સાયન્સ ફેર :: શું ‘નવા વિશ્વ’ની માનવ સંસ્કૃતિ પરગ્રહના ‘ખાડાઓ’માં વિકસશે?

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

એક જમાનામાં વિશ્વની મહાસત્તાઓ વચ્ચે પરમાણુ હથિયારો વિકસાવવા બાબતે હોડ લાગેલી, જે આજે ય થોડે ઘણે અંશે ચાલુ જ છે. જેની પાસે ન્યુક્લિયર પાવર વધુ, એ રાષ્ટ્ર વધુ શક્તિશાળી હોવાનું સાદું ગણિત સમજી શકાય એવું છે. પરંતુ આવનારા વર્ષોમાં ન્યુક્લિયર પાવરને બદલે સ્પેસ ટેકનોલોજીનો પાવર કોઈ પણ રાષ્ટ્રને મહાસત્તા તરીકે ટકાવી રાખવામાં વધુ મહત્વનો સાબિત થશે એવું લાગી રહ્યું છે. અત્યારે નિષ્ણાંતો માની રહ્યા છે કે જે પ્રજા આવનારા વર્ષોમાં અવકાશ ક્ષેત્રે ટેકનિકલી સુપિરિયર સાબિત થશે, એ ધરતી સિવાયના બીજા ગ્રહો પર પોતાના નવા રહેઠાણો વિકસાવી શકશે! સ્પેસ ટેકનોલોજીથી સજ્જ દરેક રાષ્ટ્ર અત્યારે અવકાશી સંશોધનો પાછળ પુષ્કળ મહેનત કરી રહ્યું છે. ભારત અને ચીન પણ આ દોડમાં વિશ્વના વિકસીત દેશોની હારોહાર છે.

આ વર્ષની શરૂઆતમાં જ ચીને ચંદ્રની ‘ડાર્ક સાઈડ’ – એટલે કે પૃથ્વી ઉપરથી જોઈ ન શકાતી બાજુ ઉપર પોતાનું યાન લેન્ડ સફળતાપૂર્વક લેન્ડ કરાવડાવ્યું છે. ચીનના આ મિશનની ખાસિયત એ છે કે ચંદ્રની ડાર્ક સાઈડ પર ઉતરેલું યાન ‘એટકેન બેઝીન’ તરીકે ઓળખાતા એક મસમોટ્ટા ખાડામાં લેન્ડ થયું છે. મૂન મિશન માટે ચંદ્રની ડાર્ક સાઈડ પસંદ કરવાનું કારણ પણ આ ને આવા બીજા ખાડાઓ જ છે. કેટલાક ખાડાઓ તો એટલા મોટા છે કે કોઈ એક દેશ આખેઆખો એમાં સમાઈ જાય! પરંતુ અજાણી ભૂમિ પર લેન્ડિંગ કરવા માટે ખાડાની જ પસંદગી શા માટે? જવાબ જાણવા માટે મંગળ ગ્રહનું ઉદાહરણ સમજવું જોઈએ.

લાલ રંગના ગ્રહ મંગળ ઉપર ઘણી વાર જ્વાળામુખી ફાટવાના બનાવો બન્યા છે. મંગળ પર આવી ઘટનાઓ બને ત્યારે ઘણી વાર વિસ્ફોટને કારણે ફંગોળાયેલા ખડકોના ટુકડાઓ નાની ઉલ્કાઓ સ્વરૂપે પૃથ્વી પર પડ્યા હોય એવા બનાવો પણ ભૂતકાળમાં નોંધાયા છે. મંગળ વિશે, માનવે કરેલી અનેક ધારણાઓ, આ ખડકોના વૈજ્ઞાનિક અભ્યાસને આધારે કરવામાં આવી છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો માનતા હતાં કે આ લાલ-રંગી ગ્રહ ઉપર, તેની ઉત્પત્તિના સમયથી ઓક્સિજનનો સદંતર અભાવ છે, અને આ ગ્રહ ઉપર ‘નિકલ’નું પ્રમાણ પણ ઓછું છે. બીજી તરફ, નાસાએ મોકલેલું ‘સ્પિરીટ’ રોવર પણ મંગળની ધરતીના નમૂનાઓ લઈને તેના અભ્યાસના તારણો મોક્લતું રહે છે. નાસાના વૈજ્ઞાનિકોએ ઉલ્કાનો અભ્યાસ કરીને તારવેલું કે મંગળ ઉપર શરૂઆતથી જ ઓક્સિજન નથી. પરંતુ ‘સ્પિરીટ’ રોવરે મંગળ ઉપર આવેલા ‘ગુસેવ’ નામના વિસ્તારનો અભ્યાસ કરીને, મંગળ ઉપર ચારેક અબજ વર્ષ પહેલા ઓક્સિજન હોવાની સાબિતી શોધી કાઢેલી.

image

ગુસેવ’ ખાડાની માર્સ ગ્લોબલ સર્વેયરે લીધેલી એક તસ્વીર.

તસ્વીરમાં તીર છે તે આ ખાડામાં આવેલ ‘સરોવર’માટેનાં પાણીની આવકનો માર્ગ દર્શાવે છે.

સ્રોતઃ : Destination: Gusev Crater

‘સ્પિરીટે’ જેનો અભ્યાસ કર્યો એ ગુસેવ નામક વિસ્તાર ખરેખર તો એક મસમોટો ખાડો – ક્રેટર (crater) છે. કોઈ પણ ગ્રહ સાથે, કોઈ નાના કદનો ઉપગ્રહ કે ઉલ્કા અથડાય, તેને પરિણામે જે મસમોટો ખાડો પડે તેને ‘ક્રેટર’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર, જ્વાળામુખી ફાટવાને કારણે પણ આ પ્રકારના ક્રેટરનું નિર્માણ થાય છે. ‘ગુસેવ’ એ આ પ્રકારનો, જ્વાળામુખી ફાટવાને કારણે બનેલો ‘ક્રેટર’ છે. ક્રેટરનો એક અર્થ ‘ચરુ – દટાયેલો ખજાનો’ પણ થાય. કોઈ ગ્રહ ઉપર અસ્તિત્વ ધરાવતા આ પ્રકારના ક્રેટર ખરેખર માહિતીના ચરુ જેવાં હોય છે. ગુસેવનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે, પૃથ્વી પર મળી આવેલ મંગળની ઉલ્કાઓ કરતાં, ગુસેવમાંથી મેળવાયેલા નમૂનાઓમાં પાંચ ગણું વધારે ‘નિકલ’ છે. વળી, જે-તે સમયે (ચાર અબજ વર્ષ પહેલાં) મંગળની ધરતી ભેજવાળી, ઉષ્ણ અને ‘ઓક્સિજન રીચ’ હોવી જોઈએ! અબજો વર્ષો પૂર્વે, ‘સબડક્શન’ (ટેક્ટોનિક પ્લેટના હલન-ચલન ને કારણે ઉદભવતી પરિસ્થિતિ)ની પ્રક્રિયા દરમિયાન મંગળની ધરતીનું ‘ઓકસીડેશન’ થયું હશે. જેને પરિણામે એ સમયના અવશેષોમાં ઓક્સિજનનું પ્રમાણ જણાય છે. આ ઓક્સિજન ઉપલી સપાટી પુરતો જ સીમિત હશે. પરંતુ ગુસેવના સર્જન બાદ હજારો વર્ષો પછી ફાટેલા જ્વાળામુખીએ જે ઉલ્કાનું સર્જન કર્યું, એ આ ઓક્સીડેશન પ્રક્રિયાથી વંચિત હતી. પરિણામે, ધડાકાને કારણે પૃથ્વી સુધી પહોંચેલી આ ઉલ્કાઓમાં ઓક્સિજન ન જ હોય એ સ્વાભાવિક છે. ઉપરાંત અબજો વર્ષો પહેલા થયેલા ‘ઓક્સીડેશન’ને કારણે હજી સુધી મંગળ ઉપર ઓક્સિજન ટકી રહે એ પણ અશક્ય છે. વળી ઓક્સીડેશનની ક્રિયા કંઈ સમગ્ર મંગળ ઉપર સરખા પ્રમાણમાં થઇ હોય એ ય જરૂરી નથી. પરંતુ ભવિષ્યમાં કદાચ મંગળના કે પછી કોઈક બીજા ગ્રહના ‘સેઈફ પોકેટ’માં સચવાયેલો ઓક્સિજન મળી પણ આવે.

તો વાત બધી આમ છે. જેમ પૃથ્વીની સમગ્ર સપાટી એકસરખી નથી, તે જ પ્રમાણે બીજા કોઈ પણ ગ્રહની સપાટી એકસરખી-એકરૂપ ન હોઈ શકે. આપણે ત્યાં અમુક સ્થળે ખોદકામ કરતાં ખનીજ-પાણી વગેરે મળી આવે છે, એમ જ જે-તે ગ્રહના બાહરી પોપડાની નીચે કિમતી ખનીજો કે પાણી જડી આવવાની શક્યતા ય પૂરેપૂરી! આથી જ ચંદ્રની ડાર્ક સાઈડ પર આવેલા, મંગળ ગ્રહના ગુસેવ જેવા જ ક્રેટર ‘એટકેન બેઝીન’માં ચીનાઓને રસ પડ્યો છે.

ચંદ્રની સરેરાશ ભૂમિ કરતા એટકેન બેઝીનની ભૂમિ જુદા પ્રકારની છે. જ્વાળામુખી ફાટવાને કારણે થયેલી વોલ્કેનિક એક્ટીવીટી ડાર્ક સાઈડ પર આવેલ એટ્કેન બેઝીન અને એના જેવા જ બીજા ક્રેટર્સની રચના માટે કારણભૂત છે. આથી અહીં આયર્ન, ટાઈટેનિયમ અને થોરિયમ ભરપૂર માત્રામાં હોવાની શક્યતા છે. કેટલાક ‘સેઈફ પોકેટ’માં ઓક્સિજન હોવાની શક્યતા પણ નકારી ન શકાય. આશાવાદી ચીની વૈજ્ઞાનિકોની ઈચ્છા છે કે ચંદ્રની ભૂમિ પર છોડ પણ રોપવામાં આવે, જેથી ભવિષ્યના ચીની યાત્રીઓ ચંદ્ર પર ઉગેલું ભોજન આરોગી શકે! ચીની લોકોની વિસ્તારવાદી માનસિકતા અને એટકેન બેઝીનની પ્રકૃતિ જોતા આવું શક્ય બને પણ ખરું!

ખેતી અને પાણીની ઉપલબ્ધિને કારણે પૃથ્વી ઉપર જેમ નદી કિનારે માનવ સંસ્કૃતિનો વિકાસ થયો, એમ જ ખનીજ અને બીજી જરૂરી વ્યવસ્થાને કારણે ચંદ્ર જેવા ગ્રહોના ખાડાઓ-ક્રેટર્સમાં નવા વિશ્વની સંસ્કૃતિનો વિકાસ થાય પણ ખરો !


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

1 comment for “સાયન્સ ફેર :: શું ‘નવા વિશ્વ’ની માનવ સંસ્કૃતિ પરગ્રહના ‘ખાડાઓ’માં વિકસશે?

  1. January 25, 2019 at 2:27 am

    બહુ જ સરસ માહિતી. હવે ખ્યાલ આવે છે કે, ભારતમાં સ્પેસ રિસર્ચ માટે આટલી મોટી રકમ શા માટે ખર્ચવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *