





– બીરેન કોઠારી
અંગત રીતે મારા પ્રિય સંગીતકારોની યાદીમાં તેમનું નામ ન આવે, પણ હિન્દી ફિલ્મસંગીતમાં તેમનું પ્રદાન સંખ્યાત્મક તેમજ ગુણાત્મક એમ બન્ને રીતે છે એવી જોડી એટલે લક્ષ્મીકાન્ત શાંતારામ કુંડાલકર અને પ્યારેલાલ રામપ્રસાદ શર્માની જોડી, જે ‘લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ’ એટલે કે ‘એલ.પી.’ના નામે ઓળખાય છે. તેમની સંગીત કારકિર્દી 1963માં રજૂઆત પામેલી ‘પારસમણિ’થી આરંભાઈ.
અગાઉ તેઓ કલ્યાણજી-આણંદજીના સહાયક તરીકે કાર્યરત હતા. બન્નેએ બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. ખરેખર તેમના સંગીતની પ્રથમ ફિલ્મ ‘તુમ સે પ્યાર હો ગયા’ (1961) હતી, જે અધૂરી રહી. ત્યાર પછી તેમને ‘છૈલા બાબુ’ ફિલ્મ મળી, જે 1967માં રજૂઆત પામી. આથી ‘પારસમણિ’ તેમની સંપૂર્ણ તેમજ સૌ પ્રથમ રજૂઆત પામેલી ફિલ્મ બની રહી.
(‘પારસમણિ’ની લૉન્ગ પ્લે રેકોર્ડનું કવર)
આ જ વર્ષે રજૂઆત પામેલી સંગીતની દૃષ્ટિએ કેટલીક અન્ય નોંધપાત્ર ફિલ્મો હતી: અકેલી મત જઈયો (સંગીતકાર- મદનમોહન), બંદિની, તેરે ઘર કે સામને અને મેરી સૂરત તેરી આંખે (એસ.ડી.બર્મન), ભરોસા, ગુમરાહ, ઉસ્તાદોં કે ઉસ્તાદ અને યે રાસ્તે હૈં પ્યાર કે (રવિ), બિન બાદલ બરસાત (હેમંતકુમાર), બ્લફ માસ્ટર (કલ્યાણજી-આણંદજી), દિલ એક મંદીર, હમરાહી અને એક દિલ સૌ અફસાને (શંકર-જયકિશન), દિલ હી તો હૈ અને તાજમહલ (રોશન), ગોદાન (પં. રવિશંકર), કિનારે કિનારે અને મુઝે જીને દો (જયદેવ), મેરે મેહબૂબ (નૌશાદ), ફિર વોહી દિલ લાયા હૂં (ઓ.પી.નય્યર), રુસ્તમ સોહરાબ (સજ્જાદ હુસેન), સેહરા (રામલાલ), શિકારી (જી.એસ.કોહલી) તેમજ એલ.-પી.ના જ સંગીતવાળી ‘હરિશ્ચંદ્ર તારામતી’.
આ યાદીની એકે એક ફિલ્મોનાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. આમ છતાં, આવા ધુરંધરોની વચ્ચે ‘પારસમણિ’ના સંગીતે ધ્યાન આકર્ષ્યું અને આ નવી જોડીની નોંધ લેવાઈ.
(લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સાથે મહંમદ રફી)
બચુભાઈ મિસ્ત્રી અને પંડિત મધુર નિર્મીત તેમ જ બાબુભાઈ મિસ્ત્રી નિર્દેશીત ‘પારસમણિ’માં કુલ છ ગીતો હતાં. ‘ઉઈ માં ઉઈ માં યે ક્યા હો ગયા‘ (લતા મંગેશકર અને સાથી/ગીતકાર:ફારૂક કૈસર), ‘રોશન તુમ્હી સે દુનિયા‘(મ.રફી/ઈન્દીવર), ‘ચોરી ચોરી જો તુમ સે મિલી‘ (લતા અને મુકેશ/ફારૂક કૈસર), ‘વો જબ યાદ આયે‘ (રફી/અસદ ભોપાલી), ‘હંસતા હૂઆ નૂરાની ચેહરા‘ (લતા અને કમલ બારોટ/અસદ) તેમજ ‘મેરે દિલ મેં, હલ્કી સી, જો ખલિશ હૈ’ (લતા/અસદ).
(ડાબેથી: લતા મંગેશકર અને કમલ બારોટ)
આગળ જતાં જે ગીતકાર સાથે તેમની સુપરહીટ જોડી બની એ આનંદ બક્ષીનું એક પણ ગીત આ ફિલ્મમાં નહોતું. અસદ ભોપાલી, ફારુક કૈસર તેમજ ઈન્દીવરે આ ગીતો લખ્યાં હતાં.
(પારસમણિના ગીતકારો: ફારૂક કૈસર, અસદ ભોપાલી અને ઈન્દીવર)
‘પારસમણિ’ના ટાઈટલ મ્યુઝીક માટે ‘મેરે દિલ મેં, હલ્કી સી…’ની ધૂનની પસંદગી કેમ કરવામાં આવી હશે એ ખબર નથી. કદાચ તેની દ્રુત ગતિને કારણે હોઈ શકે. જો કે, એવી ગતિ તો ‘ઉઈ માં ઉઈ માં’ તેમજ ‘હસતા હુઆ નૂરાની ચેહરા’માં પણ હતી. કોણ જાણે કેમ, ટાઈટલ ટ્રેક સાંભળતાં અનાયાસે શંકર-જયકિશન અને દત્તારામની શૈલીની યાદ આવતી રહે છે.
વાયોલિનવૃંદથી થતા આરંભ પછી ગીતના શબ્દોની ધૂન પણ તેના જ સહારે આગળ વધે છે ત્યારે તાલ દત્તારામની શૈલીની યાદ અપાવે છે. વચ્ચે વચ્ચે આવતા મુખડાના શબ્દો પછી વગાડાતા ફ્લૂટના ટુકડા બહુ સરસ લાગે છે, જે મૂળ ગીતમાં પણ છે. ઈન્ટરલ્યુડમાં 0.44 પર એકોર્ડિયનની પણ ઝલક સંભળાય છે, અને ત્યાર પછી શરૂ થતા શબ્દોની ધૂન વાયોલિનવૃંદને બદલે એક જ વાયોલિન પર વગાડેલી હોવાથી સરસ અસર ઉભી થાય છે.
સાવ છેલ્લે 1.48 થી શરૂ થતા સેક્સોફોનથી વધુ એક વૈવિધ્ય ઉમેરાય છે, જે છેક સુધી ચાલુ રહે છે. આ ટ્રેકનો અંત પણ એકદમ યોગ્ય રીતે આવે છે.
અહીં આપેલી લીન્ક પર ‘પારસમણિ’નું ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.
કેવળ નોંધ ખાતર એટલી માહિતી કે આ નામની બીજી બે ફિલ્મો બની હતી,જેમાંની એકનું નામ ‘ભક્ત પૂરણ’ યાનિ ‘પારસમણિ’(1952) હતું, જ્યારે બીજી ફિલ્મ 1992માં રજૂઆત પામી હતી.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
1)અહીં શંકર-જયકિશનની અને દત્તારામની છાંટ વર્તાયા કરે છે.
અને
2) અંગત રીતે પ્રિય ન હોવા છતાં આ લોકોનું સંખ્યાત્મક/ગુણાત્મક પ્રદાન અવગણી ન શકાય.
તમારાં આ બંને વિધાનો સાથે મોટા ભાગના વાચકો શતપ્રતિશત સંમત થશે.
આભાર, પિયૂષભાઈ.
Aap he No no vaat karo cho re shun hoy?