બાળવાર્તાઓ : ૩. : રોટલીની ઉજાણી

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

એક હતો કાગડો. એને ભૂખ લાગી હતી તેથી એ ખાવાનું શોધવા આમતેમ ઊડતો હતો. એક ઘરના રસોડાની બહારની ચોકડીની પાળી પર આવીને બેઠો. જોયું તો રસોડામાં રોટલી બની રહી હતી. કાગડો આનંદમાં આવી ગયો. રોટલી બનાવતાં બહેન જો આઘાંપાછાં થાય તો એ ઝડપથી એકાદ રોટલી ચાંચમાં ભરાવી લાવે. એક રોટલી પર બીજી રોટલી મુકાતી ગઈ અને જોતજોતામાં રોટલીની મોટી થપ્પી બની ગઈ.

એટલામાં ડોરબેલ વાગ્યો. રોટલી બનાવતાં બહેન દરવાજો ખોલવા રસોડામાંથી બહાર ગયાં. કાગડાને જોઈતી તક મળી ગઈ. એ ઠેક લગાવતો રસોડામાં જવા જતો હતો ત્યાં જ છજ્જા પરથી એક વાંદરો કૂદકો લગાવતો નીચે આવ્યો. કાગડો તો ધબાકાથી એવો ડરી ગયો કે રસોડામાં જવાને બદલે ઊડીને છજ્જા પર જઈ બેઠો. એ હાંફતો હતો. એણે જોયું તો વાંદરો એક પળમાં રસોડામાંથી રોટલીની આખી થપ્પી ઉપાડી લાવ્યો. વાંદરો કૂદકો મારી કાગડાથી થોડે દૂર છજ્જા પર બેઠો. વાંદરાની ઝડપ જોઈ કાગડો તો દંગ રહી ગયો.

વાંદરો રોટલીની થપ્પીને સજ્જડ રીતે પકડીને કાગડા સામે આડી આંખે જોતો હતો. કાગડો ચાંચ ઉઘાડબંધ કરવા લાગ્યો. એ ભૂખ્યો તો હતો જ અને સામે જ રોટલી હતી એથી એનાથી રહેવાતું નહોતું. એ ધીરેથી વાંદરાની નજીક સરક્યો. બોલ્યો: “વાંદરાભાઈ, આમાંથી એકાદ રોટલી મને આપોને!” વાંદરો તો કાગડાની વાત સાંભળી જ ન હોય એમ બેસી રહ્યો. કાગડો કરગરવા લાગ્યો: “આવું શું કરો છો, મને ફક્ત એક જ રોટલી આપોને! હું બધા આગળ તમારાં વખાણ કરીશ કે તમે બહુ હોશિયાર છો, બહુ હિંમતવાળા છો…”

વાંદરો તોછડાઈથી બોલ્યો: “જા, જા, અહીંથી… હું કંઈ તારા જેવો ફૂલણજી નથી કે વખાણ સાંભળીને ફુલાઈ જાઉં ને તું મારી પાસેથી રોટલી પડાવી લે.”

કાગડો કહે: “વાંદરાભાઈ, આમાં પડાવી લેવાની વાત ક્યાં છે? હું તો ફક્ત એક રોટલી આપવાની વિનંતી કરું છું. આવડી થપ્પીમાંથી તમે મને એક રોટલી આપશો તો તમને શો ફરક પડશે?”

વાંદરો હવે ગુસ્સે થતાં બોલ્યો: “તું અહીંથી જાય છે કે નહીં? પોતામાં એક રોટલી લઈ આવવાની હિંમત નથી ને બીજાના જોખમે તારે રોટલી ખાવી છે.”

કાગડાને પણ ગુસ્સો આવ્યો. એને થયું, આ ભાઈ એમ માનશે નહીં. એથી એણે જરા ગંભીર થઈને કહ્યું: “વાંદરાભાઈ, મારું કહ્યું માનો ને મને એક રોટલી આપી દો એમાં તમારું ભલું છે.”

વાંદરો તો બધી રોટલી એના હાથમાં આવી ગઈ હતી તેથી જોશમાં હતો. એણે કાગડાને પૂછ્યું: “એટલે તું મને ડરાવે છે?”

કાગડો કહે: “ના રે, હું તો તમને સમજાવું છું કે તમે મને એક જ રોટલી આપો, બાકીની બધી તમે નિરાંતે ખાવ. મારી વાત માનશો નહીં તો પછી પસ્તાશો.”

કાગડાને આ રીતે વાત કરતો જોઈ વાંદરો વધારે ચિઢાયો, “જા, જા, તારાથી થાય તે કરી લે. હું તને રોટલી નહીં આપું તે નહીં જ આપું.”

કાગડો કહે: “સારું, તો હવે તમે જોજો.” આટલું બોલી કાગડો ડોક ઊંચી કરી જોરજોરથી કા..કા… કરવા લાગ્યો. એણે એના ‘કા…કા…કા…’માં એવો તે શો સંદેશ પાઠવ્યો કે જોતજોતામાં ચારે દિશામાંથી ઊડતા ઊડતા કાગડા ત્યાં આવવા લાગ્યા.

વાંદરો હોશિયાર હતો. એ વાત સમજી ગયો, એથી કૂદકો લગાવી ત્યાંથી ભાગવા જતો હતો, પણ એટલી વારમાં તો અનેક કાગડા એની ચારે બાજુ ફરી વળ્યા. એ કાગડાઓના લશ્કર વચ્ચે ઘેરાઈ ગયો. આ બધા કાગડાઓથી બચવું શક્ય નહોતુ. હવે શું કરવું? ત્યાં તો પેલો કાગડો એની પાસે આવ્યો અને રુઆબથી બોલ્યો: “વાંદરાભાઈ, હવે તો આ બધા કાગડાને તમારે રોટલી આપવી પડશે. એવું નહીં કરો તો બધા તમારા પર હુમલો કરી, તમને ચાંચ મારી મારી, તમારી સિકલ બદલી નાખશે.”

કાગડાની વાત પૂરી થાય તે પહેલાં જ બે કાગડાએ રોટલીની થપ્પી પર ચાંચ મારી. કાગડાઓના હુમલાથી વાંદરો ખૂબ ડરી ગયો હતો. એણે બધી રોટલી ત્યાં જ મૂકી દીધી અને ઊભી પૂંછડીએ નાઠો. કાગડાને મજા આવી ગઈ. એ ભાગતા વાંદરાને ઉદ્દેશીને બોલ્યો:

“અરે, અરે, વાંદરાભાઈ , જરા થોભો તો ખરા, હું તમારા જેવો નથી. લો, એક રોટલી તમે પણ લેતા જાઓ!” પણ વાંદરો તો જોતજોતામાં કૂદતો કૂદતો ક્યાંય પહોંચી ગયો હતો. બધા કાગડાઓએ પેટભરીને રોટલીની ઉજાણી કરી અને કા…કા… કરતા ઊડી ગયા.1 comment for “બાળવાર્તાઓ : ૩. : રોટલીની ઉજાણી

  1. January 22, 2019 at 6:47 pm

    સરસ વાર્તા. ઈ-વિદ્યાલય પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપશો તો આભારી થઈશ.
    http://evidyalay.net/archives/104886

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *