાબ દઈ રહ્યું હતું કે લઈ રહ્યું હતું. હમણાં જ હળવો એટેક પણ આવી ગયો હતો.
૧૯૯૮માં આકાશવાણીના ઈન્ટરવ્યૂ આપીને પાછા ફરતાં એમને એની ફીના પાંચસોનો ચેક મળ્યો. જાફરહુસેન ગરીબડું મોં કરીને કહે : ‘ અરે. યાર,પાંચસો કે ચેક કે બદલે મેં પચાસ રોકડે દીયે હોતે ! ચેક કો ક્યા કરું ? બેંકમેં મેરા એકાઉન્ટ કહાં ?’
આવડી જંગી પૂંજી, છતાં બેંક એકાઉન્ટ નહીં ! વાહ !
(ક્રમશ:)
( આ પહેલાં અને પછી જે કંઇ બન્યું તે ઘટના પણ અતિ રસપ્રદ છે. એની સાથેના મારા પરિચયની અને બીજી થોડી વાતો આવતા હપ્તે-આવતા અઠવાડીયે)
લેખકસંપર્ક:
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com






આવતા પ્રકરણ ની આતુરતા પૂર્વક રાહ જોવું છું .
રજનીભાઈ,ખુબ ખુબ આભાર !
અરે વાહ !
જબરું ખોળી લાવ્યા !
મેઘાણીજીની જેમ આ મિયાં પણ એક પ્રકારના ‘ધૂળધોયા’ !
આપની રસઝરતી ગદ્યશૈલી આખ્ખી વાતને વિશેષ સૌન્દર્યસભર ચમત્કૃતિ બક્ષે છે. ‘ઉછેરવામાં આવેલી બેકારી ‘ જેવા શબ્દો વ્યંજનાને ધાર કાઢીને પ્રગટાવે છે.
આગામી હપ્તા માટે बेसब्रीसे પ્રતીક્ષામય છું.
ધન્યવાદ અને સુકામનાઓ અને રાજીપો અંતઃકરણનો !
મજામાં ? સદૈવ મજામાં રહો અને આ રીતે અમ જેવાને ય રાજીપો વ્હેંચતા રહો !
ધન્યવાદ दिल से !
Thanks
જુના સંગીત ના સંગ્રાહક ની વાત વાંચીને ઉત્કંઠા જાગી કે હવે રજનીકુમારભાઇ શું લખશે?
ખૂબ સરસ પરિચય.
અભીનન્દન, રજનીકુમારભાઇ.
–ડૉ. રમેશભાઇ.
Thanks
we have created a group who have fond of old songs’ please give your mobile no to add you Sir
Hasmukh HINgu
My Whatsapp/Mobile is 95580 62711 but kindly do not include me in ANY Group.
Thanks
શ્રી રજનીભાઈ,
ઉમદા લેખ. આવા માણસો પણ છે અને એનો પરિચય તમારા થકી મળતો રાહે છે.
પ્રફુલ્લ
અહીં ડલાસમાં એક મિત્ર છે, જે જૂના ગીતોની રેકર્ડ પરથી ગીતો ડિજિટાઈઝ કરવાનો શોખ ધરાવે છે. તેમને આ લેખ ગમશે, એમ માની તેમના સુધી પહોંચાડવા કોશિશ કરી છે.
તેમના કોંટેક્ટ અને ઇ મેલ આઇ ડી મને મોકલશો તો દર વખતે લિંક તેમને પણ મોકલતો જઇશ