





– દેવિકા રાહુલ ધ્રુવ.
જાપાનમાં શરુ થયેલી ‘સુડોકુ ‘રમત ખૂબ રસપ્રદ છે. તેના ૧ થી ૯ નંબરવાળા અઘરા કે ‘ચેલેન્જીંગ લેવલ’ પર રમતા ખૂબ જ થાકી જવાય. મગજને અતિશય તસ્દી પડે. ઘણી વખત તો અડધી રમી,રમતને બાજુ પર મૂકી દેવી પડે. પણ એકવાર જો બરાબર બની જાય તો ખૂબ જ આનંદ આવે. આ અનુભવ જેને થાય તેને જ સમજાય. તો આવા અનુભવને આધારે લખાયેલ એક તરોતાજા ગઝલ.
‘સુડોકુ’ના ખાના સમી પડકાર છે આ જીંદગી.
હર ક્ષણ સમયની જાળમાં,ચક્ચાર છે આ જીંદગી.
નિશ્ચિત નંબર લઈને બેઠી છે રમત મેદાનમાં
આવો, પધારો, ખેલ જો, સત્કાર છે આ જીંદગી.
નક્કી જ છે નિર્માણ પળપળ, આદિ હો કે અંત હો.
દિમાગ ને દિલની છતાં, તકરાર છે આ જીંદગી.
અહીં ભેરુ ના કોઈ મળે, કાયા કદી સામે પડે.
નોખી રમત, સંઘર્ષ પણ, દમદાર છે આ જીંદગી.
કુનેહ ને સમજણ જરી જો હોય, તો તો ચાલશે.
આનંદ જીત્યાનો મળે, વટદાર છે આ જીંદગી.
દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન :: ddhruva1948@yahoo.com
સુડોકુ , અને જિંદગી સરખા ! સુડોકુ છોડી શકાય , જિંદગી જેવી મળે તેવી જીવવી રહી .