શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૪ થું : મોગરાનો બહાર

Facebooktwitterredditpinterestlinkedinmail

શિવાજીની સુરતની લૂટ

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ

બીજે દિવસે જ્યારે બહિરજી અને બાવાજી પોતપોતાની વાતમાં ગુંથાઈ શહેરમાં ફરવાની યોજના નક્કી કરતા હતા; અને દર્શને આવનારા ભક્તો આ નવા મરાઠાને જોઈને આશ્ચર્ય પામતા હતા, ત્યારે મણિગવરી પોતાની બંગલીમાં રાતની વાત સાંભળી શોકમાં હતી, જ્યારે બે દૂતો શહેર બહાર હનુમાનની જગાથી સહજ દૂર પોતાના નાયકને શોધવાને આસપાસ જોતા હતા, ત્યારે હરિલાલ પોતાના વિચારમાં મશગુલ થઈ જઈને શું કરવું, તેના ઘોટાળામાં પડ્યો હતો. તેણે થોડે વખત આમ તેમ ફેરાહેરા માર્યા અને પછી કંઈ જંપ ન વળ્યો, ત્યારે તે પોતે હનુમાનની જગા આગળ ગયો, ત્યાં દર્શન કરીને બાવાજીને પગે લાગી પાછો ફર્યો, ત્યાં બહિરજી હતો નહિ. હનુમાનની જગાના ઓટલા પરથી તેણે થોડે દૂર ત્રણ માણસોને વાતચીત કરતા જોયા, તેમાંના બે હિંદુ અને એક મુસલમાની વેશ સજેલો હિંદુ હતો, તેની પાસે જવાની કંઈ હિંમત ચાલી નહિ, તેથી પોતાની બંગલીએ તે પાછો ફર્યો.

“જોયું કે પ્રિય !” મણિ બેલી, “મને તો અતિ ઘણી ચિંતા લાગે છે કે, જે આજે ને આજે કંઈ થશે નહિ તો શહેરનું સત્યાનાશ વળી જશે.”

“ખરું છે. પણ શું ઈલાજ લેવો તે સુઝતો નથી;” તેણે જવાબ આપ્યો. “કંઈ વધારે ગડબડ કરીશું તો એ માણસ છટકી જશે અને સઘળું ઉલટું થઈ જશે; અને આપણા નસીબમાં કાળીટીલી લખાશે ! આપણો ધર્મ છે કે જેમ બને તેમ રાજાનું ને પ્રજાનું રક્ષણ કરવું, તમે કંઈ ઈલાજ બતાવો છો ?”

“તમે એ સઘળી ખટ૫ટ મૂકી દો અને મારા વિચારપર વાત રાખો;” મણિએ કહ્યું, “પણ આજે આપણે ત્યાં જે મિત્રો ભોજન માટે આવવાના છે, તેની સંભાળ તમારે લેવી પડશે. હું મારી શક્તિ પ્રમાણે એનો કંઈ સંકેત પાર ઉતારીશ.” તુરત તે પ્રિય પતિએ, પોતાની પત્નીને એક ચુંબન કરીને તેના- પર પુરતો વિશ્વાસ મૂક્યો. અન્યોન્ય એવાં તે પ્રેમથી સંકળાયલાં હતાં કે, એક બીજાને ઘડી પણ વીલાં મૂકતાં નહિ; તથાપિ આટલું આ સ્થળે કહેવું જોઈયે કે, પુરુષ કરતાં સ્ત્રી સર્વ પ્રકારે શ્રેષ્ઠ બુદ્ધિવાળી હતી.

પ્રસંગને યોગ્ય આ સ્થળે પૂર્વનો ખુલાસો કરવો જોઈયે. રાત્રિના જે દંપતી દુમાલના હનુમાન આગળ ચન્નિની સહેલ કરતાં હતાં, તે શાહ આત્મારામના પ્રપૌત્ર ને તેની પત્ની હતાં. પોતાના પતિથી છુટી પડીને મણિગવરી હનુમાનના દેવાલય તરફ ફરી, તે આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા છીએ. તે જેવી ભીતના પાછલા ભાગપર આવી કે, મરાઠાનો શબ્દ સાંભળ્યો. તેને કાંઈ કારણસર મરાઠાનો ઘણો ભય હતો, તેથી જેવો એ શબ્દ સાંભળ્યો કે ખમચીને ઊભી રહી. બાવાજી ને બહિરજી જે જે વાત કરતા હતા, તે સઘળી તેણે સાંભળી; અને જ્યારે હાથમાં ચલમ લઈને બાવાજી આવ્યા, ત્યારે તે પડખાના ઝાડના ઓઠામાં લપાઈ ગઈ. ગાંજાથી બાવાજીની આંખ ચકચૂર-લહેલૂર બની રહી હતી ને તેથી તેને લાંબુ સૂઝે નહિ, તેથી પહેલી વેળા તે પાછો ફર્યો; પણ બીજી વેળાએ મણિથી અકસ્માત્ એમ જ બોલાઈ ગયું કે, “તમારું સત્યાનાશ જજો !” અને તે અવાજ બંને કાવતરાખોરને કાને એકી વખતે પડ્યો, તે બંને ઊઠતા સંભળાયા અને તેણે તુરત જાણ્યું કે, ઘાણ બગડી ગયો, પણ હીંમતવાળી હતી તેથી એકદમ નાસી ગઈ ઝાડમાં લૂગડું ભરાવાથી તેના ચીરા પણ ઉતરી પડ્યા, પણ જેમ હરણી નાસે તેમ નાસતાં તે પથ્થર સાથે અથડાઈ, પણ પાછી ઝટ- પટ ઉઠી, ટટાર થઈને નાઠી. તેને મરાઠાના નામનો જ મોટો ભય હતો, તેથી જ્યારે બહિરજીને સહજ જોયો, ત્યારે તે ઘણી ગભરાઈ; ને તેજ ગભરાટમાં એક શ્વાસે તે દોડી ગઈ. જો બહિરજીએ મણિને પકડી પાડી હોત તો ખચિત તે ત્યાં જ અધમોઇ થાત ! ઘેર આવી ત્યારે બાર વાગી ગયા હતા. તે ઘણી ગભરાઈને વિચારમાં બેઠી. શું કરવું તે તેને સૂઝતું નહતું. તે વિચારમાં ને વિચારમાં એટલી લીન થઈ ગઈ હતી કે, પ્રભાત થયું તે પણ તેને માલુમ પડ્યું નહિ. પોતાના પતિના ઊઠવા સાથે એકદમ ગળગળી થઈને તેને ભેટી પડી અને રાતનો બનેલો સર્વ વૃત્તાંત કહ્યો. તે કહેતાં કહેતાં તેનાં રોમાંચ એવાં તો ઊભાં થયાં અને ભયથી એવી તો કાંપવા લાગી કે, હરિલાલે જો તેને બાથમાં લઈને સૂવાડી દીધી નહત, તો ખચીત તે પડી જાત. હરિલાલે મણિને ઘણી ધીરજ આપી, શાંત પાડી, સઘળો વૃત્તાંત જાણ્યા પછી બંનોએ સાથે દાતણપાણી કીધું અને દુધ પીધું. બંનો જણાં એ બાબત પોતાને શો સારો માર્ગ લેવો, તે માટે વિચારમાં પડ્યાં; અને જ્યાં સુધી ભટે આવીને “ભેાજન સમય થયો છે, માટે હવે ઊઠી ને સ્નાન કરી લો” એમ કહ્યું નહિ, ત્યાં સુધી બંનેમાંથી એક પણ ઊઠ્યું નહિ. જમ્યા પછી હરિલાલ પોતાના ઓરડામાંથી ઊઠીને હનુમાનની જગામાં ગયો. દર્શન કરી ત્યાંથી પાછો આવ્યો, ત્યારે મણિગવરી પોતાના છત્ર પલંગપર બેઠી હતી. તેને આવતાંને વાર જે પ્રશ્ન પૂછ્યું તે, ને તે પછીની વાતચીત આપણે ઉપર વાંચી ગયા છીયે. માત્ર આ સ્થળે વિશેષ એ જ કહેવાનું છે કે, આ બંનો સ્ત્રી પુરુષ તે સમયની આત્મારામ ભુખણની પેઢીનાં વડાં હતાં.

હરિલાલ પોતે બપોરના સૂઈ ગયો. મણિગવરી તો વિચારમાં જ બેસી રહી હતી. પોતાના પતિની આજ્ઞા તો મળી, પણ કયે પ્રકારે ફત્તેહ મળે તેનો તે વિચાર કરવા લાગી. જાતે ઘણી હીંમતવાન્, પણ ગમે તેવી પણ અંતે સ્ત્રી-અબલા, તે જ્યાં સૂધી કંઈ અડચણ ન આવે ત્યાં સૂધી પોતાનું કામકાજ સરેરાટ કરી જાય, પણ જરાક અડચણ આવે તો તુરત પાછી હઠી જાય, તેણીએ ઘણા વિચાર કર્યા; અંતે એક નક્કી ઠરાવ૫ર આવી. પાસેની ટેબલપરથી લખવાનાં સાધન લઈને એક ચિઠ્ઠી લખી કહાડી. પાછલા પહોરને વખતે તેણે પોતાના એક દાસને બોલાવી, પેલી લખેલી ચિઠ્ઠી આપી, એમાં કેટલીક અગત્યની સૂચનાઓ હતી અને તે નવાબની બેગમપર લખી હતી. તે ચિઠ્ઠીનું ઉત્તર ઘણું જલદી એ જ જગાએ અથવા રાત્રિના શહેરમાં મળે તેમ સૂચવેલું હતું.

સંધ્યાકાળ થવાનો સમય આવ્યેા. શેઠાણી પોતાની ગાડી જોડાવીને શહેરમાં જવા તૈયાર થયાં. પણ તેટલામાં શેઠે નોતરેલા પરોણાઓ આવી પહોંચ્યા. તેમનાં બૈરાંઓએ આ અવિવેકને માટે ઠણકો કરી શેઠાણીને જતાં અટકાવ્યાં. શેઠાણી જાતે થોડાં ઘણાં શરમાળ હતાં, તેથી તેમના બોલવાને માન આપી પાછાં ફર્યાં, પણ તેમને કંઈ પણ ગોઠ્યું નહિ. આજની ઉજાણીને તેઓએ “મોગરાનો બહાર” એ નામ આપ્યું હતું અને જ્યારે મોગરાની ઘણી અછત, ત્યારે શેઠે મહામુશ્કેલીએ તેનો મોટો જથો ભેગો કીધો હતો, જેમાંથી દરેક સ્ત્રી માટે એક સુંદર વેણી ગુંથાવી હતી અને દરેક પુરુષ માટે તેમાંથી એકેક હાર ને છોગું બનાવ્યાં હતાં.

શેઠાણી બંગલામાં પાછાં ફર્યાં તેથી શેઠ આશ્ચર્ય પામ્યા, પણ સૌનો સરખો આગ્રહ ને સૌ એમ જ બોલવા લાગ્યા કે, “ના, નહિ જવાય; તમે જશો તો અમે પણ જતાં રહીશું. ઘરધણીયાણી વગર મીજબાની હોય નહિ. મોગરો પોતાનો બહાર આપે નહિ !” એવું એવું અડપલું જ્યારે શેઠે સાંભળ્યું, ત્યારે તેઓ પણ લાચાર થયા.

દરેક પરાણો આજે મોટા ઉમંગમાં હતો. સૌ બદનપર કીનખાબના કબજા અને ટોપી પહેરી ફક્કડ સહેલાણી લાલાજી બની આસપાસ ફરતા હતા. ચન્ની પૂરી ખીલી રહી હતી. તેમાં આસપાસ; બંગલીમાં દીવાની રોશનાઈ ખૂબ બહાર આપતી હતી. મોટા દીવાનખાનામાં ઘણો સુંદર ગલીચો બીછાવ્યો હતો અને તેની સુન્નેરી કોર ઝળકાટ મારી રહી હતી. ઝુમરો લટકતાં હતાં, તેને પણ સળગાવ્યાં હતાં. દરેક બારીની વચ્ચે એકેક મોટો જેપુરી ચિત્રનો તકતો હતો, જેમાં કેટલાંક શૃંગારનાં ને કેટલાંક રાજારાણીના જનાનાનાં ચિત્રો, ઘણા અચ્છા કલમકસ ચિત્રકારનાં ચિત્રેલાં હતાં. એક બાજુએ બે સુંદર મોર જુદા જુદા સંગેમરમરના ટેબલપર ગોઠવેલા હતા અને ઈરાની વાજિંત્ર, જે ઘણો સુંદર ને મનહર સરેાદ કહાડતું હતું તે પણ એક બાજુએ મૂકેલું હતું. સામસામા મોટા આયના ગોઠવેલા, તેમાં આરપાર જોતાં એમ જ માલુમ પડતું કે, બીજા અંદર વળી કેટલાએ ઓરડા એવી જ રીતે શણગારેલા છે. સઘળી જગ્યાએ સ્વચ્છતા ને સુધડતા હતી; અને સઘળે ઠેકાણે આસપાસ જોતાં મન ઘણું રંજન થતું હતું. વાડીમાંથી ફૂલોના પરાગનો બહેકાટ આવતો, તેથી મગજ તર થઈ જતું. બંગલાની અંદર ને બહાર બંને ઠેકાણે ફૂલાદિની રચના પણ એક નવીન ઢબછબની કરી હતી.

“પ્રિય મણિ !” હરિલાલ, મણિગવરીના ઓરડામાં જઈને, ઘણા ગંભીર પણ પ્રીતિ ભરેલા શબ્દથી, હોઠ સાથે હોઠ મેળવીને બોલ્યોઃ “મને ઘણી ધાસ્તી લાગે છે કે, આજની મોજમઝાનું પરિણામ ઘણું માઠું આવશે. જે રીતે આજનો મેલાવડો કીધો છે, તે રીતે સવાર સુધી કંઈ પણ છૂટકો થશે નહિં; કદાચિત્ બેગમનો પ્રતિઉત્તર અહીં નહિ આવ્યો, તો ખચીત તે શહેરમાં આવશે જ. ત્યાં જો તું ન મળી તો સમયે બેગમ સાહેબા ઘણાં ગુસ્સે થશે અને વળી રાજદ્રોહી ગણાઈશું. આજની મઝામાંથી તું બાતલ થાય તે મને જરાએ પસંદ નથી, તેમ તું અગત્યનું કામ કરે નહિ તે મોટું ભય ભરેલું છે. તારે સૌથી પહેલાં તે કામ કરવું જેઈએ. મારી પ્રસન્નતા કે અપ્રસન્નતાનો વિચાર હમણાં કરવાનો જ નથી. તારે તો શહેરમાં હમણાં જ જવું જોઈયે. તૈયાર થઈને ગુપચૂપ શહેરમાં જા, હું ગમે તે પ્રકારે સહુ ભાઈઓને સમજાવીશ. તારે જઈને સૌથી પહેલાં બેગમ સાહેબાને મળવું અને જે છૂપા શત્રુએ, ગઈ રાત્રિના તને ને મને ચમકાવ્યાં છે અને જે સૂર્યપુરના નાશ માટે મચેલા છે, તેને તેની કૃતિનાં ફળ ચખાડવાને નવાબને જાગૃત કરવો.” “આ૫નું બોલવું મને સર્વ રીતે રુચે છે પ્રિય!” મણિ બોલી, “પરંતુ એમ હું શી રીતે કરી શકીશ ? સહુ મિત્રો તો આપણી આસપાસ વીંટાઈ વળ્યા છે, સર્વે રંગમાં મચેલા છે; મને ઉત્સાહમાં સામેલ થવાને વારંવાર વિનવે છે. તેમને મૂકીને જઈ શકાય એમ બનવું અશક્ય છે. મારો વિચાર તો ક્યારનો એમાં જ મચી રહ્યો છે. મને ચટપટી પણ એ જ થયા કરે છે કે કેમ કરવું. એક બાજુએ આગ ને બીજી બાજુએ દરિયો. બંને પાસથી સંકડામણ છે. સહુને તરછોડવા એ જાણી જોઈને રંગમાં ભંગ કરવા બરાબર છે. શહેરપર આવનારું સંકટ ન દૂર કરાય તો મૃત્યુ જ છે. કોઈને વાતનો સણસારો પણ કરાય તેમ નથી. જો ભેાજન સમય જલદી થાય તો ગમે તે મિષ કહાડીને સટકી જવાને ચૂકીશ નહિ. માત્ર વિલંબ તેનો જ છે.”

“ત્યારે ઉતાવળ કર અને સહુ મિત્રોને માટે ભોજનની તૈયારી કરાવ;” કંઈક ઉચાટ મનથી હરિલાલ બોલ્યો. “મને કંઈ સમજ પડતી નથી કે હવે શું થશે ? ઘણી વેળાએ આપત્તિ આવેલી છે, અને તેમાં ગભરાયો છું, પરંતુ આજના જેવો ઉચાટ, ઉદાસી ને ગભરાટ કવચિત્ થયાં હશે. તારે તો હવે અહીંઅાંથી ચાલ્યા જવું જ જોઈએ અને બેગમને મળીને શહેરનું રક્ષણ થાય તેવા ઉપાય લેવા તેને સુચવવું. જ્યાં સુધી એ સંબંધી કંઈ થશે નહિ, ત્યાં સુધી મને શાંતિ વળનાર નથી. આજની ધામધૂમથી મારી વૃત્તિ ઘણી ખરાબ થઈ ગઈ છે. સર્વ કોઈ પૂર્ણ આનંદમાં મહાલે છે, પણ મને સર્વ સ્થળે ગમગીની ને ભય જ માલમ પડે છે.”

“પ્રિયે, બેફીકર રહો !” કંઈ ઉત્સાહ ઉમંગથી મણિએ પોતાનું વેણ કહાડ્યું, “હું કાઈ પણ તાલમેલથી હમણાં જ અહીંઅાંથી ચાલી જઈશ.પણ મારી ગેરહાજરીની ખામી તમે આ મેલાવડામાં પડવા દેતા નહિ. બનતા યત્ને કામ સિદ્ધ કરીશ અને તુરકડાને હાથે મરાઠાનો ઘાણ કહડાવીશ.”

આ પ્રમાણે ખાત્રી થયા પછી હરિલાલ પોતાના ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો, પણ તેટલામાં તો “હરિલાલ ક્યાં છે, મણિગવરી કયાં ગયાં;” એમ પરોણઓએ બૂમાબૂમ કરી મૂકી. આસપાસ મોટી શોધાશોધ ચાલી રહી, ને જેવા હરિલાલ શેઠ બહાર નીકળ્યા કે સહુએ તેની મજાક બનાવવા માંડી. “ભાઈ ! વહુ તો તમને જ છે કે ઘડી ચાલે જ નહિ !” “અમે કંઈ ઝઘાતીયા નથી જો!” એમ એકે કહ્યું. “અરે તમે ન જાણો, એ ધણીધણિયાણી કંઈ કાચાં નથી, પહોંચેલ બુટ્ટી છે; સારસનું જોડું છે ! ઘડીય ન ચાલે ! જૂદાં પડે તો ઝુરાઈ જાય !” એમ બીજાએ ટોણો માર્યો. “હશે, જવા દો એ વાત, બળ્યું તમે તે શું એમની મજાક બનાવો છો ! લગાર મન હીઝરાતું હશે તેથી મીઠી મીઠી વાતચીત કરી આવ્યાં હશે;” એમ એક કન્યારાશિ લહેરખીબાઈએ મચકો કરીને હોઠ ફફડાવ્યા, પણ પછી ધીમેસથી હરિલાલ તરફ ફરીને બોલ્યો કે, “હવે તો અમને બધાને મોજ કરાવો, નહિ તો સહુ ચાલ્યાં જઈશું જો ભાઈ !”

“તમે સૌ કહો છો તે સત્ય છે;” તે યુવાને કહ્યું.“મારા જવાથી તમે સૌને જુદાં જુદાં અનુમાનો કરવાનો સમય મળ્યો એ બહુ ઠીક થયું.” પોતાના મનમાં જે વિચાર ઘોળાતા હતા તે વિચાર માટે આ મોજી જુવાનો કંઈ જ જાણતા નથી ને ઘણા બેદરકાર છે તે ઉપર મૂછમાં હસીને તેણે વધાર્‌યું; “મેં જાણી જોઈને એ તક તમારા હાથમાં આપી છે; પણ ખાત્રી રાખજો, કે હું તમારાથી જરાએ દૂર ગયો નથી. તમારા સુખને માટે તથા તમો સૌના સારા ને ઉમંગ માટે મને જેટલી કાળજી છે, તેટલી કાળજી બીજાઓને ભાગ્યે જ હશે, હવે હું તમારી હજુરમાંથી ખસવા પણ માંગતો નથી. જેમ તમે સૌ રાજી થાઓ તેવા પ્રકારે કરીશ.”

“આ તમારી મધુર લાવણ્યતા છે, પ્રિયમિત્ર !” એક દોસ્તે પ્રતિઉત્તર દીધું, “તમારા ઔદાર્ય મનનો, અમારા પ્રત્યેની તમારી પ્રીતિનો આ એક જાગતોજોત દાખલો છે અને તે માટે આ સૌ તમારો ખરા દિલથી ઉપકાર માને છે !” “ઠીક, ઠીક ! હવે તો ઉપકારનાં વહાણ જ ફાટશે ? તમે મારો ઉપકાર માનો છો તો લ્યો, હું તમો ભાઈઓનો પણ બહુ બહુ ઉપકાર માનું છું. વલ્લમ્ ખુલ્લમ્ ! બસ, ધરાયા !” જરા મજાક કરતાં હરિલાલે હસતાં હસતાં કહ્યું, “હવે થોડીવારમાં ભોજનનો સમય થશે; ત્યાં સૌએ સત્વર પધારવું અને એટલો સમય તમો સૌ ઉમંગે આ મારી નાનકડી ઝુંપડીમાં મઝા કરો – તમારા મુબારક કદમથી એ પાવન થશે !”

ભોજનશાળામાં રસોઈયાએ બડી ગડબડ કરી મૂકી હતી. ભાતભાતનાં પકવાન બનાવ્યાં હતાં. આ પ્રસંગે તો બધાનાં નામ લેવાની કંઈ જરૂર નથી, પણ સાદું ને સૌને પસંદ પડે તેવું સ્વાદિષ્ટ ભોજન હતું. પાટલાની હાર એક સરખી, એક સરખાં જળપાત્ર, એક સરખી કેળની પત્રાવળી, એક સરખા રૂપાના વાટકા ને સૌને જોઈયે તે પ્રમાણે વસ્તુઓ ભાણામાં મૂકેલી હતી તેનો દેખાવ ઘણો અચ્છો લાગતો હતો. સૌ જનને કેવા પ્રકારે બેસાડવા, તેની ગોઠવણ મણિગવરીએ ઘણી ફાંકડી કીધી હતી. દરેક સ્ત્રીપુરુષને સજોડે બેસાડ્યાં હતાં; અને સૌ કોઈ થોડાં શરમાય તેને માટે પોતાની જગ્યા પણ પોતાના પ્રિયવલ્લભની સાથે જ ગોઠવેલી હતી. તે સમયમાં આ રીતિ તદ્દન નવીન જ હતી, તોપણ સૌ સમાન હતા, એટલે પુરુષોએ તો કંઈ વાંધો લીધો નહિ, તથાપિ બે ત્રણેક સ્ત્રીઓથી બોલ્યા વગર રહેવાયું નહિ. તેઓ મનમાં બબડી, પરંતુ જ્યારે બીજી સ્ત્રીઓને સ્વપતિની સૉડમાં અડોઅડ ને ટપોટપ બેસતી જોઈ, ત્યારે કટાણે મોઢે તેઓ પણ બેસી ગઈયો. સૌનાં ભાણાં પિરસાઈ રહ્યા પછી, મણિગવરીએ દિવાનખાનામાં જઈને વાજિંત્રોને કુંચી આપી કે તેઓએ મધુરો સુર ક્હાડવા માંડ્યો, “મેરે શાહજાદે આલમ કે લીયે, જંગલ શેહરા બીયાબાના ફીરી,” તે સાંભળતાં સૌ ધીમે ધીમે પગપર થાપ મારવા લાગ્યા. સૌ સ્ત્રી પુરુષોને આજનો દેખાવ ઘણો આનંદિત લાગ્યો, તેટલામાં હરિલાલે મિત્ર પરોણા ઉપર ઇસ્ટમ્બુલી ઉંચુ અત્તર છાંટ્યું કે તેનો બહેકાટ ચોમેર અતિસેં ફેલાઈ ગયો. તુરત મણિગવરી આવી ને પોતાના પાટલા ઉપર બેઠી ને જમવાની વરદી આપી: એ દેખાવ જાણે આજના કાળમાં એક મોટી ભેાજન મંડળીમાં “ટોસ્ટ” લેતા હોય તેવો લાગતો હતો.

તે દેખાવ ખરેખર અતિ રમણીય હતો. જનાનખાનામાં રહેલી સ્ત્રીઓ કરતાં આજે બિરાજેલી સ્ત્રીઓ અતિ સૌંદર્યવાન-કાંતિમાન લાગતી હતી. સ્ત્રીઓના પરવાળા જેવા હોઠ ને મુખ્ખાઇ દાડમના દાણા જેવા દાંત વચેથી જે ઝીણો ઝીણો સ્વર નીકળતો હતો, તે દિવાનખાનામાંના વાજિંત્રને પણ એક કોરે બેસાડે તેવો મધુરો હતો કંઈ પણ કલબલાટ ને ગણગણાટ વગર સૌ મિત્રો ભેાજન લેયાં જતાં હતાં. કોઈ કોઈ તરુણીઓ વિશેષ લજજાશીલ હતી, અને લજ્જા એ આર્ય સ્ત્રીઓનું ખરેખરું ભૂષણ છે. તેઓએ આચ્છા રંગનાં-ઋતુ શિયાળાની હતી તોપણ-વસ્ત્ર સજ્યાં હતાં. સાળુમાં મોં ઢાંક્યું હતું; છતાં તેમાંથી પલકારા મારતી ચકચક્તિ હરિણી જેવી આંખો અતિશય મોહ ઉપજાવતી હતી. વળી હવા પણ નંદન બાગના જેવી હતી, તેથી તાઢમાં વધારો થતો હતો. ખૂબસુરતીમાં શ્રેષ્ઠ તો એ મેલાવડામાં મણિગવરી હતી, પણ બીજીઓ કંઈ એાછી ખૂબસુરત ન હતી. જેએાએ સેાડામાં મોં ઢાંક્યાં હતાં, તેઓએ માત્ર મોં જ ઢાંક્યાં હતાં, પણ પ્રીતિભરેલી આકૃતિમાં સમાયલી મનમોહક શક્તિ, જેઓએ તેનો સંગ્રહ કીધો હતો તે, છૂપાવવાને શક્તિમાન થઈ નહતી. કાંતિમાન, સદ્દગુણોથી ભરેલી, સુકુમાર પણ બાંધાદાર શરીરવાળી, સ્વચ્છતાથી ભરેલી, જાતે શ્રીમંત શેઠાણીઓ, વળી મોજમઝા ને રંગરાગમાં મસ્ત મચેલીઓ, જુવાની મસ્ત પોતાના પ્રિયપતિઓની સોડમાં બેઠેલી, સૌંદર્યતાના ભંડારવાળી, આર્ય પ્રાચીન પોશાકમાં બિરાજતી તરુણીઓનો આ દેખાવ ચિત્રમય નહિ પણ સાક્ષાત્કાર હતો. તે કાળની તે સ્થળની રંભાઓ, આ રંગમેલાવડાનો આ પ્રસંગ જોઈ ધીમે ધીમે મધુરું મધુરું હસતી એકેક ગ્રાસ મોંઢામાં મૂકતી, પણ શરમને લીધે મ્હોં આડું વસ્ત્ર ધરેલું તે ખસેડતી નહિ. તેવામાં ભટજી મહારાજ આવીને દૂધની ધાર પાડતા. “ના ના” ની ઇસારત કરતાં, છતાં ભટજી દૂધ ઝોકાવ્યો જતો – તે જ્યાં સુધી દૂધ છલકાઈ જાય નહિ ત્યાં સુધી; તે વખતે સૌ આશ્ચર્ય પામી મંદમંદ હાસ્ય કરતાં, એ દેખાવ બહુ ચિત્તાકર્ષક લાગતો હતો. પુરુષો પણ થોડા ઘણા શરમાતા – સ્ત્રી જેટલા તો નહિ જ. તેમને સમયને લીધે કંઈ વિવેક મર્યાદા રાખવી પડતી. કોઈ પાસે બેઠેલી પ્રિયાને કંઈ કહેવા જતો, ત્યારે બીજાઓ તેની સામા એકી નજરે જોતા તેથી તે શરમાઈ જતો. પણ અતિ સૌંદર્યવાન જોડાંઓ મોહ ઉપજાવતા હાસ્યથી એકેક પ્રત્યે તીક્ષ્ણ નાજુક આંખથી પલકારા મારતાં, ત્યારે તો સર્વે એક બીજાની શરમ સમૂળી છોડી દેતાં હતાં.

બરાબર એક કલાકે સૌ ભેાજન લઈ ઉઠ્યાં. પાછાં સૌ દિવાનખાનામાં આવ્યાં. વાજિંત્રનો નાદ ચાલુ જ હતો. તેટલામાં હરિલાલે સૌ પુરુષોપર ને મણિગવરીએ સૌ સ્ત્રીઓ પર ગુલાબજળ છાંટ્યું. ઠંડકમાં ઠંડક વધારી ! દેખાવ તો આ સમયનો અતિ સરસ હતો. દીવાની જ્યોતના પ્રકાશથી દીવાનખાનું ઝળહળાં થઈ રહ્યું હતું, ઝુમરનાં લોલકો રંગ બેરંગી ઝળકાટ પાડતાં અને તેના પ્રકાશમાં સ્ત્રીઓના મોતીની માળા, છડા અને બગડીનો પ્રકાશ વિશેષ ઝમક આપતો હતો. એકેકના પ્રતિબિંબથી આખો એારડો ઝળકી રહ્યો હતો. ઈંદ્રસભા તુલ્ય દેખાવ બન્યો હતો. પોશાકની ફક્કડાઈ વળી વિશેષ હતી. દરેક સ્ત્રી પુરુષોની આંખ પ્રેમની કેફમાં તેજ મારતી હતી; ફરફર આવતા પવનથી ઝુમરનાં લોલક હાલતાં ને દીવાનાં કિરણો વધારે પ્રકાશતાં, તેથી આંખો ઝંખવાઈ જતી હતી.

ચાકરોએ આવીને સૌના હાથમાં એ સમયે મેવાની રકાબીઓ ધરી દીધી. ઘણા અચ્છા પ્રકારનો મેવો – જેમાંનો કેટલોક તો નવાબ સાહેબના ત્યાંનો ખાસ આવેલો, તે પણ દરેક રકાબીમાં મૂકેલો હતો. પોતપોતાની રુચિ પ્રમાણે સૌએ તે ખાધો. ચાકરોએ ઓરડામાં ફરી વળી, રકાબી લઈને હાથ ધોવડાવ્યા ને હાથ લુછવાને સ્વચ્છ ધોયલા હાથલુછણા સૌના હાથમાં ધરી દીધા. પછી મુખવાસ આપવામાં આવ્યો. ક્ષણેક રહી પાછા સૌ ઉઠીને ઉભા થયા ને પોતપોતાના મિત્રો જોડે અનેક પ્રકારનાં ગપ્પાંસપ્પાં હાંકવા મંડ્યા.

આ સઘળા વખતમાં હરિલાલને પોતાની સ્ત્રી જોડે, તેમ બીજાઓ જોડે પણ વાત કરવાનો સમય મળ્યો નહોતો. સૌને પોતપોતાના વિચારમાં આનંદ માનતા હાલનમાલન કરતા જોયા, એટલે હરિલાલ મણિગવરી તરફ ગયો, ને થોડીક મિનિટ વાત કરવાને પ્રસંગ સાધ્યો.

“મારી અતિ પ્રિય સલુણી !” હરિલાલે મણિના ગાલ પર ધીમેસથી હાથ ફેરવીને કાનમાં કહ્યું: “તું જરા બાજુએ આવ, સૌને આજે કંઈ કારણસર આપણી વર્તણુકમાં ફેરફાર લાગે છે – તેથી સૌ આપણી હિલચાલ તપાસે છે, ને મારે કંઈ વિશેષ સૂચના કરવી છે. વહાલી ! તું જાણે છે કે આજે તને વિલી મૂકવાને હું કેટલો નારાજ છું, તે છતાં તને જવા દેવાનો કેટલો આગ્રહ કરું છું,”–

“મને માલુમ છે, હું જાણું છું;” મણિએ સંપૂર્ણ પ્રેમના આવેશના શબ્દથી, ધીમેસથી હોઠ હલાવ્યા, “આવો સુખદકાળ કંઈ વારંવાર આવતો નથી પણ નાચાર.”

“તારો ઉપકાર ! પણ જલદી જા, હવે વિલંબ ના કર.” ગાલ ઉપર હાથ લગાડી તેણે કહ્યું, “હું હવે જાઉં”–

આ શબ્દ પૂર્ણ ન થયો, તેટલામાં એક ભયંકર રણસિંગડું વાગ્યું; અને સૌ પરોણા હાંફળાફાંફળા, એ શું થયું તે જોવા વાડીના દરવાજા તરફ દોડ્યા.


ક્રમશઃ


‘શિવાજીની સુરતની લૂંટ’ વિકિસ્રોત પરથી સાભાર લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *