ફિર દેખો યારોં : સંસ્કારવારસો ટેકનોલોજી થકી પ્રસરે કે નાશ પામે?

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

ટેકનોલોજી કોઈની મૂળભૂત માનસિકતાને બદલી શકતી નથી, પણ વિચારવાની પદ્ધતિમાં, સમજણમાં પરિવર્તન અવશ્ય લાવી શકે છે. એક સમય હતો કે બાળસાહિત્ય તેમ જ કિશોરસાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માહિતી અને મનોરંજનની સાથેસાથે સંસ્કાર ઘડતરનો હતો. આ અવસ્થાઓ એવી છે કે તે દરમિયાન હજી સમજણનું વિશ્વ ધીમેધીમે ઉઘડી રહ્યું હોય અને જિજ્ઞાસા તેમ જ વિસ્મય પારાવાર પ્રમાણમાં હોય. તેને સુયોગ્ય દિશાએ વાળવામાં આવે તો ખરા અર્થમાં બાળકો અને કિશોરોને દિશાસૂચન મળી રહે. વીસમી સદીમાં આ પ્રયત્ન ખરેખરા અર્થમાં કરવામાં આવ્યો. આ સદી એવી હતી કે અન્ય તમામ ક્ષેત્રોની જેમ મુદ્રણ ક્ષેત્રે નવિન ટેકનોલોજીના આવિષ્કાર થઈ રહ્યા હતા અને તેમાં વધુ ને વધુ આધુનિકતા આવતી જતી હતી. પરિણામે સામયિકો તેમ જ પુસ્તકો દ્વારા બાળસાહિત્ય અને કિશોરસાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરવા માટે અનેકોએ કમર કસી. આમાંના એક હતા બી.નાગી રેડ્ડી, જેઓ અનેક સફળ તેલુગુ અને હિન્દી ફિલ્મોના નિર્માતા તરીકે ફિલ્મઉદ્યોગમાં આદરણીય સ્થાન ધરાવે છે. નિર્માતા બનતાં અગાઉ તેમણે પોતાના મિત્ર ચક્રપાણિ સાથે મળીને એક અનોખું સાહસ આરંભ્યું. બાળકોમાં મૂલ્ય અને સંસ્કારનું સિંચન થઈ શકે તેમજ તેઓ દેશના સાંસ્કૃતિક વારસાથી પરિચીત થઈ શકે એ હેતુથી 1947માં એક માસિકનું પ્રકાશન તેમણે શરૂ કર્યું. તેલુગુ અને તમિલમાં શરૂ થયેલું આ સામયિક નવ વરસના ગાળામાં કન્નડ, હિંદી, મરાઠી, મલયાલમ, ગુજરાતી, ઊડીયા, સીંધી ભાષામાં પ્રકાશિત થવા લાગ્યું. પછીના વરસોમાં તે બંગાળી, પંજાબી, આસામી, સિંહાલી, સંસ્કૃત જેવી ભાષાઓમાં શરૂ થયું. આ માસિકની વિશેષતા હતી તેમાં વાર્તાની સાથે મૂકાતાં ચિત્રો. એમ.ટી.વી.આચાર્ય, ટી. વીર રાઘવન, કેશવરાવ, એમ. ગોખલે, કે.સી.શિવશંકરન જેવા ચિત્રકારોએ દોરેલાં રંગીન ચિત્રો આ માસિકના પાનેપાને હાજરી પૂરાવતાં. અલગથી આવતી ચિત્રવાર્તા તો ખરી જ. પાંચ પાંચ દાયકા સુધી આ માસિકની ચડતી કળા રહી. બી.નાગી રેડ્ડીની હયાતિમાં જ તેમના પુત્ર બી.વિશ્વનાથ રેડ્ડીએ આ પ્રકાશનનું સુકાન સંભાળ્યું.

આ સામયિકની બદલાયેલી માલિકી અને તેને પગલે થયેલી તેની દશા અંગે આ કટારમાં ગયા વર્ષના જુલાઈ માસમાં વિગતે લખવામાં આવ્યું હતું. સંદર્ભ ખાતર તેની પર એક ઝડપી નજર કરી લઈએ. 1999માં આ કંપનીનું રૂપાંતર પબ્લિક લિમિટેડ કંપનીમાં કરવામાં આવ્યું, જેમાં મોર્ગન સ્ટેનલીનો હિસ્સો ઘણો મોટો હતો. ત્યાર પછી 2007 માં ‘જિયોડેસિક ઈન્‍ફર્મેશન સિસ્ટમ્સ’ દ્વારા ‘ચાંદામામા’ની માલિકી બદલાઈ. 2008 માં અમિતાભ બચ્ચનના હસ્તે આ માસિકની સાઠમી જયંતિ નિમિત્તે તેનો વિશેષાંક ખુલ્લો મૂકાયો. 2013થી ‘ચાંદામામા’નું પ્રકાશન કોઈ પણ જાતની જાણ કર્યા વિના સ્થગિત કરી દેવામાં આવ્યું. આ માસિકની અધિકૃત વેબસાઈટ પર હવે પોતે સુધારણા કરી રહ્યા હોવાની નોંધ લખી દેવામાં આવી. અને 2016માં આ વેબસાઈટની અવધિ પણ સમાપ્ત થઈ ગઈ. દરમિયાન 2014 થી આ કંપનીની માલમત્તાનો કબજો મુંબઈ વડી અદાલતે લઈ લીધો. ‘ચાંદામામા’ના તમામ જૂના અંકો કોથળાઓમાં બાંધી દેવામાં આવ્યા. હવે આ મહિનાની 11મી તારીખે મુંબઈની વડી અદાલતે ‘ચાંદામામા’ના બૌદ્ધિક સંપદા અધિકારો (ઈન્‍ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટિ રાઈટ્સ)ના વેચાણનો હુકમ ફરમાવ્યો. આ અધિકારો ‘જિયોડેસિક’ પાસે હતા. ન્યાયમૂર્તિ એસ.જે.કાથાવાલા દ્વારા જારી કરાયેલા આ હુકમમાં જણાવાયું છે કે ‘જિયોડેસિક’ના અધિકારીઓએ અદાલત સમક્ષ હાજર થઈને ‘જિયોડેસિક’ની પેટાકંપનીઓ સહિતની તમામ વાસ્તવિક તેમ જ અમૂર્ત સંપત્તિની માલિકી અને વેચાણ માટે ‘બિનશરતી મંજૂરી’ આપી છે. આ કંપનીના અધિકારીઓ પર બધું મળીને 812 કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આક્ષેપ છે. કંપનીની મિલકતોની સાથોસાથ કોથળામાં પૂરાયેલા ‘ચાંદામામા’ના અંકોનું શું થશે એ સવાલ છે. એક અહેવાલ મુજબ માત્ર ‘ચાંદામામા’નું મૂલ્ય પચીસ કરોડ આંકવામાં આવ્યું છે. તદુપરાંત આ કંપનીના ડાયરેક્ટરોની સોળ કરોડની મિલકતને ટાંચમાં લેવામાં આવી છે.

સંસ્કૃતિ અને સંસ્કારઘડતર બાબતે આપણે વધુ પડતા લાગણીશીલ છીએ. ‘ચાંદામામા’ એક સમયે પૂર્ણ કળાએ ખીલેલું હતું અને તેર તેર ભાષાઓમાં પ્રકાશિત થતું હતું. તેની સરખામણીએ ગુજરાતનાં શિષ્ટ અને સંસ્કારી ગણાતાં સામયિકોના વેચાણનો આંકડો કદી એક હદથી ઉપર ગયો નથી. આર્થિક ભીંસ તેમના અસ્તિત્વની અનિવાર્ય ઓળખ બની રહી હતી. ટકી રહેવાના નાણાં માટે પણ તેણે કાયમ ટહેલ નાખવી પડતી હતી. આ સ્થિતિમાં લેખન પર નભનારા લેખકોને મહેનતાણું આપી શકાય એવી સ્થિતિ કદી ઉભી થઈ જ નહીં. લેખકોને હંમેશા પુરસ્કાર જ અપાય, અને એ પણ ફૂલને બદલે ફૂલની પાંખડી જેટલો જ અપાય એવી માનસિકતા ઊભી થઈ. આ માનસિકતાનાં મૂળ એટલાં ઊંડાં છે કે લાખોના ખર્ચે યોજાતા ઝાકઝમાળભર્યા કાર્યક્રમોમાં પણ સામાન્ય રીતે લેખકને ભાગે મોટે ભાગે ફૂલની પાંખડી જ આવતી રહી છે. સંસ્કારની વાત કર્યે રાખવી અફીણના નશા જેવી સ્થિતિ છે. તેના જતન માટે ખરેખર કશું કરી છૂટવું અલગ બાબત છે. સંસ્કાર અને સંસ્કૃતિ વિશેનો આપણો ખ્યાલ એટલો બધો અસ્પષ્ટ છે કે કોઈ પણ નવિન બાબતનો આવિષ્કાર આપણને આરંભે સંસ્કૃતિ કે સંસ્કાર પરનો હુમલો જ લાગે. નવિન ટેકનોલોજીથી સંસ્કૃતિ નષ્ટ થવાની હોય તો એ દરેક યુગમાં થતી જ આવી છે એમ માનવું રહ્યું. હવે તો સંસ્કૃતિગૌરવ રાજકીય મુદ્દો પણ બની ગઈ છે, જેને કારણે સંસ્કૃતિને નવેસરથી વ્યાખ્યાયિત કરવી પડે એવી સ્થિતિ આવી ગઈ છે. સંસ્કૃતિ રાજકીય મુદ્દો બને એટલે તે ક્યારે કટ્ટરતાનું સ્વરૂપ લઈ લે એ ખબર પડતી નથી. આપણે સ્વતંત્ર વિચાર ધરાવતા નાગરિક બની રહેવું કે કોઈ રાજકીય પક્ષના અવેતન કાર્યકર બનવું એ આપણી પર નિર્ભર છે. ‘ચાંદામામા’ બંધ પડ્યું એ બદલ કંપનીનાં આર્થિક કારણો જવાબદાર હશે, પણ મરવાના વાંકે જીવતાં રહીને સંસ્કૃતિનો ઝંડો લહેરાવતાં આપણાં ગુજરાતી સામયિકોએ હવે અંત:દર્શન કરીને સંસ્કૃતિને નવા રંગેરૂપે, ટેકનોલોજીની સાથે તાલ મિલાવતા રહીને તેને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા અંગે વિચારવું રહ્યું.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૪-૧-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *