સંસ્કૃતિની શોધમાં : ૨ : જર્મનીનું ઐતિહાસિક ટાઉન “લોપોડુનુમ- લાડેનબર્ગ”

Facebooktwitterredditpinterestlinkedinmail

સંસ્કૃતિની શોધમાં - Title photo

પૂર્વી મોદી મલકાણ

image

**લાડેનબર્ગ મેપ**( ફાઇલ ફોટો )

લાડેનબર્ગ પહોંચ્યાં પછી અમારો ઉતારો હોટેલ લિયોનાર્ડમાં હતો. લાડેનબર્ગ…આમ તો આ ટાઉન જર્મનીનું સૌથી જૂનું ગામ છે. જેની સ્થાપના પહેલી સદીમાં થઈ હતી. સૌ પ્રથમ આ ટાઉનનું નામ સેલેસ્ટ કે સેલ્ટિક રાખવામાં આવ્યું હતું, પણ ૯૮ AD માં આ ટાઉન ઉપર રોમનોએ કબ્જો જમાવ્યો, તે પછી આ ટાઉનનું નામ “લોપોડુનુમ” ( Lopodunum ) રાખવામાં આવ્યું. આ સમય દરમ્યાન રોમનોએ આ ટાઉનને કલાનું રૂપ આપતાં અનેક સુંદર ઇમારતો બનાવી. રોમનોનો સમય પૂરો થયાં બાદ લગભગ છેલ્લા ૧૦૦૦ વર્ષમાં આ ટાઉન ૭ થી ૮ વાર તૂટ્યું અને ઊભું થયું. પાછળથી રશિયનોએ આ ટાઉન પર કબ્જો કર્યો ત્યારે તેમણે આ ટાઉનમાં રહેલ રોમન ઇતિહાસ સમા બિલ્ડીંગો અને ઘરોમાં ખૂબ તોડફોડ કરી. ખાસ કરીને ટાઉનને બે ભાગમાં વહેંચતી એક દીવાલ પર રશિયનોએ કેથેડ્રલ ( બેસેલિક ) બનાવ્યું. વારંવાર તૂટ્યા બાદ આ ટાઉનનો છેલ્લો જિર્ણોધ્ધાર ૧૬૨૦ માં થયો.

clip_image002

રોમન અવશેષો

સમયાંતરે રોમનોએ આપેલું આ “લોપોડુનુમ” નામ પણ ખોવાઈ ગયું, અને તેને લોકો “લાડેનબર્ગ” તરીકે ઓળખવાં લાગ્યાં. આ લાડેનબર્ગ નામ જર્મન નાગરિક “એલ્બર્ટ લાડેનબર્ગ” પરથી આવ્યું, જેઓ કેમેસ્ટ્રીનાં ડો. પ્રોફેસર હતાં. ( જન્મ:- ૧૮૪૨ -મૃત્યુ:- ૧૯૧૧=૬૯ વર્ષ ) પ્રો. એલ્બર્ટે ૧૮૯૬ માં કેટલાક પુસ્તકો લખ્યાં. આ પુસ્તકોમાંથી એક પુસ્તક આ ટાઉન પર પણ હતું. આ પુસ્તકમાં તેમણે આ ટાઉનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “આ ટાઉન ઉપર જો પુરાતત્ત્વ વિભાગ જો ધ્યાન આપે તો અહીં રોમન સમયની અનેક નિશાનીઓ મળી આવે.” જર્મન સરકારે આ બાબત ઉપર જ્યારે ધ્યાન દેવાનું ચાલું કર્યું ત્યાં સુધીમાં સમયનો ઇતિહાસ ઘણો બદલાઈ ગયો હતો, એક પછી એક એમ બે વિશ્વયુધ્ધ વચ્ચે જર્મની ફસાઈ ગયું હતું જેથી ઇતિહાસને બાજુમાં મૂકી જર્મની તે સમયનાં વર્તમાનને સંભાળવાંમાં મગ્ન થઈ ગયું. ( આ વિશ્વયુધ્ધ દરમ્યાન એક મુખ્ય વાત એ બની હતી કે આ સમય દરમ્યાન જર્મન સરકારે આ ઐતિહાસિક ટાઉન ઉપરથી આર્મી વિમાનો (પ્લેન) ઉડાડવાંની મંજૂરી આપી ન હતી. ) પણ આ સમય દરમ્યાન જર્મન સૈનિકોની એક ટુકડી આવેલી. જેમણે ટાઉન બહાર રહેલાં ખેતરોમાં ડેરા જમાવેલાં. આ સમય દરમ્યાન તેમણે ટેન્ટ બાંધવા માટે ખોદકામ કરેલું તે સમયે તેમનાં હાથમાં વિવિધ યુગની અનેક વસ્તુઓ હાથમાં આવેલી. આ વસ્તુઓ તેમણે ટાઉનનાં એક જર્મનનાં ઘરમાં રાખેલી. પાછળથી તે જર્મન નાગરિકે આ બધી વસ્તુઓનું મ્યુઝિયમ બનાવ્યું. આજે આ હોમ મ્યુઝિયમ વીકમાં બુધવાર અને શનિવાર એમ બે દિવસ માટે ખૂલે છે. રહી વાત રોમન યુગનાં અન્ય અવશેષો માટેની તો ૧૯૫૨માં એટ્લે કે પ્રો લાડેનબર્ગનાં મૃત્યુનાં ૪૧ વર્ષ પછી જર્મન સરકારે અમેરિકન પુરાતત્ત્વવાદીઓની મદદથી રોમન સમયનાં અવશેષો શોધી કાઢવાનું કામ ચાલું કર્યુ જે ૧૯૫૮ સુધી ચાલ્યું. આ કાર્યમાં જર્મન સરકારને લોકલ લોકોનો પણ મોટો સહકાર મળ્યો. ( જો’કે આજે પણ ખોદકામ દરમ્યાન વિધ સમયનાં સિક્કાઓ, પોટરી, વાસણો, ઈંટ, જ્વેલરી, રત્નો, શિલ્પ વગેરે મળતાં રહે છે, તેથી આ અવશેષો શોધવાનું કાર્ય અટક્યું નથી. અમેરિકન સર્વે પ્રમાણે અહીં મળતી વસ્તુઓમાં પ્રાચીન જર્મન અને રશિયન વસ્તુઓ પણ છે.) જર્મન પુરાતત્વવિદ્ ડો. બેર્ન્ડમાર્ક હ્યુકેમેસનાં મતે હજુ બીજા બે હજાર વર્ષનું કામ પણ અત્યારે કરવામાં આવે તો પણ આ ટાઉનનો પ્રાચીનત્તમ ખજાનો પૂરો થાય તેમ નથી, કારણ કે આ ભૂમિ પોતાનાં પેટાળમાં અનેક સંસ્કૃતિને લઈને બેઠી છે.

clip_image004clip_image006

ટાઉન વ્યૂ અને કોબલર સ્ટોનવાળા રસ્તાઓ

આજે આ ટાઉનનો વ્યૂ ઘણો જ અલગ છે. ટાઉનનાં રસ્તાઓનું નામ રોમન સમ્રાટોનાં નામ ( ડોમીટીયન, ટ્રાજન અને વેલેન્ટિનિયન ) પરથી અપાયેલું છે. ટાઉનમાં જૂના સમયની યાદ સતત રહે તે માટે ટાઉનની સ્ટ્રીટ્સ અને રસ્તાઓ કોબલર સ્ટોનમાંથી બનાવવામાં આવેલ છે; જે આપણને વોલ્ટ ડિઝનીની એનિમેશન બ્યુટી એન્ડ ધ બિસ્ટ, સ્નોવ્હાઇટ જેવી ફેરીટેઇલ મુવીની યાદ અપાવી દે છે. કેવળ ગલીઓ અને રસ્તા જ નહીં પણ આ ટાઉનને બે નદીઓને વચ્ચે વહેંચાતું જોવાનો આનંદ અદ્ભુત છે; રોજ સાંજે નદીનાં પાણીમાં સંધ્યા સ્નાન માટે ઊતરતો સૂર્ય અગ્નિદેવ સમાન સોહી ઊઠે છે. આ ટાઉનનો જૂનો હિસ્સો રાઈન નદીને કિનારે અને નવો હિસ્સો નેકર નદીને કિનારે વસેલ છે. આ ટાઉનની ઉત્તરપશ્ચિમમાં હાઈડલબર્ગ અને પૂર્વમાં મેન્નહૈમની નામનાં ટાઉન આવેલા છે. ઓલ્ડ ટાઉનની મધ્યમાં આવેલ આ કેથેડ્રલ જોવા જઈએ ત્યારે કેથેડ્રલ પરિસરની પાછળનાં ભાગમાં મૂળ દીવાલનાં અવશેષોની સાથે ખાસ મુદ્રાઓ અને સંજ્ઞાઓ તરફ નજર ન જાય તેવું બનતું નથી.

clip_image008clip_image010

દીવાલમાં ચણાયેલી ૧૦૦૦ વર્ષ જૂની રોમન મુદ્રિકા

આ કેથેડ્રલ સિવાય પણ અનેક રોમનો અવશેષો ઉપર નવા બિલ્ડીંગો જોવા મળે છે તેથી ઇતિહાસનાં અભ્યાસુઓ વારંવાર અહીં અભ્યાસ અર્થે આવતાં રહે છે. તેમ છતાં યે આ ટાઉનને મુખ્ય ઓળખ મળી “કાર્લ ફેડરીક” નામનાં વિજ્ઞાનીથી. કાર્લ ફેડરીકને ઓળખવા હોય તો આપણે મોટરકારનાં ઇતિહાસ તરફ જવું પડે. ધનિકોની રાણી ગણાતી “મર્સીડીઝ બેન્ઝ કાર” ના ફાઉન્ડર અને વિજ્ઞાની “કાર્લ ફ્રેડરીક બેન્ઝ”નો અહીં જન્મ થયો હતો. ( જન્મ:- ૨૫ મી નવેમ્બર ૧૮૪૪ -મૃત્યુ :- એપ્રિલ ૪ ૧૯૨૯ = ૮૫ વર્ષ ) આજે પણ આ ટાઉનમાં કાર્લ બેન્ઝનું મ્યુઝિયમ કમ ઘર અને ગેરેજ અહીં જ છે. કાર્લ બેન્ઝની યાદમાં દર વર્ષે અહીં સપ્ટે થી નવે સુધીનાં વીકએન્ડમાં ઓટોમોબાઇલ્સ ફેસ્ટિવલ યોજાય છે ત્યારે વિશ્વભરની વિવિધ કાર અને ઓટોમોબાઇલ્સનું પ્રદર્શન અને હરીફાઈ યોજાય છે. અગર ફેસ્ટિવલ અને ઉત્સવોની વાત કરવાની હોય તો સપ્ટેમ્બર મહિનાનાં બીજા વીકમાં રાઈન નદીને કિનારે “ઓલ્ડ ટાઉન ફેસ્ટિવલ” ઉજવવામાં આવે છે ત્યારે ડ્રેગન બોટ રેસ યોજવામાં આવે છે. આ ઉત્સવ દરમ્યાન અનેક આકર્ષણો સાથે જે ચાર ચાંદ લગાવે છે તે ક્લાસિકલ જર્મન મ્યુઝિક બેન્ડ અને ઓરકેસ્ટ્રા છે. આ દિવસ એવો છે જ્યારે બાળકો સહિત પૂરા ટાઉનમાં ઉત્સાહમાં આવી જાય છે.

clip_image012

લાડેનબર્ગની એક સ્ટ્રીટ

આવવા-જવાનાં દિવસો ગણીને અમારે માટે અહીં કેવળ ત્રણ દિવસ હતાં, જે મારે માટે પૂરતાં હતાં. અમે જ્યારે હોટેલ પર પહોંચ્યાં ત્યારે સાંજ પડવા આવેલી. તેથી તે દિવસ અમે હોટેલ પર જ રહેવાનું નક્કી કર્યું. બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ લેવા ગયાં, ત્યારે જોયું કે અહીં અનેક જાતની બ્રેડ હતી. આ ઉપરાંત વેજ નાસ્તામાં મુસળી, સિરિયલ, ફ્રૂટ્સ, હર્બ બટર અને પ્લેઇન બટર, પેનકેક, વોફલ્સ, ફ્રૂટ્સ અને એન્જલ કેક, સ્ટર ફ્રાઈડ પોટેટો, હતાં અને નોનવેજમાં બોઈલ્ડ એગ્સ, એગ આમલેટ, હેમ, બેકન, ચિકન પેટી, પોર્ક ચિપ્સ હતી અને ડ્રિંકમાં ઓરેન્જ, એપ્પલ જ્યુસ, પ્લેઇન યોગર્ટ અને ફ્રૂટ યોગર્ટ, ગરમ અને ઠંડુ દૂધ, બ્લેક કોફી, આઈસ કોફી, કોલ્ડ કોફી, એક્સપ્રેસો અને કપૂચીનો કોફી હતી. આ ઉપરાંત કોમ્બુચા અને ગ્રીન ટી પણ ખરા. મારે માટે અહીં ઘણો જ વેજ વેરાયટી હતી. પણ મારે માટે સૌથી વધુ આકર્ષણ બની પેપરનીકલ બ્લેક બ્રેડ, સાવર ડોહ બ્રેડ અને કોમ્બુચા. કોમ્બુચા…ને સરળ ભાષામાં આથેલી ગ્રીન ટી તરીકે ઓળખી શકાય. આપણે ત્યાં જેમ બ્રેડ, નાન વગેરેમાં ઉપરનાં બેક્ટેરિયાની જરૂર પડે છે તેજ રીતે કોમ્બુચામાં પણ યીસ્ટનો ઉપયોગનો ઉપયોગ કરવામાં આવે છે. આ યીસ્ટ નાખેલી ગ્રીન -ટી ને જારમાં ૭ થી ૧૦ દિવસ રાખવામાં આવે છે, ત્યાર પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે શાંતિથી નાસ્તો પૂરો કર્યા પછી અમે અમારી રૂમ ઉપર ગયાં.

અમારી રૂમ પર પાછા ફર્યા પછી થોડીવારમાં મી.મલકાણ ઓફિસે જવા નીકળી ગયાં. તેમના ગયાં બાદ હું પણ કેમેરો લઈ ટાઉન જોવા નીકળી પડી. અમારી હોટેલ લિયોનાર્ડોથી બહાર નીકળતાં ૧૦ મિનિટનાં અંતરે રાઈન નદી વહેતી હતી.

clip_image014

હોટેલ પાસેથી વહેતી રાઈન

હોટેલથી નદી સુધીનાં રસ્તાની બંને બાજુએથી ઓક, પાઇન અને બ્રાઉન મેપલનાં ટ્રી હવામાં જે રીતે વાતો કરી રહ્યાં હતાં તે જોઈને મન અત્યંત પ્રસન્ન થઈ ગયું. પણ અહીં જોયું કે મારી જેમ વોકિંગ કરનારા લોકો ઘણાં ઓછા હતાં, લાડેનબર્ગમાં સ્ત્રીઓ અને બાળકોનું કોઈ ફેવરિટ વાહન હોય તો તે હતું સાઇકલ. સાઇકલની બાબતમાં નાના-મોટા બધાં જ અહીં સરખા હતાં. સાઇકલની આગળ અને પાછળની બાજુ નાની ટોકરી (બાસ્કેટ) અને નાની લાઇટ લગાવેલી હોય, સાઇકલ સવારે હેલ્મેટ પહેરી રાખેલી હોય અને હેન્ડલ ઉપર બેલ રાખેલી હોય. દરેક ટ્રાફિક લાઇટ ઉપર સાઇકલ સવાર ઊભો રહે જો ટ્રાફિક હોય તો લાલ લાઇટનું સિગ્નલ પાળે અન્યથા લાલ લાઇટને એ ક્રોસ કરીને જતો રહે. ટાઉનમાં ફરતાં બીજી એ વાત માર્ક કરી કે મોટેભાગે સ્ત્રીઓ સવારે જોવામાં આવતી અને સાંજે બાળકો જોવામાં આવતાં.


© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ || purvimalkan@yahoo.com

6 comments for “સંસ્કૃતિની શોધમાં : ૨ : જર્મનીનું ઐતિહાસિક ટાઉન “લોપોડુનુમ- લાડેનબર્ગ”

 1. Neetin Vyas
  January 22, 2019 at 7:01 am

  Your colorful travelogue encourages readers like me to visit this German town.!

  • purvi
   January 22, 2019 at 7:20 pm

   નીતિનભાઇ જર્મનીના મોટા શહેરો વિષે હંમેશા જાણવા મળી જાય છે, પણ આવા નાના નાના ટાઉન વિષે જાણવા મળતું નથી. તેમાં યે આ ટાઉનની યાદો તો બહુ જ ખાસ રહી. આશા છે કે આગળ આપને આ ટાઉનમાં ફરવું ચોક્કસ ગમશે.

 2. Bharti
  January 22, 2019 at 6:03 pm

  પ્રવાસમાં ફરવાની મજા આવી. સામાન્ય રીતે બર્લિન વિષે વધુ વાંચવા મળે છે ત્યાં આ શહેરનો માહિતીયુક્ત પ્રવાસ નવો રહ્યો. ફોટાઓ જોવાની મજા પડી ગઈ.

 3. Meena Parikh
  January 22, 2019 at 7:26 pm

  Thanks for the mail. I liked the pics n the report .it was very interesting. we

 4. January 23, 2019 at 3:50 am

  ઘણા સમય પછી તમારો લેખ અને તમને મળવાનો મોકો મળ્યો. સરસ રીતે વર્ણન કર્યું છે તમે. વગર વીઝીટે મજા આવી ગઈ! જેમ વાર્તામાં આકર્ષક અંત આવે એમ, મી. મલકાનાને ઓફિસે જવાનો સમય……! એ વાંચી સમજ મળી કે આ ભુમિની મુસાફરીની પાછળ બે કારણ હતા!
  ચાલો આ લેખે મળવાનું થયું! વેબગુર્જરીના તમો ભુમીયા હોઈ, મારી છ લખુકથાઓ પણ ત્યાં વાંચવા મળશે. કુશળ હશો!-‘ચમન’

 5. Navnit shah
  January 24, 2019 at 12:46 pm

  Very informative, historical information is very interesting. Good narration of the city and its ancient past.
  Congratulations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *