ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ : ભાગ ર :: આઝાદી માટેનો સંઘર્ષ : પ્રકરણ ૧૭: : ૧૮૫૫નો સંથાલ વિદ્રોહ

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

ભારતના ઇતિહાસમાં સંથાલ આદિવાસીઓનો વિદ્રોહ ખાસ ઉલ્લેખને પાત્ર રહ્યો છે. આજે પણ સંથાલો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના મોટા ઇલાકાઓમાં વસે છે. ૧૭૯૩માં લૉર્ડ કૉર્નવૉલિસે જમીન મહેસૂલની કાયમી જમાબંધી imageપદ્ધતિ લાગુ કરી. આ સાથે જમીનની માલિકી સરકારના હાથમાં ચાલી ગઈ. જમીનો ઊંચા ભાવ આપનાર જમીનદારોના હાથમાં જતી. કંપની એની પાસેથી રોકડેથી મહેસૂલ વસૂલ કરતી, આદિવાસીઓ કે સામાન્ય ખેડૂતો પાસે રોકડા તો હોય જ નહીં. રોકડા માટે એમને શાહુકારો પાસે જવું પડતું. અંતે જમીન એમના હાથમાંથી સરકી જતી. પહેલાં આદિવાસીઓ જંગલને પોતાનું સમજીને એની પેદાશોનો ઉપયોગ કરતા હતા પરંતુ મહેસૂલ વધારવા માટે કંપની સરકારને નવી જમીનો જોઈતી હતી એટલે જંગલો કાપવાનું શરૂ થયું. સંથાલોને ભોળવીને બીરભૂમ જિલ્લામાં મોકલી દેવાયા. ત્યાં એ સીધા જ જમીનદારોની ચુંગાલમાં સપડાયા. હવે સંથાલો પોલીસ દારોગાના જુલમોનો પણ શિકાર બનવા લાગ્યા.

આમ તો સંથાલો શાંતિપ્રિય પ્રજા છે. ખેતી એમનો મુખ્ય વ્યવસાય અને જંગલની પેદાશો પર એમનું જીવન ચાલે. બોલેલું પાળે, ખોટું બોલે નહીં, કોઈના નોકર બને નહીં. એમના ઉત્સવમાં છોકરા-છોકરી ભેગાં થઈને નાચે અને ગાય. આમાંથી એકબીજાને લગ્ન માટે પસંદ કરી લે. ૧૮૦૯માં એ રાજમહેલ પર્વતમાળાની તળેટીમાં આવી વસ્યા ત્યારે કંપનીએ ત્યાં પોતાની સત્તા દેખાડવાનું શરૂ કર્યું અને ત્યાંથી સંથાલો માટે જીવન આકરું થવા લાગ્યું. ૧૮૩૫માં તો એમનાં ગામો વસી ગયાં. અંગ્રેજોએ અહીં શરૂઆતથી જ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ લાગુ કરી હતી. પહાડિયા કોમને સરકાર સંપૂર્ણ રક્ષણ આપતી હતી પણ સંથાલોને ‘જંગલી’ માનતી હતી.

કાન્હૂ અને સીધૂ

જ્યારે માણસ પાસે કોઈ ઉપાય ન રહે ત્યારે એ ભગવાનની મદદ માગતો હોય છે. એક વાર બે ભાઈઓ કાન્હૂ અને સીધૂ પોતાની ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એમને કંઈક ચમત્કાર અનુભવ્યો. એમને ‘ઠાકુરજી’નાં દર્શન થયાં. તે પછી એમણે પોતાને પ્રદેશના રાજા જાહેર કર્યા અને સૌને એમના સિવાય કોઈની આણ ન માનવાનો આદેશ આપ્યો. ઠાકુરજીએ જ એમને રાજા બનાવ્યા હતા. સંથાલો ઠાકુરજીનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમાં જ બ્રિટિશ હકુમતને પડકાર હતો.

બીજી બાજુ, જમીનદારો અને શાહુકારો સંથાલોને ખોટા કેસોમાં ફસાવતા હતા. ૧૮૪૮માં ત્રણ ગામના સંથાલો એકસામટા નાસી છૂટ્યા. ઍશ્લી ઈડનનું નામ ગયા અંકમાં પણ આવ્યું છે. એ પ્રામાણિક અધિકારી હતો એણે અને એના જેવા બીજા અધિકારીએ સંથાલોને રાહત મળે imageએવા ઉપાય સૂચવ્યા પણ એમના ઊપરી અધિકારીઓએ એ સૂચનોને ન ગણકાર્યાં. એમની નજર પૈસા પર હતી.૧૮૩૮માં સંથાલોના ગામ દામિની-કોહમાંથી માત્ર બે હજાર રૂપિયાની આવક થતી હતી, તે ૧૯૫૧માં વધીને ૪૪,૦૦૦ રૂપિયા થઈ અને બીજાં માત્ર ત્રણ વર્ષમાં ૬૮,૦૦૦ રૂપિયા સુધી પહોંચી.

આટલા ભયંકર શોષણ સામે વિરોધ ન થાય તે શક્ય જ નહોતું. એક દિવસ આગ ફાટી નીકળવાની હતી. ૧૮૫૫માં કલકત્તાની મૅસર્સ મૅકી ઍન્ડ કંપનીએ જ્યાં સંથાલોને એમનાં ગામો ખાલી કરીને વસાવ્યા હતા તે બીરભૂમમાં જ લોખંડનું કારખાનું ખોલ્યું. આ ઉપરાંત. કોલસાની ખાણોનું કામ શરૂ થયું અને ગળીનાં કારખાનાં પણ બન્યાં (જૂઓ ૧૬મું પ્રકરણ). આમાં ઘણા યોરોપિયનો અને ય્રેઝિયનોને નોકરી મળી. આ લોકોને મન સંથાલ જંગળી જાનવર હતા અને એમની સ્ત્રીઓ માત્ર વસ્તુ હતી. એમણે મોટા પાયે જંગલો કાપવાની શરૂ કર્યું.

સંથાલો માટે ઝાડ એટલે એમના પૂર્વજોના આત્માઓનું ઘર. આત્માઓ ઝાડો અને પહાડોની ટોચ પર રહે. સંથાલોમાં ગોરાઓ સામે રોષ વધતો ગયો. બીજી બાજુ, શહેરી હિન્દુઓનો ધર્મ પણ એમની આસ્થા પર દબાણ કરતો હતો. એમણે ઘણાં હિન્દુ આસ્થાનાં પ્રતીકો સ્વીકાર્યાં બૈદ્યનાથ (ભગવાન શિવ)ના મેળામાં એમની આવવા માટે શહેરીઓ પ્રોત્સાહિત કરતા, પણ એ મેળામાં જતા ત્યારે એમને કોઈ સમોવડિયા ન માનતા. એમનો માત્ર નાચગાન અને મનોરંજન માટે ઉપયોગ થતો.

આમ ચારે બાજુથી સંથાલો ભીંસમાં હતા. એવામાં છોટા નાગપુર પ્રદેશનાં ખનિજો અને લાકડાં સહેલાઈથી લઈ જવા માટે રેલવે લાઇનનું બાંધકામ શરૂ થયું. જે બાકી હતું તે પણ હવે પૂરું થયું. કુદરતને ખોળે મુક્ત જીવન જીવવા ટેવાયેલા સંથાલો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા.

એમણે હવે બદલો લેવાનું શરૂ કર્યું. અંગ્રેજોના યુનિફૉર્મધારી સૈનિકોને જંગલની લડાઈનો અનુભવ નહોતા અને ઝાડની ઓથે છુપાયેલા સંથાલોનાં તીર રોજેરોજ સૈનિકોની લોથો ઢાળવા લાગ્યાં.

એમનો પહેલો રોષ મહાજનો પર ઊતર્યો. એમને શાહુકારો અને જમીનદારોનાં ઘરો પર હુમલા શરૂ કરી દીધા. માત્ર દામિની-કોહ નહીં આજુબાજુના પ્રદેશોના સંથાલોમાં પણ સંદેશ પહોંચવા લાગ્યો. એમના હુમલાઓ સામે ‘દિક્કુઓ’ (બંગાળી શહેરીઓ)એ સરકારમાં ફરિયાદો કરી. સંથાલોના સાથી જેવા માઝીઓના એક નેતા બીર સિંઘ માઝીને નાયબે કચેરીમાં બોલાવ્યો અને જોડાથી માર્યો. પોલીસે કાન્હૂ અને સીધૂને પણ પકડવાની કોશિશ કરી.

હવે પોલીસે કાન્હૂ અને સીધૂને પકડવાની કોશિશ કરી. આથી બળતામાં ઘી ઉમેરાયું. સંથાલો ઉશ્કેરાયા. ૩૦મી જૂને પૂનમ હતી તે દિવસે દસ હજાર સંથાલ ભગનડીહીમાં એકઠા થયા. એમણે કંપનીના સત્તાવાળાઓ અને જમીનદારોને પત્રો લખીને જાણ કરી કે ‘ઠાકુરજી’એ નક્કી કરેલા દરે જ મહેસૂલ આપશું. એમણે પંદર દિવસમાં જવાબ માગ્યો.

૧૮૫૫ની સાતમી જુલાઈએ બધા એકઠા થયા. લડવાનો પાકો સંકલ્પ કર્યો અને નીકળી પડ્યા. એમણે કેટલીયે સરકારી કચેરીઓ પર હુમલા કર્યા. અંતે સરકારે પોલીસ ટુકડીઓ મોકલી, રીતસરનું યુદ્ધ થયું. ૧૫-૨૦ હજાર સંથાલો મોતને ભેટ્યા. કંપની ફરી જીતી ગઈ. આજે પણ જમીન અને જંગલની અંતિમ માલિક સરકાર જ રહી છે. આદિવાસીઓના શોષણના રસ્તા હજી પણ ખુલ્લા જ છે.


સંદર્ભઃ https://drive.google.com/file/d/1JprLoz0ZY_FyQ2-s154bBUkQPzG6n0R2/view

http://www.researchpublish.com/ ISSN 2348-3156 (Print) International Journal of Social Science and Humanities Research ISSN 2348-3164 (online)

https://www.livehistoryindia.com/snapshort-histories/2017/07/14/the-forgotten-santhal-revolt-of-1855


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *