





– મૌલિકા દેરાસરી
કિશોર કુમારના ગીતોની સફર કરી રહ્યાં છીએ આપણે. સફરમાં એમના અનેક હમસફર રહ્યાં. એમાંના એક હમસફર એટલે ઇકોનોમિકસમાં માસ્ટર ડિગ્રી અને પછી એમ.એ વિથ જર્નાલિઝમ સાથે ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે પદાર્પણ કરનાર ચિત્રગુપ્ત. કિશોરકુમાર જેમને “મહારાજ” કહીને બોલાવતા એ ચિત્રગુપ્તનાં સંગીત નિર્દેશનમાં કિશોરદાએ ગાયેલાં ગીતોની આજે કરીશું સફર.
હમારી શાન – ૧૯૫૧માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઘણાં ગાયકોએ ગીત ગાયાં હતાં.
એમાંનું એક અંજુમ જયપુરીએ લખેલું ગીત કિશોર કુમારની સાથે ગાયું તલત મહેમૂદ અને જી.એમ. દુરાનીએ.
જેનાં હાથમાંથી દમડી નથી છૂટતી એવાં દૂનિયાદારોને લક્ષ્યમાં લઈને નિશાન તકાયું છે.
એટલે દમડી દમડી જોડવાનું છોડો અને મજેથી જીવો યારો…
પ્રેમીજનોનો મિલાપ ન થઈ શકવાને કારણે થતો વિલાપ છે આ જ ફિલ્મનાં અન્ય એક ગીતમાં.
રાજા મેંહદી અલી ખાન રચિત આ ગીત શમશાદ બેગમ અને કિશોરદાના ચૂનિંદા ગીતોમાનું એક છે.
પછીના વર્ષ ૧૯૫૨માં આવી ફિલ્મ સિંદબાદ ધ સેઇલર. ફિલ્મનાં ઘણાંખરાં ગીત મોહમ્મદ રફી અને શમશાદ બેગમે ગાયાં હતાં.
પણ ચાંદ પંડિતે લખેલાં એક રોમેન્ટિક ગીતમાં શમશાદ બેગમની સાથે જુગલબંધી કરી કિશોરદાએ, અને આપણને મળ્યું આ ગીત.
સળંગ ત્રીજા વર્ષે યાને કે ૧૯૫૩માં ફિલ્મ આવી – મનચલા.
તમે ન જાણતા હો તો એ પણ કહી દઉં કે જનાબ ચિત્રગુપ્તની છૂપી ખ્વાહિશ હતી ગાયક બનવાની. ભલે સંજોગો કે સમય એમને સંગીતકાર તરીકે જાણીતા કરી ગયા પણ એમણે ગાવાની ઈચ્છા પૂરી તો કરી જ. મનચલા ફિલ્મનાં એક ગીતમાં કિશોરદાને સાથ આપ્યો ખુદ ચિત્રગુપ્તે.
ચિત્રગુપ્તનાં પુત્રી સુધા શ્રીવાસ્તવે એકવાર કિશોરદાને સંભારતા કહ્યું હતું કે, તેઓ અવારનવાર અમારે ઘરે આવતા. પછી બહાર જ ઊભા રહીને ‘મહારાજ’ને અનોખા અંદાજમાં બોલાવતા – હેએએ…સર્દી કા બુખાર બુરા, બનીયે કા ઉધાર બુરા…
આ મનચલા ફિલ્મનું એ જ ગીત છે, જે કિશોરદા અને ચિત્રગુપ્તે સાથે મળીને ગાયું હતું. અને આ જ ફિલ્મે ચિત્રગુપ્તની કારકિર્દીને ઊંચે ઉઠાવવામાં પણ મદદ કરી હતી.
પાછળને પાછળ આવી મિસ માલા. ☺️
આ ફિલ્મનું નામ છે હોં. ૧૯૫૪ માં રિલીઝ થયેલી આ ફિલ્મ આલ્ફ્રેડ હિચકોકની એક કથા પરથી પ્રેરિત હતી. જેમાં કિશોર કુમાર સાથે વૈજયંતી માલાએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં ચિત્રગુપ્તના સંગીત નિર્દેશનમાં કિશોર કુમારે ઘણાં ગીત ગાયાં.
અંજુમ જયપુરી લિખિત મંઝિલે કહાં મેરી, ગુલશન કહાં મેરા…
ગીતા દત્ત સાથે મળીને ગાયું – નાચતી ઝૂમતી મુસ્કુરાતી આ ગઈ પ્યાર કી રાત.
અન્ય બે ગીતો જે રાજા મેંહદી અલી ખાન દ્વારા રચાયાં હતાં, એ પણ ગીતા દત્ત સાથે કિશોરકુમારના અવાજમાં આપણને મળ્યાં.
પ્રેમના રસ્તે બે વ્યક્તિઓ ગુપચુપ જતી હોય તો પણ દુનિયાવાળા એમને છોડતાં નથી. પાછળ પાછળ ચોકીદારીનો દંડો લઈને પહોંચી જ જાય છે. પણ મોસમ જો પ્રેમની હોય તો કરવું શું? એ જ… ચૂપકે ચૂપકે પણ પ્રેમ તો કરવો જ.
દેખો ના દેખો હમેં મારે ગુરુર કે, દિલ ભી હૂઝૂર કા હૈ; હમ ભી હૂઝૂર કે.
૧૯૫૫નું વર્ષ લઈને આવ્યું રાજ દરબાર.
આ ફિલ્મમાં ફરી એકવાર કિશોરદાએ શમશાદ બેગમ સાથે યુગલ ગીત આપ્યું. કિશોર કુમારના શમશાદ બેગમ સાથેનાં માંડ ૧૪ કે ૧૫ ગીતોમાંનું એક ઓર રસિક યુગલ ગીત –
મીઠી નારંગી લેના, લેના અનારદાના – જેનાં રચયિતા હતાં ગોપાલસિંઘ નેપાલી.
આ બધાં ગીતો એવાં હતાં, જેના થકી કિશોરદા સફળતાનાં ઉચ્ચતમ શિખરો પર ભલે બિરાજમાન ન થયા હોય પણ ત્યાં જવાના રસ્તામાં ટેકારૂપ ચોક્કસ બન્યાં છે.
ચિત્રગુપ્તના સંગીત નિર્દેશનમાં દિલ સ્પર્શી જનારા એક એવાં ગીત વિશે વાત કરતાં જઈએ જે ક્યારેય રિલીઝ ન થયેલા આલ્બમ “માં”માં કિશોર કુમારે દિલકશ અવાજમાં ગાયું હતું. પછીથી તે કદાચ સારેગમ મ્યુઝીક કંપનીએ લોંચ કર્યું હતું.
મૈં હસું યા ઇસ પે રોઉં, હૈ અજીબ યે નઝારા.
મેરે આંસુઓ મેં ચમકા મેરે પ્યાર કા સિતારા.
આ ઓછું જાણીતું ગીત હતું પણ બંનેની કારકિર્દી માટે ઘણું મહત્વપૂર્ણ રહ્યું હતું.
સફરનાં બીજા મુકામ વખતે વાત કરીશું ૧૯૬૩અને એ પછી આવેલી ફિલ્મોના ગીતો વિષે, જે કિશોર કુમાર અને ચિત્રગુપ્તને વધારે પ્રસિદ્ધિ અપાવવામાં કારણભૂત બન્યાં.
ત્યાં સુધી ગુનગુનાવતા જઈએ…
ચંદા કે કિરનો સે લીપટી હવાયેં….સિતારોં કી મહેફિલ જવાં,
ઐસા મૌસમ મિલે ફિર કહાં……
મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :
· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી