





હીરજી ભીંગરાડિયા
“એ…………બાઘાભાઇને ત્યાં રાત્રે કથા સાંભળવા જાજો !” ટપૂડા વાળંદે દરવાજેથી જ સાદ દીધો. મને થયું કે નહીં પૂનમ કે નહીં અગિયારશ કે પ્રભૂ સ્મરણની કોઇ ખાસ તીથિ- અને આડેધડ કથાનું કહેણ ? “ એલા ઊભો રહે એય ટપૂડા ! કેમ કંઇ મેળ વગરની બાઘોભાઇ કથા કરાવે છે ? કથા શુંકામ રાખી છે તેની કંઇ ખબર છે તને ?” “ હા, હા, પૂરેપૂરી ખબર છે બાપલા ! બાઘાભાઇની કાળપૂંછી ભેંશ પારહો વાળતી બંધ થૈ ગઇ છે, એટલે કડવીભાભીએ નદીકાંઠા વાળા ઝેરીબાપુ પાસે ધા નાખી હતી, ઝેરીબાપુએ દોરો કરી દીધો, એ દોરો ભેંશના પગે બાંધી-કૂતરાં ને બે રોટલા અને અને સાંજે સત્યનારાયણની કથા કરવાનું કહ્યું છે ને એટલે !” ટપૂડો વાળંદ તો જાણતો હતો તે વાત કરી નીકળી ગયો ગામમાં, બીજાને ઘેર નોતરું દેવા પણ “ “ભેંશનો પારહો ” અને “ઝેરીબાપુનો દોરો ?” અને વળી “સત્યનારાયણની કથા !” મારા મનમાં કાંઇ મેળ બેસતો નહોતો. જોકે બાઘો અને કડવી, ધણી-ધણિયાણી –આખરે તો છે ગ્રામ-સમાજના લોકનું જ પ્રતિનિધિત્વને ? એટલે ગામડામાં ઘર કરી ગયેલા અંધશ્રધ્ધા અને વહેમોથી એ પર તો નહીં જ હોવાનાં ?
બહારગામ જવા રવાના થઇ રહ્યા હોઇએ અને બિલાડી આડી ઉતરે, કે કોઇ “ ક્યાં જાવ છો ?” કહી, ક્યાંકારો કરે, કે કોઇને બરાબર આ ટાણે જ “છીંક” આવી જાય, એટલે એ અપશુકન થયા ગણાય ! હવે ? બહારગામ અને એય પાછું સારા કામે જવાનું હોય એટલે ગયા વિનાએ ચાલે તેમ ન હોય, ત્યારે મનના સમાધાન માટે જેમ સહકારી મંડળી કે ટ્રસ્ટની મીટીંગમાં “કોરમ” પૂરું ન થતાં અરધો કલાક ખમીને જે કાર્યવાહી થાય, તે કાયદેસર ગણાય છે. તેના જેવું “ ઘડીક નીચે બેસી જાઓ, –પછી વાંધો નહીં !” એવું કહી – હેઠા બેસી- પછી પ્રયાણ કરે એટલે અપશુકન ટળી જાય, બોલો !
અમારા ગાંડાકાકા હરિજનને અંદર દૂધ ભરેલું ‘ઠીબડું’ હાથમાં લઇ સવારના પહોરમાં હાલ્યા જતાં જોઇ મેં ટપાર્યા, “ એ ગાંડાકાકા ! આ ઠીબડીમાં દૂધ ભરી ક્યાં હાલ્યા અત્યારમાં ?” તો કહે “ ભૈલા ! મારી માકડી ગાયને ‘ખાપરી’-[મેસ્ટાઇટીસ-આઉ આંચળમાં સોજો આવી,પાક થઇ જાય અને દૂધમાં લોહી-રસીના ધ્રાંગા આવતા હોય તે સ્થિતિ] થઇ છે, તે દૂધ દોહી, રાફડે રેડવા જાઉં છું.” “ અલ્યા ! તમે તો નામ એવા જ ગુણધારી નીકળ્યા કાકા ! કોઇ ઢોર ડૉક્ટરને દેખાડો, નહીં તો ગાયના આંચળ ખોઇ બેસશો.” કહી, મેં સમજાવ્યા, પણ એવું ડાયાકાકાએ કરતા હોય પછી ગાંડાકાનો શો ધોખો ધરવો ?
બિમારીમાં માનતા = અમારા કુટુંબમાં કોઇ સાજુ-માંદું થતું તો અમારા ઘરડા માજી [બાપાના બા] એના વખતમાં-જેવી બિમારી- શંકરદાદાના બે કે ચાર સોમવાર માનતા. આખો દિવસ ભૂખ્યા રહે, અને સાંજે શ્રીફળની શેષ લઇ એકટાણું કરે. પણ એ તો હતા અઢારમી સદીના વૃધ્ધ આત્મા ! એના વખતમાં એટલી ડૉક્ટરી વિદ્યાએ નહોતી વિકસેલી, અને એ વખતની સૌની માનસિકતાયે હોય સાવ જૂદી-એ સમજી શકાય. પણ આ એકવીસમી સદીમાંય હજુ સાજા-માંદા થયે હનુમાનનો લોટ, ખોડિયારની લાપસી, કે મેલડીનો તાવો માની દર્દને વકરવા દેવાનો મોકો આપનારા માત્ર ગામડાંઓમાં જ નહિ, શહેરના સુજ્ઞ ગણાતા સમાજમાં પણ પાર નહીં એટલા મળી આવે છે.
પાણીનું તળ તપાસવા – વાડીમાં કૂવો કે નવો દાર કરાવવા પાણી વાળું તળ નક્કી કરવા ઇલેક્ટ્રોનિક રેજીસ્ટીવીટી મીટરથી જમીનની અંદરના વિદ્યૂત-પ્રવાહોની ગતિ જાણી, પોંઇટ નક્કી કરવાની વૈજ્ઞાનિક રીત હોવાં છતાં કેટલાક હાથમાં ત્રાંબા-લોખંડના સળિયા રાખી પોંઇટ શોધી આપે, તે કંઇકે ગળે ઉતરે એવી વાત છે. પણ મેં એવી પણ પાણીકળી વિભૂતિઓ જોઇ છે કે આપણા ખેતરનો માત્ર સ્થળ-નકશો, કાગળ પર ચિતરી દેવા માત્રથી 25-50 કે ભલેને હોય 150 કિલોમીટર દૂર ! ખેતરના ક્યા ખૂણાના તળમાં પાણી ઘુઘવાટા કરે છે, તેનું પોતાનું લોંઠકું લગવાન લઇને ચિંધાણ કરે અને આપણે એની વાત સાચી માની જઇ, એ જ્ગ્યાએ બોરીંગ મુકાવી પૈસાનું પાણી કરતા ન અચકાઇએ ખરુંને !
વધૂ ઉત્પાદન લેવા = નામ નહીં દઉં. હજુ ગયા શિયાળે જ “અલ્યા એ ટીહલા ! ઘઉં વાવતો વાવતો હું ઓલ્યા શેઢા દિમનો પહોંચું, ત્યારે આ બિયારણના ઢગલામાંથી છાનોમાનો પાલીએક ઘઉં ભરી, મને ખબર ન રહે તેમ ઘેરે તારી દાદીને પહોંચતા કરજે, ને કહેજે કે મારાદાદા ઘઉં વાવતા હતા ત્યાંથી ચોરીને લાવ્યો છું, ઘઉં સારા થાય એ માટે લાપસી રાંધવા !” તમે જ કહો ! ઘઉં તો સારા ત્યારે થાય, જ્યારે વાવણી કરનાર જણનું ધ્યાન બસ ! માપસરનું બીજ હાથમાંથી સરકતું રહે, ક્યાંય મૂઠખાલા ન પડે, દંતાળની ઊંડાઇ વધૂ-ઘટુ ન થાય અને વાવણી ખૂબ વ્યવસ્થિત થાય, એવું કરવામાં જણ એટલો મશગૂલ હોય કે આસપાસ-ચોપાસ શું બની રહ્યું છે એનું તેને ભાન જ ન હોય-એટલેકે કોઇ બિયારણ ચોરી જાય એની એને ખબર જ ન રહે, એટલો તલ્લીન વાવણી કરવામાં હોય –એટલે વાવણી ખૂબ સારી થાય, પછી ઘઉં સારા જ થાય ભલા ! નહીં કે લાપસી બનાવવા પોતે જ ઘઉં ચોરવાની સામેથી વ્યવસ્થા કરી દેવાથી !
બાજરામાં કમાસિયાં [કીટકો] ખૂબ આવ્યાં હોય, અને થૂલી ખાઇ જઇ ડુંડામાં ભારે નુકશાન કરતા હોય, ત્યારે “અમાસ”ના દિવસે જે જનમ્યો હોય તેવો જણ “ અમે આવ્યા અમાસિયા, તમે ભાગો કમાસિયાં” એમ બોલતો બોલતો બાજરાના પ્લોટ ફરતો આંટો મારે એટલે કમાસિયાં જતા રહે ? આવી વાત સાચી મનાય ? તો તો બધા નુકશાન કારક કીટકોના ત્રાસ વખતે જંતુનાશકોના લખલૂટ ખર્ચને બદલે “ અમે વૈશાખી, ભાગો ફળમાખી”, “ અમે થઇ ગયા વિહ્વળ, મોલાતમાંથી ભાગી જાવ બધી ઈયળ”, “ અમે આવ્યા લવર-મૂછિયા, હટી જાઓ જાતે જાતનાચૂસિયાં”! આવા જોડકણાં જ શોધી કાઢત ! પણ આવું કરવાથી કંઇ ભલીવાર ન થાય, તેની આપણને જાણ હોવી જોઇએ મિત્રો !
ચીજ-વસ્તુની ખરીદી વખતે = જાનવર ખરીદવું હોય, જમીન ખરીદવી હોય કે ભલેને ટ્રેકટર ખરીદવું હોય, પણ જોજો ! કળકળતો ખીચડો કે સામી જાળતો નથીને ? અરે ! વિંછૂડો ક્યાંક બરાબર પેટાળ્ય તો નથીને ? હવે તમે જ કહો ! આમાં વિંછૂડો પેટાળ્ય હોય કે પૂંછડે ? એમાં ખેડુતના જમીન, જાનવર કે ટ્રેક્ટરની ખરીદીમાં શું ફેર પડવાનો હોય ? અરે ! એ ટ્રેક્ટર કે ગાય-બળદ કોના હાથે દોરવા, એનો યે પાછો જોષ જોવાનો ? રામજીભાઇ નહીં ,શામજીભાઇના હાથે જ મુહૂર્ત આવે, અને એય પાછું ગમે ત્યારે નહીં ! અમૂક ચોઘડિયે જ કામ શરૂ કરવાનું. બોલો !
જાત અનુભવ= મારે ખેતી સંભાળ્યાને આજ 54 વરહ થવાં આવ્યાં. નથી જોયું કોઇ કામમાં ચોઘડિયું કે નથી માન્યા કોઇ માનતાના લોટ, લાપસી કે તાવા ! જીંદગીમાં ત્રણ કૂવા ગાળવાના થયા છે, જેમાં સંબંધી-મિત્રોનો બસ એવો જ આગ્રહ હતો કે કૂવાનું મુહૂર્ત તો મારા હાથે જ કરવું. પણ ના ! જેને જેને કૂવો ગાળવાનું કામ કરવાનું હતું, તે દાડિયા કે ઉધડિયાના હાથે જ મુહૂર્ત કરાવ્યું છે, અને મને એકેય કૂવામાં કોઇ જાતનો પસ્તાવો કે વાંધો ઊભો થયો નથી. તમે માનશો ? અમારા સંયુક્ત કુટુંબના પાયલોટ થયેલા એક દીકરાના લગ્ન વરસના વચલા દાડે એટલે કે “ધોકા”ના દિવસે કરેલાં. બ્રાહ્મણે અમને નહીં, અમે ભાહ્મણને વગર પંચાંગ જોયે મૂરત આપેલું ! શુકન-અપશુકન કે મુહૂર્ત-ચોઘડિયાં એ ખાલી મનની માન્યતાઓ છે. એની પાછળ કોઇ વ્યાજબી કારણ નથી.
વરસાદ વાવણીજોગ વરસ્યો હોય અને બળદના કપાળે, વાવણિયાને તથા ઓરણી-ડાંડવાંને ચાંદલા કરી, બજારે જે સામા મળે એને મીઠું મોઢું કરાવવા હાથમાં ગૉળની ગાંગડીઓ લઇ નીકળીએ અને કોઇ કુંવારકા પાણીનું બેડું ભરીને સામી મળે તો સારું લાગે- પણ કંઇ અગાઉથી એવી ગોઠવણ થોડી કરી રખાય કે “તું પણે…..ઉભી રહે અને હું જ્યારે વાવણિયો લઇ નીકળું, બરાબર તે સમયે જ તું હેલ ભરી સામી મળજે !” આ શુકન નહીં, નાટક કર્યું કહેવાય !
લેણું- અલેણું – શું વાત કરું તમને ! અમારા પડોશી ભગાને કાળા બળદિયા કે કાબરી ગાય ઉપર લેણું નહીં-બોલો ! કાળા બળદની જોડી કે કાબરી ગાય ભૂલમાંયે જો પળાય કે ખરીદાય ગયા હોય તો બળદિયા કાં મારકણા થાય, નહીંતો નોખું તાણતા થાય, અરે ! કાં ખુંટલ નીકળે –ને નહીંતો દશખોટા તો થાય થાય ને થાય જ ! અને કાબરી ગાય તો કહે છે હતી એકવાર, તે વિંયાવાના સમય પહેલાં અધૂરા મહિને જ તરોઇ ગઇ અને આહ નીકળવા માંડ્યું હતું, તે માકલા ભરવાડને મફત દઇ દેવી પડી હતી. તેમ ભગાનું કહેવાનું છે.
ઢોરને આફરો ચડ્યો હોય, ત્યારે એના ઉપચાર કે ડૉક્ટરી કરવાને બદલે કરશનદાદાને એના જમણા હાથની પહેલી અને છેલ્લી [ટચલી]આંગળી વચ્ચે મીઠાની ગાંગડી પકડાવી, જાનવરના બરડા ઉપર ફેરવાવી, ઢોર સાજું થઇ રહેવા બાબતે સમય બગાડવો કેટલા અંશે વ્યાજબી ગણાય ? ગાય-ભેંશને ખૂટે-પાડે ફાલુ થયા પછી બે કલાક ઊભુ રહે [બેસે નહીં],હરફર કરે તો સારું, તે વ્યાજબી વાત છે. પણ એ ફાલુ થઈ દરવાજામાં દાખલ થયા ભેળું એના કપાળમાં એક દોણકું ફોડવાથી ઉથલો નહીં કરે, તેવા વિજ્ઞાનની શોધ કોણે કરી હતી, ખબર છે કોઇને ?
સાચા-ખોટાનો તાગ આપણે મેળવીએ = એમતો હુતાસણીની અગ્નિ-ઝાળની દિશા, જેઠી બીજનો ઝબકારો, અષાઢી પાંચમની વીજળી, ટીટોડીના માળાનું ઉંચાણ કે નીચાણનું સ્થળ, મકોડાને પાંખો ફૂટવી, કાગડાના માળાની ઝાડવે પસંદ થયેલ દિશા, માલ-ઢોરનું ઝોલે જવું, ચકલાંઓનું ધૂળીસ્નાન, કીડીઓની મોઢામાં ઇંડા અને ખોરાક કણીઓ પકડી થઇ રહેલી ભાગંભાગ, કકણહાર પક્ષી નો બોલી-કકળાટ- આ બધા ચિહ્નો જોવા-તપાસવા અને એના પરથી વરસાદ- વરસના અનુમાન બાંધવા, એતો અનુભવના નિચોડરૂપ ગઢિયાઓનું કોઠાસૂઝનું વિજ્ઞાન છે ભાઇ ! એ કોઇ અંધશ્રધ્ધા નથી. પણ કોઇના મૃત્યુ પછી ગાયના પૂંછડે પાણી રેડવું, કે કુંવારો દીકરો ગુજરી ગયા પછી તેની પાછળ “લીલ” પરણાવવી, કોઇના મૃત્યુ પછી તેને સુરધન કે શિકોતર તરીકે ગોખ-દેરામાં બેસાડવા- એ બધી માન્યતાઓ ઢીલા મન અને ફાજલ સમય વાળા ભલે નભાવ્યા કરે, આપણે આમાંથી બને તેટલા દૂર રહેવું. પણ દુ:ખ તો એ વાતનું છે કે ભણેલ ગણેલ ડોક્ટરો પોતાના દવાખાનાના દરવાજે લીંબુ-મરચાંનું તોરણ ટીંગાડતા હોય ત્યાં આમ જનતાને શું કહેવું કહો !
તથ્ય વાળા નુસ્ખા =કેટલાક નુસ્ખાઓતો બહુ વિચાર પૂર્વક ગોઠવાએલા હોય છે.એની પાછળનો હેતુ ભુલાઇ ગયો છે. દા. ત. રીંગણી-ટમેટી કે વેલા-બકાલામાં વચ્ચે ઊંચું લાકડું ખોડી, કૂતરાની ઝાડી કે દોણકું ટીંગાડાય છે, શુંકામ ખબર છે ? કહે છે કે એવું કરવાથી બકાલાને નજર ન પડે ! પણ હકિકતે ઉંદર જેવા રાની જીવડાં ઉપર એના શિકારી ઘૂવડ અને ચીબરી જેવાની જલ્દી નજર પડી જાય, એ માટેનું એ ઊંચું બેસણું કરેલું હોય છે. જેમ બહેનો ચૂલાને રીપેર કરવા સાતમ પાળતી હોય છે ને ? તેમ અમાસ અને અગિયારશનો “અગતો” રખાતો. કારણકે એ વખતમાં નાનાં-મોટાં તમામ કામો બળદ દ્વારા જ કરવામાં આવતાં, એટલે પંદર-વીસ દિવસે એક દિવસ બળદોને થાક ખાવાનો રખાતો. તે દિવસે તેને ધમારવા, અસો વીણવો, ડીલે હાથિયો, શિંગડે તેલ, વગેરે ખાસ માવજત આપી બળદિયાને તાજા-માજા કરાતા. અરે ! હુતાસણીના તાપમાં મીઠું પકાવી, ઢોરાને દાંતે ઘસતા અને રજકાને વરાળિયો કરી ઢોરાને નીરતા, એ એને તંદુરસ્તી બક્ષનારો કાર્યક્રમ હતો – નહીં કે અંધશ્રધ્ધા અને વહેમનો !
ગોધલા પલોટતી વખતે એકની એક દિશાએ નહીં પણ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશાએ લઇ જવાનો અર્થ તે દશખોટા ન થાય તે હતો. અરે ! વાવણિયો જોડવો હોય, નવા વરસે ખેતીકામની શરૂઆત કરવી હોય, કે લાણી પાડવા જેવા અતિ મહત્વના કામની શરૂઆત કરતી વખતે પહેલાં “શ્રીફળ વધેરવું” એ એક જાતની આ કામમાં સફળતા મળે –એ માટેના ભાવથી પ્રકૃતિને કરેલ પ્રાર્થનાનું પતિક છે. ખેડુતની જ નહીં, તમામની સુખાકારી અને સફળતાનો દાતા ભગવાન છે, અને કર્તવ્ય કરી છૂટવું એ આપણો ધર્મ આપણા વશમાં છે ભલા !
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com