જયા-જયંત : અંક ૧ : પ્રવેશ ત્રીજો

Facebooktwitterredditpinterestlinkedinmail

ન્હાનાલાલ દલપતરામ કવિ

પાત્રપરિચય

સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી.

કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા.

મુખ્ય પાત્રો :

દેવર્ષિ : દેવોના ઋષિરાજ.

ગિરિરાજ : ગિરિદેશના રાજવી.

જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર.

કાશિરાજ : વારાણસીના રાજવી.

વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.

તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.

પારધી : પશુત નો શિકારી.

રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.

જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.

તેજબા : તીર્થગોરની બહેન.

શેવતી : તીર્થગોરની બ્રહ્મકન્યા.

નૃત્યદાસી : એક દાસી.

-૦-

                                   અંક ૧
                               પ્રવેશ ત્રીજો

               સ્થલકાલ:રાજમહેલની અગાસી ને ચોક


જયા: (અગાસીની પાળ અઢેળી વિચારમગ્ન)
જીંદગી એટલે શું ?
અન્ધારૂં કે અજવાળું ? સુખ કે પુણ્ય ?
ઓ જીંદગીના જાણકાર ! કહો :
જીંદગી એટલે રાત્રી કે દિવસ ?
નિવૃત્તિ કે પ્રવૃત્તિ ? વસંત કે ગ્રીષ્મ ?
આજ જન્મતિથિ છે મ્હારી;
પૃથ્વી ફરી રહી વીશ પ્રદક્ષિણાઓ સૂર્યની.
પૂછું હું ત્હમને પાલવ ઢાળી,
ઉત્તર આપો, ઓ ગેબના ગુંબજ !
જીંદગી એટલે શ્રેય કે પ્રેય?
(વળી વિચારમાં પડે છે.)
તે દિવસે હિમગંગા ઉતરી.
દેવગિરિનું શિખર ડોલ્યું.
ગગનના સ્તંભ સમોવડ
દેવદારુના વૃક્ષરાજ પાડ્યાં ઉખાડ્યાં;
વનેવન ખીણેખીણ ને ગુફાગુફામાં,
મેઘદુંદુભીના મહાશબ્દ સરિખડી
ધ્વનિ અને પ્રતિધ્વનિની ગર્જન પરંપરા
ગજાવી જગતને જગાડ્યું.
અમૃતના હાથે ઉગારી લીધી કુમારે
એ વમળધોધના મૃત્યુમુખમાંથી મ્હને.
જગત્‌વાસીનું જીવન એટલે
હિમગંગાના મહાપટમાં રમવું
(વળી વિચારે છે.)
દેવર્ષિજીએ દાખવ્યું છે કે
સાધુઓને તો શ્રેય તે પ્રેય,
ને પ્રેય તે જ પરમ શ્રેય:
પુણ્ય તે જ નિત્યસુખ,
ને સુખ તે જ સદ્ધર્મ.
દેહ ને દેહી ઉભયને ઉદ્વારે
એ જ યોગીરાજ જીવનમુક્ત.
કલોદધિના તરંગો ઉપર
જીંદગી એટલે કલ્યાણયાત્રા.


                          (રાજકુમારીના શણગાર સજી ચોકમાં નૃત્યદાસી આવી છે.)


નૃત્યદાસી : કાલ કોણે દીઠી છે?
સાચો છે આજનો જ મહિમા.
આથમે છે તે ઉગવાને માટે?
આથમેલાં કેટકેટલાં ઉગ્યાં!
ઉગવાં હોય તો આથમે કેમ?
તપે છે એટલાં જ અજવાળાં.
અરેરે ! એટલા રસખેલ કાજે
દીક્ષાભ્રષ્ટ કીધા મ્હારા યોગીન્દ્રને.-
આજે જન્મોત્સવ છે જયાબાનો.
ઉતાર્યા શોભાના રાજશણગાર,
ને શણગારી દાસીઓની દેહને.
ઓઢ્યો ઓઇતે યોગનો અંચળો,
ને જગાવી એકજ્યોત યોગજ્વાળા.
એવાં આવ્યાંના અનાદર
ને આશાનાં અવલમ્બન,
એ તે કિયા ભવનાં આળપંપાળ?


જયા : કોણ છે એ ? ચોકમાં ? નૃત્યદાસી ?
દાસી જ છે રાજકુમારીના વેશમાં.
ભૂલે છે, સ્વપ્નામાં બોલે છે તું.
માયાવી છે એ વચનો,
ત્હારાં વસ્ત્રો જેવા જૂઠડાં.


                             (ચોકમાં ઉતરે છે.)


નૃત્યદાસી : સ્હવાર બપોર ને સ્હાંજ
પ્રકાશ પ્રગટે, ને પીવાય નહીં !
આ રંગરંગીલા રણવાસ !
શા વૈભવ ને શા વિલાસ !
યૌવન ને સૌંદર્યનો સાગરસંગમ;
મંહી ઉડે છે – અપ્સરાઓ સમોવડાં-
યુવતિઓનાં ચન્દનહોડલાં.
શા ઝંઝાનિલ વાય છે ઉદ્દીપનના !
ઈન્દ્રચાપની ચૂંટી છે રસકલગી સહુએ.
શી ભરતીઓ ઉછળે છે અભિલાશની ?
(જોગીરાજનો અંચળો ઓઢેલ જયા કુમારી ચોકમાં પધારે છે.)
વસવાં વિહારના પરમ ઉપવનમાં
ને આણ મૂકવી ‘સુગન્ધ ન લેશો!’
રાજમહેલની મદમોહિનીમાં જીવવાં,
ને ભાખવું ‘ન ભોગવશો એ મોહસ્વપ્નાં!’
ચન્દ્રભવન સમા જ્યોત્સ્નારંગી પ્રાસાદ
કેમ કરાય ગુફા સમા યોગાશ્રમ?


જયા : દાસી ! શી માંડી છે આત્મપરીક્ષા ?
જગતના મહેલોમાં નથી તુજ સરિખડી
સહુ યે વેશધારી રાજકુમારિકાઓ.
સૌન્દર્ય શોભે છે શીલથી,
ને યૌવન શોભે છે સંયમ વડે;
ને રાજમહેલના ગોખ છે ઉજ્જવળા
મહેલવાસીઓનાં પ્રભાનિર્મળ પુણ્યાચરણથી.
ઉરમાંથી જાળું કહાડી તું
કાં બન્ધાય છે પંડે જ ત્હેમાં કરોળિયો?


નૃત્યદાસી : જયાબા ! અન્ધકાર જીત્યા જાણ્યા ?


જયા : અન્ધકારનાં દળવાદળ અઘોર છે,
પણ પ્રભાકરની પ્રભા ત્હેમને ફેડે.
દાસી ! પાપથી પુણ્ય બળવન્તાં, હો!
અમારા ઉત્તરાખંડમાં તો
છ માસની રાત્રિ, છ માસનો દિવસ;
પખવાડિયાની તો ઉષા ઉગે.
પીધાં હોય એ બ્રહ્મઉષાનાં અમૃત,
અજબ પ્રકાશવન્તાં પ્રભુના પ્રભાત,
ત્હેમને અન્ધકાર જીતવા અધરા નથી.


નૃત્યદાસી : હિમગંગા પડી તે રાત્રીએ
યોગીન્દ્રને દીક્ષાભ્રષ્ટ કીધા.-


જયા : તું દીનભાગી જ છે, દાસી !
યોગાશ્રમ યોગ કાજે છે ?
કે અપ્સરાઓ નચાવવાને ?
અ રે રે! કેટકેટલા યોગીઓને ઉથાપ્યા
યોગીઓની એ યોગસિદ્ધિઓએ?


નૃત્યદાસી : સ્વર્ગમાં ક્ય્હાં નથી નાચતી
એ અપ્સરાઓ જે?


જયા : ત્હારા સ્વર્ગ કરતાં યે ઉન્ન્ત છે
ગિરિદેશના આમ યોગાશ્રમો.
બ્રહ્માધામનાં આ તો છે બારણાં.
દાસી ! તું શું લેઈશ ?
સુખ કે શાન્તિ ?


નૃત્યદાસી : સુખ, જયબા !


જયા : શાન્તિ દાસી ! ભૂલી
શું લેઈશ ! આત્મા કે દેહ ?


નૃત્યદાસી : દેહ, જયાબા !


જયા : આત્મા, દાસી ! ભૂલી.
દેહ નશ્વર છે, આત્મા અમ્મર છે.


નૃત્યદાસી : આત્માને માણવાની છે અનન્તતા,
દેહને માણવાની છે અવધો.
આત્મા અમ્મર છે, જયાબા !
માટે જ પછી:
દેહ નશ્વર છે, જયાબા?
માટે જ પહેલો.
મૃત્યુ પછી ક્ય્હાંથી માણીશું દેહને?


જયા : રાજકુમારીના શણગાર સજ્યે જ
ન થવાય રાજકુમારી.
રાજહૃદયની કુમારિકા
એ જ છે જગતમાં રાજકુમારી.
ત્યાગજે આજથી ગિરિરાજના રાજભવન.
મ્હારા તો રાજમહેલો યે છે
યોગના આશ્રમ સરિખડા.
જા; મા અભડાવતી દેવગિરિને
ત્હારા શ્વાસોશ્વાસથી યે.


નૃત્યદાસી : પૃથ્વી વિશાળ પાથરે છે પટ પોતાનો,
રાજકુમારી ! ત્હમારે ને મ્હારે કાજ.


                                     (નૃત્યદાસી ખીણોમાં ઉતરે છે. જયા કુમારી વળી વિચારવમળે ચ્હડે છે.)


જયા : જીંદગી એટલે શું ?

                                                                              – ૦-

( ક્રમશ: )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *