સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૨૦)…. બેક્ટેરીયા/જીવાણુ

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ મ. પંડ્યા

આપણે જાણ્યું કે બેક્ટેરિયા જેવી સુક્ષ્મ અને તદ્દન પ્રાથમિક કક્ષાનું શારિરીક બંધારણ ધરાવતી હસ્તિઓમાં પણ લિંગી પ્રજનન જોવા મળે છે. વળી અચંબિત કરી દેનારી બાબત તો એ છે કે વિવિધ પ્રકારનાં બેક્ટેરિયા એને માટેની ત્રણ અલગ અલગ પધ્ધતિઓ વડે સુસજ્જ હોય છે! આજે આપણે આપણા અચંબામાં ઉમેરો કરે એવી બેક્ટેરિયાની કેટલીક આગવી ખાસીયતોને વિશે જાણીએ.

૧) અમુક પ્રકારનાં બેક્ટેરિયા પોષણને લગતી કે વાતાવરણને લગતી પ્રતિકૂળતાની સામે પોતાનું રક્ષણ કરવા માટે વિશિષ્ટ કિમિયો અજમાવે છે. જે તે કોષ પોતાનું રૂપાંતર બીજાણુ/Spore તરીકે ઓળખાતી રચનામાં કરી દે છે. આ ચોક્કસ પ્રકારનાં બીજાણુ સંપૂર્ણપણે સુષુપ્ત અવસ્થામાં ટકી રહે છે. કોઈ યોગી સમાધિમાં ઉતરી ગયા હોય એવી આ સ્થિતી છે. આવી અવસ્થામાં જ્યારે ચયાપચયની ક્રિયા ચાલતી જ ન હોય ત્યારે કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતી તેને કોઈ જ પ્રકારનું નૂકસાન પહોંચાડી ન શકે એ સમજી શકાય એવી બાબત છે. કાળક્રમે જ્યારે સાનુકૂળ સંજોગો ઉભા થાય ત્યારે બીજાણુ સામાન્ય કોષમાં ફેરવાઈ જઈ, પોતાનું જીવનચક્ર આરંભી દે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોઈએ તો આ પ્રજનનની એવી પધ્ધતિ છે કે જ્યાં નવા કોષનું નિર્માણ થતું હોવા છતાં જે તે બેક્ટેરિયાની સંખ્યાવૃધ્ધિ થતી નથી. અલબત્ત, એ યાદ રાખવું ઘટે કે જૂજ પ્રકારનાં બેક્ટેરિયામાં જ આ સગવડ જોવા મળે છે.

૨) અલગ અલગ બેક્ટેરિયામાં પોતાના રક્ષણ માટેની અદ્ ભૂત ખાસિયતો વિકસેલી જોવા મળે છે. જેમકે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે રોગ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયા સામે આપણું રક્ષણ કરવા માટે આપણું શરીર અલગ અલગ કિમિયાઓ અજમાવે છે. એ પૈકીના એકમાં આપણા રક્તમાંના શ્વેતકણો શરીરમાં દાખલ થયેલાં રોગકારક જીવાણુઓની પાછળ પડી, એમનું ભક્ષણ કરે છે. આપણા શરીરના આવા રક્ષણાત્મક પ્રતિરોધ સામે કેટલાંક બેક્ટેરિયા પોતાનો આગવો કિમિયો અજમાવે છે. ‘કેપ્સ્યુલ’ નામે ઓળખાતા બાહ્યાવરણ વડે સજ્જ હોય છે. કેપ્સ્યુલનું રાસાયણિક બંધારણ એ પ્રકારનું હોય છે કે ભક્ષક શ્વેતકણો એના વડે આવરિત બેક્ટેરિયાના કોષ સુધી પહોંચી શકતા નથી. આમ, રોગકારક બેક્ટેરિયાના કોષો ભક્ષક શ્વેતકણોના હુમલાથી પોતાને બચાવી લે છે. એક અન્ય ઉદાહરણ જોઈએ તો પ્રચલન કરવાની ક્ષમતા ધરાવે છે એવા બેક્ટેરિયાના કોષો આસપાસના વાતાવરણમાં કોઈ પણ પ્રકારના ભયજનક સંકેતો મળે કે એનાથી શક્ય એટલા દૂર જતા રહેતા જોવા મળે છે. એનાથી ઉલટું, સાનુકૂળ વાતાવરણ તરફ વધુ ને વધુ નજીક જવાની વૃત્તિ પણ આવા કોષોમાં જોવા મળે છે.

૩) ઉપરનાં ઉદાહરણો આપણને એમ માનવા પ્રેરે છે કે આ સુક્ષ્મ સજીવો સંવેદના ધરાવે છે. હવે એક ઉદાહરણ એવું જોઈએ કે જ્યાં આપણે વિચાર કરતા થઈ જઈએ કે બેક્ટેરિયા તર્કશક્તિ પણ ધરાવે છે કે શું! ‘કૉરમ’ શબ્દથી આપણે પરિચીત છીએ. કોઈ નિર્ણય લેવા માટે જરૂરી એવી ઓછામાં ઓછી ચોક્કસ સંખ્યામાં ભેગા થતા સભાસદો માટે આ શબ્દપ્રયોગ થાય છે. જો ઉપસ્થિત સભ્યસંખ્યા એ આંકડાથી ઓછી હોય તો જે તે નિર્ણય લઈ શકાતો નથી. આવાં જ ઉદાહરણો બેક્ટેરિયાની કેટલીક કાર્યપધ્ધતિ સંદર્ભે જોવા મળે છે. ચોક્કસ પ્રક્રિયા ત્યારે જ અમલમાં મૂકાય છે જ્યારે જે તે બેક્ટેરિયાના કોષોની સંખ્યા અલ્પતમ જરૂરી – કૉરમ – સંખ્યા કરતાં વધી જાય. જો કોઈ પણ કારણસર સંખ્યાવૃધ્ધિ અટકી જાય અને કૉરમ જેટલા કોષો ભેગા ન થાય તો તે કાર્ય થતું નથી. આથી આપણે એમ માનવા પ્રેરાઈ શકીએ કે બેક્ટેરિયા નક્કિ કરી લેતાં હશે કે આપણે કમસે કમ અમુક સંખ્યામાં ભેગાં થઈએ પચી જ ચોક્કસ કાર્ય હાથ ઉપર લેવું.

આવાં અનેક ઉદાહરણો ચર્ચી શકાય કે જ્યાં આપણને ખાસ તો કુદરતની ઉપર માન થઈ આવે કે એણે સુક્ષ્માધિક સુક્ષ્મ જીવને પણ કેવી કેવી આગવી વિશિષ્ટતાઓ સહિત બનાવ્યો છે!

આવતા હપ્તામાં આપણે આપણા સુક્ષ્મ સજીવ મિત્રોની કેટલીક રોચક વાતો બાબતે ચર્ચા કરી, આ લેખશ્રેણીનું સમાપન કરશું.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

2 comments for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૨૦)…. બેક્ટેરીયા/જીવાણુ

  1. Hiraji Bhingaradiya
    January 30, 2019 at 7:34 am

    આ. શ્રી પિયુષભાઇ ! સુક્ષ્મ જીવસૃષ્ટિ વિશે ખૂબ સારી માહિતી આપી. ગમ્યું. – હીરજી ભીંગરાડિયા

  2. Purvi
    January 31, 2019 at 7:03 pm

    Saras samajawa malyu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *