સ્મરણશક્તિ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

જીવંત હસ્તીઓમાં એક ખૂબી એ છે કે તેઓ એક એવું અવયવ ધરાવે છે જે ભલે કદમાં નાનું છે પણ તેનું કાર્ય અનન્ય છે. તે છે મસ્તિષ્કમાં રહેલ મગજ.

આમ તો દરેક જીવંત પ્રાણી પાસે આ હોય છે પણ પશુ, પક્ષી કરતાં મનુષ્યનું મગજ એક જુદા જ પ્રકારનું છે-તેના કાર્યને કારણે. પશુ, પક્ષીઓ પણ ઓછા વત્તા અંશે સ્મરણશક્તિ ધરાવે છે પણ તે મનુષ્યોની શક્તિથી વેગળી છે એમ કહી શકાય. પશુ, પક્ષી પોતાના જીવન માટે આ શક્તિનો જરૂરી ઉપયોગ કરે છે પણ તેમાય અમુકની શક્તિ આપણને આશ્ચર્ય પમાડે તેવી હોય છે. જેમ કે કૂતરો પોતાના માલિકને કે તેને પરિચિત માલિકના મહેમાનોને બરાબર ઓળખે છે અને તેને પોતાનું વહાલ દર્શાવે છે. જ્યારે અજાણ્યાને જોઇને તે ભસવા લાગે છે.

તે જ રીતે બિલાડી માટે કહેવાય છે કે તેને જંગલમાં મૂકી આવો તો પણ તે ગમે તેમ કરી માલિકના ઘરનો રસ્તો શોધી પાછી આવે છે.

અન્ય પશુઓમાં પણ સ્મરણશક્તિ જોવા મળે છે માટે તો મનુષ્ય તેમને પાલતું પ્રાણી તરીકે રાખી પોતાના ઉપયોગમાં લે છે – જેમ કે સરકસમાં.

મનુષ્ય જાતની વાત કરીએ તો જન્મ સાથે જ શિશુ થોડે અંશે સ્મરણશક્તિ ધરાવવાનું શરૂ કરે છે. કારણ તેનું મગજ હજી પૂર્ણ રીતે વિકસિત નથી થયું હોતું. શરૂઆતમાં તે પોતાની આજુબાજુના લોકોને નિયમિત જોઈ જોઇને તેમના ચહેરા અને હાવભાવને યાદ રાખે છે અને તે પ્રમાણે પ્રતિસાદ પણ આપે છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેનો વિકાસ થાય છે અને સાથે સાથે મગજ અને સ્મરણશક્તિનો પણ વિકાસ થતો રહે છે. હવે તે વધુ અને વધુ વ્યક્તિઓ અને ચીજોને ઓળખી શકે છે.

ઉંમર વધતાં મગજનો પણ વિકાસ થાય છે અને તે સાથે વધતી જતી સ્મરણશક્તિ બાળકને વધુને વધુ માહિતીઓ સ્મરણમાં રાખવામાં મદદ કરે છે. જ્યારે તેના ભણતરનો સમય શરૂ થાય છે ત્યારે તેનાં મગજનો વિકાસ પણ ઝડપી હોય છે તેમ જ તેની ક્ષમતા પણ વધતી જાય છે. જો કે આ શક્તિ અને ક્ષમતા દરેક બાળકમાં એક સરખી નથી હોતી. કોઈક વધુ તેજ હોય છે તો કોઇક સામાન્ય હોય છે.

એવો પણ એક પ્રકાર હોય છે જે કશું પણ યાદ રાખી નથી શકતો અને તેનું જીવન તેને કારણે અન્યથી નીચા સ્તરનું બની રહે છે. એ રીતે તો એવા પણ બાળકો હોય છે જેનું મગજ તેની ઉમ્મરના પ્રમાણમાં જે રીતે કામ કરવું જોઈએ તે નથી કરતુ હોતું એટલે તે પોતાનાથી નાની ઉંમરના બાળકોની જેમ વર્તે છે. આ પરિસ્થિતિનો એક પ્રકાર AUTISM તરીકે પણ ઓળખાય છે.

હવે એક સમય આવે છે જ્યારે લગભગ દરેકના મગજની કામ કરવાની અને સ્મરણશક્તિની મર્યાદા આવી જાય છે. આને કારણે તેનું મગજ નવું તો જુએ છે અને જાણે છે અને તેને યાદ રાખવાનું કાર્ય પણ કરે છે પણ સીમિત શક્તિને કારણે હવે તે પાછલી વાતો યાદ નથી રાખી શકતો. તેના ભૂતકાળને તે પૂરેપૂરો સ્મરી નથી શકતો. કશુંક યાદ આવે તો પણ તે અધુરૂં હોય અને તે મૂંઝાય જાય છે. કોઈ પ્રકારે તે પૂરી રીતે યાદ કરવાનો પ્રયત્ન કરે પણ તે વખતે તેની બધી મહેનત અસફળ રહે છે. કેટલાક આને કારણે પોતાની યાદદાસ્તને કોસે છે તો અન્ય તે સમયે તે વાત ભૂલી જઈ અન્ય કાર્યમાં વ્યસ્ત થઇ જાય છે કારણ તેને ખબર છે કે ગમે ત્યારે તેને તે વસ્તુનું સ્મરણ થઇ આવશે.

મનુષ્યના એવા પણ પ્રકાર હોય છે જે એક વાર કોઈ ચીજ, કોઈ વ્યક્તિ કે કોઈ નવા સ્થળને જુએ છે તો તે તેને લાંબાગાળા સુધી યાદ રહે છે. જ્યારે એવા કેટલાય હોય છે જેની આવી યાદદાસ્ત નથી હોતી. સામે કોઈ મળે તો જાણીતું છે તેમ લાગે પણ તેનું નામ યાદ ન આવે. વળી તે ક્યાં રહે છે, ક્યા ભેટો થયો હતો તે કશું સ્મરણમાં નથી આવતું. આને કારણે અન્યોની સામે તે શરમિંદુ બની રહે છે, ભલે પછીથી બધું સ્મરણમાં આવે. વયસ્કોમાં આનું પ્રમાણ વધુ હોય છે.

એક રમુજી પ્રસંગ. એક ભાઈને એક મિત્ર મળવા ગયો. બંને વયસ્ક એટલે સ્મરણશક્તિમાં ખામી. યજમાનના શ્રીમતિ રસોડામાં કામ કરે અને યજમાન તેને કોઈને કોઈ કામ માટે બોલાવે ત્યારે તેને ડાર્લિંગ કહીને બૂમ મારે. મહેમાન મિત્રને નવાઈ લાગી કે આ ઉંમરે મારા મિત્રમાં પ્રેમની સરવાણી ફરી ફૂટી નીકળી કે શું? તેનાથી રહેવાયું નહીં અને પૂછી બેઠો કે શું વાત છે? ભાભી પ્રત્યેનો પ્રેમ વધી ગયો કે શું? ડાર્લિંગ ડાર્લિંગ કર્યા કરે છે? જવાબ મળ્યો કે ના રે ના, આ તો હું તેનું નામ ભૂલી ગયો છું એટલે આમ વર્તુ છું.

ઉપર જણાવ્યા જેવા અનેક ટૂચકા વાંચવા અને સાંભળવા મળશે પણ વાસ્તવમાં આવી પરિસ્થિતિને અનુકુળ વર્તાવ બધાં નથી કરી શકતાં અને તેને કારણે તેઓ કફોડી સ્થિતિમાં આવી પડે છે.

વર્તમાન સમયમાં કોમ્પ્યુટરની શોધ પછી મનુષ્યના મગજને તેની સાથે સરખાવવામાં આવે છે. કોમ્પ્યુટરની શોધ થઇ ત્યારે તેની જે ક્ષમતા હતી તે હવે આજની તારીખે નવી નવી શોધખોળને કારણે વિશાળ બનતી રહી છે. જાણે કે બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં આવી ઊભું છે. પણ દરેક યંત્રની ક્ષમતા મનુષ્યના મગજની ક્ષમતાની જેમ જુદી જુદી હોય છે એટલે જ્યારે તે MEMORYની મર્યાદા પૂરી થાય છે ત્યારે તે નવું સ્વીકારતું નથી અને આપણને તેમાંથી ન જરૂરી માહિતી કાઢી નાખવી પડે છે. પરંતુ મનુષ્યમાં આ કુદરતી રીતે થાય છે એટલે કેટલીયે જૂની યાદો અને પ્રસંગો તે ભૂલી જાય છે. વળી મોટી ઉંમરે ભૂલવાની ક્રિયા વધતી જાય છે જેથી કરેલું કામ ફરી કરાય છે. સ્વજનો અને મિત્રોને પણ તે ભૂલી જાય છે, વગેરે. આવા પ્રકારનો રોગ અલ્ઝાઈમર તરીકે પણ ઓળખાય છે.

એમ કહેવાય છે કે જેટલું મગજને કસો તેમ તેમ નવા નવા કોષો ઉત્પન્ન થાય છે જે જરૂર પડે ત્યારે કાર્યરત થાય છે. ઉંમરને કારણે કેટલાક કોષો નબળા પડે છે તો આ અનામત કોષો તેનું સ્થાન લઇ લે છે અને મગજને કાર્યરત રાખે છે અને સ્મરણશક્તિને લંબાવવામાં તે મદદરૂપ થાય છે.

સ્મરણશક્તિ માટે પૌષ્ટિક આહાર ઉપરાંત સદીઓથી રોજ બદામ ખાવાનો ઉપાય સૂચવાય છે પણ ભૂલાતી યાદદાસ્તને બચાવવા, મગજને સ્વસ્થ રાખવા હવે તો મગજને કસે એવી રમતો રમવાની સલાહ પણ અપાય છે. આવી રમતોમાં શબ્દવ્યુહ રચનાઓ ઉકેલવાનું, સુડોકુ જેવી રમતમાં ધ્યાન પરોવવાનું, મોખરે છે. ગણિતના કોયડામાં રસ હોય તો તે પણ કરી શકાય. પણ એટલું જરૂરી છે કે આ બધામાં વધુ પડતી મગજમારી જણાય તો અટકી જવું યોગ્ય છે અને થોડા સમય પછી સ્વસ્થ ચિત્તે તેમાં ધ્યાન આપવું જેથી તમે સહેલાઈથી કાર્ય પાર પાડી શકશો.

હવે તો આ બધું દૈનિક અખબારોમાં પ્રકાશિત થાય છે પણ તેના નિયમિત પુસ્તકો અને સામયિકો પણ પ્રગટ થાય છે.

સ્મરણશક્તિની તકલીફને કારણે કોઈ વસ્તુ યાદ ન રહેતી હોય તો તે સુધારવાનો એક અન્ય ઉપાય છે કે તે ચીજને અન્ય કોઈ એવી ચીજ સાથે જોડો જેથી ભવિષ્યમાં તમે સહેલાઈથી તે યાદ કરી શકો. ઉદાહરણરૂપ કોઈનું નામ વિવેક હોય અને તે યાદ રાખવું હોય તો ‘માન આપો’ તેમ યાદ રાખવું. તેવી જ રીતે કોઈનું નામ રમીલા હોય તો તેને પત્તાની રમત રમી સાથે જોડાશો તો આપોઆપ રમીલા નામ યાદ રહી જશે. કોના નામ સાથે કોને જોડવું તે તમારે નક્કી કરવાનું છે. આમ દરેક ચીજ માટે તમારે તમારી રીતે યાદ રાખવાની યુક્તિ શોધવી રહી જેથી તમે ભૂલવાની બીમારીમાંથી બહાર રહી શકશો.

હવેના મોબાઈલોમાં ન ભૂલાય તે માટે આગોતરા નોંધ કરવાની સગવડ હોય છે. એમ તો કેટલાય એક કાગળ પર પણ નોંધ કરી રાખે છે કે શું કામ કરવાનું છે અને ક્યારે. પણ તે નોંધ જોવાનું યાદ રહેવું જોઈએ ને!


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

1 comment for “સ્મરણશક્તિ

  1. Purvi
    January 30, 2019 at 5:31 am

    Sundar lekh nirubhai

Leave a Reply to Purvi Cancel reply

Your email address will not be published. Required fields are marked *