ફિર દેખો યારોં : સમજૂતિકરાર કે સૂત્રોથી પર્યાવરણ કેટલું જળવાય?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

પાઠ્યપુસ્તકમાં પર્યાવરણનો વિષય ભણવામાં આવે છે. તેમાં પર્યાવરણને લગતી અનેકવિધ બાબતો વિશે જાણકારી આપવામાં આવે છે. પણ શું આ વિષય પાઠ્યપુસ્તકમાં ભણાવવા માત્રથી આવડી જશે? પરીક્ષામાં પૂછાતા તેના સવાલોના જવાબ લખીને વધુ ગુણ મેળવી શકાશે, પણ પર્યાવરણ અંગેની જાગૃતિ પાઠ્યપુસ્તક કરતાં વધુ વ્યવહારમાં જરૂરી છે. તે આપણા રોજબરોજના જીવનને સ્પર્શે છે. પર્યાવરણની જાગૃતિ અને જાળવણીની ફરજ સત્તાધીશો જેટલી જ નાગરિકોની છે.

આ કટારમાં એકાદ મહિના અગાઉ નબળા ચોમાસાને કારણે દુષ્કાળની સંભાવના વિશે લખવામાં આવ્યું હતું. આ વર્ષે નબળા ચોમાસાને કારણે નળ સરોવરનું પાણી સૂકાઈ ગયું હોવાના અહેવાલ છે. પરિણામે દર વર્ષે અહીં આવતા લગભગ બસો પ્રજાતિનાં વિદેશી પક્ષીઓમાંથી એકે ત્યાં ફરક્યા નથી. પ્રવાસનઉદ્યોગને અને સ્થાનિક રોજગારીને આના થકી નુકસાન થયું એ આર્થિક છે, પણ પર્યાવરણીય પ્રણાલિને જે નુકસાન થાય છે એનું મૂલ્ય આર્થિક ગણનામાં આવી શકે એમ નથી.

નળ સરોવર આશરે એકસો વીસ ચો.કિ.મી.માં ફેલાયેલું મીઠા પાણીનું સરોવર છે, જેને પર્યાવરણની પરિભાષામાં ‘વેટલૅ‍ન્‍ડ’ એટલે કે જળપ્લાવિત વિસ્તાર કહે છે. નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ, સરોવર, તળાવથી લઈને કાદવયુક્ત ખાબોચિયાં કે પાણી ભરાઈ રહે એવા નીચાણવાળા વિસ્તારોનો આમાં સમાવેશ થાય છે. અનેક સજીવોનું તે આશ્રયસ્થાન હોય છે. જમીનના પેટાળમાં પાણીનો સંગ્રહ કરવામાં તેમજ આબોહવાના નિયંત્રણમાં તે મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. ઈરાનના રામસર શહેરમાં ભરાયેલા એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને સુયોગ્ય ઉપયોગની સમજૂતિ બાબતે ઘણા રાષ્ટ્રો સંમત થયા પછી આંતરરાષ્ટ્રીય સ્તરનું મહત્ત્વ ધરાવતા વિસ્તારો ‘રામસર સાઈટ’ તરીકે ઓળખાય છે. નળ સરોવર આ શ્રેણીમાં આવે છે. તેના ખાલી થવાનું મુખ્ય કારણ આ વિસ્તારમાં થયેલો ઓછો વરસાદ છે. આટલો વિશાળ વિસ્તાર ધરાવતા સરોવરમાં આવતાં હજારો વિવિધ પક્ષીઓ, અહીં ઉગતી અનેકવિધ વનસ્પતિઓ અહીંની પર્યાવરણ પ્રણાલિનો એક મહત્વનો હિસ્સો છે. અલબત્ત, નળ સરોવર વિસ્તારના ગ્રામજનોએ નર્મદાની નહેરમાંથી અહીં પાણી છોડવાની માગણી કરી છે.

નળ સરોવર આખું સૂકાઈ જાય એ ઘટના પર્યાવરણની દૃષ્ટિએ ગંભીર ગણાવી શકાય એવી છે, પણ તે ભરેલું હતું ત્યારે તેની શી સ્થિતિ હતી? 2017 માં ક્રોમ્પ્ટ્રોલર એન્‍ડ ઑડિટર જનરલ (કેગ) દ્વારા આ વિસ્તારમાં થતા પક્ષીઓના શિકાર અંગે અને તેની પૂરતી કાળજી નહીં લેવા બાબતે ગુજરાત સરકારને ઠપકો આપ્યો હતો. વર્ષ 2010 થી 2015 દરમિયાન વનવિભાગની ટીમે અહીં શિકારીઓ દ્વારા બિછાવાયેલી 6,559 જાળ પકડી હતી. સઘન રીતે પહેરો ભરવા બાબતે વનવિભાગને તાકીદ પણ કરવામાં આવી હતી.

‘રાષ્ટ્રીય વેટલૅન્‍ડ કાર્યક્રમ’ અંતર્ગત ‘રાજ્ય વેટલૅન્‍ડ સંરક્ષણ આયોગ’ની સ્થાપના ન કરવા બદલ ટીકા કરવામાં આવી હતી, જેને પગલે આ આયોગની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા નળ સરોવરના રક્ષણ અને જાળવણી માટે કયાં પગલાં લેવાઈ રહ્યાં છે એ જણાવતી નોટિસ ગુજરાત હાઈકોર્ટે સરકારને 2017માં પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર ધરાવતા રાજ્ય તરીકે અગ્રસ્થાને છે. તેના કુલ ભૌગોલિક વિસ્તારના 17.56 ટકા એટલે કે 34.74 લાખ હેક્ટર જમીન જળપ્લાવિત વિસ્તાર છે. આ આયોગ હજી પૂરેપૂરું કાર્યરત બન્યું નથી. અત્યાર સુધી પરિસ્થિતિ એવી રહી છે કે સરકારના વિવિધ વિભાગો પોતાની જવાબદારી એકબીજાને માથે ઢોળતા રહે અને કશો નિર્ણય ન લે, તેને પરિણામે પર્યાવરણને જે નુકસાન થવાનું હોય એ થઈ જાય. વનસ્પતિ કે પશુપક્ષીની કઈ પ્રજાતિ ફરિયાદ કરવા આવવાની છે કે તેમના આવાસ અને ખોરાકની વ્યવસ્થા નષ્ટ થઈ ગઈ!

જળપ્લાવિત વિસ્તારો પર થતી વિપરીત અસર માટે અનેક પરિબળો કારણભૂત છે, જેમાંનું એક પરિબળ પ્રવાસન ઉદ્યોગ પણ છે. આમ પણ, પ્રવાસન અને પર્યાવરણ પરસ્પર વિરોધી બાબતો છે. પ્રવાસન ઉદ્યોગનો વિકાસ આપણે ત્યાં જોરશોરથી થઈ રહ્યો છે, પણ હજી પ્રવાસ માટે જરૂરી શિસ્તનો મોટા ભાગના પ્રવાસીઓમાં અભાવ જોવા મળે છે. આ શિસ્ત કેળવવામાં તંત્ર પણ મોટે ભાગે નબળું પુરવાર થતું હોવાનું જણાયું છે અને પ્રવાસન થકી થતી આવક પર જ તેનું ધ્યાન વધુ હોય એવું લાગ્યા વિના રહે નહીં. પર્યાવરણની જાળવણી અંગેના સૂત્રો ચીતરી દેવાથી કામ થઈ જતું હોત તો શું જોઈતું હતું!

નળ સરોવરનું સૂકાઈ જવું ચેતવણીરૂપ ઘટના ગણી શકાય. ભલે તે કુદરતી રીતે, એટલે કે વરસાદની અછતથી થઈ હોય, પણ ‘રામસર સાઈટ’ તરીકે ઓળખાવાયેલા ગુજરાતના સૌથી મોટા સ્થળની આ હાલત હોય તો બીજા નાનાનાનાં જળપ્લાવિત વિસ્તારોની સ્થિતિની કલ્પના કરવી અઘરી નથી. હજી સ્થાનિક ગ્રામજનોએ કરેલી માગણી પર જ વિચાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોની રોજગારીનો મોટો આધાર અહીં આવતા પ્રવાસીઓ પર છે, આથી તેમની ચિંતા તેમજ તેમના દ્વારા કરાયેલી માગણી વાજબી છે. સવાલ એ છે કે આસપાસના જળવાયુને અસર કરી શકે એટલું વિશાળ આ સરોવર છે. ઉપરાંત તે ‘રામસર સાઈટ’ છે અને તેની આવી સ્થિતિ હોય તો તેના માટે ખાસ રચાયેલા આયોગે આની ફિકર કરવાની હોય કે નહીં?

સમજૂતિકરારમાં દર્શાવાયેલી નિસ્બત ગમે એટલી સાચી હોય, તે કાગળ પરની બની રહેતી હોય એમ મોટા ભાગે બનતું આવ્યું છે. આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે જળપ્લાવિત વિસ્તાર પરનાં જોખમોનો સામનો વિશ્વભરના તમામ દેશો કરી રહ્યા છે, અને એકલા ગુજરાતમાં આ સ્થિતિ નથી. જો કે, આ જાણ્યા પછી પરિસ્થિતિની ગંભીરતા ઓર વધી જાય છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૭-૧-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *